એન્જિનિયરિંગની નોકરી છોડી વિજય ઠાકુર બની ગયા ટેક્સી ડ્રાઇવર!

પત્નીની પીડા જોઈને પહાડ કાપીને જાહેર માર્ગ બનાવનારા બિહારના માંઝી જેવા જ એક જાંબાઝ માણસ માયાનગરી મુંબઈના અંધેરીમાં આજે પણ જીવતા અને જીવંત છે

એન્જિનિયરિંગની નોકરી છોડી વિજય ઠાકુર બની ગયા ટેક્સી ડ્રાઇવર!

Saturday May 21, 2016,

7 min Read

પોતાના લોકોની પીડાનો અહેસાસ કરીને અન્યોના જખમોને મલમ લગાવવું આસાન નથી હોતું. એ પણ એવી સ્થિતિમાં જ્યારે દર્દ એક હદથી વધીને કોઈ અત્યંત ખાસ વ્યક્તિ આ દુનિયાને અલવિદા કહી ગઈ હોય. આવું તો કોઈ ઉદાર હૃદયવાળી વ્યક્તિ જ કરી શકે, જે જીવનના સંકટભર્યા ગાળામાં પણ નિરાશા સામે ઘૂંટણ ટેકવ્યા વિના સમસ્યાઓને જ પોતાના પગ તળે કચડીને ચાલવાનું સાહસ ધરાવતા હોય. પોતાની પત્નીની પીડાને જોઈને એક મોટા પહાડને કાપીને ગામલોકો માટે જાહેર માર્ગ બનાવનારા બિહારના માઉન્ટનમેન દશરથ માંઝી અંગે તમે સાંભળ્યું હશે. પત્ની પ્રત્યેના અગાધ પ્રેમ અને સ્નેહે માંઝીને અન્યોની પીડાને અનુભવી અને તેને દૂર કરવા પ્રેરિત કર્યા હતા. માંઝી એક વીતેલી કાલ જેવા છે, જેમના સ્મરણો અને કિસ્સા-કહાનીઓ હવે રહી ગયા છે, જોકે, માંઝી જેવા જ એક માણસ માયાનગરી મુંબઈના અંધેરીમાં આજે પણ જીવતા અને જીવંત છે. જોકે, તેમણે કોઈ પહાડ કાપીને માર્ગ નથી બનાવ્યો, ન કોઈ શહેનશાહની જેમ પોતાની પત્નીની યાદમાં આલીશાન તાજમહેલ ઊભો કર્યો. હા, તેમણે આશરે છેલ્લાં 30 વર્ષોમાં હજારો લોકોની જિંદગી બચાવવામાં મદદ કરી છે. તેઓ પોતાની ટેક્સી થકી રાતના સન્નાટામાં પીડાથી સિસકારા મારતા દર્દીઓને હોસ્પિટલ પહોંચી રહ્યા છે. દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવાનું કામ તેઓ સાવ મફતમાં અને એ પણ નિસ્વાર્થભાવે કરી રહ્યા છે. પૈસા તો ઠીક તેઓ કોઈ પાસે દુવા-આશીર્વાદની અપેક્ષા પણ રાખતા નથી, કારણ કે આ કામમાંથી મળતો જ સંતોષ જ તેમના માટે સૌથી મોટી કમાણી છે. આવું કરવા પાછળનું કારણ એ છે કે પીડા અને દર્દને તેમણે પોતાની આંખે જોયું હતું અને અનુભવ્યું હતું. તેનાથી પણ રસપ્રદ એ છે કે તેમનું ટેક્સી ડ્રાઇવર બનવું તેમના ભાગ્યમાં લખેલી વાત નથી, બલકે આ વ્યવસાયને તેમણે પોતાની મરજીથી પસંદ કર્યો છે અને એ પણ એક મલ્ટિનેશનલ કંપનીમાં એન્જિનિયરિંગની નોકરી છોડીને. એન્જિનિયરની નોકરી છોડીને એક ટેક્સી ડ્રાઇવર બનવા પાછળની કહાણીમાં છુપાયેલું છે એક અનંત દર્દ અને કોઈ પોતાની વ્યક્તિથી વિખુટા પડવાની દારૂણ વેદના.


એક સમયે પોતાના સદભાગ્ય પર હતો ગર્વ

મુંબઈના અંધેરી વિસ્તારમાં રહેનાર અને 11 ભાષાઓના જાણકાર 74 વર્ષના વિજય ઠાકુર ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લામાં એક ઉજળીયાત પરિવારમાંથી આવે છે. મથુરા શહેરની એક સરકારી કૉલેજથી તેમણે 1967માં પોલિટેક્નિક કરેલું. અભ્યાસ બાદ નોકરીની શોધમાં તેઓ મુંબઈ આવી ગયા. એલએન્ડટી કંપનીમાં તેમને નોકરી મળી. લગભગ 18 વર્ષ સુધી તેમણે આ કંપનીમાં પોતાની સેવાઓ આપી. આ દરમિયાન તેમનાં લગ્ન થયાં અને બે બાળકોથી ઘર ભરાઈ ગયું. વિજય ઠાકુરની જિંદગી બહુ સંતોષ અને આસામથી ચાલી રહી હતી. તેમને પોતાના સદનસીબ પર ગર્વ હતો. તેમણે પોતાના જીવનમાં ક્યારેય કશાનું દુઃખ નહોતું જોયું. પોતાની ભાવિ જિંદગી માટે તેમણે હસીન સપનાંઓ સજાવ્યાં હતાં. જોકે, અચાનક તેમના જીવનને કોઈની નજર લાગી ગઈ. વિજયની જિંદગીએ અચાનક મોટો વળાંક લીધો અને દુઃખ અને પીડામાં ડૂબી ગઈ. એવું દર્દ મળ્યું જે આજીવન હતું. પહેલાં તેમની પત્નીનું નિધન થઈ ગયું, પછી થોડા દિવસો પછી તેમના દીકરાનું મોત થઈ ગયું. તેમણે જ્યારે જાતને સંભાળી તો તેમના બીજા બેન્કર દીકરા અને વહુએ તેમનો સાથ છોડી દીધો. આગળનું જીવન જીવવા માટે તેમણે એક દીકરી દત્તક લીધી. પછી તો એ બાળકીનો ઉછેર અને ગરીબ દર્દીઓની સંભાળ જ તેમની જિંદગીના ઉદ્દેશ બની ગયા.

એ અપશુકનિયાળ રાત.... અને એક એન્જિનિયર બની ગયો ટેક્સીવાળો

આ ઘટના ઈ.સ. 1984ની છે. રાતના લગભગ અઢી વાગ્યા હતા. વિજય ઠાકુરની પત્નીને અચાનક પ્રસવ પીડા ઉપડી. પત્નીને હોસ્પિટલે પહોંચાડવા માટે ટેક્સીની તાત્કાલિક જરૂર હતી. તેઓ રોડ અને આજુબાજુના ટેક્સી સ્ટેન્ડમાં ટેક્સી ભાડે કરવા ગયા. ટેક્સીમાં સૂઈ રહેલા એક ટેક્સીચાલકે પીડાથી કણસતી મહિલાને દવાખાને પહોંચાડવાનો ઇનકાર કર્યો. બીજી તરફ વિજય ઠાકુરની પત્નીની પીડા સતત વધતી જતી હતી અને વિજય ટેક્સી ડ્રાઇવર સામે કરગરતા હતા. ઘણા સમય પછી એક ડ્રાઇવર હોસ્પિટલ પહોંચાડવા તૈયાર તો થયો, પરંતુ તેણે મનફાવે એટલું ઊંચું ભાડું વસૂલ્યું. આજથી 32 વર્ષ પહેલાં એ ટેક્સીવાળાએ માત્ર ચાર કિલોમીટર માટે તેમની પાસેથી 300 રૂપિયા પડાવ્યા હતા. વિજય ઠાકુરે પોતાની પત્નીને હોસ્પિટલ પહોંચાડી ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. તેમની પત્નીનું મોત થઈ ગયું. ડૉક્ટરે કહ્યું કે સમયસર હોસ્પિટલ લઈ આવ્યા હોત તો તમારી પત્નીને બચાવી શકાયા હોત.

આ ઘટના પછી છોડી દીધી નોકરી

આ ઘટનાએ વિજય ઠાકુરને અંદરથી હચમચાવી નાખ્યા. પૂરતાં પૈસા અને સમય હોવા છતાં તેઓ પોતાની પત્ની અને બાળકોને બચાવી શક્યા નહોતા. આનું કારણ ટેક્સી ડ્રાઇવર્સનું બેજવાબદાર વલણ હતું. સમસ્યાથી ઘેરાયેલા માણસ પ્રત્યે અન્ય માનવીના આવા વલણથી તેઓ આઘાત પામ્યા હતા. આ મુદ્દે તેમણે બહુ વિચાર્યું અને છેવટે તેમણે તારણ કાઢ્યું કે કોઈ સવારી કે દર્દીને પોતાની ટેક્સીમાં બેસાડવા કે ન બેસાડવા એ ટેક્સીવાળાની મરજીનો સવાલ છે. તેના પર કોઈ બળજબરી ન કરી શકાય. આવું કરવાનો કોઈ કાયદો પણ નથી. ઠાકુરે વિચાર્યું કે આવી ઘટના માત્ર તેમની સાથે જ બની હોય એવું કદાચ નથી. ટેક્સીવાળાઓને કારણે અન્ય લોકો પણ મુશ્કેલીમાં મુકાયા હશે કે મુકાતા હશે. એટલે તેમણે પોતે ટેક્સી ચલાવવાનો નિર્ણય કર્યો, એ પણ ખાસ એવા લોકો માટે જેમને રાત્રિના સમયે બીમારીની સ્થિતિમાં હોસ્પિટલ જવામાં મુશ્કેલી પડતી હોય. આ પહેલાં તેમણે પોતાની નોકરી છોડી દીધી. નોકરી છોડવાનું કારણ જાણતાં તેમના સાથીદારોએ તેમને બહુ સમજાવ્યા, પરંતુ તેમણે કોઈનું ન સાંભળ્યું. નોકરી છોડીને તેમણે ટેક્સી ખરીદી અને તેને ચલાવવાનું શરૂ કર્યું. એ દિવસથી તેઓ રાતના સમયે દરેક જરૂરિયાતમંદની મદદ કરી રહ્યા છે.

દર્દી પાસેથી નથી લેતા ભાડું

વિજય ઠાકુર ક્યારેક રાતે તો ક્યારેક દિવસના સમયે ટેક્સી ચલાવે છે, પરંતુ દર્દીઓ માટે તેમની સેવા 24 કલાક ચાલે છે. દર્દીને હોસ્પિટલ પહોંચાડવાનું તેઓ ભાડું લેતા નથી. તેમણે પોતાની ટેક્સી પાછળ મોબાઇલ નંબર અને સંદેશ લખ્યો છે, જેને લીધે કોઈ પણ તેમની ટેક્સીને ક્યારેય પણ ફોન કરીને તેમને બોલાવી શકે છે. તે બીમાર લોકોને પોતાનું કાર્ડ પણ આપે છે, જેથી તેઓ અન્ય લોકો સુધી તેમની સેવાની જાણકારી પહોંચાડી શકે. ઠાકુર કહે છે,

“કમાણી ગમે તેટલી હોય તો પણ ખર્ચાઓની આગળ તે હંમેશાં ઓછી પડે છે. અત્યારે હું દર મહિને 15 હજાર રૂપિયા સુધી કમાઈ લઉં છું. એન્જિનિયર તરીકે નોકરી કરતો હોત તો કમ સે કમ ત્રણ ગણા વધારે પૈસા કમાતો હોત જીવવા માટે પૈસા કમાવા છે કે કમાવા માટે જીવવું છે, તે તમારે નક્કી કરવાનું હોય છે. ગરીબો અને જરૂરિયાતમંદોની સેવા કરીને મને અંદરથી આનંદ મળે છે, જે કોઈ પણ પૈસાથી ખરીદી શકાતો નથી.”

બાળકીનો જીવ બચાવ્યો

વિજય ઠાકુર એક ઘટનાનો ઉલ્લેખ કરતાં કહે છે,

“એક વાર એક કાર દુર્ઘટનામાં એક મહિલા અને બાળકી ગંભીર રીતે ઘવાયાં હતાં. મેં બન્નેને હોસ્પિટલ પહોંચાડ્યાં. મહિલાનું મોત થઈ ગયું, પરંતુ ડૉક્ટરોએ બાળકીને બચાવી લીધી. આ ઘટના પછી એ મહિલાના પતિ જે એક મોટો બિઝનેસમેન હતા, તેમણે મારો આભાર માન્યો અને મારી સામે તેમની તિજોરી ખોલીને મૂકી દીધી અને કહ્યું કે જેટલા પૈસા જોઈએ લઈ લો, પરંતુ મેં કશું લેવાનો ઇનકાર કરી દીધો.”

વધુ એક ઘટનાની વાત કરતાં તેમણે કહ્યું કે આગથી બળેલી એક મહિલાને હોસ્પિટલ પહોંચાડવાનો તમામ ટેક્સીવાળાઓએ ઇનકાર કરી દીધો, પરંતુ તેમણે તેને હોસ્પિટલ પહોંચાડી અને તેનો જીવ બચી ગયો. વિજયભાઈ દર્દીઓને માત્ર હોસ્પિટલ જ નથી પહોંચાડતા, બલકે તેઓ સાજા ન થઈ જાય ત્યાં સુધી સતત તેમની સંભાળ રાખે છે. ઘણા દર્દીઓ તેમને ઓળખવા માંડ્યા છે. મુંબઈમાં 2005 અને 2008માં આવેલા પૂરમાં પણ તેમણે ઘણા લોકોની મદદ કરી હતી.

કોઈ ટેક્સીવાળો કહે તો થાય છે ગર્વની અનુભૂતિ

વિજય ઠાકુર અત્યાર સુધીમાં 5000થી વધારે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડી ચૂક્યા છે. અત્યારે તેમની ઉંમર 74 વર્ષ છે. તેઓ કહે છે કે કોઈ જ્યારે તેમને ટેક્સીવાળો કહીને બોલાવે છે ત્યારે મને ગર્વની અનુભૂતિ થાય છે. ઠાકુરને તેમના કામ માટે આજે દેશના જ નહિ, દુનિયાભરના લોકો ઓળખે છે. તેમને ટેલિફોન કરે છે અને તેમના ખબરઅંતર જાણે છે. તેમના કામની અનેક ફિલ્મી હસ્તિઓએ પણ પ્રશંસા કરી છે. વિજય ઠાકુર અમિતાભ બચ્ચનની સાથે એક ટીવી વ્યૂઝ ચેનલ પર પોતાનો ઇન્ટરવ્યૂ પણ આપી ચૂક્યા છે. અનેક અખબાર અને ન્યૂઝ ચેનલોએ તેમની સેવાની કદર કરતાં સમચારો-લેખો પ્રસિદ્ધ કર્યા છે.

લેખક- હુસૈન તબિશ

અનુવાદક- સપના બારૈયા વ્યાસ

વધુ પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

આખરે કેમ તન્ના દંપતીએ સમાજસેવાને બનાવી લીધી તીરથ, જરૂર વાંચો

‘મુક્કા માર’ અભિયાન - છેડતી કરનારાઓને પાઠ ભણાવવા છોકરીઓ થઇ સજ્જ

ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોને આગવી 'પહેચાન' અપાવવા દિલ્હીના આ યુવાનો કરે છે દિવસ-રાત એક!

image