"હું આ ન કરી શકું, આ બહુ અઘરું છે ને, હું આ કરી શકું છું...માં બદલી નાખો" – માલતી

0

બીજા લોકોનાં જીવનમાં પ્રકાશ લાવવાના ઉદ્દેશથી માલતી ભોજવાણી લાઇફ કોચ અને ઓન્ટોલોજિકલ ટ્રેઇનર બની. માલતી જીવનની મુશ્કેલીઓને તકમાં બદલી નાખવાનું એક જીવતું જાગતું ઉદાહરણ છે. તે લોકોને પ્રેરણા અને જીવન જીવવાની રીતો બતાવે છે.

HerStoryને માલતીને મળવાની તક મળી અને તેણે પોતાનાં જીવનમાં આવેલા ઉતાર-ચડાવ વિશે વાત કરી.

અંગત પડકારો ઉપર વિજય

માલતીએ ઇન્ડોનેશિયામાં અંગ્રેજી ભાષાની શિક્ષિકા તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે ફેશન ડિઝાઇનિંગ અને જેમોલોજીમાં શિક્ષણ મેળવ્યું. ત્યારબાદ માલતી ઓસ્ટ્રેલિયા ખાતે પોતાના પારિવારિક વ્યવસાયમાં જોડાઈ ગઈ. નાની ઉંમરમાં લગ્ન થઈ જવાને કારણે સામાન્ય જીવન વિશે વિચારવા લાગી. પરંતુ જ્યારે તેનું લગ્નજીવન ભાંગી ગયું ત્યારે માત્ર 26 વર્ષની ઉંમરે એક બાળકીની જવાબદારી સાથે તે અલગ થઈ ગઈ ત્યારે તેના જીવનમાં નવો વળાંક આવ્યો. માલતી જણાવે છે,

"મેં પહેલી વાર મારા જીવનના વિકાસ માટે ટોની રોબિન્સના સેમિનારમાં ભાગ લીધો. આ સેમિનાર ખૂબ જ રોમાંચક હતો. મેં એલગેટ (લાર્જ ગ્રૂપ અવેરનેસ ટ્રેઇનિંગ) પણ કરી. જે એચપીએમ (હ્યુમન પોટેન્શિયલ મુવમેન્ટ)ની શાખા છે. મેં પોતાનાં જીવનમાં જવાબદારી ઉપાડવી, ક્યારેય હાર ન માનવી અને દરેક સ્થિતિમાં પોતાની જાતને ખુશ રાખવાનું શીખ્યું."

માલતીએ આંતરરાષ્ટ્રીય શિક્ષક સંઘમાં પ્રવેશ લીધો અને ત્યાં લાઇફ કોચ બનવાની તાલિમ લીધી. જોકે, તેણે એક ઉદ્યોગસાહસિક બનવાનો નિર્ણય લીધો હતો પરંતુ તે સરળ નહોતું. તેને બજાર વિશે કોઈ જ પ્રકારની જાણકારી નહોતી. વર્ષ 2000ની સાલથી શરૂઆતનાં 3 વર્ષ સુધી માલતી નાણાકીય પડકારો અને અંગત પડકારો સામે લડતી રહી. તે જણાવે છે,

"મારા ઘણાં હિતેચ્છુઓએ મને નોકરી કરવાની સલાહ આપી પરંતુ મેં ના પાડી દીધી. અને આજે મને તે વાતનું ઇનામ મળી રહ્યું છે."

દૃઢ સંકલ્પ અને ઇશ્વરમાં વિશ્વાસને કારણે માલતી આજે આ મુકામ ઉપર પહોંચી છે. માલતીએ પોતાના અંગત અનુભવો અંગે '7 રિકવરી સ્ટેપ્સ ટુ ગેટ ઓવર અ બ્રેક અપ' નામના લેખમાં બધી માહિતી આપી છે.

પોતાનાં જીવન ઉપર કાબૂ મેળવવા અંગે માલતી લોકો માટે પ્રેરણા સમાન છે. તે કહે છે,

"હું ખૂબ જ મેદસ્વી હતી અને મારું વજન ખૂબ જ વધારે હતું. મેં અનુભવ્યું કે હું કોઈ બહારની વસ્તુના કારણે ખુશી નહોતી મેળવી શકતી. તે મારી અંદર જ હતી. હું મારી જાતને પ્રેમ કરવાનું શીખી અને મેં મારો તમામ સમય તેમજ મહેનત પોતાની બ્રાન્ડ બનાવવામાં લગાવી દીધી."

ઉદ્યોગસાહસિક તરીકેની યાત્રા

થોડાં વર્ષોમાં માલતી 500 કરતાં વધુ લોકોને તાલીમ આપી ચૂકી છે અને તેમને જિંદગીને અલગ દૃષ્ટિકોણથી જોવા માટેની મદદ કરી ચૂકી છે. માલતી એક વ્યક્તિને ત્રણ-ચાર મહિનાનું શિક્ષણ આપે છે. તેમનો વ્યવસાય મલ્ટી કોચિંગ ઇન્ટરનેશનલ વર્કશોપ અને કોર્પોરેટ ટ્રેઇનિંગ આપવાનો છે. માલતી માઇક્રોસોફ્ટ સાથેનાં પોતાનાં અનુભવો વિશે જણાવે છે,

"મેં ક્યારેય કોર્પોરેટ ક્ષેત્રમાં કામ નથી કર્યું તેમ છતાં પણ કેટલાક લોકોને પ્રભાવિત કરી શકી."

માલતીએ બે પુસ્તકો 'ડોન્ટ થિંક ઓફ અ બ્લ્યુ બોલ' અને 'થેન્કફુલનેસ અપ્રિસિએશન ગ્રેટિટ્યુડ' લખ્યાં છે. માલતી પોતાની વેબસાઇટ અને યુટ્યુબ ચેનલ મારફતે સોશિયલ મીડિયા ઉપર પણ છે. માલતીનું સપનું ખાસ કરીને મહિલાઓને પોતાના વિશે જાગરૂક કરવાનું છે. માલતી ટૂંક સમયમાં ઇન્દિરાનગરમાં પોતાની કોચિંગ અને પર્સનલ ડેવલપમેન્ટ ઓફિસ શરૂ કરવાની છે. માલતીનું માનવું છે કે ભારતમાં ડિજિટલ મીડિયા લાઇફ કોચિંગનાં ક્ષેત્રે ઘણી મદદ કરી શકે તેમ છે.

માલતી અંગત દુઃખમાંથી બહાર આવવાના 3 સ્તરો જણાવે છે:

1 ભૂલનો પસ્તાવો ન કરશો. આપણે તે વખતે પૂરતા પ્રયાસો કરીએ છીએ પણ સ્થિતિ બદલાતી નથી. જેણે તમારી સાથે ખોટું કર્યું છે તેણે માત્ર તેની સાથે જ સારું કર્યું છે. તેથી આવી બાબતોને બહુ અંગત રીતે ન લેશો.

2 તમારી સરખામણી બીજા સાથે ન કરશો. તમારે તમારા માટે સખત મહેનત કરવી પડશે.

3 પોતાની વિચારસરણીને સકારાત્મક બનાવો. હું ન કરી શકું કે આ તો ખૂબ જ મુશ્કેલ છે વગેરેને 'હું કરી શકું છું'માં બદલી નાખો.