નિરાધાર બાળકોનો હક અપાવવા કંઈ પણ કરી છૂટે છે 62 વર્ષનાં નિના નાયક! 

20 વર્ષની ઉંમરે સોશિયલ વર્કમાં પરિવાર અને બાળ કલ્યાણનાં સ્પેશિયલાઈઝેશનની માસ્ટર ડિગ્રી મેળવ્યાં બાદ તેઓ પછાતવર્ગનાં બાળકોનાં સુધાર કાર્યમાં જોડાઈ ગયાં.

0

નિના નાયક, 62 વર્ષનાં એક ઉત્સાહી મહિલા છે, જેમનો જીવન માટેનો રસ, તેમની ઉંમરનો ખોટો ખ્યાલ આપે છે. એક સામાજીક કાર્યકર અને ચાઈલ્ડ રાઈટ ઍક્ટિવિસ્ટ, તથા કર્ણાટક રાજ્યનાં કમિશન ફોર પ્રોટૅક્શન ઑફ ચાઈલ્ડ રાઈટ્સનાં, આ ભૂતપૂર્વ ચેયરમેન, દેશમાં બાળ સુરક્ષા અને કલ્યાણ માટેનાં કાયદાઓ તથા નિતીને સંપૂર્ણ રીતે સુધારવા માટેના કેમ્પેઈનનો એક મજબૂત અવાજ રહ્યાં છે. છેલ્લાં 30 વર્ષોથી, જ્યારથી તેઓ બાળકોનાં હક તથા વિકાસનાં ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યાં છે, તેઓ આ વિષયનું એક જીવતું-જાગતું જ્ઞાનકોષ બની ગયાં છે. તેઓ આ સિસ્ટમનાં ઘણાં પરિવર્તનોમાં યોગદાન આપી શક્યાં છે. નિના કહે છે, 

"હું ખુશ છું કે, હું મારા જેવાં વિચાર ધરાવતાં દેશબંધુઓ સાથે મળીને, બાળ હક તથા ભારત સરકાર દ્વારા, આ હકની નિતીઓની રચના તથા અમલીકરણ તરફ કાર્ય કરી શકી છું." 

વર્ષ 2000 માં, Juvenile Justice Act અને વર્ષ 2012 માં, Protection of Children against Sexual Offenses Act (POSCO) દ્વારા, આ અત્યંત ઉપેક્ષિત ક્ષેત્રમાં પગલાં લેવાયાં હતાં. જોકે, નિના અનુભવે છે કે, એક દેશ તરીકે, આપણે આપણા બાળકો માટે સુરક્ષિત જગ્યા બનાવવા માટે અને આ કાયદાઓનું પાલન કરવા માટે, હજી ઘણી લાંબી યાત્રા કરવાની છે.

તેમણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિવિધ જવાબદારીઓ સંભાળી છે, જેમ કે, બાળકોનાં હકની સુરક્ષા માટેનાં નેશનલ કમિશનનાં મેમ્બર, બાળ કલ્યાણ માટેનાં ભારતીય કાઉન્સિલનાં વાઈસ પ્રેસિડૅન્ટ, બાળકોનાં હકની સુરક્ષા માટેનાં કર્ણાટક રાજ્ય કમિશનનાં ચેયરપર્સન તરીકે, ત્રણ ટર્મ સુધી સેવા આપી અને વિવિધ NGO સાથે પણ કામ કરી ચૂક્યાં છે. કર્ણાટક રાજ્યનાં બાળ કલ્યાણ માટેનાં કાઉન્સિલનાં હૅડ તરીકે, તેમણે દત્તક લેવાની પદ્ધતિને વધુ પારદર્શી બનાવી, તથા વધુ બાળકોને ઘર મેળવવામાં મદદ કરી છે.

નિના એક સંયુક્ત કુંટુંબમાં ઉછર્યા હોવાથી, તેમની પાસે તેમનાં બાળપણની ઘણી મીઠી યાદો તાજી છે. તેમનાં પિતા સિવિલ સર્વિસિસમાં હોવાથી, તેમણે દેશની વિવિધ જગ્યાઓથી પોતાનું ભણતર પુરું કર્યું છે. તેમનાં પિતા તમિલનાડુનાં DGP તરીકે નિવૃત્ત થયાં હતાં, અને એક વિષેશાધિકારપ્રાપ્ત કહી શકાય, એવું બાળપણ તેમણે વિતાવ્યું. પણ નાની ઉંમરથી જ તેઓ હોવા-ન હોવાનો તફાવત જાણતાં હતાં. એક વાર તેમના એક શિક્ષકે, તેમની ક્લાસમાં ભણતાં એક ઍન્ગ્લો ઈન્ડિયન વિદ્યાર્થી વિશે અપમાનજનક શબ્દો કહ્યાં, ત્યારે નિના તેમનાં પર ઘણાં ગુસ્સે થયાં અને તેમના શિક્ષકને આ બાબતે ઠપકો આપતાં કહ્યું કે, તેમનું આ રીતે વાત કરવું ખોટું છે. તેમનાં શિક્ષક, આ બાબતની ફરિયાદ લઈને તેમનાં ઘર સુધી પહોંચી ગયાં હતાં. નિનાએ, એમના ઘરમાંથી જ લોકો પ્રત્યે કરુણાભાવ રાખવાની શીખ મેળવી હતી. તેમણે જોયું હતું કે, તેમના પિતા સામાજીક-આર્થિક પછાત વર્ગનાં લોકોની સમસ્યાઓને કેવી રીતે સાંભળતા હતાં. તેઓ તેમને બની શકે તેટલી, આર્થિક મદદ પણ કરતાં હતાં.

20 વર્ષની ઉંમરે સોશિયલ વર્કમાં, પરિવાર અને બાળ કલ્યાણનાં સ્પેશિયલાઈઝેશનની માસ્ટર ડિગ્રી મેળવ્યાં બાદ, તેઓ પછાતવર્ગનાં બાળકોનાં સુધાર કાર્યમાં જોડાઈ ગયાં. તેઓ હસતાં-હસતાં કહે છે, 

"જ્યારે તમે યુવાન હોવ છો, ત્યારે તમે દુનિયાને બદલી દેવા માગો છો. તમને એવું લાગે છે કે કોઈ વસ્તુ તમને આમ કરવાથી રોકી નહીં શકે."

નિના માને છે કે, ભારતમાં સેન્ટ્રલ અડૉપ્શન રિસોર્સ ઑથૉરિટી (CARA) હેઠળ, દત્તક લેવાની પદ્ધતિનું કેન્દ્રીકરણ, ખરી દિશામાં લીધેલું પગલું છે. CARA, મહિલા તથા બાળ વિકાસ મંત્રાલયનું એક સ્વાયત્ત અંગ છે, જે હેગ કનવેન્શનની જોગવાઈઓ અનુસાર, દેશમાં તથા આતંર-દેશોમાં દત્તક લેવાની પ્રક્રિયા પર નિયંત્રણ રાખે છે, તથા તેને સરળ બનાવવા તરફ કાર્ય કરે છે. માટે, પ્રાઈવેટ એજન્સીઓ તથા NGO દ્વારા, દત્તક લેવાની પ્રક્રિયા શરૂ કરવી, એ ગેરકાયદેસર મનાય છે. માન્યતા પ્રાપ્ત અડૉપ્શન એજન્સી, જ્યાં ભાવિ પાલક માતા-પિતા રહે છે, તેણે તેમની યોગ્યતા પર એક હોમ સ્ટડી રિપોર્ટ તૈયાર કરવી પડશે. આશા છે કે, આ બદલાવો દ્વારા, બાળકોને દત્તક લેવાં માગતાં અયોગ્ય લોકોને પારખીને તેમને દૂર કરી શકાશે, તથા ગુપ્ત રીતે ચાલી રહેલાં નાનાં ભૂલકાંઓનાં વેપારને પણ રોકી શકાશે. ચોક્કસ, હજી તો ઘણી લાંબી યાત્રા કરવાની છે. દાખલા તરીકે, કર્ણાટકનાં 30 જીલ્લાઓમાંથી, માત્ર 22 માં જ રજીસ્ટર્ડ અડૉપ્શન એજન્સીઓ છે, માટે, અન્ય જીલ્લાઓનાં બાળકો, સિસ્ટમમાંથી અદ્રશ્ય રહે છે.

નિના પોતે પણ દત્તક લીધેલાં 2 બાળકોની માતા છે. તેમના લગ્નનાં પાંચ વર્ષ બાદ, તેમણે તથા તેમના પતિએ, 7 મહિનાની બીમાર રહેતી અને માત્ર 3 કિલો વજનવાળી બાળકી દત્તક લીધી. આજે તેમની પુત્રી એક આર્ટ ટીચર છે, અને બે બાળકોની માતા પણ છે. અન્ય ભારતીય માતા-પિતાની જેમ, તેમના સાસરીયાઓ પણ રૂઢિચુસ્ત હતાં, અને શરૂઆતમાં દત્તક લેવા વિશે રાજી નહોતાં, પણ નિના તેમને મનાવવામાં સફળ રહ્યાં. થોડાંક વર્ષો બાદ, તેઓ કોલકાતાની એજન્સીની મુલાકાત દરમિયાન, એક નાના બાળકને મળ્યાં. એ બાળકનાં હૃદયમાં છિદ્ર હતું અને નિના જાણતાં હતાં કે, સ્વાસ્થ્યની સમસ્યાવાળા તથા મોટી ઉંમરનાં બાળકોને દત્તક લેવાનાં વિકલ્પો ઘટી જાય છે. તેઓ તે બાળક સાથે ભાવનાત્મક રીતે જોડાઈ ગયાં, અને તેને દત્તક લેવાનું નક્કી કર્યું. સર્જરી બાદ, તે બાળકનો સ્વસ્થ ઉછેર થયો. તેને બૅડમિન્ટન અને સ્ક્વોશ રમવાનું ઘણું પસંદ છે, અને હાલમાં તે તેની પત્ની સાથે ઑસ્ટ્રેલિયામાં રહે છે.

નિનાને એ વાતનું દુ:ખ છે કે, બાળકોનાં વિકાસ માટે અલગ રખાયેલાં બજેટની, માત્ર 3 ટકા રકમ જ બાળકો સુધી ખરેખર પહોંચે છે. તે બજેટની એક સારી રકમ વપરાયા વગર જ રહી જાય છે. તેઓ પૂછે છે, 

"જો સરકાર દ્વારા સંચાલિત કેન્દ્રીય વિદ્યાલયોમાં સારી કક્ષાનું શિક્ષણ આપી શકાય છે, તો તેવી જ કક્ષાનું શિક્ષણ, આંગણવાડીઓ તથા અન્ય સરકારી સ્કૂલોમાં કેમ આપવામાં નથી આવતું?"

નિનાએ આમ આદમી પાર્ટી (AAP) માં, થોડા સમય માટે કામ કર્યું, પણ તેઓ દક્ષિણ બેંગલુરુનાં મતવિસ્તારની ચૂંટણી, એક પીઢ ઉમેદવાર સામે હારી ગયાં. તેમને લાગે છે કે યુવાન તથા શિક્ષિત લોકોએ રાજનીતિમાં જોડાવું જોઈએ. નિના પોતાનો મત વ્યક્ત કરતાં કહે છે કે, “આજે આપણે જે ભ્રષ્ટાચાર જોઈ રહ્યાં છીએ, તે મધ્યમ વર્ગનાં શિક્ષિત લોકોએ દાયકાઓ પહેલાં રાજનીતિ ત્યજી દીધી હતી, અને પોતે, તથા પોતાનાં બાળકો માટે, સરકારી તથા પ્રાઈવેટ રોજગારની પસંદગી કરી લીધી હતી, તેનું પરિણામ છે." તેઓ આજનાં યુવાનોને કહેવા માંગે છે કે, 

"તમારા પૅશનને ફોલો કરો, અને બદલાવ લાવવાનો પ્રયત્ન કરો. તમે એક વધુ ન્યાયપૂર્ણ તથા બિન-ભેદભાવયુક્ત સમાજની રચના કરી શકો છો."


લેખક- શારિકા નાયર

અનુવાદક- નિશિતા ચૌધરી

Related Stories