ફક્ત 13 વર્ષનો ‘અમન’ પોતાની જ ઉંમરના બાળકોના જીવનમાં ‘શિક્ષણ’થી લાવી રહ્યો છે પરિવર્તન!

0

જ્યારે આપણે કોઇ 13 વર્ષના બાળક વિશે વાત કરીએ કે વિચારીએ તો એક એવી છબી નજરે ચઢે જે હંમેશાં તેની મસ્તીમાં જ મસ્ત હોય. શાળામાં કોઇ પણ પીરિયડ પતે અને શાળા છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતો હોય. જોતાં તો અમન પણ આવો જ એક સામાન્ય વિદ્યાર્થી લાગે પણ જ્યારે તેને નજીકથી જાણવામાં આવે ત્યારે ખબર પડે કે તે તેની ઉંમરના બાકીના વિદ્યાર્થીઓ કરતા કેટલો અલગ છે. અમન BMCની શિષ્યવૃત્તિની પરીક્ષામાં પણ ખૂબ સારા પરિણામે પાસ થયો. એટલું જ નહીં, પણ મહારાષ્ટ્રમાં સૌથી શ્રેષ્ઠ માર્ક્સ મેળવવામાં પણ ટોપ 10માં આવ્યો. અમન દરરોજ તેની શાળામાં લર્નિંગ સર્કલનું આયોજન કરે છે જેમાં કોઇ કારણોસર શિક્ષણથી વંચિત રહેનાર વિદ્યાર્થીઓને ભણાવવામાં આપવામાં આવે છે.

‘લર્નિંગ સર્કલ’નો શુભારંભ

અમનના સ્કૂલટીચર મોહિની પાંડે ‘ટીચ ફોર ઇન્ડિયા’ના પૂર્વવિદ્યાર્થી છે અને તેમણે એપ્રિલ 2015માં પોતાની ફેલોશિપ પૂર્ણ કરી છે. તેમણે બોરીવલીના એક્સાર તળાવ મ્યુનિસિપલ સ્કૂલમાં અમન અને તેના જેવા અન્ય વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ સ્વીક્કાર્યું હતું. તેમના કહેવા મુજબ “મેં એવા પ્રોગ્રામ કરવાનું વિચાર્યું જેમાં લોકો પોતાના સમાજ વિશે વધુને વધુ જાણે અને તેમાંથી શીખવાનો પ્રયાસ કરે. હું લોકોને સમજાવવા માંગતી હતી કે જો આપણે બધા સાથે મળીને કોઇ કામ કરીએ તો આ વિશ્વને ખરા અર્થમાં રહેવા માટેનું શ્રેષ્ઠ સ્થળ બનાવી શકીશું. અને પરિવર્તન માટે કોઈ બીજાની રાહ નહીં જોવી પડે.”

‘એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રીપોર્ટ’ના વર્ષ 2014ના રીપોર્ટ મુજબ સ્કૂલ જતા 6થી 14 વર્ષના બાળકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો પણ સાથે જ ખાનગી શાળાઓના શિક્ષણ અને સરકારી શાળાઓના શિક્ષણમાં ઘણું અંતર જોવા મળી રહ્યું હતું જેની અમન અને તેના કેટલાક મિત્રોએ પણ નોંધ લીધી અને ત્યારથી જ તેમણે નક્કી કર્યું કે તેઓ પોતાને અને પોતાના મિત્રોને વધુ સારું શિક્ષણ મળે તેવા પ્રયત્નો કરશે. આ વિષય પર અમન અને મોહિનીની ચર્ચા પણ થઇ અને ત્યારથી તેમણે ‘લર્નિંગ સર્કલ’નો પ્રારંભ કર્યો.

અમન કહે છે, “મોહિનીદીદીએ અમને પડકારોનો બહાદુરીથી સામનો કરતાં શીખવ્યું. અને આ સમગ્ર ઘટનાને એક પડકાર સમજીને અમે કામ કરવાનુ શરૂ કર્યું.”

કેવી રીતે થાય છે લર્નિંગ સર્કલનું કામ?

મોહિની આ સ્કૂલમાં એક માર્ગદર્શક તરીકે કાર્યરત છે. લર્નિંગ સર્કલને 2 વર્ષ થઇ ગયા છે એટલે બધા વચ્ચે ઘણો સારો તાલમેલ છે. લર્નિંગ સર્કલમાં જોડાનાર બધા જ વિદ્યાર્થીઓમાં ફેરફાર જોવા મળ્યો. તેમના પરિણામ પણ સુધરવા લાગ્યા અને તેટલુ જ નહીં તેમના વર્તનમાં પણ મોટાપાયે સુધારો જોવા મળ્યો. તેમના પ્રોગ્રામનું આટલું સારું પરિણામ મોહિનીના મિલનસાર સ્વભાવ અને યોગ્ય સમજણને કારણે આવ્યું છે. હવે તેઓ સ્કૂલની બહાર પણ તેમની કામગીરી વિસ્તારી રહ્યાં છે જ્યાં તેઓ એવા બાળકો પર ધ્યાન આપી રહ્યા છે જેઓ સારી શાળામાં જવા માટે સક્ષમ નથી.

લર્નિંગ સર્કલ દરરોજ સ્કૂલ પુરી થયા બાદ સ્ટુડન્ટ લીડરના ઘરે યોજવામાં આવે છે જેનો સમયગાળો દોઢ કલાકનો હોય છે. અને જો કોઇ કારણોસર સ્ટુડન્ટ લીડર ન હોય તો પણ તેમનું કામ અટકતું નથી.

કામ કરવાની પદ્ધતિ અંગે જણાવતા અમન છે કે, “અમે સૌપ્રથમ તો વિદ્યાથીઓનું મૂલ્યાંકન કરી નાના નાના સમૂહો બનાવીએ છીએ. દરેક ક્લાસ બાદ શીખેલ પાઠના અભ્યાસ માટે વર્કશીટ આપવામાં આવે છે. ત્યારબાદ બધા જ સ્ટુડન્ટ લીડર્સ એકસાથે મળીને ટેસ્ટ પેપર્સ તૈયાર કરે છે. દરેક બાળક પોતાની ક્ષમતાથી વધુ સારું પ્રદર્શન કરી મોહિનીદીદીના ધ્યેયને પામવાનો પ્રયાસ કરે છે.”

મોહની પાંડે આ બાળકોને પ્રેરિત તો કરે જ છે પણ મોહિની આ સફળતા માટે બીજા કેટલાક પરિબળોને પણ કારણભૂત માને છે. આ વિશે વધુ વાત કરતા મોહિની જણાવે છે કે, “આ સમસ્ત પ્રક્રિયા દરમિયાન મેં બધા જ વિદ્યાર્થીઓમાં જોખમ લેવાનો એક અનોખો જુસ્સો પેદા કરી દીધો. અને આ કારણે બધા જ વિદ્યાર્થીઓ એકબીજા સાથે વિવેકી વર્તન કરી એકબીજાની મદદ પણ કરવા લાગ્યા છે. અને આ બધા કારણોસર તેઓ જેમ જેમ મોટા થશે તેમ તેમ તેમની આ સમજ શિક્ષણજીવનમાં ઘણી કામમાં આવશે. અમનને જોતાં અને તેનું નિરીક્ષણ કરતાં લાગે કે તે હવે પરિપક્વ થઇ ગયો છે અને હવે તે પરિસ્થિતિને જાણી, સમજી યોગ્ય પ્રતિક્રિયા આપવા સક્ષમ બન્યો છે.”

અમનનું સપનું

અમન પોતાના સપના અંગે વાત કરતા જણાવે છે, “લર્નિંગ સર્કલના કારણે મારો અને બધા જ વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ ખૂબ જ વધી ગયો છે. એટલું જ નહીં, ભવિષ્યમાં રાજકારણમાં જોડાઇને દેશના વડાપ્રધાન બનવાનું મારું સપનું છે. અને જો કોઇ કારણસર હું તે નહીં કરી શકું તો પણ રાજનીતિનો ભાગ બની દેશને સુધારા તરફ આગળ વધારીશ.”

Khushbu is the Deputy Editor at YourStory Gujarati. You can reach her at khushbu@yourstory.com

Related Stories