‘કભી ભી, કહીં ભી’ના વિચારોના પ્રણેતા ભારતના ‘ગ્લોબલ ઉદ્યોગસાહસિક’ ઉદય રેડ્ડી

‘કભી ભી, કહીં ભી’ના વિચારોના પ્રણેતા ભારતના ‘ગ્લોબલ ઉદ્યોગસાહસિક’ ઉદય રેડ્ડી

Friday January 01, 2016,

7 min Read

યપ ટીવીના સ્થાપક સીઈઓ ઉદય રેડ્ડીએ દુનિયાને બતાવ્યું લાઈવ ટીવી અને કેચઅપ ટીવી!

ટેક્નોલોજીની મદદથી દેશના ગામડાંઓમાં પહોંચાડવા માગતા હતા સ્વાસ્થ્ય અને શિક્ષણની સુવિધાઓ!

image


દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક કે જે પ્રસિદ્ધિ પાછળ ભાગતા હોય છે અને બીજા કે જેમની પાછળ પ્રસિદ્ધિ ભાગતી હોય છે. સ્વાભાવિક છે કે બીજા પ્રકારના લોકોનું લક્ષ્ય માત્ર કામ હોય છે અને કામ કરવાના પ્રયાસોમાં જ તે દુનિયા જીતી જાય છે. આવા લોકોના રસ્તામાં અનેક જોખમો આવતા હોય છે પણ સતત આગળ વધતા રહેવાથી જ તેમને મળે છે આશાસભર રાહ. તેમણે અનેક પડકારો છતાં પોતાના લક્ષ્ય પરથી ક્યારેય નજર હટાવી નથી. યપ ટીવીના સ્થાપક સીઈઓ ઉદય રેડ્ડીનું નામ એવા જ લોકોની યાદીમાં આવે છે જેમણે ટેક્નોલોજી અને ઉદ્યોગના નવા મુકામ પર સફળતાના શિખરો સર કરી લીધા. તેમણે ટેલીવિઝન ‘કહીં ભી ઔર કભી ભી’ના વિચારને સાધ્ય બનાવતા ઈન્ટરનેટની મદદથી ટીવી ચેનલોને ઈચ્છિત સમયે બતાવવાનું શક્ય બનાવ્યું.

image


તેલંગણા અને આંધ્ર પ્રદેશની સંયુક્ત રાજધાની હૈદરાબાદથી 140 કિ.મી. દૂર ત્રણ નાના શહેરોની શ્રેણી છે, કાજીપેટ, હનમકોંડા અને વરંગલ. ઉદય રેડ્ડીનો સંબંધ આ ત્રણમાંના એક હનમકોંડાના એક ખેડૂત પરિવાર સાથે છે. એક નાનકડા મધ્યમવર્ગીય પરિવારમાં ઉછરેલા ઉદય રેડ્ડી સિવિલ સર્વિસમાં પોતાનું સ્થાન મેળવવા ઈચ્છતા હતા. આઈએએસ બનીને કલેક્ટરી દ્વારા પોતાના ગામની જેમ ભારતના અન્ય ગામડાંઓની સકલ બદલવા માગતા હતા. શિક્ષણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં પરિવર્તન લાવવાનું તેમનું સ્વપ્ન હતું. આ સ્વપ્ન સાકાર કરવા તેઓ દિલ્હી આવ્યા હતા. દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવાના ઉદ્દેશથી જ સિવિલ સર્વિસનો ભાગ બન્યા હતા. યોરસ્ટોરી સાથેની વાતચીત દરમિયાન પોતાના એ સ્વપ્ન વિશે વાત કરતા ઉદય જણાવે છે, “ગવર્નમેન્ટ જૂનિયર કોલેજ હનમકોંડામાં શિક્ષણ પ્રાપ્ત કરવા દરમિયાન મેં વિચાર્યું હતું કે સિવિલ સર્વિસમાં જોડાઈશ. મારા પરિવારનું પણ તે જ સ્વપ્ન હતું. હું ગ્રામીણ લોકોના જીવનની સમસ્યાઓ જોતો હતો અને તેમના માટે કંઈક કરવાનો જુસ્સો, જુનૂન મારામાં હતા પણ દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશનમાં જ્યારે ડિગ્રી લીધી ત્યારે કેમ્પસ સિલેક્શનની પ્રક્રિયામાં ડિજિટલ કંપની સિમેન્સ દ્વારા પસંદ કરવામાં આવ્યો. વિચાર્યું હતું કે એક વર્ષ કામ કર્યા પછી સિવિલ સર્વિસમાં જતો રહીશ, પણ તેમ થયું નહીં. તે સમયે ભારતમાં અલગ પ્રકારનું કામ શરૂ થઈ ગયું હતું, પણ ભારતમાં હજી પણ નવા બજાર માટે એટલો અવકાશ નહોતો. ઘરના લોકો સિવિલ સર્વિસ અંગે મનમાં ગાંઠ વળાવીને બેઠા હતા પણ સીમેન્સમાં ભારતના ઘણા શહેરોમાં કામ કરવાનો અવસર મળ્યો અને પછી નોરટેલમાં નોકરી પછી ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રનો જ બની રહી ગયો.”

image


ઉદયના જીવનમાં આ સમય ઘણો સારો હતો. તે નોરટેલ જેવી મોટી કંપની સાથે જોડાયા હતા. પ્રખ્યાત કેલોગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી ફાઈનાન્સ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યા પછી તેમણે પોતાનું એમબીએનું સ્વપ્ન પણ પૂરું કરી લીધું. 1995 પછી તો જાણે કે તેમના પ્રોફેશનલ જીવનમાં તેજી આવી ગઈ. તેઓ જણાવે છે, “તે એક ક્રાંતિકારી પરિવર્તનની શરૂઆત હતી. ત્યારે હજી વાયરલેસ નેટવર્કની શરૂઆત જ થઈ હતી. સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, મલેશિયા સહિત અનેક દેશોમાં કામ કરવાનો અવસર મળ્યો. નોરટેલ્સ સાથે ડાયરેક્ટર સેલ્સ તરીકે કામ કર્યું. સેરેબિયન અને લેટીન અમેરિકાના બજારોને જાણવાનો અવસર મળ્યો. દર વર્ષે અલગ અલગ દેશમાં કામ કરવાનો અલગ અનુભવ નોરટેલ દ્વારા 11 વર્ષ સુધી મળતો રહ્યો. ઉન્નત ટેક્નોલોજીનું જ્ઞાન મેળવવું મારા માટે સુવર્ણ સમય સમાન હતું.”

એક મહેનતુ વ્યક્તિને દુનિયાની સારામાં સારી અને આકર્ષક પગારની નોકરી વધારે સમય અટકાવી શકતી નથી. તે પોતાની દુનિયા વિસ્તારવા માટે હંમેશા તત્પર જ હોય છે. ઉદયની સાથે પણ તેમ જ બન્યું. 2006માં તેમણએ ‘યપ ટીવી યુએસએ ઈન્ક’ની સ્થાપના કરી. આ કંપની તેમણે અમેરિકામાં જ શરૂ કરી. આ વિચાર તેમના માટે નવો નહોતો અને સાથે સાથે અમેરિકી બજારમાં આ ક્ષેત્રનો એટલો વિકાસ થયો નહોતો. તેમ છતાં કોઈ પણ સાહસ શરૂ કરવું સરળ નથી હોતું. તેના માટે મૂડી રોકાણની સાથે વ્યવસ્થાપન કૌશલ્ય અને નાવિન્યસભર વિચારોની સાથે સશક્ત રીતે જોડાઈ રહેવું પણ જરૂરી હોય છે. તે દિવસો ઉદય માટે ઘણા સંઘર્ષપૂર્ણ હતા. ઉદય પોતાની શરૂઆત અંગે જણાવે છે,

“અમેરિકામાં એક ભોંયરામાં મેં મારી કામગીરી શરૂ કરી હતી. બ્રોડબેન્ડ ટેક્નોલોજીનો હજી એટલો વ્યાપ વધ્યો નહોતો. સ્માર્ટ ટીવી અને સ્માર્ટ ફોન પણ એટલા લોકપ્રિય નહોતા. એક રીતે મારું સાહસ કેટલાક સમય પહેલાં જ શરૂ થઈ ગયું હતું. મેં તેના માટે બજારમાંથી કોઈ રોકાણ લીધું નહોતું પણ પોતાની જ બચત જોડી દીધી હતી. મારા મગજમાં સ્પષ્ટ હતું કે લોકો બ્રોડબેન્ડ ઈન્ટરનેટની મદદથી લાઈવ ટીવી જુએ. એટલું જ નહીં ગમે ત્યારે અને ગમે ત્યાંનો કોન્સેપ્ટ પણ મારા મગજમાં હતો. હું વિચારતો હતો કે ટીવી પર બતાવવામાં આવતા કાર્યક્રમો તે સમયે, સમય ન હોવાના કારણે પછીથી જોઈ શકાય તો કેવું! આ વિચારે લાઈવ ટીવી કેચઅપ ટીવીને જન્મ આપ્યો અને આજે તે સ્વપ્ન સાકાર થઈ ગયું.”

ઉદય માટે તમામ બાબતો સરળ નહોતી. તેમનો આ વિચાર પોતાના વતનથી દૂર અમેરિકા અને અન્ય દેશોમાં રહેતા લોકોને ભારતીય ટેલીવિઝનની મનોરંજક ચેનલો બતાવવાથી જન્મ્યો હતો. તેમની સખત મહેનતથી આ સ્વપ્ન સાકાર થયું હતું પણ સાહસિકતાના આ રસ્તે તેમણે ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો. તેઓ જણાવે છે કે અમેરિકામાં જ્યારે તેમણે વેપારની શરૂઆત કરી માત્ર એક જ કંપનીનો એકાધિકાર હતો. તેમણે જે કંપનીને પોતાની સહયોગી બનાવી હતી તેને પ્રતિસ્પર્ધી કંપનીએ પોતાની સાથે કરી લીધી. તેઓ જણાવે છે,

image


“સારું થયું કે તે સહયોગી કંપનીએ એકાએક મારી સાથે સંબંધ તોડ્યો નહીં. અમને કેટલોક સમય આપવામાં આવ્યો. અમે જેટલા ગ્રાહકો સુધી પહોંચ્યા હતા તેમને જાળવી રાખવા ખૂબ જ મહેનતનું કામ હતું. હૈદરાબાદમાં એક કંપની સાથે શેરિંગમાં મેં પોતાની કંપની શરૂ કરી. અત્યાર સુધી મેં મારી તમામ બચત ખર્ચ કરી નાખી હતી. આ વેપારમાં હજી લોકોમાં એટલી જાગૃતિ નહોતી તેથી રેવન્યૂની દ્રષ્ટિએ વધુ સફળતા મળી નહોતી. કેટલોક સમય રાહ જોવી પડી. 2010માં મેં પોતાનો પ્લોટ વેચ્યો, પરિવાર ઉપરાંત મિત્રો પાસેથી આર્થિક મદદ લીધી. હવે લોકોમાં આ વ્યાપાર પ્રત્યે જાગૃતિ આવી હતી તેથી તેના વિકાસની શક્યતાઓ વધી અને મારું કામ ચાલવા લાગ્યું.”

આજે યપ ટીવી અમેરિકા જ નહીં પણ ભારત સહિત અનેક દેશોમાં 13 ભાષાઓમાં 200થી વધુ ટીવી ચેનલોની સેવા પોતાના ગ્રાહકો સુધી પહોંચાડે છે. આ રીતે તે અનેક પ્રાંતની સામાજિક અને આર્થિક સ્થિતિઓ વચ્ચે સમજ ઉભી કરે છે. આજે યપ ટીવી એક સફળ સાહસ ગણાય છે. તેમની આ સફળતા પાછળ ઘણા રહસ્ય છે. એક વ્યક્તિને બજારની સમજ, નવી ટેક્નોલોજીની ઉપયોગિતાની ક્ષમતાઓનો અંદાજ તથા લોકો વચ્ચે કામ કરવાની કુશળતાએ લોકો સુધી પહોંચવાની શક્યતાઓને સરળ બનાવી દીધી. ઉદય આ સફળતાને ખૂબ જ સાહજિક ગણાવે છે. તેઓ જણાવે છે,

“આજે આ સ્તરે પહોંચ્યા પછી ખૂબ જ સારું લાગે છે. લોકો જ્યારે મળે છે ત્યારે યપ ટીવીની સફળતા અંગે વાત કરે છે, પણ મને લાગે છે કે હજી લક્ષ્ય ઘણું દૂર છે. આ સ્તરે સુધી પહોંચવા હું ઘણી કપરી સ્થિતિમાંથી પસાર થયો છું. 50 ટકા કરતા વધારે સમય હું મારા પરિવારથી દૂર રહ્યો છું. આજે પણ સફળતા મારા મગજમાં ભરાઈ નથી. આજે પણ અમે સ્ટાર્ટઅપ સંસ્કૃતિનો જ ભાગ છીએ." 

વધુમાં તેઓ જણાવે છે,

"મેં જોયું છે કે જે લોકો ઝડપથી આગળ વધે છે તેઓ એટલી ઝડપથી પાછા પણ ફેંકાય છે, પછી પાછળ દોડનારાની યાદીમાં પણ ટકી શકતા નથી. મારા કેટલાક દિવસો ખૂબ જ કઠિન હતા. એક ટીવી ચેનલને રાજી કરવા તેની ઓફીસે આઠ વખત ગયો હતો. તેમને રાજી કરવામાં એક વર્ષ પસાર થઈ ગયું પણ જ્યારે તેઓ જોડાયા તો આજ સુધી જોડાણ મજબૂત છે. એક બે ચેનલ જ્યારે ખસી ગઈ ત્યારે ચિંતા થઈ કે કંઈક ખોટું તો નથી થઈ રહ્યું ને, ત્યારબાદ બધું યોગ્ય રીતે પતી ગયું અને ચેનલ્સ પાછી યપ ટીવી સાથે જોડાઈ ગઈ.”

બ્રોડબેન્ડ પર ટીવી ચેનલોની સેવા આપવા મુદ્દે ઉદય રેડ્ડીની કંપની ટોચના સ્થાને છે. મનોરંજન ચેનલો બાદ તેમણે સમાચારોની દુનિયામાં પણ ડગ માંડ્યા છે. મીડિયાની સામગ્રી પણ તેઓ બતાવે છે. ઘણી યોજનાઓ હજી પણ તેમના મગજમાં ચાલી રહી છે, જેના પર અમલ કરવાનો બાકી છે. ઉદય નવી પેઢીને પોતાના અનુભવો બતાવવા માગે છે કે પોતાના લક્ષ્ય પર સીધી નજર ન રાખવાના કારણે સફળતા દૂર જઈ શકે છે. કંઈક નવું કરવાના વિચારની સાથે કંઈક નવું શું છે તેના વિશે પૂરી સ્પષ્ટતા મગજમાં હોવી જોઈએ. આજે પોતાના સાહસને દુનિયાભરમાં ફેલાવવા માટે અમેરિકા જવાની જરૂર નથી પણ ભારતમાં રહીને જ વૈશ્વિક થઈ શકાય છે.

આ સફળતાની યાત્રામાં તેમના પોતાના સ્વપ્નનું શું થયું જે તેમણે બાળપણમાં જોયું હતું કે આઈએએસ બનીને લોકોની સમસ્યાનું સમાધાન લાવીશ. ઉદય રેડ્ડી આ સવાલના જવાબમાં જણાવે છે કે, આજે પણ તેઓ આ સ્વપ્ન માટે કામ કરી રહ્યા છે. પોતાની સીએસઆર કામગીરી અંતર્ગત તેમણે એક ગામમાં કામ શરૂ કર્યું છે. અહીંયા ટેલિમેડિસિન દ્વારા નાની નાની બિમારીઓનો ઈલાજ કરવાની સુવિધા તથા શિક્ષણને સરળ બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આ માત્ર નમૂનો છે જેને તેઓ દેશ નહીં દુનિયાભરમાં લઈ જવા માગે છે.


લેખક- ડૉ.અરવિંદ યાદવ, મેનેજિંગ એડિટર, યોરસ્ટોરી

અનુવાદક- રવિ ઈલા ભટ્ટ