શિક્ષકોને શિક્ષણનાં નવા કૌશલ્યો શીખવી રહ્યું છે ‘ગુરુજી’

0

શિવાનંદને લાગ્યું કે આજની શિક્ષણ વ્યવસ્થા કથળી રહી છે, એ માટે માત્ર શિક્ષકોનો જ વાંક કાઢી શકાય નહીં. સારી શિક્ષણ વ્યવસ્થા માટે સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓએ સાથે મળીને પ્રયાસ કરવો પડશે!

છેલ્લા બે દાયકામાં દુનિયાભરમાં શિક્ષણ અંગે ખાસ્સી ચર્ચા થઈ. શિક્ષણને વધુ સારું બનાવવાની દિશામાં પણ અનેક પ્રયાસ કરવામાં આવ્યા. ભારતમાં પણ શિક્ષણના પ્રચાર-પ્રસાર પર બહુ ભાર મૂકવામાં આવે છે. શિક્ષણને સારું બનાવવાની દિશામાં સરકાર દ્વારા અનેક મહત્ત્વપૂર્ણ પગલાં ભરવામાં આવે છે, સાથે સાથે અનેક સ્વૈચ્છિક સંગઠનો પણ આ દિશામાં પ્રયાસરત છે. આવો જ એક પ્રયાસ સમાજસેવક શિવાનંદ સાલગેન પણ કરી રહ્યા છે.

શિવાનંદને લાગ્યું કે આજની શિક્ષણ વ્યવસ્થા કથળી રહી છે, એ માટે માત્ર શિક્ષકોનો જ વાંક કાઢી શકાય નહીં. સારી શિક્ષણ વ્યવસ્થા માટે સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓએ સાથે મળીને પ્રયાસ કરવો પડશે. શિવાનંદ અને તેમના સાથીઓએ આ દિશામાં રિસર્ચ કરવાનું શરૂ કર્યું. તેઓ અનેક શાળાઓમાં ગયા અને શિક્ષકો સાથે વાત કરી. શિક્ષણની પદ્ધતિ (ટીચિંગ મેથડ) અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરી. ઘણી જાણકારીઓ લેવા અને આ દિશામાં ઘણું વિચાર્યા બાદ તેમણે ‘ગુરુજી’ને લૉન્ચ કર્યું. શિવાનંદ 'ગુરુજી'ના સહસંસ્થાપક છે.

‘ગુરુજી’ એક એવું ગેમીફાઇડ પ્લેટફોર્મ છે, જેની મદદથી શિક્ષકોને પોતાના વિષયને વધારે સારી રીતે ભણાવવામાં મદદ મળી રહી છે. આ ટૂલ શિક્ષકોને બહુ લાભકારક પુરવાર થઈ રહ્યું છે. આ ટૂલ એન્ડ્રોઇડ અને ટેબલેટ બેઇઝ્ડ સોલ્યુશન છે. આ ટૂલમાં શિક્ષકોએ એક વિષય પસંદ કરવાનો હોય છે અને ત્યાર બાદ સમગ્ર પાઠનું આયોજન સામે આવી જાય છે. આ પાઠ આયોજનમાં લેખિત શિક્ષણ સામગ્રી ઉપરાંત ચિત્ર, ઓડિયો અને વિડિયો પણ સામેલ હોય છે. બાળકોને કયા ટૂલની મદદથી સારી રીતે સમજાવવા માગે છે, એનો આધાર શિક્ષકો પર હોય છે. આનાથી શિક્ષકોનું કામ તો સરળ થઈ જ જાય છે, સાથે સાથે બાળકોને પણ ભણવાનો એક અલગ અને રસપ્રદ અનુભવ મળી રહ્યો છે.

ગુરુજીનું લક્ષ્ય એવી શાળાઓ સુધી પહોંચવાનું છે, જ્યાં ઘણાં બધાં ગરીબ બાળકો ભણી રહ્યાં હોય. શિવાનંદ ઇચ્છે છે કે ગુરુજી એવી જગ્યાએ પહોંચે જ્યાં તકનીક ક્યારેય નથી પહોંચી. જ્યાં અંગ્રેજી બોલાતી નથી. શિવાનંદ માને છે કે તેઓ જો આવાં સ્થળોએ પોતાની સેવાઓ પૂરી પાડવામાં સફળ થશે તો તેમને સમગ્ર ભારતમાં સફળ થતાં કોઈ રોકી શકે નહીં.

પોતાના આ કાર્યક્રમને વધારે વ્યાપક બનાવવા માટે શિવાનંદે વર્ષ 2012માં બાંદી પુરી, કર્ણાટક અને મધુમલાઈ, તામિલનાડુથી પોતાના પાઇલોટ પ્રોજેક્ટની શરૂઆત કરી. તામિલનાડુમાં તેમણે 50 શાળાઓમાં કામ કર્યું, જ્યાં તેમણે જુદાં જુદાં બાળકો અને શિક્ષકોની સાથે મળીને અનેક કાર્યશાળા યોજી. આ ઉપરાંત તેમણે પોતાના કન્ટેન્ટનો એનજીઓ, શિક્ષકો અને સરકારની મદદથી કન્નડ અને તમિલ ભાષામાં અનુવાદ કરાવ્યો.

આ પ્રોજેક્ટ બહુ સફળ રહ્યો. તેમની સફળતાના બે કારણો હતા. એક તો શિક્ષકોએ સરળતાથી નવી તકનીકને અપનાવી અને બીજું કારણ એ રહ્યું કે આ એટલું સરળ અને ઉપયોગી હતું કે શિક્ષકોને તેનો ઉપયોગ કરવાની ટેવ પડી ગઈ. ત્યાર બાદ 'ગુરુજી'એ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન,પોંડિચેરીમાં પણ પોતાના કાર્યક્રમો કર્યા અને હજાર કરતાં વધારે શિક્ષકો સાથે સંપર્કમાં રહ્યા.

'ગુરુજી'નું કન્ટેન્ટ છ માપદંડોના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં પરંપરાગત વિચાર એટલે કે સ્ટક્ચર્ડ થિંકિંગ, રીઝનિંગ, સમસ્યાનો ઉકેલ, કમ્યૂનિકેશન, જોડાણ અને સર્જનાત્મકતા સામેલ છે. શિવાનંદ જણાવે છે,

"એક પુસ્તક તમને જણાવે છે કે તમારે શું વાંચવું અને સમજવું છે. પરંતુ કઈ રીતે? પુસ્તક એ જણાવતું નથી, જ્યારે છ માપદંડને ધ્યાનમાં રાખીને બનાવાયેલું કન્ટેન્ટ શિક્ષકોને મદદ કરે છે કે તેઓ વિદ્યાર્થીઓને આ વિષય સરળતાથી સમજાવવામાં કઈ રીતે સફળ થઈ શકે છે."

તેમના એક પ્રોજેક્ટ ‘સ્કૂલ ઇન ધ ક્લાઉડ’ને વર્ષ 2013માં ટેડ પ્રાઇઝ એવોર્ડથી નવાજવામાં આવ્યો. સ્કૂલ ઇન ધ ક્લાઉડ પ્રોજેક્ટ એક ઇનોવેટિવ પ્રોજેક્ટ રહ્યો છે, જે સ્વઅધ્યયનની એક બહુ જ પ્રભાવશાળી રીત છે.

શિવાનંદ માને છે કે શિક્ષણ સ્વઅધ્યયનથી જ થવું જોઈએ. આ માટે આપણને કોઈ એવી તકનીક જોઈએ, જેના માધ્યમથી વિદ્યાર્થીઓ પોતે જ ભણી શકે. જોકે, શિક્ષકો પણ એટલા જ જરૂરી છે, કારણ કે તેઓ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે અને શિક્ષણને સુગમ બનાવવામાં વિદ્યાર્થીઓની મદદ કરે છે.

ગુરુજીની અત્યાર સુધીની સૌથી મોટી સિદ્ધિ એ રહી છે કે તે શાળામાં બાળકોની હાજરીને વધારી શક્યા છે. આની ટીમ આગલા વર્ષ સુધીમાં વધુ એક હજાર શાળામાં પહોંચવા માગે છે. સાથે સાથે આ લોકો ઇન્ટરનેશનલ માર્કેટ, મુખ્યત્વે આફ્રિકામાં દસ્તક દેવા માગે છે.

અત્યાર સુધી ગુરુજી પોતાનાં તમામ કાર્યો કરવા માટે દાન અને સ્થાનિક એનજીઓ પાસેથી મળતી આર્થિક મદદથી પોતાના કાર્યક્રમો ચલાવી રહ્યા છે. આનાથી આ લોકો કામ કરી શકે છે, પરંતુ તેમને કોઈ નફો મળતો નથી. જોકે ભવિષ્ય માટે યોજનાઓ બનાવવા અને તેમને સાકાર કરવા માટે તેમને નાણાંની જરૂર છે, એટલે હવે ગુરુજીનો વિચાર છે કે તેઓ કેટલાંક એવાં કાર્યો પણ કરે, જેનાથી તેમને આર્થિક નફો મળે અને તેઓ ગુરુજીને વધારે વિસ્તારી શકે.

લેખક – આશુતોષ ખંતવાલ

અનુવાદક – સપના બારૈયા વ્યાસ

Related Stories