કંઇક નવું કરનાર અને હાર ન માનનાર જ બનશે એક સફળ સ્ટાર્ટઅપ – નિકેશ અરોડા

1

એમ કહેવાય છે કે જે બેચેન છે, તે જ જીવિત છે અને જે જીવિત છે તે કંઈક ને કંઈક તો કરશે જ. આ કંઈક ને કંઈક એક દિવસ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. એક સ્ટાર્ટઅપ માટે આ જ સૌથી મોટી મૂડી છે. જો સફળ થવું હોય, તમારા આઇડિયાને સફળ બનાવવો હોય, જો 'ઓલા કેબ' કે 'ફ્લિપકાર્ટ' જેવી કંપનીઓના સ્થાપક જેવા મોટા તમારે બનવું હોય તો સતત વિચારતા રહેવું પડશે, પ્રમાણિક પ્રયાસો કરવા પડશે અને પોતાની જાતને સાબિત કરી દેખાડવી પડશે. તેમ સોફ્ટ બેન્કના પ્રેસિડેન્ટ તેમજ સીઈઓ નિકેશ અરોડાનું માનવું છે.

TiECon દિલ્હી 2015ના કાર્યક્રમમાં નિકેશે કબૂલ્યું હતું કે હાલની પેઢીમાં કંઈક અલગ કરવાની હિંમત છે કે જે સિલિકોન વેલીમાં છે. તેના કારણે જ દેશમાં અત્યારે જે માહોલ છે તે એકદમ સિલિકોન વેલી જેવો છે. તેમણે સ્ટાર્ટઅપ્સને ઘણી અગત્યની સલાહો આપી હતી.

બિઝનેસ પ્લાન શું છે?

સ્ટાર્ટઅપ્સ માટે અગત્યનું એ છે કે તેમનો બિઝનેસ પ્લાન શું છે? તેઓ કયા પ્રકારની વસ્તુને આગળ લાવવાની કોશિશ કરી રહ્યા છે? તમારા આઇડિયા વિશે તમે શું શું કર્યું છે? આ દરમિયાન તમારે એટલું જ ધ્યાન રાખવાનું છે કે તમારા આઇડિયા અંગે સેટલડાઉન ન થઈ જશો. કહેવાનો અર્થ એ છે કે એમ વિચારીને બેસી ન જશો કે બસ મારાથી આટલું જ થઈ શકે તેમ છે. હવે આગળ નહીં થઈ શકે. તેથી બિઝનેસ પ્લાન બનાવતા પહેલાં આઇડિયા વિશે સતત વિચારો. કારણ કે વિચારવાનું કામ અને તેને ફળીભૂત કરવાનું કામ તમારું જ છે.

આઇડિયા કેટલો અગત્યનો અને મોટો છે?

હંમેશા કહેવામાં આવે છે કે વીસ નાના-નાના આઇડિયાને ભેગા કરીને એક મોટો આઇડિયા નથી બનતો. તેથી આઇડિયા કેટલો મોટો અને મહત્વનો છે તે વિચારવું જરૂરી છે. ઓલા કેબના સંચાલક ભાવેશ અગ્રવાલનું ઉદાહરણ તેનું સીમાચિન્હ છે. ભાવેશે જ્યારે ઓલા કેબની શરૂઆત કરી હતી ત્યારે તેમના પિતાએ પૂછ્યું હતું કે શું તું ટ્રાવેલ એજન્ટ બની ગયો? સ્વાભાવિક છે કે આજે તેનો જવાબ બધા પાસે છે. ઓલા કેબનો આઇડિયા કેટલો મોટો અને અગત્યનો છે તે આપણે સહુ જાણીએ છીએ. અડધી રાતે પણ તમને જો ટેક્સીની જરૂર પડે તો માત્ર પાંચ મિનિટના અંતરે એક ટેક્સી તમારી રાહ જોઈ રહી છે. જરૂર છે તો માત્ર ફોન કરીને ટેક્સી બૂક કરાવવાની. તેથી તમારો આઇડિયા કેટલો મોટો અને અગત્યનો છે તેનું ધ્યાન બીજા કોઈએ નહીં પણ તમારે જાતે જ રાખવાનું છે. અગત્યનો હોવાનો મતલબ એ છે કે તે એકસાથે કેટલા લોકોને પ્રભાવિત કરે છે. જો તેનો લાભ એકસાથે વધારે લોકો સુધી પહોંચતો હોય તો ચોક્કસપણે તમારો આઇડિયા મોટો છે. બસ તેને શ્રેષ્ઠ બનાવવા માટે તેને અમલમાં મૂકવાની જરૂર છે.

ઈ-કોમર્સનો ઉપયોગ

તમારા આઇડિયા સાથે એ પણ જરૂર વિચારો કે તેમાં ઈ-કોમર્સનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તેમ છે. જો ઈ-કોમર્સનો ઉપયોગ કરી શકાતો હશે તો તમારો આઇડિયા ચોક્કસપણે વધુ સંખ્યામાં લોકો સુધી પહોંચી શકશે. જો ઈ-કોમર્સનો ઉપયોગ ન થઈ શકે તેમ હોય તો તેનો વ્યાપ એક ચોક્કસ વર્ગ પૂરતો મર્યાદિત થઈ જશે. હાલ તહેવારોની મોસમ છે અને તેના કારણે જ છાપાંઓમાં સમાચારોની શરૂઆત પહેલાં, બીજાં કે ત્રીજાં નહીં ચોથાં પાનાંથી થાય છે તેનું કારણ છે ઈ-કોમર્સની વધી રહેલી અસર. અખબારનાં શરૂઆતનાં પાનાંઓ ઉપર ઈ-કોમર્સ અને તેની સાથે સંકળાયેલી વેબસાઇટની જાહેરાતોની ભરમાર હોય છે. તેથી સ્ટાર્ટઅપ માટે જે આઇડિયા વિચારો તેમાં ઈ-કોમર્સની ભાગીદારી હોય તેના ઉપર ભાર આપો.

તમે વિચારો કે તમે એક ગ્રાહક છો

આઇડિયા વિશે તમે જે કંઈ પણ વિચારો તે એવી રીતે વિચારો કે જાણે તમે એક ગ્રાહક છો. મતલબ એ છે કે તમે તમારા આઇડિયાને એવી રીતે વિચારો કે તમે એક ગ્રાહક છો અને તે આઇડિયા કોઈ બીજાનો છે. ત્યારબાદ વિચારો કે આ આઇડિયા એક ગ્રાહક તરીકે તમારા ઉપર કેવી અસર કરે છે. જો પરિણામ સારું હોય તો આગળ વધો અથવા તો એક ગ્રાહક તરીકે જે ખામીઓ લાગી રહી છે તેને દૂર કરો.

સફળતા કેવી રીતે મળશે?

ભારતમાં સ્ટાર્ટઅપ માટે આટલું સારું વાતાવરણ અગાઉ ક્યારેય નહોતું તે નક્કી વાત છે. તેવામાં સ્ટાર્ટઅપ કલ્ચરનું વિસ્તરણ થઈ રહ્યું છે. તેમાં સફળતા માટે કેટલીક વસ્તુ જરૂરી છે.

- તમારો આઇડિયા તમારી આસપાસની દુનિયાને કેવી રીતે બદલી રહ્યો છે તે અંગે જરૂરથી વિચારો. જો તે વિશે તમે ગહન વિચારણા અને રિસર્ચ કરી લીધું તો સફળતા મળશે.

- આઇડિયાનો અમલ કરવા માટે તમારી પાસે સારા લોકો હોવા જોઇએ. સારા લોકોનો અર્થ છે સારી ટીમ. કે જે તમને યોગ્ય સમયે પ્રમાણિક સલાહ આપે.

- તમારો વિચાર આપણી સંસ્કૃતિનો કેવો ખ્યાલ રાખે છે તે સમજવું પણ ખૂબ જ જરૂરી છે. કારણ કે 'આઉટ ઓફ બોક્સ' વિચારતી વખતે ઘણી વખત લોકો સંસ્કૃતિ વિરુદ્ધ વિચારી લે છે. તેવામાં મોટી સંખ્યામાં લોકો સુધી ન પહોંચી શકવાનું જોખમ રહેલું હોય છે.

રિસ્ક ફેક્ટર માટે તૈયાર રહો

સ્ટાર્ટઅપ માટે સૌથી મોટી સલાહ એ છે કે જોખમ માટે તૈયાર રહો. જોખમો કહીને નથી આવતા. તેથી એવું માનીને ચાલો કે તમારો આઇડિયા વધુ લોકો સુધી પહોંચવામાં સમય લેશે. એવામાં તમારે એ વિચારવું પડશે કે આ દરમિયાન પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવશે. સ્થિતિને સંભાળવા માટે તમે જરૂરી તકેદારી લીધી છે. જો તમે એમ નક્કી કરી લીધું છે કે તમે તેના માટે તૈયાર છો સફળતા મળશે જ તે નક્કી છે. અને એક દિવસ તમે ઘણાં સ્ટાર્ટઅપ્સ માટે પ્રેરણાસ્રોત બનશો.