‘ફૉરએવર યોગા’ના વસ્ત્રો પહેરો અને ‘યોગ’ને તમારી દિનચર્યામાં સામેલ કરો!

0

જેમ-જેમ યોગનો અભ્યાસ કરનારા લોકોની સંખ્યામાં રોજેરોજ વધારો થઇ રહ્યો છે તેમ તેમ જ તેની સાથે જોડાયેલા વસ્ત્રોની દુનિયા, જેને સામાન્ય રીતે ‘યોગ અપેરલ્સ’ તરીકે ઓળખવામાં આવે છે, તેનું બજાર પણ વધી રહ્યું છે. બજારના જાણકારોના અનુસાર યોગ વખતે પહેરવામાં આવતા કપડા અને તેની સાથે સંબંધિત અન્ય એક્ટિવિયર (સક્રિય વસ્ત્રો)નું બજાર વસ્ત્ર ઉદ્યોગનું સૌથી ઝડપથી વિકસિત થઇ રહેલું ક્ષેત્ર માનવામાં આવે છે અને આવનારા સમયમાં આ એક્ટિવ વિયરનું બજાર ૧૩ અબજ ડૉલરની આસપાસ રહે તેવું અનુમાન છે.

આ ઝડપથી ઉભરી રહેલા બજારમાં પોતાને સ્થાપિત કરવા અને યોગના વસ્ત્રોના આ ક્ષેત્રમાં એક નવો ચિલો ચાતરવા માટે ઘણી બ્રાન્ડ્સ આતૂર છે. પછી તે પહેલેથી જ આ વસ્ત્રોના ક્ષેત્રે સક્રિય અર્બન યોગ હોય કે પછી તાજેતરમાં જ આ ક્ષેત્ર ડગ ભરનાર ‘ફૉરએવર યોગા’ હોય, તમામ આ ઉભરી રહેલા બજારમાં પોતાની છાપ છોડવા માગે છે.

‘ફૉરએવર યોગા’નું કહેવું છે કે યોગ માટેનાં વસ્ત્રોના આ બજારમાં હાલ મહીલાઓની બોલબાલા છે. આ ટીમના કહેવા પ્રમાણે આ બજારના કુલ ૭૦ ટકા ભાગ પર મહીલાઓનું પ્રભુત્વ છે. આ મહીલાઓ મુખ્યત્વે એવા યોગ પરિધાનોને પસંદ કરે છે જે હવાદાર અને આરામદાયક હોવાની સાથે જ સ્ટાઇલિસ્ટ પણ હોય. અમિત ચાઁદ, શિવાબલન અને ક્ષમા મેનને ‘ફૉરએવર યોગા’ની સ્થાપના યોગ માટેના એવા વસ્ત્રો તૈયાર કરવાના આશયથી કરી હતી જેમને પહેરીને આસનોનો અભ્યાસ કરવા દરમિયાન વ્યક્તિએ પોતાના પહેરવેશ પ્રત્યે સતર્ક અને સાવચેત ના રહેવું પડે.

‘ફૉરએવર યોગા’નો દાવો છે કે તેમના વસ્ત્રોની આખી શ્રેણી દેશભરના યોગ નિષ્ણાતો અને આ ક્ષેત્રે જાણીતાં લોકો દ્વારા પરીક્ષણ કરાયા બાદ જ માર્કેટમાં ઉતારવામાં આવી છે. અમિત ચાઁદ આ અંગે કહે છે, ‘‘અમારી પ્રોડકટ્સની સઘળી શ્રેણી ફેશનના વર્તમાન ટ્રેન્ડ્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે અને તે આરામદાયક હોવાની સાથે જ સ્ટાઇલિસ્ટ અને અનૌપચારિક પણ છે. અમારી આખી શ્રેણી માત્ર યોગ માટે જ નહીં પણ તમારી આધુનિક જીવનશૈલીનો એક ભાગ બનવા પણ સક્ષમ છે.’’

તેના ત્રણેય સંસ્થાપકો એકબીજાને પહેલેથી જ જાણે છે અને છેલ્લા આઠ વર્ષથી એકસાથે કામ કરી રહ્યા છે. એક તરફ અમિત મેક્સ રિટેલમાં કામ કરતી વખતે મહીલાઓના વસ્ત્રો અને ડેનિમના કામને સંભાળતા હતા, તો બીજી તરફ ક્ષમા અને શિવબાલન તેમની આ ટીમમાં વિક્રેતાના રૂપમાં કાર્યરત હતા.

ગયા વર્ષે વ્યાપાર જગતમાં પ્રવેશ કર્યા બાદ અમિતે ક્ષમા સાથે થોડો વિચાર-વિમર્શ કર્યો હતો અને ત્યારે જ આ યોગ માટેના વસ્ત્રનો વિચાર સામે આવ્યો હતો. તે બાદ બંન્નેએ શિવાબલન સાથે તે વિચારના પક્ષ અને વિપક્ષ વિશે ચર્ચા-વિચારણા કરી હતી અને તેમને આ વિચાર ખૂબ જ પસંદ પડ્યો હતો અને તે પણ તેમની સાથે સહસંસ્થાપક તરીકે જોડાઇ ગઇ હતી.

‘ફૉરએવર યોગા’ મુખ્યત્વે ભારત ઉપરાંત દુનિયાભરનાં ૨૧થી ૪૦ વર્ષની વય જૂથના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને પોતાની પ્રોડકટ્સ તૈયાર કરી રહ્યું છે. અમિતના કહેવા અનુસાર, ‘‘અમે પુરૂષો માટે પણ વસ્ત્રો તૈયાર કરી રહ્યાં છીએ. જોકે, શરૂઆતમાં અમે મુખ્યત્વે મહીલાઓને ધ્યાનમાં રાખીને જ ડગ ભરી રહ્યાં છીએ.’’ તેમની તમામ પ્રોડકટ્સ નાની સાઈઝથી લઈને પ્લસ સુધી ઘણી સાઈઝમાં ઉપલબ્ધ છે.

હાલ ‘ફૉરએવર યોગા’ બજાર પર કબ્જો કરતા પોતાનું વેચાણ વધારવા માટે નવા યુગના ડિજિટલ અને સોશિયલ મીડિયા માર્કેટિંગનો સુપેરે ઉપયોગ કરી રહ્યું છે.

‘ફૉરએવર યોગા’નું માનવું છે કે તે બજારમાં ઉપલબ્ધ અન્ય હરિફોથી ઘણું અલગ છે કારણ કે તેમણે તૈયાર કરેલા વસ્ત્રોની ડિઝાઇન ઢીલા આકારની છે જે પહેરવામાં ઘણી આરામદાયક છે. અમિત કહે છે, ‘‘અમે ઇચ્છીએ છીએ કે યોગાસનોના અભ્યાસ અને પ્રદર્શન વખતે અમારા ગ્રાહકો પોતાના શરીર પ્રત્યે ચિંતિત થવાની જગ્યાએ પૂર્ણ આત્મવિશ્વાસ સાથે પોતાનું ધ્યાન પોતાના આસનો પર કેન્દ્રિત કરી શકે.’’ તેમનું આમ પણ કહેવુ હતું કે રમતોના વસ્ત્રો પર ધ્યાન નહીં આપીને હાલ તેઓ માત્ર આરામદાયક યોગ વસ્ત્રોના ક્ષેત્રે જ પોતાનું સઘળું ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે.

આ ટીમ સામે સૌથી મોટો પડકાર પોતાના રિસર્ચ અને ડેવલપમેન્ટ સેન્ટરની સહાયતાથી ભારતમાં જ કાપડ તૈયાર કરવાનો છે. અમિતના કહેવા પ્રમાણે, ‘‘અમે અમારી આ બ્રાન્ડને વાસ્તવિક રૂપે ‘મેક ઇન ઇન્ડિયા’ના રૂપમાં વધતી જોવા માગીએ છીએ. અમે આપણા દેશમાં જ આ કામ માટે વિશેષ કાપડ વિકસિત કરવાની દિશામાં સખત મેહનત કરી રહ્યા છીએ અને અમને આશા છે કે અમે જલ્દી જ આમ કરવામાં સફળ રહીશું. અને આગળની દિશામાં ડગ ભરતા અમે ઇચ્છીએ કે, ભવિષ્યમાં અમે અમારી પ્રોડકટ્સને તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતા કપડા, તેમને અલગ તારવવાની પ્રક્રિયા અને અન્ય તમામ સામાન પણ માત્ર ને માત્ર ‘મેડ ઇન ઇન્ડિયા’ જ હોય.’’

હાલ ‘ફૉરએવર યોગા’ બેંગલુરુંના પરા વિસ્તારમાં આવેલ છે અને તે ગયા મહીને જ શરૂ કરવામાં આવેલી પોતાની ઈ-કોમર્સ ચેનલના માધ્યમથી પોતાની પ્રોડકટ્સ વેચી રહી છે. તે ઉપરાંત, બજારના વલણને સમજવા માટે તેમણે બેંગલુરું અને મુંબઈમાં કેટલાંક એક્ઝીબિશન્સ ગોઠવવાનું પણ આયોજન કર્યુ હતું. અમિતના જણાવ્યા પ્રમાણે, ‘‘બંને શહેરોમાં આયોજિત આ એક્ઝીબિશનમાં અમને લોકોનો સારો સહકાર મળ્યો હતો અને અમે રોજના લગભગ ૨૦૦ની આસપાસ યુનિટ્સ વેચવામાં સફળ રહ્યા હતા. તે બાદ જ અમે અમારા પોતાના ઈ-કોમર્સ પ્લેટફોર્મના વિકાસ પર કામ શરૂ કર્યુ હતું.’’

હવે આ ટીમ પોતાની પ્રોડકટ્સની શ્રેણીના વિસ્તારની પણ યોજના ઘડી રહી છે. પોતાના ઈ-કોમર્સ પ્લેટફોર્મ ઉપરાંત નજીકના ભવિષ્યમાં એમબીઓના માધ્યમથી આખા દેશમાં પોતાની પ્રોડકટ્સ વેચવાની વિચારણા કરી રહી છે. અમિત કહે છે, ‘‘ અમારી બ્રાન્ડને પ્રોત્સાહન આપવા અને બજારમાં તેને આગળ વધારવા માટે અમે બી2બી અને બી2સી ના આધારે વેચાણ કરવા વિભિન્ન સંસ્થાઓનો સહયોગ લેવા તરફ પણ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. અમે હાલ કેટલીક સંસ્થાઓ સાથે કરાર પણ કર્યો છે અને કેટલાક સાથે વાતચીત હાલ પ્રારંભિક તબક્કામાં ચાલી રહી છે.’’

જેમ-જેમ દેશમાં યોગનો અભ્યાસ કરનારા લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, તેમ તેમ જ યોગ માટેના વસ્ત્રો અને કપડાની લોકપ્રિયતા પણ વધી રહી છે. હવે લોકો યોગને કોઇ અન્ય ફિટનેસ સત્રની દ્રષ્ટિએ જોવા લાગ્યા છે તેવામાં યોગ માટેના વસ્ત્રોના બજારમાં જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે જોઇએ તો યોગ માટેના વસ્ત્રોનું બજાર એક વ્યવસ્થિત બજાર છે અને તેમાં પ્રાણ અને યોગાસમોગા જેવા માર્કેટના ખેલાડીઓ પહેલાથી જ પોતાનો પગ જમાવીને ઊભા છે. ભારતમાં આ ક્ષેત્રમાં પ્રવેશ કરનારા નવા ખેલાડીઓને ‘ડૂ યૂ સ્પીક ગ્રીન’ અને ‘ઈશા શોપ’ જેવા બજારના ખેલાડીઓ સાથે હરિફાઇ કરવા ઉપરાંત ‘અર્બન યોગા’ જેવી બ્રાન્ડ્સ સામે પણ મુકાબલો કરવો પડશે.

હાલ ઘણા નવા ખેલાડીઓ આ ક્ષેત્રે ઝંપલાવવાની તૈયારીમાં છે. તે બધા સિવાય મોટા અને નામાંકિત યોગ કેન્દ્રો પોતાની બ્રાન્ડ અને સ્ટોર સંચાલિત કરી રહ્યા છે.

ફ્યૂચર લાઇફસ્ટાઇલ સમૂહના ઇન્ડર લીગ્યોર દ્વારા ૨૦૦૫માં શરૂ કરવામા આવેલ અર્બન યોગ ભારતીય યોગ પહેરવેશ ક્ષેત્રે સૌથી મોટી બ્રાન્ડ્સ પૈકી એક છે. વિભિન્ન રિસર્ચના તા!રણો પર વિશ્વાસ કરીએ તો અમેરિકામાં જ યોગના વસ્ત્રોનો વ્યાપાર ૨૭ અબજ ડોલર કરતા પણ વધારેનો છે. જો વૈશ્વિક વલણો પર નજર કરીએ તો આપણને જાણવા મળે છે કે યોગવિયર સૌને પાછળ છોડીને ખૂબજ ઝડપથી રોજિંદા પહેરવેશના બજાર પર કબ્જો કરી રહ્યું છે.

Related Stories