દરેક બાળક ભણશે ત્યારે જ તો જયતિ ‘જય’ બનશે ભારત

0

આજના હાઇ ફાઇ યુગમાં પણ ગરીબ બાળકના ભવિષ્યનું વિચારનાર વ્યક્તિઓ આપણી આસપાસ જોવા મળે તો ઘણું જ આશ્ચર્ય થાય! અહીં પણ એક એવી જ વ્યક્તિની વાત કરીશું કે જેને મલ્ટિનેશનલ કંપનીમાંથી મળતા ભારે ધરખમ પગાર કરતા ગરીબ બાળકોને શિક્ષિત બનાવવામાં વધારે રસ છે. જય મિશ્રા પણ કંઈક આવા જ લક્ષ સાથે ગરીબો બાળકોના શિક્ષણ પાછળ પોતાની જિંદગી ખર્ચી રહ્યાં છે!

જય મિશ્રા... જેણે પોતાની જિંદગીના શરૂઆતના 16 વર્ષ ખૂબ જ ગરીબાઈમાં પસાર કર્યા. આ સમય દરમિયાન તે એક ઝૂંપડામાં રહ્યાં. જિંદગીની મૂળભૂત જરૂરિયાતો જેમ કે રોટી, કપડા અને મકાન જેવી વસ્તુઓ પણ તેમના નસીબમાં નહોતી. આટલી ખરાબ પરિસ્થિતિમાં પણ જયના પિતાજી તેમના બાળકોને સારું શિક્ષણ અપવા માંગતા હતાં. જય તેમના પિતાજીને જ પોતાના રોલ મોડલ માનતા હતાં. તેમના પિતા પણ જયના ભણતર પર વધારે ધ્યાન આપતા હતાં અને તેઓ જયને પણ એવું જ શીખવાડતા કે તમારા કર્મ પર વિશ્વાસ રાખો અને ભણતર પ્રત્યે પૂરેપૂરું ધ્યાન આપો. તેમના પિતાજીએ PWDમાં એક પ્યૂનની નોકરી તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમની મહેનત અને લગનના કારણે તેઓ એક સમયે ગ્રામીણ બેંકના મેનેજરની પદવી સુધી પહોંચી ગયા. તેઓ તેમના દીકરાને પણ એક જ સલાહ આપતા હતાં કે શિક્ષણ જ એક માત્ર એવું સાધન છે જેના દ્વારા વ્યક્તિ પોતાની જિંદગી બદલી શકે છે, અને આ વાત જયના મગજમાં ઘર કરી ગઇ હતી.

એન્જિનિયર થયા પણ નોકરી ના મળતા હાર ના માની!

જયે ‘ટીચ ફોર ઇન્ડિયા ક્લબ’માં ટીચર તરીકે ભણાવવાની શરૂઆત કરી. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના જૌનપુરમાં થયો હતો. જયે પ્રારંભિક શિક્ષણ પણ ત્યાંથી જ લીધું હતું. પૈસાની તંગી ઘણી નડતી હતી પરંતુ ક્યારેય પણ તેમણે હાર ના માની. મેકેનિકલ એન્જિનિયરિંગમાં તેમને 89 ટકા મળ્યા હોવા છતાં પણ સારી નોકરી ના મળી શકી. એક સામાન્ય વ્યક્તિ માટે એન્જિનિયર થવા છતાં નોકરી ના મળે તો તે ઘણી જ નિરાશાજનક પરિસ્થિતિ કહી શકાય. પરંતુ જયે આ બાબતને ખૂબ જ હકારાત્મક સ્વરૂપે લીધી. દેશ માટે કંઇક કરવાની ઇચ્છા હંમેશાં તેમના મનમાં હતી જ. બસ અહીંથી જ તેમના જીવનમાં એક નવો વળાંક આવ્યો.

‘ટીચ ફોર ઇન્ડિયા’ - ભારતનું દરેક બાળક એજ્યુકેટેડ બનશે!

જ્યારે જય એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં હતાં ત્યારે તેમને ટીચ ફોર ઇન્ડિયા વિશે જાણવા મળ્યું. આ સંસ્થાનું વિઝન હતું કે એક દિવસ ભારતનું દરેક બાળક શિક્ષિત બને. આ વિઝનથી જય ઘણાં જ પ્રભાવિત થયા. તે જ સમયે જય એક રિસર્ચ પ્રોજેક્ટ ‘ક્વોલિટી ઓફ હાયર એજ્યુકેશન ઇન ઇન્ડિયા’ પર કામ કરી રહ્યાં હતાં. આ માટે તેમણે ટીચ ઇન્ડિયા વિઝનમાં પોતાનો સહયોગ આપવા માટેની તૈયારી બતાવી. તેઓ કહે છે કે આ સંસ્થામાં જોડાવા પાછળનું કારણ તેમની ગરીબાઈ નહીં પરંતુ ભારતના દરેક બાળકને યોગ્ય શિક્ષણ પ્રાપ્ત થાય તે હતું.

બસ આ રીતે તેઓ 2013માં ટીચ ઇન્ડિયા સાથે જોડાઇ ગયા. જય કહે છે કે, “એ દિવસ હવે બહુ દૂર નથી જ્યારે ભારતના દરેક બાળકને સારું શિક્ષણ મળશે.” આ વિઝનમાં તેઓ પ્રોજેક્ટ મેનેજર તરીકે કાર્ય કરે છે અને વધુમાં વધું સારુ કાર્ય કરવા માંગે છે, જેથી આ મિશન સફળ થાય.

ગરીબ બાળકોનુ ભણતર બેંક બેલેન્સ નહીં, આત્મસંતોષ આપતું!

જય માને છે કે એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરવા કરતાં ગરીબ બાળકોને ભણાવવાનું કામ સ્વીકારી તેમણે બહુ સારો નિર્ણય લીધો છે. મલ્ટીનેશનલ કંપનીની જોબ બેંક બેલેન્સ તો વધારી શકે છે પણ ગરીબ બાળકોને ભણાવવાથી જે આત્મસંતોષ મળે છે તે કોઇ કંપની આપી શકવાની નથી. જય જણાવે છે કે, “જ્યારે નાના નાના બાળકોને હું ભણાવું છુ, તેમની સાથે વાતો કરું છું, તેમના લંચબોક્સ શેર કરું છું ત્યારે મને સૌથી વધારે આનંદ મળે છે.” જય માને છે કે દરેક બાળક અલગ હોય છે અને તેમની અંદર રહેલી ખાસિયતો પણ અલગ હોય છે, પરંતુ જ્યારે આ બધા બાળકો સાથે મળી જાય ત્યારે એક સુંદર સંસાર બની જાય છે. જયે તેમની ફેલોશિપ 32 બાળકો સાથે શરૂ કરી અને આજે તેમની સાથે 360થી પણ વધારે બાળકો છે. આ બધા બાળકો ખૂબ જ ગરીબ છે. જેમની મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી નથી થતી. કેટલાંયે બાળકો બપોરે સંસ્થા તરફથી મળતા ભોજન પર જ આખો દિવસ કાઢે છે. કેટલાક બાળકો તો જમવાનું પેક કરીને ઘરે પણ લઇ જાય છે. કારણ કે તેમના ઘરમાં ખાવાનું હોતું જ નથી. આ બાળકોના માતા–પિતા કાળી મજૂરી કરતા હોય છે જેઓ પોતાના બાળકો સાથે પ્રેમ કે શાંતિથી સમય જ પસાર નથી કરી શકતા. પણ તેવા બાળકોને આ સંસ્થામાં ભરપૂર પ્રેમ મળે છે.

જય હવે બાળકોના શિક્ષક નહીં, એક મિત્ર!

જય હવે આ બાળકો માટે શિક્ષક નહીં પણ મિત્ર બની ગયા છે. બધા જ બાળકો પોતાની રોજિંદી દિનચર્યાની સાથે સાથે તેમના ઘરમાં ચાલી રહેલી સમસ્યાઓ અંગે પણ જય સાથે ચર્ચા કરે છે. જય પણ તેમની વાતો એક મિત્રની જેમ સાંભળે છે અને તેમને મદદરૂપ થવાનો પૂરેપૂરો પ્રયાસ કરે છે. આ ઉપરાંત, આ બાળકોની અંદર રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે પણ જય ઘણા જ પ્રયાસો કરે છે.

પોતાના ગામમાં સ્કૂલ ખોલવાનું સપનું

ભવિષ્યમાં જય પોતાના ગામડામાં એક સ્કૂલ ખોલવા માંગે છે. સાથે સાથે તેઓ રાજકારણમાં પણ જોડાવવા માંગે છે, જેથી તે બાળકોની વધુમાં વધુ મદદ કરી શકે. ફેલોશિપ દરમિયાન જયે પૂનામાં ‘પરિવર્તન સંસ્થા’ની શરૂઆત કરી. આ સંસ્થા બાળકો માટે કામ કરે છે. ‘પરિવર્તન’ દ્વારા મહિનામાં એક કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવે છે જેનું નામ છે ‘સંવાદ’. જેમાં તે બાળકોના માતા-પિતા સાથે વાતચીત કરે છે. ફેલોશિપ દ્વારા તેમણે પાંચ સંવાદ ઈવેન્ટ્સનું આયોજન કર્યું છે, જેમાં અલગ અલગ વિષયો પર ચર્ચા કરવામાં આવી.

Related Stories