બધિરોનો અવાજ એટલે ‘સ્મૃતિ’

ઘરમાં રહેતા બધિર ભાઈ બહેનના વિચારો અને લાગણીઓને સમજવા માટે સ્મૃતિએ દુનિયાભરના બધા જ બધિર લોકોને પોતાના ભાઈ બહેન બનાવ્યા!!!

0

આપણા દેશ ભારતમાં શ્રવણ-દોષથી પીડાતા લોકોની સંખ્યા લાખોમાં છે. આંકડાકીય માહિતી અનુસાર જાણવા મળે છે કે અન્ય દેશોની તુલાનામાં ભારતમાં શ્રવણ-દોષથી પીડિત એટલે કે બધિરોની સંખ્યા સૌથી વધારે છે, એટલું જ નહીં એક અંદાજ પ્રમાણે દુનિયાભરમાં બધિરોના સમુદાયમાં દર પાંચમી વ્યક્તિ ભારતીય છે, અટલે કે દુનિયાના વીસ ટકા બધિર ભારતમાં છે.

બધિરો ભલે સાંભળી નથી શકતા પરંતુ સામાન્ય વ્યક્તિની જેમ કામ કરવા તેઓ સક્ષમ હોય છે. એ દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે ભારતમાં આજે પણ યોગ્ય શિક્ષણ અને જાગૃતતાના અભાવના કારણે બધિર વ્યક્તિઓને ભેદભાવની નજરે જોવામાં આવે છે. આવા ભેદભાવના કારણે જ તેમની અંદર રહેલી પ્રતિભા, ઉત્સાહ અને ઊર્જા તેમની અંદર જ દબાયેલી રહી જાય છે. જેનો સાચી દિશામાં ઉપયોગ થઇ શકતો નથી. આજ કારણે દેશમાં શ્રવણ-દોષથી પીડિત લોકો ખુલીને સામે નથી આવતા અને પોતોનું જીવન પણ ખુલીને જીવી નથી શકતા. આવા લોકોના જીવનમાં ઉમંગ અને ખુશીઓ લાવવા માટે એક સંસ્થા ઉત્કૃસ્ટ ભૂમિકા ભજવી રહી છે. જેનું નામ છે ‘અતુલ્યકલા’.

આ સંસ્થાની સ્થાપના સ્મૃતિ નાગપાલ નામની એક યુવતીએ કરી છે. ‘અતુલ્યકલા’ની સ્થાપના સાથે જોડાયેલી વાર્તા ખૂબ જ હૃદયસ્પર્શી અને પ્રેરણા આપનારી છે.

સ્મૃતિએ મોટા ભાઇ બહેનની લાગણીઓ સમજી અને શરૂ થઇ ‘અતુલ્યકલા’ની સફર

સ્મૃતિના મોટા બંને ભાઈ બહેન શ્રવણ-દોષથી પીડિત હતા. આ બંને સ્મૃતિ કરતા 10 વર્ષ મોટા હતા. મોટા ભાઈ બહેનની ભાષા અને વિચારોને સમજવા માટે સ્મૃતિને સાઇન લેન્ગવેજ શીખવી પડી. પોતાના ભાઈ બહેનની લાગણીઓને વધુ સારી રીતે સમજી શકે તે માટે સ્મૃતિએ આ ભાષા ખૂબ જ ઝડપથી શીખી લીધી. સાઇન લેન્ગવેજ શીખ્યા બાદ સ્મૃતિ તેના માતા– પિતા અને બધિર ભાઈ બહેન વચ્ચે કોમ્યુનિકેશન માટેની એક કડી બની ગઇ.

પોતાના બધિર ભાઈ – બહેનની મુશ્કેલીઓનો ઉકેલ લાવતા લાવતા હવે સ્મૃતિ બધિરની ભાવનાઓ, જરૂરિયાતો અને તકલીફો ખૂબ જ સારી રીતે સમજવા લાગી હતી. અને આ જ સમય દરમિયાન તેના મનમાં તમામ બધિર સમુદાયની સેવા કરવાની ઇચ્છા જાગૃત થઇ.

16વર્ષની ઉમરે સ્મૃતિએ બધિરોના નામે જીવન સમર્પિત કર્યુ

બધિરો માટે કંઇક કરવાની ઇચ્છા એટલી પ્રબળ હતી કે માત્ર 16 વર્ષની નાની ઉંમરે સ્મૃતિ રાષ્ટ્રિય બધિર સંઘમાં સ્વયંસેવિકા બની ગઇ. તેણે પોતાનો સમય બધિરોની સેવામાં પસાર કરવાનો શરૂ કરી દીધો. બધિરોનો આનંદ જોઈ તેનો ઉત્સાહ દિવસેને દિવસે બમણો થતો ગયો. તે પૂરેપૂરી રીતે પોતાની જિંદગી બધિરોના નામે સમર્પિત કરવા લાગી હતી. સેવાના આ માર્ગ પર ચાલતા ચાલતા તેણે પોતાનું ભણતર પણ ચાલુ રાખ્યુ હતું અને તેણે ‘બેચલર ઇન બિઝનેસ મેનેજમેન્ટ’ કોર્સમાં એડમિશન લીધુ.

આ દરમિયાન તેને એક ટીવી ચેનલમાંથી નોકરીની ઓફર મળી. એ ટીવી ચેનલવાળા બધિરોના એક ન્યૂઝ બુલેટિન માટે સાઇન લેન્ગવેજની જાણકાર વ્યક્તિને શોધી રહ્યાં હતા અને તેમની શોધ સ્મૃતિ પર આવીને પૂરી થઇ. સ્મૃતિએ ભણતરની સાથે સાથે દૂરદર્શનમાં બધિરો માટેના ન્યૂઝ બુલેટિન માટે કામ કરવાની શરૂઆત કરી દીધી. આ સમય દરમિયાન પણ સ્મૃતિને બધિરો અંગે ઘણું નવું શીખવા અને જાણવા મળ્યું. સ્મૃતિ હવે જાણવા લાગી હતી કે બધિરોએ કેવી કેવી કસોટીઓનો સામનો કરવો પડે છે. તેમની જરૂરિયાતો શું છે, તેઓ શું મેળવી શકે છે. અને ત્યારે જ સ્મૃતિએ નક્કી કરી લીધું કે તે કોઇ પણ સંજોગોમાં બધિરોને આત્મનિર્ભર બનાવવા માટે તેમની અંદર છુપાયેલી પ્રતિભા અને કલાને બહાર લાવવાનો પ્રયાસ કરશે.

બધિર કલાકાર સાથેની મુલાકાતે નવી દિશા બતાવી

ગ્રેજ્યુએશનનું ભણતર પૂરું કર્યા બાદ એક દિવસ સ્મૃતિની મુલાકાત એક બધિર કલાકાર સાથે થઇ. એ વ્યક્તિ કલાકાર હોવા છતાં પણ તેમને પોતાની કલા લોકો સામે રજૂ કરવાનો આજ સુધી મોકો નહોતો મળ્યો. આ બાબત જાણીને સ્મૃતિને ઘણું દુઃખ થયું. તેજ ઘડીએ સ્મૃતિને આવા બધિર કલાકારો માટે કંઇક નવું કરવાની ઇચ્છા જાગૃત થઇ. કોઈ પણ બધિર કલાકાર તેમની કલાને દુનિયા સમક્ષ રજૂ કરી શકે તે માટે સ્મૃતિએ તેના મિત્ર હર્ષિત સાથે મળીને બધિરોના વિકાસ અને ઉન્નતિ માટે એક નવી સંસ્થા ‘અતુલ્યકલા’નું નિર્માણ કર્યું. આ સંસ્થાએ તેના નામ પ્રમાણે અનેક બધિરોની અંદર છુપાયેલી કલાને ઓળખી તેને દુનિયા સામે રજૂ કરી. બધિરોની કલાનો સદુપયોગ કરીને તેઓને આત્મનિર્ભર અને સ્વાવલંબી બનાવવામાં આવ્યા.

આ સંસ્થાને શરૂ શયાને વધારે સમય નથી થયો છતાં પણ આ સંસ્થા દ્વારા અનેક બધિરોને પોતાની નવી ઓળખ દુનિયા સામે રજૂ કરવાનો એક સોનેરી તક મળી છે. સ્મૃતિ અને હર્ષિત એ ખૂબ જ સારી રીતે જાણી ચૂક્યા હતા કે બધિર કલાકારોને સમાજમાં પોતાની કલા રજૂ કરવાનો મોકો મળતો નથી, તેમને પ્રોત્સાહિત કરવામાં આવતા નથી. આ બાબતોને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા બધિર કલાકારોને પોતાની કલા, પોતાની પ્રતિભા રજૂ કરવા માટે એક મંચ પૂરું પાડવામાં આવ્યું. કેટલાંયે બધિરોને શિક્ષિત કર્યા, સમાજમાં બધિરો અંગેની જાગૃતતા લાવવામાં આવી. આજે આ સંસ્થા દ્વારા અનેક બધિર કલાકારો પોતાની કલાકૃતિઓ તૈયાર કરે છે. તેમના દ્વારા તૈયાર થયેલી વિવિધ પ્રકારની વસ્તુઓનું ઓનલાઇન વેચાણ પણ થાય છે. જેના દ્વારા જે પણ કમાણી થાય છે તે બધિર કલાકારોના ખાતામાં સીધે સીધે જમા થઇ જાય છે. 

લક્ષ્ય હજી બાકી છે!!!

સ્મૃતિ અને હર્ષિત હવે ગર્વ સાથે કહે છે કે સમાજમાં બધિરો અને સામાન્ય વ્યક્તિઓ વચ્ચેનું અંતર ઓછું થયું છે. પરંતુ હજી પણ લક્ષ પર પહોંચવાનું બાકી છે. આ સમયગાળા દરમિયાન સ્મૃતિને આ દિશામાં અન્ય એક સફળતા હાંસલ થઇ. ભારત સરકારે ગણતંત્ર દિવસ પરેડના દૂરદર્શન પ્રસારણ દરમિયાન બધિરો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી. સરકારે સ્મૃતિના માધ્યમથી બધિરો પાસે સાઇન લેન્ગવેજ દ્વારા ગણતંત્ર દિવસ પર પરેડનો કાર્યક્રમ રજૂ કરાવ્યો.

હાલમાં સ્મૃતિ અને હર્ષિત દેશના કેટલાક મોટા કલાકારો પાસે બધિરો માટે ગીતો લખાવી રહ્યાં છે. આ ગીતોને સાઇન લેન્ગવેજમાં પણ રજૂ કરવામાં આવશે. તેઓનું કહેવું છે કે બધિરો માટે આ તો બસ અક શરૂઆત કરવામાં આવી છે હજી આ દિશામાં ઘણું બધું કામ બાકી છે. અમારું લક્ષ છે કે અમે વધારેમાં વધારે બધિર લોકો પાસે પહોંચી શકીએ અને તેમની અંદર છુપાયેલી કલાને લોકો સમક્ષ રજૂ કરી તેમને મદદરૂપ થઈએ.