અરે! ખીચડી નહીં, ફાસ્ટફૂડ કહો હુજૂર, ‘ખીચડીવાલા’ની સેવા લેજો જરૂર!

અરે! ખીચડી નહીં, ફાસ્ટફૂડ કહો હુજૂર, ‘ખીચડીવાલા’ની સેવા લેજો જરૂર!

Monday October 12, 2015,

3 min Read

એવું કહેવાય છે ને કે ‘દિખાવે પે મત જાઓ, અપની અકલ લગાઓ’. પોતાની અક્કલનો ઉપયોગ કરીને બે યુવાનોએ સાધારણ ખીચડીને નવી ઓળખ આપી. એટલું જ નહીં, પરંતુ પોતે વેપારમાં પણ ઉસ્તાદ બની ગયા. એક સામાન્ય ખીચડી બે યુવા ઉદ્યોગસાહસિકો મનીષ ખાનચંદાની અને સાગર ભજાની માટે સફળતાની સીડી બની ગઈ છે. આ જોડી નાગપુરમાં એક રેસ્ટોરાં ચલાવે છે જેમાં તેઓ 15 પ્રકારની ખીચડી વેચે છે.

સામાન્ય રીતે દર્દીઓનું ભોજન ગણાતી ખીચડી પર આ બંનેએ પોતાની દુકાનમાં ઘણા પ્રયોગો કર્યા છે. અને તેને યોગ્ય કિંમતે વિવિધ સ્વાદોમાં વેચીને તેનું રિબ્રાન્ડિંગ કર્યું છે. સાગરનું આ અંગે કહેવું છે, “ખીચડી સદીઓથી આપણાં ભોજનનું એક અભિન્ન અંગ બની ગઈ છે. અમે તેની મૂળ રેસિપીને યથાવત્ રાખીને તેમાં થોડી અન્ય વસ્તુઓ ઉમેરીને તેનો સ્વાદ બદલવાની કોશિશ કરી છે. અત્યાર સુધી આ તમામ પ્રયોગો સફળ પણ રહ્યાં છે.”

image


એક વર્કશોપથી બિઝનેસ મોડલ – 21 દિવસની સફર

ખાવાના ખૂબ જ શોખીન અને ‘ખીચડીવાલા’ પાછળ જેનું મૂળ ભેજું છે તેવા મનીષે પોતાના શોખ માટે એમબીએ પૂર્ણ કર્યા બાદ કેમ્પસ ઇન્ટરવ્યૂમાં ભાગ નહોતો લીધો. ‘ખીચડીવાલા’ના મનીષના વ્યાપારિક વિચારથી સાગર એટલો પ્રભાવિત થયો કે તે પણ સાથે જોડાઈ ગયો. સાગર પોતાનાં એક જ બીબાંઢાળ કામથી કંટાળી ગયો હતો. એક સત્ય એ પણ હતું કે આ આઇડિયા એકદમ નવો અને અનોખો હતો. બંને આ સાધારણ ખીચડીને અલગ રીતે ખાસ કરીને ફાસ્ટફૂડ તરીકે વેચવા માગતા હતા.

‘ખીચડીવાલા’માં આરોગ્યપ્રદ વાનગીઓ પીરસવામાં આવે છે

‘ખીચડીવાલા’ના સ્થાપકોનું માનવું છે કે આજે બજારમાં જે ફાસ્ટફૂડ મળે છે તે આરોગ્યપ્રદ નથી. તેથી તેમનો શરૂઆતથી જ એવો પ્રયાસ રહ્યો કે તેઓ જે ભોજન પીરસે તે આરોગ્યપ્રદ હોય. અને તેવામાં ખીચડીથી શ્રેષ્ઠ બીજું કશું જ ન હોઈ શકે.

લસ્સી, છાશ અને શિકંજી જેવાં પીણાંઓ પણ અહીં વેચાય છે. પરંતુ અહીં ગેસ ધરાવતાં પીણાં બિલકુલ વેચવામાં નથી આવતાં. તેમનાં રેસ્ટોરાંમાં પાર્સલ, હોમ ડિલિવરી અને બેસીને ખાવાની સુવિધા છે. તેમાં સૌથી વધારે લોકપ્રિય બેસીને ખાવાની સુવિધા છે. તેમની આવકમાં સૌથી વધુ ભાગ ત્યાં બેસીને જમનારાઓ પાસેથી મળે છે. જ્યારે 33 ટકા આવક હોમ ડિલિવરીમાંથી મળે છે. બંનેનું માનવું છે કે તેમનું રેસ્ટોરાં જે જગ્યાએ છે તેના કારણે તેમના વેપારની વૃદ્ધિને ખૂબ જ મદદ મળી છે.

તેમનું રેસ્ટોરાં નાગપુરમાં આઈટી પાર્ક પાસે આવેલું છે. અને તેના જ કારણે તેમની રેસ્ટોરાંનાં સૌથી વધારે ગ્રાહકો આઈટી પાર્કમાં કામ કરનારા કર્મચારીઓ છે. તેઓ લંચ બ્રેકના સમયે તેમની રેસ્ટોરાંમાં આવે છે. એક સામાન્ય દિવસમાં તેઓ 120થી130 ખીચડીના ઓર્ડર્સ સર્વ કરે છે. તેની કિંમત પણ ખૂબ જ આકર્ષક એટલે કે રૂ.45થી રૂ.120 સુધીની છે.

image


શરૂઆતનું રોકાણ

બંનેએ પોતાના વેપારની શરૂઆત કંપનીની સામાન્ય મદદ, સાગરે નોકરી દરમિયાન બચાવેલાં નાણાં અને પરિવારજનોએ આપેલાં ઉછીનાં નાણાંથી કરી હતી. જોકે, આ એક વર્ષ જૂની કંપનીએ બજારમાં પોતાની સારી એવી પકડ જમાવી લીધી છે. તેઓ મેના અંત ભાગમાં નાગપુરમાં પોતાની બીજી શાખા શરૂ કરવા માટે વિચારી રહ્યા છે. ત્યારબાદ તેમની આગામી યોજના ફ્રેન્ચાઇઝી કરવાની છે.

સાગરે જણાવ્યું હતું કે અત્યાર સુધી સાત લોકોએ ફ્રેન્ચાઇઝી શરૂ કરવા માટે અમારી પાસે ગંભીરતાપૂર્વક પૂછપરછ કરી છે. તેમાંના પાંચ લોકો નાગપુર બહારના છે. અમે અમારા વેપારને નાગપુરની બહાર લઈ જવા માંગીએ છીએ તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

‘ખીચડીવાલા’ની સૌથી વધુ વેચાતી વાનગીઓ

‘ખીચડીવાલા’નાં મેન્યુની સૌથી પ્રિય વાનગી ગાર્લિક ખીચડી છે. જેમાં લસણનો સ્વાદ હોય છે. (તેમાં ખીચડી માટે ચોખા તેમજ અન્ય દાળ સાથે લસણના નાના ટુકડા નાખવામાં આવે છે)

જે લોકો મસાલેદાર ખીચડી ખાવાનું વધારે પસંદ કરે છે તેઓ સાઉજી ખીચડી વધારે મંગાવે છે. તેનું નામ નાગપુરની એક મસાલેદાર વાનગી સાઉજી ઉપરથી રાખવામાં આવ્યું છે. આ ખીચડીમાં મસાલાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. તેમનાં રેસ્ટોરાંની સૌથી વધુ લોપ્રિય ખીચડી ઇટાલિયન ખીચડી છે. તેને ઇટાલિયન રિસોટોનું ભારતીયકરણ કહી શકાય. આ ખીચડીમાં ચીઝ, સ્વીટકોર્ન, કેપ્સિકમ વગેરે નાખવામાં આવે છે. તેમાં યુરોપિયન મસાલા જેવા કે ઓરગેનો, થાઇમ અને બેસિલ નાખવાથી એક અનોખો સ્વાદ મળે છે.