‘મન કી બાત’ કાર્યક્રમે આ ‘ત્રિપૂટી’નું ભાગ્ય બદલી નાખ્યું, નોકરી કરવાની જગ્યાએ તેઓ હવે બીજાને રોજગાર આપી રહ્યા છે!

0

બનારસમાં શાકભાજીનો ઓનલાઇન વેપાર કરે છે આ ત્રિપૂટી!

ગણતરીના દિવસોમાં જ સમાચારોમાં ચમક્યા

લાખો સુધી પહોંચ્યો શાકભાજીનો વેપાર!

અન્ય નવયુવાનોને પણ આપે છે રોજગાર!

એમસીએ, બીસીએ જેવી ડિગ્રી લીધા બાદ દરેક યુવાન ચાહે છે કે તેને કોઇ નામાંકિત મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળે. તગડો પગાર હોય. સુખ અને સગવડો સાથેનું જીવન મળે. પરંતુ બનારસના ત્રણ યુવાનો કદાચ આમ નહોતા વિચારતા. તેમણે ટેક્નિકલ કોર્સ કર્યા બાદ પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરવાનો નિર્ણય કર્યો અને પછી જોતજોતામાં જ પોતાના જીવનની તસવીર બદલી નાખી. આજે તેઓ જાતે નોકરી નથી કરતા પણ બીજાને નોકરી આપે છે. આ ત્રણ યુવાનો છે આશુતોષ ગુપ્તા, અમિત ચૌબે અને રાકેશ કુમાર.

પ્રેરણા કઇ રીતે મળી?

બનારસ શહેરની ગલીઓમાં આજે આ ત્રણ યુવાનોની ચર્ચા છે. દિન પ્રતિદિન આ યુવાનો શહેરના ઘર-ઘરમાં પોતાનો પેસારો કરી રહ્યા છે. તેમની પહોંચ દરેક ઘરના રસોડા સુધી થઇ ગઇ છે. માત્ર શહેર જ નહીં પરંતુ ગામના ખેડૂતોની જીભે પણ તેમનું નામ ચઢી ગયુ છે. જી હા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારોથી પ્રભાવિત બનારસના આ યુવાનોનું એક સ્ટાર્ટઅપ છે. બનારસ જેવા શહેરમાં આ યુવાનોએ ઓનલાઇન શાકભાજી વેચવાનું કામ શરુ કર્યું અને તે સાથે જ તેમણે માર્કેટિંગનો ટ્રેન્ડ જ બદલી નાખ્યો.

હકીકતમાં સમગ્ર દેશમાં ઓનલાઇન માર્કેટિંગનો કારોબાર ખૂબ જ ઝડપથી પોતાના પગ ફેલાવી રહ્યો છે. આજના ભાગદોડભર્યા જીવનમાં હવે લોકો દુકાનો પર જઇને પોતાનો સમય વેડફવાની જગ્યાએ ઓનલાઇન સામાન ખરીદવામાં વધારે રસ દાખવી રહ્યા છે. માત્ર મેટ્રો શહેરોમાં જ નહીં, પરંતુ નાના શહેરોમાં પણ લોકો હવે છૂટથી ઓનલાઇન ખરીદી કરી રહ્યા છે. લોકોના આ વલણને સમજીને જ બનારસના આ યુવાનોએ ઓનલાઇન શાકભાજી વેચવાનું કામ શરૂ કર્યુ હતું. ૨૩ વર્ષના યુવા વ્યવસાયી અમિત ચૌબેએ યોરસ્ટોરીને જણાવ્યું,

‘‘થોડા મહીનાઓ પહેલા મેં રેડિયો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમને સાંભળ્યો હતો. આ કાર્યક્રમમાં મોદીએ યુવાનો વિશે પોતાના મનના વિચારો રજૂ કર્યા હતા જેમાં તેમણે ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’નો ઉલ્લેખ કર્યો હતો. તે કાર્યક્રમ બાદ જ મારા મનમાં કંઇ અલગ કરવાની જીદે સ્થાન લીધુ હતું.’’

પછી થોડા દિવસોમાં જ અમિતની આ જીદ તેનું ઝનૂન બની ગઇ હતી. એમસીએનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અમિતે કોઇ કંપનીમાં નોકરી કરવાની જગ્યાએ પોતાનો રોજગાર શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. અમિતે પોતાના મિત્ર આશુતોષ ગુપ્તા અને રાકેશની સાથે તે અંગે ખૂબ જ વિચારણા અને મંથન કર્યુ હતું. અમિતની જેમ જ આશુતોષે પણ બીસીએનો અભ્યાસ કર્યો હતો, જ્યારે રાકેશ પોસ્ટ ગ્રેજ્યુએટ છે. આ ત્રણેયે નોકરી માટે ધક્કા ખાવાની જગ્યાએ પોતાનો વેપાર કરવા વિશે વિચાર્યુ હતું. તેમણે અમદાવાદની ઓનલાઇન શાકભાજી વેચતી લોકપ્રિય વેબસાઇટ ‘સબ્જી વબ્જી’થી પ્રેરિત થઇને બનારસમાં જ આવુ કંઇ શરૂ કરવાનો પ્રણ કર્યો હતો. તેમણે તે માટે જેમ-તેમ કરીને ૭૦ હજાર રૂપિયા એકત્ર કર્યા અને એક વેબસાઇટ તૈયાર કરાવી. ત્યારબાદ ઓનલાઇન શાકભાજી વેચવાનો વ્યવસાય શરૂ કર્યો હતો. આ યુવાનોની વેબસાઇટનું નામ banarasisabji.com છે. આ વેબસાઇટ મારફત આ ત્રણેય યુવાનો ઘર-ઘર સુધી શાકભાજી પહોંચાડવાનો વેપાર કરી રહ્યા છે. પહેલા દિવસે તેમને ૧૫ ઓર્ડર મળ્યા હતા. અમિતના વેપાર કરવાના આ અનોખા નમૂનાનો લાભ હવે કાશીવાસીઓને મળી રહ્યો છે.

બનારસીસબ્જી ડૉટ કૉમ શું છે?

banarasisabji.com પર તમામ પ્રકારની શાકભાજી ઉપલબ્ધ હોય છે. તમામ શાકભાજીના ભાવ પણ વેબસાઇટ પર ઉપલબ્ધ હોય છે. જેથી ગ્રાહકોને કોઇ પણ જાતની તકલીફ ના થાય. વેબસાઇટ પર ફોન નંબર પણ આપવામાં આવ્યા છે. ગ્રાહકોને તેમના ઓર્ડરના બે કલાકની અંદર જ શાકભાજીની ડિલિવરી કરી દેવામાં આવે છે. વેબસાઇટ પર ગ્રાહકોને સમય-સમયે સેલ અને ઓફર્સ પણ આપવામાં આવે છે. ૧૨૦ રૂપિયા કરતા વધારે રકમના શાકભાજીની ખરીદી પર કોઇ પણ જાતની ડિલિવરી ચાર્જ વસૂલવામાં આવતો નથી. ૨૦ જાન્યુઆરીથી શરૂ થયેલી banarasisabji.comને લોકો તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. હાલ પરિસ્થિતિ આ છે કે અત્યાર સુધીમાં લગભગ ૪૫૦ લોકો તેની સાથે જોડાઇને ઓનલાઇન શાકભાજી ખરીદી રહ્યા છે. આ ત્રિપૂટીની મહેનતની જ અસર છે કે થોડા રૂપિયા સાથે શરૂ કરવામાં આવેલો તેમનો આ વેપાર હવે લાખોમાં પહોંચી ગયો છે. પોતાના કામને સરળ બનાવવા માટે અને ગ્રાહકોની સુવિધા માટે અમિત અને તેમના મિત્રોએ ૧૦ ડિલિવરી બોય રાખ્યા છે જે શહેરના ખૂણે-ખૂણામાં જઇને લોકોના ઘર સુધી તેમના ઓર્ડર અનુસાર શાકભાજી ઉપલબ્ધ કરાવે છે.

બનારસીસબ્જી ડૉટ કૉમ કઇ રીતે કામ કરે છે?

પોતાની વેબસાઇટ મારફત અમિત અને તેમના મિત્રોએ શાકભાજીના બજારોમાં વચેટિયાઓની ચેઇન પણ તોડી નાખી છે. સામાન્ય રીતે માર્કેટમાં વચેટિયાઓ અને મોટા વેપારીઓની બોલબાલા હોય છે. આ વચેટિયાઓ ખેડૂતો પાસેથી ખૂબ જ સસ્તા ભાવે તેમના શાકભાજી ખરીદી લેતા હોય છે અને પછી તેને ઊંચી કિંમતે રિટેઇલર્સને વેચે છે. આ લાંબી ચેઇનને કારણે આપણી થાળી સુધી પહોંચતા શાકભાજીના ભાવ આભને આંબવા લાગે છે. તેની અસર ખેડૂતો અને સામાન્ય માનવી પર પડે છે. ખેડૂત પાસે માર્કેટમાં જવા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી હોતો તો ગ્રાહક પણ મજબૂરીમાં મોંઘાદાટ શાકભાજી ખરીદે છે. આજ કારણ છે કે ગ્રાહકોને તાજા અને સસ્તા શાકભાજી મળે તે માટે આ યુવાનો શાકભાજીની ખેતી કરતા ખેડૂતોનો સીધો સંપર્ક કરે છે. અમિત અને તેમના મિત્ર ગામે-ગામની મુલાકાત લે છે. ખેડૂતોની મુલાકાત લઇને તેમને પોતાની વેબસાઇટ વિશે જાણકારી આપે છે અને તેમના શાકભાજી ખરીદે છે. આ પહેલથી એકતરફ જ્યાં ખેડૂતોને તેમની મહેનત અને શાકભાજીના યોગ્ય ભાવ મળે છે, ત્યાં જ બીજી બાજુ વેબસાઇટના ગ્રાહકોને તાજા અને સસ્તા શાકભાજી મળે છે. અમિતની યોજના છે કે આવનારા દિવસોમાં તે શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને વૈજ્ઞાનિક રીતે ખેતી માટે જાગૃત કરે. અમિત તે માટે બીએચયૂના કૃષિ વૈજ્ઞાનીઓની મદદ પણ લેશે. આવનારા દિવસોમાં ખેડૂતો માટે તાલીમ શિબિર આયોજીત કરવામાં આવશે. અમિતના જણાવ્યા પ્રમાણે, “મારો અસલી આશય ખેડૂતોને ટેક્નિકની સાથે જોડવાનો છે.”

banarasisabji.com વડે હવે નવયુવાનોને રોજગારની તક પણ મળી રહી છે. લગભગ ૩૦ યુવાનો હાલ આ કંપની સાથે જોડાઇને નોકરી કરી રહ્યા છે. અમિતના જણાવ્યા પ્રમાણે,

‘‘અમારો આશય માત્ર વેપાર કરવાનો જ નથી બલ્કે નોકરી માટે ધક્કા ખાતા યુવાનોને રોજગાર ઉપલબ્ધ કરાવવાનો છે. થોડા દિવસ પહેલા પીએમ મોદીના આદર્શ ગ્રામ જયાપુરમાં રોજગાર મેળાના આયોજનમાં તમામ મોટી કંપનીઓ સાથે અમે પણ ભાગીદારી કરી હતી અને ૨૫ નવયુવાનોને અમારી કંપનીમાં કામ કરવા માટે પંસદ કર્યા હતા. માત્ર બેરોજગાર હોય તેવા લોકો જ નહીં પરંતુ દિવ્યાંગોને પણ કંપની તરફથી પૂરતી તક આપવામાં આવી રહી છે.’’

કંપની પોતાના ગ્રાહકો સુધી સામાન પહોંચાડવા માટે માત્ર દિવ્યાંગો દ્વારા તૈયાર કરવામાં આવેલી બેગ્સનો જ ઉપયોગ કરે છે, જેથી આ દિવ્યાંગો વચ્ચે પણ સ્વરોજગારને પ્રોત્સાહન મળી શકે. અમિતે યોરસ્ટોરીને જણાવ્યું, 

“અમે દિવ્યાંગોને મજબૂર નહીં પણ મજબૂત બનવાની અનુભૂતિ કરાવીએ છીએ. સ્વયં મોદી પણ દિવ્યાંગોને પ્રોત્સાહન આપવાની અપીલ કરી ચૂક્યા છે. તેવામાં આ આપણી નૈતિક ફરજ બને છે કે આપણે દિવ્યાંગોને સાથ આપીએ.”

નિશ્ચિત રીતે જ પીએમ નરેન્દ્ર મોદીની વિચારધારાએ અમિત જેવા લાખો યુવાનોનાં સ્વપ્નોમાં રંગ ભર્યો છે. અમિત અને તેમના મિત્રોએ આજે તે રસ્તાને પસંદ કર્યો છે જે સરળ નથી. પણ તેમને વિશ્વાસ છે કે આ રસ્તો જ તેમને એક દિવસ સફળતાના શિખરે પહોંચાડશે. વેપારની આ રીત બનારસમાં માત્ર નવા ટ્રેન્ડ તરીકે જ સામે નથી આવી બલ્કે ઘણા બેકાર અને બેરોજગાર લોકો માટે ભેટ લઇને પણ આવી છે. આશા છે કે અમિતના આ પ્રયાસથી બીજા યુવાનો પણ પ્રેરણા લેશે અને વડાપ્રધાન મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ના સ્વપ્નને સાકાર કરશે.

Related Stories