Curefy ડાઉનલોડ કરો, તાત્કાલિક ફિઝિશનની સલાહ મેળવો

Curefy ડાઉનલોડ કરો, તાત્કાલિક ફિઝિશનની સલાહ મેળવો

Saturday December 05, 2015,

4 min Read

હેલ્થકેર, રિટેલ અને ઇક્વિટી રિસર્ચમાં આઠ વર્ષથી વધારેનો અનુભવ ધરાવતા રાઘવ સેહગલે નવું ઉદ્યોગસાહસ RxVault શરૂ કર્યું હતું, જે જુલાઈ, 2013માં દર્દીઓના ઇલેક્ટ્રોનિક હેલ્થ રેકોર્ડ (ઇએચઆર) સાચવવાની કામગીરી કરતા. 20 હજાર યુઝર્સ મળવા છતાં તેમાં સંતોષકારક વધારો નહોતો થઇ રહ્યો. અને તેમાંથી કમાણી કરવી મુશ્કેલ હતી. તે સમયે રાઘવ અને તેમના મિત્ર મયંક અગ્રવાલે ‘ક્યોરફાય’નો નવો વિચાર પ્રસ્તુત કર્યો હતો.

image


હેલ્થકેર સેગ્મેન્ટમાં કામ કરીને રાઘવને અહેસાસ થયો હતો કે શિફ્ટના કલાકો દરમિયાન ઇમરજન્સી રૂમના ડૉક્ટર્સ શિફટના કલાકોના 10થી 15 ટકા સમય માટે ફ્રી હોય છે. તેઓ કહે છે કે આ તમામ ડૉક્ટર્સ એમબીબીએસ ડિગ્રીધારકો છે, જેઓ થોડા વર્ષનો અનુભવ ધરાવે છે અને પ્રાઇમરી કેર ફિઝિશિયન્સ થવાની લાયકાત ધરાવે છે. રાઘવે વિચાર્યું હતું કે, ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ફ્રી સમયનો ઉપયોગ કરી શકાય, તો ડૉક્ટર્સની ઉપલબ્ધતાની સમસ્યાનું સમાધાન થઈ શકશે અને નાની બિમારી કે ઇજા માટે ક્લિનિક સુધી જવાની મુશ્કેલીમાંથી દર્દી છૂટકારો મેળવી શકશે.

રાઘવ કહે છે,

"અમારું સંશોધન દર્શાવે છે કે આશરે 80 ટકા કેસમાં જનરલ ફિઝિશિયનના કન્સલ્ટેશનની જરૂર હોય છે. ઉપરાંત 60થી 70 ટકા કેસમાં ડૉક્ટરને મળ્યા વિના દૂરથી નિદાન થઈ શકે છે. વોલ્યુમની રીતે આ 80 ટકા જનરલ ફિઝિશિયન કન્સલ્ટેશન્સ ભારતમાં ઓપીડી કન્સલ્ટેશન બજારના મૂલ્યનો 55થી 60 ટકા હિસ્સો પણ ધરાવે છે."

ડૉક્ટર્સ સરળતાથી ઉપલબ્ધ ન હોવા પર ઊંડાણપૂર્વક સંશોધન કર્યા પછી રાઘવને જણાયું કે 6 અબજ ડોલરનું હેલ્થકેર બજાર અત્યંત અસંગઠિત છે. જનરલ ફિઝિશિયન્સ અને પ્રાઇમર કેર પ્રોવાઇડર્સની હજુ પણ અન્ય કંપનીઓની અવગણના કરે છે, કારણ કે તેઓ મોટા ભાગે સ્પેશ્યાલિસ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

image


સ્થાપકોએ ક્યોરફાયમાં તેમની પોતાની બચતમાંથી 50,000 ડોલરનું રોકાણ કર્યું છે. કોઈ પણ હેલ્થટેક સ્ટાર્ટઅપ માટે પહેલો પડકાર દર્દીઓનો વિશ્વાસ જીતવાનો હોય છે અને ક્યોરફાયે દર્દીઓને ભરોસો જીતવાનો પડકાર સફળતાપૂર્વક ઝીલ્યો છે. અત્યારે તેણે ફોન (પાયલોટ) અને એપ મારફતે 1,300થી વધારે કન્સલ્સટેશન કર્યા છે.

તેઓ કહે છે, “અમારા યુઝર્સને 24×7, ભારતની શ્રેષ્ઠ હોસ્પિટલમાંથી 1 મિનિટની અંદર જ ડૉક્ટર્સ સાથે તાત્કાલિક વાત કરવા મળે તેવી સુવિધા અમે સુનિશ્ચિત કરીએ છીએ. અમે શરૂઆત ફોન લાઇન તરીકે કરી હતી અને થોડા સમય અગાઉ જ ટેકસ્પાર્ક્સ 2015માં એપ લૉન્ચ કરી છે. અમે ગ્રાહકોનો 98 ટકા સંતોષ અને 34 ટકા રીપિટ યુઝર્સ ધરાવીએ છીએ. 76 ટકા કન્સલ્ટેશન તાવ, શરીરમાં દુઃખાવો, ફ્લુ, હળવી ઇજાઓ વગેરે જેવી સામાન્ય બિમારીઓ સાથે સંબંધિત હોય છે. બાકીનું કન્સલ્ટેશન જાતિય અને માનિસક સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે. અમારા 65 ટકા ફોન કૉલ્સ સ્પેશ્યાલિસ્ટ રેફરલમાં પરિણમે છે.”

image


દર્દીઓ અને ડૉક્ટર્સ વચ્ચે સંબંધનું નિર્માણ

સ્પેશ્યાલિસ્ટ માટેની શોધખોળ કરવામાં ઘણો સમય લાગ્યો હતો. જોકે ક્યોરફાય સાથે તેઓ હોસ્પિટલ અને શૈક્ષણિક બેકગ્રાઉન્ડ જેવા ભરોસાપાત્ર પરિબળોના આધારે જનરલ ફિઝિશિયન સાથે વાતચીત કરીને તેઓ સમય બચાવી શકે છે. ક્યોરફાયની ક્ષમતા વધારવા યુઝર્સને એપ ઇન્સ્ટોલ કરવાની અને વન-ટાઇમ પાસવર્ડ લૉગ ઈન કરવાની જરૂર છે. એક વખત લૉગ ઇન થયા બાદ ટેક ટીમ સ્થળની જાણકારી મેળવશે અને યુઝરને તેના નજીકની હોસ્પિટલમાંથી ફિઝિશયન સાથે જોડશે. જો નજીકમાં કોઈ ઓનલાઇન નહીં હોય તો કન્સલ્ટેશન આપવા સમગ્ર ભારતમાં ઉપલબ્ધ ડૉક્ટર્સ માટે શોધ કરશે.

ક્યોરફાય 30,000થી વધારે કન્સલ્ટન્ટની માસિક કન્સલ્ટેશન ક્ષમતા ધરાવે છે. રાઘવનું કહેવું છે કે આ કન્સલ્ટેશન દિલ્હી-એનસીઆર, મુંબઈ અને બેંગલુરુની 25 મોટી હોસ્પિટલમાંથી ઊંચી લાયકાત ધરાવતા ડૉક્ટર્સ આપે છે.

ક્યોરફાય વોલેટ

આ એક સિક્યોર ઓનલાઇન વોલેટ છે, જેને યુઝર્સે કન્સલ્ટેશન શરૂ કરવા રૂ.100ના મિનિમમ બેલેન્સ સાથે પ્રીફિલ કરાવવું પડશે. યુઝર્સ અન્ય વોલેટ્સ કે પેમેન્ટ ગેટવે મારફતે તેમના એકાઉન્ટમાંથી ક્યોરફાય વોલેટમાં રૂપિયા ઉમેરી શકે છે. તમામ ડિસ્કાઉન્ટ, પ્રોમો કોડ્સમાંથી કેશ બેક વગેરે ક્યોરફાય ક્લોઝ વોલેટમાંથી સીધી ઉમેરાશે. જ્યારે યુઝર્સને 31 ડિસેમ્બર, 2015 સુધી ફ્રી કન્સલ્ટેશન મળશે, ત્યારે તેઓ તેમના ઇન્વાઇટ કોડ વહેંચી અને મિત્રોને રેફર કરીને તેમના ક્યોરફાય વોલેટમાં કેશ બેક ઉમેરી શકે છે.

રાઘવના જણાવ્યા મુજબ, ક્યોરફાય ડૉક્ટર્સ પાસેથી ચાર્જ નહીં લે. જ્યારે યુઝર્સને પાંચ મિનિટ દીઠ રૂ.100 અને પછી દર મિનિટે રૂ.10 ચુકવવા પડશે. કન્સલ્ટેશનના સમયગાળાના આધારે પેમેન્ટ તેમના ક્યોરફાય વોલેટમાંથી કપાઈ જશે.

સ્ટાર્ટઅપનો લક્ષ્યાંક

પ્રમોશનના ભાગરૂપે તમામ યુઝર્સને 31 ડિસેમ્બર, 2015 સુધી અનલિમિટેડ કન્સલ્ટેશન્સ ફ્રી ઓફ ચાર્જ મળશે. રાઘવનું કહેવું છે કે તેઓ જાન્યુઆરી 2016થી પેઇડ કન્સલ્ટેશન્સ એક્ટિવેટ કરશે.

વર્ષ 2017 સુધીમાં સ્ટાર્ટઅપનો ઉદ્દેશ 17.5 મિલિયન કન્સલ્ટેશન્સ સાથે 10 મિલિયન એપ ઇન્સ્ટોલેશનનો છે તેમજ ટોચના 100 શહેરમાં વિસ્તરણ કરવા ઇચ્છે છે. આવકની દ્રષ્ટિએ તેમને 40થી 45 મિલિયન ડોલર સુધી પહોંચવાની આશા છે.

હેલ્થટેક બજાર પર રોકાણકારોની બાજનજર

હેલ્થકેર સેગ્મેન્ટમાં માથાદીઠ ખર્ચ વર્ષ 2012માં 61 ડોલરથી વધીને વર્ષ 2015માં 89 ડોલર થવાનો અંદાજ છે. ભારતમાં હેલ્થકેર બજારનું કદ વર્ષ 2012-13ના 75 અબજ ડોલર હોવાનો અંદાજ હતો અને વર્ષ 2020 સુધીમાં તે વધીને 280 અબજ ડોલર થવાની ધારણા છે, જે વર્ષ 2017માં 160 અબજ ડોલર થઈ જશે. અત્યારે તેને આવક અને રોજગારી એમ બંને દ્રષ્ટિએ ભારતમાં સૌથી મોટા સેક્ટર્સ પૈકીનું એક સેક્ટર ગણવામાં આવે છે.

વર્ષ 2013માં હેલ્થકેર સેક્ટરમાં ચોખ્ખું રોકાણ 1.86 અબજ ડોલર અને વર્ષ 2014માં 309 મિલિયન ડોલર થયું હતું. જાન્યુઆરીથી જુલાઈ, 2015 સુધી હેલ્થટેક સેગમેન્ટે 3.37 બિલિયનનું વિદેશી ભંડોળ આકર્ષ્યું છે, જે સ્થાનિક મૂડી બજારમાં કુલ વિદેશી ભંડોળના પ્રવાહમાં લગભગ 50 ટકા છે.

ટેકનોલોજીનો ઉપયોગ વધારીને સ્ટાર્ટઅપ્સે હેલ્થકેરને તમારા આંગળીના ટેરવે લાવીને મૂકી દીધી છે, પછી તે જનરલ ફિઝિશિયન્સ હોય, સ્પેશ્યાલિસ્ટ્સ હોય, ડૉક્ટર્સ હોય, કે દવાઓ વગેરે હોય. પણ તમામ સ્ટાર્ટઅપ્સ વચ્ચે ગળાકાપ સ્પર્ધા જામી રહી છે અને હજુ વધુ જામશે, ત્યારે કોણ વધારે બજાર હિસ્સો મેળવશે તે જોવાનું રહેશે.

Website

લેખક- અપરાજિતા ચૌધરી

અનુવાદક- કેયુર કોટક