જાણીતી ફિલ્મી સેલિબ્રિટીઝનો પણ ઈ-કોમર્સ ક્ષેત્રે પગપેસારો!

0

જસ્ટ ડાયલે જ્યારે આઈપીઓ લાવવાની જાહેરાત કરી હતી ત્યારે તેના સ્થાપક વી.વી.એસ.મણિએ રાહતનો દમ લીધો હતો. કારણ કે તેમનું 14 વર્ષ જૂનું સપનું સાકાર થઈ રહ્યું હતું. તે અગાઉ કંપનીએ વર્ષ 2010માં અમિતાભ બચ્ચનને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા. તેના બદલામાં તેમને પ્રતિ શેર રૂ.10ના ભાવે 62 હજાર શેર આપવામાં આવ્યા હતા. જે દિવસે કંપનીના શેરનું લિસ્ટિંગ શેરબજારમાં થયું ત્યારે તે શેરોની કિંમત રૂ.3.83 કરોડની થઈ ગઈ હતી. જે પછી તેમાં સતત વધારો થયો છે અને આજે તેની કિંમત અંદાજે રૂ.10 કરોડ થઈ ગઈ છે.

સામાન્ય રીતે તો અમિતાભ બચ્ચનને તેમના અભિનય માટે ઓળખવામાં આવે છે પરંતુ એવા ઘણા અભિનેતાઓ છે કે જેઓ પોતાનાં નાણાંનું રોકાણ અનેક કંપનીઓમાં કરે છે. આ અભિનેતાઓમાં સલમાન ખાનથી માંડીને સંગીતકાર એ.આર.રહેમાન અને હૃતિક રોશનથી માંડીને કરિશ્મા કપૂર સુધીનાંનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, આ રેસમાં સન્ની લિયોન જેવી અભિનેત્રીનો પણ સમાવેશ થાય છે કે જેમણે પોતાનાં નાણાંનું રોકાણ કોઈ અન્ય ક્ષેત્રમાં કર્યું છે. ફિલ્મ ક્ષેત્રની હસ્તીઓ આ પ્રકારના વેપારમાં પોતાનાં નાણાંનું સીધું રોકાણ કરે છે અથવા તો તેના બ્રાન્ડ એમ્બેસેડર બનીને કંપનીમાં પોતાનો થોડો ભાગ ખરીદી લે છે. આવો જાણીએ કે કયા અભિનેતાએ તેનાં નાણાંનું રોકાણ કઈ કંપનીમાં કર્યું છે.

1. સલમાન ખાન : Yatra.com, બિઇંગ હ્યુમન

આજકાલ Yatra.com એક સ્ટાર્ટઅપ નથી પરંતુ સાત વર્ષ પહેલાં આ ટ્રાવેલ ઓપરેટરને અમેરિકી ઉદ્યોગ નોર્વેસ્ટ વેન્ચર અને ઇન્ટેલ કેપિટલે ટેકો આપ્યો હતો. તે વખતે તેઓ સલમાન ખાનને પોતાની સાથે જોડવા માગતા હતા. તે વખતે સલમાન ફિલ્મો પેટે કરોડો રૂપિયા લેતો હતો. તેને જોઇને તેમણે સલમાન ખાન સાથે એક મજેદાર સોદો કર્યો હતો કે તેમની જાહેરખબર કરવા બદલ વેપારમાં ભાગીદારી. જેમાં સલમાન ખાને કંપની માટે જાહેરખબરો અને માર્કેટિંગ કર્યું કે તેને તે વેપારમાં પાંચ ટકાની ભાગીદારી મળી ગઈ. આ ઉપરાંત બધાને ખબર છે કે સલમાન બિઇંગ હ્યુમન નામનો પોતાનો ઓનલાઇન સ્ટોર ચલાવે છે. જેના ઉપર તે નામની ટીશર્ટ્સ અને ઘડિયાળો વેચવામાં આવે છે.

2. કરિશ્મા કપૂર : Babyoye.com

શું તમે જાણો છો કે કરિશ્મા કપૂર Babyoye.comની સૌથી મોટી શેરધારક છે? Babyoye.com એક ઈ-કોમર્સ કંપની છે કે જે બાળકોનો સામાન બનાવે છે. તેનું સંચાલન નેસ્ટ ચાઇલ્ડ કેર સર્વિસિઝ પ્રા. લિ. કંપની કરે છે. આ કંપનીમાં કરિશ્માના 26 ટકા શેર છે. જ્યારે અન્ય રોકાણકારોમાં એક્સેલ પાર્ટનર્સ તેમજ ટાઇગર ગ્લોબલ છે. કંપનીની સ્થાપના અરુણિમા સિંહ દેવ અને સંજય નંદકરણીએ સાથે મળીને કરી હતી.

3. અજય દેવગણ : Ticketplease.com

Ticketplease.comનો દાવો છે કે તે એક એવું પોર્ટલ છે જ્યાં ફિલ્મ, કોન્સર્ટ, નાટક અને રમત સાથે સંકળાયેલા અન્ય કાર્યક્રમોનું મજેદાર રીતે આયોજન કરે છે. આ કામમાં ફિલ્મોનો પ્રચાર પણ સામેલ છે. ‘જટ યમલા પગલા દિવાના’ ફિલ્મના પ્રચારના અવસરે અજય દેવગણે Ticketplease.comને તેના સ્થાપક અને સીઈઓ જિમી મિસ્ત્રી સાથે ભેગા મળી શરૂ કરી હતી. તે વખતે અજય દેવગણે જણાવ્યું હતું કે તેમને આ આઇડિયા ઉપર વિશ્વાસ છે અને તેના માટે બ્લોગ લખવામાં સમય ફાળવશે જેથી કરીને તે તેના ફેનની વધુ નિકટ જઈ શકે. જોકે ચાર બ્લોગ લખ્યા બાદ તેને બંધ કરી દેવામાં આવ્યો હતો.

4. શેખર કપૂર, એ.આર.રહેમાન : Qyuki

સુપ્રસિદ્ધ અને સર્જનાત્મક ભેજું ધરાવતા શેખર કપૂર અને એ.આર.રહેમાન પણ Qyuki ડિજિટલ મીડિયા પ્રા. લિ.ના માધ્યમથી સોશિયલ મીડિયાના દરવાજા ખખડાવી ચૂક્યા છે. વર્ષ 2012માં Qyukiએ સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતના યુવાનોને નવી રીતે જોડવાની કોશિશ કરી છે. જોકે શરૂઆતમાં સિસ્કોએ તેમાં થોડું રોકાણ કર્યું હતું. તેના કારણે જ Qyukiનું પ્લેટફોર્મ સિસ્કોએ તૈયાર કર્યું છે. ત્યારબાદ તેના આર્ટિકલ લખવામાં ખૂબ જ ફેરફાર થયા છે.

5. સુઝેન, મલાઇકા, બિપાશા : The Label Corp

The Label Corpની સ્થાપના પ્રિતા સુખંતરે કરી હતી. જે જાણીતી હસ્તીઓની વિશેષજ્ઞતાને પોતાની સાથે જોડી ભારતની સૌપ્રથમ એડિટોરિયલ ઈ-કોમર્સ બ્રાન્ડ બનાવવા માગતા હતા. આજે તેમની કંપનીની ત્રણ બ્રાન્ડ બજારમાં છે. જેમાં સુઝેન ખાન સાથે ધ હોમ લેબલ, મલાઇકા અરોરા ખાન સાથે ધ ક્લોઝેટ લેબલ અને બિપાશા બસુ સાથે ધ ટ્રન્ક લેબલનો સમાવેશ થાય છે.

6. હૃતિક રોશન : 2 અજ્ઞાત સ્ટાર્ટઅપ્સ

ફિલ્મ ઉદ્યોગના નિકટના સૂત્રોના જણાવ્યા અનુસાર હૃતિક રોશને બે સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યું છે. જેની હજી સુધી જાહેરાત કરવામાં આવી નથી. તેમ છતાં પણ એમ માનવામાં આવે છે કે તેમાંની એક કંપની ઓનલાઇન રિટેઇલર છે અને બીજી તાજેતરમાં સ્થાપવામાં આવેલી કંપની છે કે જે રમતના સ્ટેડિયમની ઇમારત બાંધકામ સાથે સંકળાયેલી છે.

7. માધુરી દિક્ષિત નેને : Dance with Madhuri

માધુરી દિક્ષિતે Dance with Madhuriનાં માધ્યમથી ઓનલાઇન ડાન્સ એકેડમી શરૂ કરીને ઇન્ટરનેટની તાકાતનો યોગ્ય ઉપયોગ કર્યો. તેનો આશય એવા લોકોને મદદ કરવાનો છે કે જેઓ ડાન્સ અને કસરતના માધ્યમથી શારીરિક રીતે સ્વસ્થ રહેવા માગે છે. ડાન્સ એક એવું માધ્યમ છે કે જે યુવાનોને પોતાનાં તરફ વધારે આકર્ષે છે અને તેઓ તેના માટે યુ ટ્યુબનો સહારો લે છે.

8. સન્ની લિયોન : IMBesharam.com

સન્ની લિયોન એક ઓનલાઇન એડલ્ટ સ્ટોર IMBesharam.comના પ્રચારનો મુખ્ય ચહેરો છે. તેને ડિસેમ્બર 2012માં લોન્ચ કરવામાં આવી હતી. આ સ્ટોરમાં વિવિધ પ્રકારના એડલ્ટ ટોય્ઝ, આંતરવસ્ત્રો, એડલ્ટ સામાન, કપડાં, મેકઅપનો સામાન, ફૂટવેર, પાર્ટીવેર કપડાં અને અન્ય વસ્તુઓ મળે છે.

9. ડિનો મોરિયો : Coolmaal.net

ડિનો મોરિયો Coolmaal.netના માધ્યમથી ઈ-કોમર્સ વેબસાઇટ સાથે સંકળાયેલા છે. જે ફિલ્મ મર્કેન્ડાઇઝિંગ ઉપર ભાર આપે છે. આ વેબસાઇટ ફિલ્મોનો પ્રચાર કરે છે. અત્યાર સુધી તેણે બોડીગાર્ડ, ઝિંદગી ના મિલેગી દોબારા જેવી અનેક ફિલ્મો માટે કામ કર્યું છે.

10. શિલ્પા શેટ્ટી : Grouphomebuyers.com

અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેનાં પતિ રાજ કુન્દ્રા એક પ્રોપર્ટી વેબસાઇટ Grouphomebuyers.comના સ્થાપકો છે. આ વેબસાઇટનો દાવો છે કે તેણે અત્યાર સુધી 200 પરિવારોને પ્રોપર્ટી માત્ર બતાવી જ નથી પરંતુ તેને ઓછી કિંમતે ખરીદવામાં પણ મદદ કરી છે. Grouphomebuyers.com ટૂંક સમયમાં દેશનાં મોટાં શહેરોમાં એક નવો રહેણાંક પ્રોજેક્ટ લાવવાની છે. આ વેબસાઇટના માધ્યમથી લોકો આ રહેણાંક પ્રોજેક્ટમાં સસ્તા દરે ખરીદી કરી શકે છે.

Related Stories