એક RTO ઑફિસરને કારણે હજારો HIVગ્રસ્તોએ પ્રભુતામાં પગલા માંડ્યા, ‘પોઝિટિવ સાથી’ થકી થયું સપનું સાકાર

એક RTO ઑફિસરને કારણે હજારો HIVગ્રસ્તોએ પ્રભુતામાં પગલા માંડ્યા, ‘પોઝિટિવ સાથી’ થકી થયું સપનું સાકાર

Tuesday February 09, 2016,

5 min Read

વર્ષ 2007માં શરૂ કરાઈ ‘પોઝિટિવ સાથી’ વેબસાઇટ

HIV પીડિતોને મળ્યું અનોખું પ્લેટફોર્મ!

હજારો HIVગ્રસ્તોનું લગ્નનું સપનું થયું સાકાર!

દુનિયામાં HIVગ્રસ્તોની સંખ્યાના મામલે આપણો દેશ ત્રીજા સ્થાન પર છે. આપણે ત્યાં 15થી 20 લાખ લોકો એઇડ્સથી પીડિત છે અને તેને કારણે 2011થી 2014ની વચ્ચે દોઢ લાખ લોકો મરણને શરણ થયા છે. આ આંકડા પરથી ખ્યાલ આવી જાય છે કે બીમારી કેટલી ખતરનાક છે. આ સ્થિતિમાં જે વ્યક્તિને આ બીમારી લાગુ પડે તે શું જીવવાનું છોડી દે? પરિવાર વસાવવાની પોતાની ઇચ્છા છોડી દે? ના, આવું ન થઈ શકે. જે રીતે સામાન્ય વ્યક્તિને લગ્ન કરવાનો અધિકાર છે, એ જ રીતે શું HIV પોઝિટિવ લોકોને પણ લગ્ન કરવાનો અધિકાર ન હોવો જોઈએ? જોકે, HIVગ્રસ્ત લોકોને લગ્ન કરવા માટે સાથીદાર શોધવામાં બહુ તકલીફ પડતી હોય છે, કારણ કે આપણા સમાજમાં એટલું ખુલ્લાપણું નથી કે કોઈ જાહેરમાં જણાવે કે તેને HIV છે અને તે HIVગ્રસ્ત સાથી શોધી રહ્યા છે. HIV પોઝિટિવની આ મુશ્કેલીને સમજીને મહારાષ્ટ્રના આરટીઓ વિભાગમાં કામ કરી રહેલા અનિલ વાલિવે આ આ સમસ્યાનો તોડ શોધી કાઢ્યો. અનિલ વાલિવે એવું પ્લેટફોર્મ તૈયાર કર્યું, જ્યાં HIV પોઝિટિવ લોકો એકબીજાને મળી શકે છે, વાત કરી શકે છે અને લગ્ન પણ કરી શકે છે. અનિલે તેમના માટે ‘પોઝિટિવ સાથી’ નામની એક વેબસાઇટ શરૂ કરી છે. જેના થકી અત્યાર સુધીમાં હજારો HIVગ્રસ્તોનાં લગ્ન કરાવી ચૂક્યા છે.

image


અનિલ વાલિવ મહારાષ્ટ્રના આરટીઓ વિભાગમાં મદદનીસ આરટીઓના પદે પુણેમાં કામ કરી રહ્યા છે. અમરાવતી, લાતુર, શોલાપુરમાં કામ કરી ચૂકેલા અનિલે યોરસ્ટોરીને જણાવ્યું,

"હું જ્યારે અમરાવતીમાં હતો ત્યારે ટ્રક ડ્રાઇવર્સ માટે રોડ સેફટી મામલે અનેક કાર્યક્રમ ચલાવતો હતો. આ દરમિયાન ટ્રક ડ્રાઇવરે દર ત્રીજા વર્ષે પોતાનું લાઇસન્સ રિન્યૂ કરાવવા માટે એક વર્કશોપમાં આવવાનું થતું હતું, જ્યાં રોડ સેફટીની વાતો અને લેક્ચર આપવાનું કામ કરતો હતો. ત્યાર પછી મારી ટ્રાન્સફર લાતુર જિલ્લામાં થઈ. ત્યાં વર્કશોપની સાથે ટ્રક ડ્રાઇવર્સને HIV અંગે પણ જાણકારી આપવાનું કામ શરૂ કર્યું."
image


આનું એક કારણ એ પણ હતું કે તેમના એક મિત્રને HIV થઈ ગયો હતો અને ત્યાર પછી તેનો આખો પરિવાર વિખેરાઈ ગયો હતો. આ ઘટનાને તેમણે બહુ નજીકથી જોઈ હતી. આ ઘટના પછી અનિલે લોકોને-ડ્રાઇવરોને HIV વિશે જાણકારી આપવાનું કામ શરૂ કર્યું હતું. સાથે સાથે સરકારી હોસ્પિટલની મદદથી ટ્રક ડ્રાઇવર્સના કાઉન્સેલિંગનું કામ પણ શરૂ કરી દીધું.

image


આરટીઓમાં નોકરી કરવા દરમિયાન તેમણે પોતાના મિત્ર અને અન્ય લોકો દ્વારા જાણ્યું કે HIVગ્રસ્ત લોકો માટે લગ્ન એક મોટી સમસ્યા હોય છે. તેમણે જોયું કે ઘણી વખત પરિવારનો એકનો એક છોકરો જો HIV પીડિત હોય છતાં તેનાં માતા-પિતા તેનાં લગ્ન કરાવવા માગતા હોય છે. વળી, HIVગ્રસ્ત મોટા ભાગે પોતાની ઓળખ જણાવતાં નથી, એટલે તેમને પોતાનો સાથી શોધવામાં ખાસ્સી મુશ્કેલી પડતી હતી અને ભાગ્યે જ તેમને પોતાનો સાથી મળી શકતો. આ ઉપરાંત તેમણે જોયું કે ઘણા HIV પોઝિટિવ પોતાના અંગે સાચી માહિતી કહેતા નથી અને તેઓ ગરીબ, અભણ કે વિકલાંગ સાથી સાથે લગ્ન કરી લે છે. જેનાથી પછી એ બીમારી તેના સાથીને પણ લાગુ પડી જતી હોય છે. અનિલ જણાવે છે,

"મેં વિચાર્યું કે કેમ એવું પ્લેટફોર્મ તૈયાર કરવામાં ના આવે, જ્યાં HIVગ્રસ્ત લોકો એકબીજાને મળી શકે અને એ રીતે જે લોકોને આ બીમારી નથી તેમના જીવ બચાવી શકાય."
image


ત્યાર પછી તેમણે વર્ષ 2007માં HIVગ્રસ્ત લોકો માટે ‘પોઝિટિવ સાથી’ નામથી એક વેબસાઇટ શરૂ કરી.

આ વેબસાઇટ થકી કોઈ પણ HIVગ્રસ્ત મહિલા કે પુરુષ પોતાના માટે યોગ્ય સાથી શોધી શકે છે. HIVગ્રસ્ત વ્યક્તિ પોતાના અંગે માહિતી આપે છે અને સામેવાળી વ્યક્તિને જો માહિતીના આધારે વ્યક્તિ પસંદ આવે તો તેનો સંપર્ક પણ કરી શકે છે. આ વેબસાઇટમાં કોઈ પણ વ્યક્તિ મફતમાં પોતાની માહિતી આપી શકે છે અને લગ્ન પછી એ માહિતી પોતાની મેળે ત્યાંથી હટાવી શકે છે. જોકે, શરૂઆતમાં આ કામ અંગે અનિલને અમુક આશંકાઓ હતી કે HIV પોઝિટિવ લોકો તેમની આ પહેલને પસંદ કરશે કે નહીં, પરંતુ સમયની સાથે લોકોને આ આઇડિયા બહુ સારો લાગ્યો છે. એક અંદાજ મુજબ અત્યાર સુધીમાં લગભગ એક હજાર કરતાં વધારે લોકો આ વેબસાઇટ થકી લગ્ન કરી ચૂક્યાં છે. અનિલ જણાવે છે,

"આ વેબસાઇટ લોકોને એટલી બધી ગમે છે કે તે ઘણી ન માત્ર ફોન કરીને આભાર માને છે, બલકે દિલ્હી, બેંગલુરુ જેવા દૂરદૂરનાં શહેરોથી લોકો માત્ર તેમને ધન્યવાદ આપવા માટે આવે છે."

અનિલના જણાવ્યા અનુસાર તેઓ એવાં અનેક HIVગ્રસ્ત દંપતીઓને જાણે છે, જેમણે તેમની વેબસાઇટ થકી લગ્ન કર્યા, જેનાથી તેમને જ બાળકો થયાં તે સ્વસ્થ છે.

વેબસાઇટના સંચાલનનો તમામ ખર્ચ અનિલ પોતે જ ઉઠાવે છે. લોકો તરફથી મળેલા સારા પ્રતિભાવ પછી તેમણે ‘ પોઝિટિવ સાથી’ નામની એક સંસ્થા પણ બનાવી છે, જે HIV પીડિત લોકોને એકબીજા સાથે મળાવવાનું કામ કરે છે. આ માટે તેઓ સમયાંતરે પુણે, મુંબઈ, સાંગલી, શોલાપુર જેવાં જુદાં જુદાં શહેરોમાં સંમેલનનું પણ આયોજન કરે છે, જ્યાં HIVગ્રસ્ત લોકો આમને સામને બેસીને લગ્નની વાત કરે છે. અત્યાર સુધીમાં તેઓ આશરે 20 આવાં સંમેલનો આયોજિત કરી ચૂક્યા છે. કેટલાંક સંમેલનોમાં તો બસો-અઢીસો HIV પીડિતોએ ભાગ લીધો છે.

image


અનિલ પોતાની સરકારી નોકરી માટે જેટલા પ્રામાણિક છે, એટલા જ તેઓ આ નેક કાર્ય મામલે ગંભીર પણ છે. એટલે તો તેઓ જણાવે છે કે તેમની વેબસાઇટ થકી કેટલાંક લગ્નો તો ગણતરીના કલાકોમાં જ થઈ ગયાં અને આજે તેઓ પોતાના પરિવાર સાથે ખુશ છે, આનંદિત છે. ભવિષ્યમાં અનિલની યોજના હવે HIVગ્રસ્ત અનાથ બાળકો માટે કામ કરવાની છે. હાલમાં તેઓ એક એવી યોજના પર કામ કરી રહ્યા છે, જેના થકી અનાથ HIVગ્રસ્ત બાળકોને સામાન્ય લોકો દત્તક લઈ શકે કે પછી તેમનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી લઈ શકે, જેથી HIV પોઝિટિવ જરૂરિયાતમંદ બાળકોની મુશ્કેલીઓ દૂર કરી શકાય.

વેબસાઈટ


લેખક- હરીશ બિશ્ત

અનુવાદક- સપના બારૈયા વ્યાસ