મુંબઈનાં ઑફિસ કર્મચારીઓને મુસાફરીમાં રાહતનો અનુભવ કરાવતું ‘સિટીફ્લો’

મુંબઈનાં ઑફિસ કર્મચારીઓને મુસાફરીમાં રાહતનો અનુભવ કરાવતું ‘સિટીફ્લો’

Tuesday November 03, 2015,

4 min Read

'સિટીફ્લો'ની શરૂઆત સાથે જ, મુંબઈકરો ભીડભાડવાળા તથા પરસેવે રેબઝેબ કરી દેતાં સાવર્જનિક પરિવહનને અલવિદા કહીને ઓછી કિંમતમાં આરામદાયક સવારીનો આનંદ માણી રહ્યાં છે!

રોજના સરેરાશ 1,800 બૂકિંગ સાથે, હાલમાં 'સિટીફ્લો'નાં મુખ્ય 10 રૂટ્સ છે અને તે મુંબઈનાં લગભગ તમામ લોકપ્રિય સ્થાન પરથી સંચાલન કરે છે.

આઈ.આઈ.ટી બોમ્બેમાંથી સ્નાતક થયેલાં જેરીન વેનાદ, પહેલાં ‘અર્નેસ્ટ ઍન્ડ યંગ’માં કામ કરતાં હતાં, અને તેમના સહકર્મીઓ દ્વારા મુંબઈનાં લોકલ ટ્રાન્સપોર્ટ સર્વિસની રોજરોજની ફરિયાદ સાંભળીને થાકી ગયાં હતાં.

જેરીન જણાવે છે, “આવવા-જવાની સમસ્યા તો લાખો લોકોને રોજ નડે છે. હું પણ પહેલાં જ્યાં કામ કરતો હતો ત્યાં આવવા-જવામાં મને બે કલાકનો સમય લાગતો હતો. હું થાકીને ઘરે આવતો અને તરત જ સુઈ જતો. બીજા દિવસે ઉઠીને ફરી એ જ પ્રક્રિયા કરવી પડતી. અને મારી ઓળખાણનાં તમામ લોકો સાથે રોજ આવું જ બનતું હતું."

ઑફિસ આવવા-જવા માટે કૅબનો ઉપયોગ કરવો બધાં માટે મોંઘો પડતો હતો, છતાંય એવા ઘણાં લોકો હતાં જેઓએ ના છુટકે આમાં મુસાફરી કરવી પડતી. અર્થશાસ્ત્ર મુજબ કૅબનાં ઉપયોગ કરતાં જેરીન તથા તેમના આઈ.આઈ.ટીના અન્ય મિત્રોને, સાર્વજનિક પરિવહનનાં રૂટ પર જ મિની એ.સી બસ દોડાવવાનો વિચાર આવ્યો.

જેરીને 'અર્નેસ્ટ ઍન્ડ યંગ'ની તેમની નોકરી છોડી દીધી અને તેમની યોજના ઉપર કામ કરવાનું શરૂ કરી દીધું. તેમણે લોકો સાથે વાતચીત દ્વારા, અવર-જવરમાં તેમને પડતી તકલીફો વિશે જાણવાનું શરૂ કર્યું. તેમણે જોયું કે બધાંની લગભગ એક જેવી જ સમસ્યા હતી.

સિટીફ્લોની ટીમ

સિટીફ્લોની ટીમ


તેમનો વિચાર કામ કરી જશે તેવાં દ્રઢ નિશ્ચય સાથે, તેમણે થોડા સમય પહેલાં જ 'સિટીફ્લો' લૉન્ચ કરી. જેરીનની ટીમમાં અંકિત અગ્રવાલ, સુભાષ સંદરવડીવેલુ, ઋષભ શાહ, અદ્વૈત વિશ્વનાથ અને સંકલ્પ કેલિશ્કર કામ કરે છે.

‘હાઉસિંગ ડૉટ કૉમ’નાં કૉ-ફાઉન્ડર અદ્વિતિય શર્મા, પવઈ સ્થિત સ્ટાર્ટઅપને, ઔપચારિક રીતે માર્ગદર્શિત કરી રહ્યાં છે. આ પૂર્વે તેઓ ‘હૅન્ડીહોમ’ નામનાં સ્ટાર્ટઅપને માર્ગદર્શન આપી ચૂક્યાં છે. (‘હૅન્ડીહોમ’ વિશે વધુ વાંચો)

અદ્વિતિય કહે છે, “રીઅલ ઍસ્ટેટની સમસ્યાની જેમ જ, બસમાં મુસાફરી કરવાની સમસ્યા પણ વિશ્વવ્યાપી છે. આ સર્વવ્યાપકતા તથા આ ક્ષેત્રમાં ઘણાં સમયથી કોઈ નવપરિવર્તન ન થવાનાં લીધે, મને આમાં ઘણો જ રસ પડ્યો."

સિટીફલોએ, મુંબઈમાં કાર્યસ્થળોને લોકપ્રિય રહેણાંક વિસ્તાર સાથે જોડતાં 10 રૂટ સાથે શરૂઆત કરી. આ રૂટ્સ, પશ્ચિમી ઉપનગરો (મીરા, ભાયન્દર, બોરીવલી, કાંદિવલી), પૂર્વી ઉપનગરો (થાને, મુલુન્ડ) અને નવી મુંબઈ (વાશી, ખોપર ખૈરાને)થી બાન્દ્રા કુર્લા કૉમ્પ્લેક્સ (બી.કે.સી)ને જોડે છે. કંપનીએ હાલમાં અંધેરી નામનાં બીજા એક ઉપનગર માટે પણ રૂટ્સ શરૂ કર્યા છે.

નવો જ વિચાર હોવાને લીધે તથા માહિતીનો કોઈ સંગ્રહ ન હોવાના લીધે, બીજો સવભાવિક પ્રશ્ન એ થાય છે કે, ટીમે તેમનાં રૂટ્સ કેવી રીતે નક્કી કર્યા.

જેરીન કહે છે, “ટ્રાફિક ડેટા મેળવવા માટે, ગૂગલ મૅપ્સ ઉત્તમ માધ્યમ છે. રૂટ નક્કી કરતી સમયે, અમે સ્થળની વસ્તી, કૉર્પોરેટ ઉપનગરો અને રહેણાંક વિસ્તારોને પણ ધ્યાનમાં રાખીએ છીએ. અમે એવા વિસ્તારો પર વધુ ધ્યાન આપીએ છીએ જ્યાં, પરિવહનની જટીલ સમસ્યા હોય, પણ અમે અમારી ઍપના યુઝર્સ દ્વારા રૂટ્સ વિશે આવતાં સૂચનો પણ આવકારીએ છીએ."

સિટીફ્લો કેવી રીતે કામ કરે છે?

જ્યારે જેરીને સિટીફ્લોની કાર્યશૈલી વિશે જણાવે ત્યારે સૌપ્રથમ એ વિચાર આવે કે, ‘રૅડ બસ’ એ જે કર્યું હતું, જેરીન પણ એવું જ કંઈક કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. તફાવત માત્ર એટલો હતો કે 'સિટીફ્લો' માત્ર શહેર પૂરતું જ સીમિત છે.

માત્ર ત્રણ સરળ પગલાં દ્વારા ટિકિટ બૂક કરી શકાશે: રૂટ પસંદ કરો-> સમય પસંદ કરો-> સવારી પસંદ કરો. ગ્રાહકોનાં રૂટ રોજ લગભગ એક જ હોય છે માટે, ઍપમાં ‘રિસેન્ટ રૂટ’ નું ફિચર આપવામાં આવ્યું છે જેથી, રેગ્યુલર ગ્રાહકો ઝડપથી બૂકિંગ કરી શકે.

શહેરમાં, પ્રાઈવેટ બસ માલિકોનાં પોતાના વધારે રૂટ્સ નથી હોતાં. સામાન્યપણે શહેરમાં ફરતી જે બસો જોવાં મળે છે, તે પોતાના કર્મચારીઓ માટે કંપની દ્વારા ચલાવવામાં આવતી બસ હોય છે. 'સિટીફ્લો' દ્વારા, બસ માલિકોને તેમની બસો બહુવિધ રૂટ્સ પર ચલાવીને કુશળતાપૂર્વક દોડાવવામાં મદદ કરે છે. લાંબી મુસાફરી સિવાય, ગ્રાહકો કોઈ એક પ્રાઈવેટ બસ પર નિર્ભર નથી.

હાલમાં આ સ્ટાર્ટઅપે મુંબઈના 10 બસ ઑપરેટર્સ સાથે જોડાણ કર્યું છે, અને જેરીન જણાવે છે કે આ સંખ્યા દર અઠવાડિયે વધી રહી છે.

ઑનલાઈન એજન્ટ તરીકે સિટીફ્લો

ભારતીય ટ્રાવેલ અને ટૂરિઝમ માર્કેટનો 42 અબજનો ઉદ્યોગ છે, અને આવનારા દસ વર્ષમાં તે 10.2નાં CAGR સાથે વધતો જશે. ટોટલ ગ્રોસ બૂકિંગ પર, ઑનલાઈન ટ્રાવેલ એજન્ટ્સ (OTA) 17.5% અકાઉન્ટ કરે છે.

આ સંદર્ભમાં સિટીફ્લો OTAની જેમ કામ કરે છે, અને રૅડ બસ, આઈબિબો, ક્લીઅર ટ્રિપ, મેક માય ટ્રિપ વગેરે જેવાં પ્લેટફોર્મ સાથે સ્પર્ધામાં છે. પણ ઈન્ટ્રા-સિટી બસ બૂકિંગમાં ચાર ખેલાડીઓ છે: આરબસ, મુંબઈની જ અન્ય એક સ્પર્ધી, અને ગુડ઼ગાઁવ સ્થિત ઝિપગો અને શટલ નામક બે સ્ટાર્ટઅપ્સ. હાલમાં જ ઓલા કૅબની કંપની, ઓલા શટલ નામ સાથે બસનાં ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે.

સિટીફ્લો પર ટિકિટો ત્રણ રૂપિયા પ્રતિ કિ.મી ની કિંમત પર ઉપલબ્ધ છે, જેમાં એક ગ્રાહક દ્વારા સરેરાશ 60 રૂપિયાની ટિકિટ બૂક કરવામાં આવે છે. આ કિંમતો, BESTની લોકલ એ.સી બસના ભાડા જેટલી જ છે. આ પ્લેટફોર્મ પર દરરોજ સરેરાશ 1,800 સીટો બૂક કરવામાં આવે છે.