અન્યોની જિંદગી પ્રકાશિત કરવા ગામેગામ ફરી રહી છે વારાણસીની નૌશાબા!

0

મુસ્લિમ મહિલાઓ માટે તે કોઈ ઉદાહરણથી ઓછી ન આંકી શકાય. તેમણે પોતાની જિંદગી સુધારવા ઉપરાંત અન્ય મહિલાઓને પણ સશક્ત બનાવવાનું કામ કર્યું. મુસ્લિમ યુવતીઓ અને મહિલાઓને શિક્ષણ સાથે જોડવાનું અને તેમને પગભર કરવાની જવાબદારી તેઓ ખૂબ જ સારી રીતે ઉપાડી રહ્યા છે. નૌશાબાએ જાતે અભ્યાસ કર્યો અને બીજાને પણ પોતાની સાથે જોડ્યા.

વારાણસીમાં રહેનારી નૌશાબાએ લાઈબ્રેરી સાયન્સમાં માસ્ટર્સ કર્યું છે. અભ્યાસ દરમિયાન તેમણે અનુભવ્યું કે જ્યાં એક તરફ તેમના પરિવાર દ્વારા શિક્ષણને મહત્વ આપવામાં આવતું હતું ત્યાં બીજી મુસ્લિમ પરિવારો શિક્ષણને ખાસ મહત્વ આપતા નહોતા. તેના કારણે આ લોકો સમાજમાં અન્યની સરખામણીએ પાછળ રહેતા હતા. અભ્યાસ પૂરો કર્યા બાદ નૌશાબા એક સ્કૂલમાં અભ્યાસ કરાવવા લાગી. આ દરમિયાન નૌશાબા એક સમાજસેવી સંસ્થાના સંપર્કમાં આવી જે વારાણસીના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં શિક્ષણ આપવાનું કામ કરતી હતી. જ્યારે નૌશાબાએ આ સંસ્થા જોડે કામ કરવાની ઈચ્છા રજૂ કરી તો સંગઠનના એક સભ્યે તેને જણાવ્યું કે તે શિક્ષિત છે અને સ્કૂલમાં સારી નોકરી કરી રહી છે. તે આ સંસ્થા સાથે જોડાશે તો પછાત વિસ્તારોમાં જવું પડશે, ધોમધખતા તડકામાં પણકામ કરવું પડશે અને ક્યારેક ખુલ્લામાં બેસીને પણ બાળકોને ભણાવવા પડશે. નૌશાબા પર આ વાતોની કોઈ અસર થઈ નહીં. તે આ બાળકોને ભણાવવા તૈયાર થઈ ગઈ જે ક્યારેય સ્કૂલે પણ નહોતા ગયા.

નૌશાબાએ યોરસ્ટોરીને જણાવ્યું,

"હું વારાણસીના જુના પુલ વિસ્તારમાં ગઈ. તે મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે અને અહીંયા હાથવણાટનું અને ભરતકામ થતું હતું. નાના નાના છોકરા છોકરીઓ સાડિયો અને કપડાં પર ડિઝાઈન બનાવવાનું કામ કરતા હતા. અહીંયા આવીને મને ખ્યાલ આવ્યો કે અહીંયાના 95 ટકા બાળકો સ્કૂલ જવાનું તો દૂર સ્કૂલના કેમ્પસ સુધી પણ નથી ગયા. મેં ત્યાંના લોકોને સમજાવ્યા કે તેમના બાળકો માટે અભ્યાસ કેટલો જરૂરી છે. ત્યારબાદ ત્યાંના લોકોની જે પ્રતિક્રિયા આવી તે સાંભળીને હું દંગ રહી ગઈ. ત્યાંના લોકોએ બાળકોને ભણાવવા માટે જગ્યા આપવા ઉપરાંત તેમની પાસે 160 બાળકોનું રજિસ્ટ્રેશન પણ કરાવ્યું. ત્યારબાદ બાળકોને ભણાવવાનો તબક્કો ધીમે ધીમે વધતો ગયો."

નૌશાબાએ ત્યારે વિચાર્યું કે મોટી છોકરીઓને અભ્યાસ ઉપરાંત પગભર કરવાની પણ જરૂર છે. તેના કારણે જ તેમણે અભ્યાસ ઉપરાંત સિલાઈ, ભરતકામ અને આર્ટ એન્ડ ક્રાફ્ટની તાલિમ આપવાનું શરૂ કર્યું. આ રીતે નૌશાબાએ સતત પાંચ વર્ષ સુધી બાળકોને અભ્યાસ કરાવવાનું કામ કર્યું. ત્યાં સુધી અહીંયાના લોકો પણ સમજી ગયા હતા કે અભ્યાસ કેટલો જરૂરી છે. નૌશાબા જણાવે છે, 

"ત્યારબાદ અહીંયાના લોકોએ તેમની જ દેખરેખ હેઠળ ઈન્ટર સુધીનું એક મદરેસા તૈયાર કર્યું અને પોતાના બાળકોને ભણાવવા માટે મોકલવા લાગ્યા. આજે પણ અહીંયાના બાળકો ઘણી વખત પોતાની મુશ્કેલીઓ માટે નૌશાબાને મળે છે. નૌશાબા અત્યાર સુધીમાં 1200થી વધુ બાળકોને ભણાવી ચૂકી છે."

આજે નૌશાબા મુખ્ય રીતે એ છોકરીઓ અને મહિલાઓ સાથે જોડાયેલી છે જે ઘરે રહે છે. તે આ લોકોને ઘણા પ્રકારની તાલિમ આપે છે જેથી તેઓ પણ પગભર થઈ શકે. તે ઉપરાંત જો અભણ મહિલાઓ અને છોકરીઓ હોય છે તેમને નૌશાબા શિક્ષિત કરવાનું કામ કરે છે. નૌશાબાના જણાવ્યા પ્રમાણે,

"અમારો પ્રયાસ હોય છે કે જે અભણ મહિલાઓ છે તે કોઈની સામે અંગુઠો ન મારે. તે બેંક અને અન્ય જગ્યાએ અંગુઠા મારવાના બદલે પોતાનું નામ લખીને પણ સહી કરે."

આ માટે નૌશાબા અલગ અલગ વસતીઓમાં જાય છે અને એવી છોકરીઓ અને મહિલાઓને ભેગી કરીને અભ્યાસ કરાવે છે તથા તેમને આત્મનિર્ભર થવા પ્રોત્સાહિત કરે છે. નૌશાબાના પ્રયાસોની જ એ અસર છે કે ગત દસ વર્ષમાં વારાણસીમાં રહેનારી લગભગ છ હજાર મહિલાઓ અને યુવતીઓ આત્મનિર્ભર બની. તેમાં નીચલી અને ગરીબ સમુદાયની મહિલાઓનો સમાવેશ વધારે થાય છે. આજે તેમની દ્વારા શિક્ષિત ઘણી યુવતીઓ અને મહિલાઓ બ્યૂટીપાર્લર ચલાવે છે, સિલાઈ કરે છે તો કેટલીક ફેશન ડિઝાઈનિંગ દ્વારા પણ પોતાનું ગુજરાન ચલાવે છે.

મહિલાઓના સશક્તિકરણ માટે નૌશાબાએ 40 સેલ્ફ હેલ્પ ગ્રૂપ પણ તૈયાર કર્યા છે. દરેક ગ્રૂપમાં 10થી માંડીને 20 મહિલાઓ છે. તેમની દર મહિને એક બેઠક પણ થાય છે. નૌશાબાના મતે,

"મહિલાઓ માટે બનાવવામાં આવેલા સેલ્ફ હેલ્પ ગ્રૂપમાં અમે દર મહિને અલગ અલગ મુદ્દે ચર્ચા કરીએ છીએ. જેમ કે બાળલગ્ન, બાળમજૂરી, શિક્ષણ, સ્વાસ્થ્ય અને પર્યાવરણ જેવા મુદ્દા મહત્વના રહે છે."

શિક્ષણ અને રોજગાર ઉપરાંત નૌશાબા પર્યાવરણ માટે પણ કામ કરે છે. તેના માટે તેણે એક યુથ ફોરમ બનાવ્યું છે, જ્યાં યુવાનોને વૃક્ષોની જાળવણી અને રક્ષણ કરવા અંગે સમજાવવામાં આવે છે. તે જણાવે છે કે વાતાવરણના પરિવર્તનમાં તેમની શું ભૂમિકા છે. તે ઉપરાંત નૌશાબા યુવાનોને પાણીની કેવી રીતે જાળવણી કરવી અને જૂની પ્રાકૃતિક વસ્તુઓ જે વિલુપ્ત થઈ રહી છે તેને કેવી રીતે બચાવી શકાય તેની પણ સમજ આપે છે. નૌશાબા વારાણસીના પછાત વિસ્તારોના લગભગ 60 ઘરોમાં બાયોગેસ પ્લાન્ટ લગાવવામાં મદદ કરી ચૂકી છે..

નૌશાબા હવે વારાણસીના કારીગરોને ટેકનોલોજી સાથે પણ જોડી રહ્યાં છે. તે જણાવે છે,

"હું જ્યારે મુસ્લિમ હાથશાળના કારીગરો વચ્ચે શિક્ષણ અને મહિલાઓના વિકાસ માટે કામ કરી રહી હતી તો જોયું કે વાંસની છાબડીઓ, માટીના વાસણો, ચાંદીની મીનાકારી, લાકડાના રમકડાં બનાવનારા કારીગરોને પોતાની વસ્તુઓની સાચી કિંમતની જાણકારી નથી હોતી. તેમની સ્થિતિ ઘણી વખત એટલી ખરાબ હોય છે કે, વચેટીયાઓના કારણે કારીગરોને પોતાનો માલ પડતર કરતાં પણ ઓછા ભાવે વેચવો પડે છે. આ કારીગરોની દુઃખદ સ્થિતિ અંગે જાણીને મારા મનમાં વિચાર આવ્યો કે, આવા કારીગરો માટે એક વેબસાઈટ બનાવવામાં આવે અને તેમને પ્રમોટ કરવામાં આવે જેથી તેઓ સીધા જ ગ્રાહકો સાથે જોડાઈ શકે. આ રીતે કારીગરોને તેમના ઉત્પાદનોની યોગ્ય કિંમત મળશે."

નૌશાબાનું માનવું છે,

"મારો ઉદ્દેશ આ વેબસાઈટને રાષ્ટ્રીય સ્તરે નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે શરૂ કરવાનો છે જેથી દુનિયાભરના લોકો બનારસને જાણે અને બનારસના કામને દુનિયાભરના લોકો સુધી પહોંચાડી શકાય."

લેખક- ગીતા બિશ્ત

અનુવાદક- YS ટીમ ગુજરાતી 

અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

Related Stories