"સમ-વિષમ યોજનાની સફળતા સરકારની નહીં, દિલ્હીની જનતાની જીત છે!"

0

મને આશા છે કે દુષ્પ્રચાર કરનારા અને આંધળુકિયા કરીને ટીકા કરનારાઓના મોઢા છેલ્લાં કેટલાક સમયથી સિવાઈ ગયા હશે. આ એવા લોકો છે જેમણે એવી છબી ઉભી કરી હતી કે 'આમ આદમી પાર્ટી-આપ' સરકાર માત્ર વિરોધો કરવામાં જ સારી છે, સરકાર ચલાવવામાં નહીં. તેમના આશ્ચર્ય વચ્ચે આપ સરકાર દ્વારા તેનો સૌથી મહત્વની યોજના લાગૂ કરવામાં આવી જે લોકો માટે ફાયદાકારક હતી. લોકો તરફથી સારા પ્રતિભાવની આશા નહોતી છતાં આપ સરકારે દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે સમ-વિષમ (ઑડ-ઈવન) ફોર્મ્યુલા અમલમાં મૂકી અને લોકો તેમાં ઉત્સાહપૂર્વક જોડાયા. છેલ્લાં કેટલાક દિવસમાં મેં મેટ્રો ટ્રેનમાં અનેક વખત મુસાફરી કરી. આ દરમિયાન લોકો ખૂબ જ ઉત્સાહિત જણાતા હતા અને આવા મક્કમ પગલાં બદલ ખુશ હતા. ઘણા લોકોએ સારા પ્રતિભાવ આપ્યા અને આભાર પણ માન્યો. હું એક વાતનો સ્વીકાર કરવા માગું છું કે, લોકોના સાથ અને સહકાર વગર આ શક્ય જ નહોતું અને તેથી હું દિલ્હીવાસીઓનો ખૂબ જ આભાર માનવા માગું છું.

દિલ્હી હાઈકોર્ટે જ્યારે દિલ્હીને ગેસચેમ્બર કહ્યું ત્યારે સરકારે દિલ્હીને પ્રદૂષણમુક્ત કરવાનો પડકાર ઝીલી દીધો. લોકોને આ અંગે વધુ જાણ થાય અને લોકો જાગરૂક બને, લોકો તેમાં જોડાય તે માટે દર મહિનાની 22 તારીખે કાર ફ્રી ડે અભિયાન ચલાવવામાં આવ્યું. આ સ્થિતિ અત્યંત કટોકટીપૂર્ણ હતી અને સરકારે ઝડપી તથા નક્કર પગલાં લેવા પડે તેમ હતા. આ માનવસર્જિત સમસ્યા હતા અને માણસોએ જ તેના માટે આકરા પગલાં લેવાના હતા. આપણે હળવાશથી પણ તેનો નિકાલ લાવી શકીએ તેમ હતા પણ આવનારી પેઢીને તેના માટે હોમી દેવાની તૈયારી નહોતી. તેના કારણે અમે અઘરો રસ્તો પસંદ કર્યો. અમે જ્યારે સમ-વિષમ યોજનાની જાહેરાત કરી ત્યારે ઘણા હિતેચ્છુઓ મારી પાસે આવ્યા અને આ કામગીરીમાં નિષ્ફળ જવાની શક્યતાઓ વ્યક્ત કરી. તેમના મતે આ નિષ્ફળતા અમારા સારા વ્યવસ્થાપન તંત્રને અસર કરે તેમ હતી. અમને, અમારા પક્ષને દ્રઢ વિશ્વાસ હતો કે જો લોકો જાતે તેમાં જોડાશે અને સાથ આપશે તો આ કામ અમારા માટે મુશ્કેલ નથી.

સમ-વિષમ યોજનાએ કલ્પનાઓ અને ધારણાઓના ઘણા માપદંડોને ધ્વસ્ત કરી દીધા છે અને સારા ગવર્નન્સનું સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. આ બાબત સિદ્ધ કરે છે કે આપ સરકારમાં એવી ક્ષમતા છે કે તે નક્કર પગલાં લઈને પણ સારી નીતિઓનું સર્જન કરી શકે છે. તે પોતાના વિશાળ આયોજનોની નાનામાં નાની બાબતનું ધ્યાન રાખીને તેને દરેક તબક્કે સફળ કરી શકે છે. આઝાદ ભારતમાં અત્યાર સુધી સૌથી મોટી સમસ્યા આવી હોય તો તે છે નીતિઓનું અમલીકરણ. સરકાર સારી નીતિઓ તૈયાર કરે છે પણ તેનું યોગ્ય રીતે અમલીકરણ થઈ શકતું નથી અથવા કરાતું નથી. સમ-વિષમ યોજનાએ આ ધારણા ખોટી પાડી છે. જ્યારે આ ફોર્મ્યુલા સાથે આગળ વધવાનું નક્કી થયું ત્યારે બધા જ જાણતા હતા કે દરેક તબક્કે દરેકનો સાથસહકાર જોઈશે. સરકારે આ કામમાં જરૂરી તમામ સંસ્થાઓ અને એજન્સીઓને જોડી હતી. અનેક વખત મિટિંગ રાખવામાં આવી હતી. દરેક વ્યક્તિ હકારાત્મક માનસિકતા સાથે એક ટીમની જેમ કામ કરતી હતી.

અમને સમજ હતી કે મોટાપાયે કરાયેલું આ આયોજન લોકોના સાથ વગર સફળ થઈ શકે જ નહીં. લોકોને સમજાવવું મહત્વનું હતું કે સમ-વિષમ યોજના તમારા પરિવાર અને સંતાનો માટે, તમારી આવનારી પેઢી માટે, તમારા સ્વાસ્થ્ય માટે અને તમારા સારા માટે છે. પ્રદૂષણની દરેકને અસર થઈ રહી છે. તેનાથી દરેક વ્યક્તિ બિમાર પડી રહી છે, પછી તે વૃદ્ધ હોય કે યુવાન, સ્ત્રી હોય કે પુરુષ. દરેક વ્યક્તિ, પછી ગરીબ હોય કે ધનિક પ્રદૂષણથી પીડાય છે. અમે મીડિયાના આભારી છીએ જેમણે આ વાત શહેરના ખૂણે ખૂણે પહોંચાડી. સમ-વિષમ યોજના દરેક ચર્ચાના કેન્દ્રમાં રહેવા લાગી. તે રાષ્ટ્રીય મુદ્દો બની ગઈ. દરેક વ્યક્તિ તેની જ ચર્ચા કરતી હતી. તેના દરેક મુદ્દાની ચર્ચા થતી હતી.

હું તમારી સાથે અન્ય એક વાત પણ કરવા માગું છું. ગત મહિનાના મધ્યમાં યોજાયેલી એક મિટીંગમાં તમામ સરકારી અધિકારીઓ અને મંત્રીઓને જણાવવામાં આવ્યું કે જે સમસ્યા અને ઉકેલ છે તેના વિશે પહેલા જ ચર્ચા કરવામાં આવે. પણ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અસહમત થયા. તેમણે એમ કહ્યું કે, "ચર્ચા ચાલવા દો અને સરકાર પાસે સૂચનો આવવા દો. ઉતાવળ શું છે?" ધીમે ધીમે આ ચર્ચા શમવા લાગી અને લોકો સ્વીકારવા લાગ્યા કે આ યોજના તેમના માટે જ છે. આ કારણે સરકાર પણ સમાજના દરેક ક્ષેત્ર અંગે વિચારવા લાગી. ચોથા અઠવાડિયે જ્યારે સરકારે પોતાનો મુસદ્દો જાહેર કર્યો તો લોકોએ સમ-વિષમ યોજનાને માન્યતા આપી. લોકમત તેની તરફેણમાં આવ્યો. દિલ્હી સરકારના બદલે દિલ્હીવાસીઓએ આ ફોર્મ્યુલાની જવાબદારી સ્વીકારી લીધી. આ બાબત દ્વારા દરેક સરકારને બોધપાઠ મળે છે કે, જ્યારે લોકો નીતિઓ બનાવવામાં જોડાઈ જાય છે ત્યારે દરેક પ્રોજેક્ટ મહત્વાકાંક્ષી થઈ જાય છે અને તેનું સફળતાપૂર્વક અમલીકરણ પણ શક્ય બની જાય છે.

ઑડ-ઈવન (સમ-વિષમ) યોજનાએ સાબિત કરી આપ્યું છે કે, આપ સરકાર જે વાયદા કરે છે તેને પ્રામાણિકતાથી પૂરા કરે છે. અમે લોકોને ખોટા વાયદાઓ દ્વારા છેતરતા નથી. અમે અમારા વાયદા પૂરા કરીએ છીએ. હું સરખામણી કરવા નથી માગતો પણ મોદી સરકાર દ્વારા છેલ્લાં 20 મહિનામાં હાથ ધરાયેલા મોટા પ્રોજેકટ્સ અને તેના ભાવિ પર નજર કરો. સ્વચ્છ ભારત અભિયાન ખૂબ જ સારું હતું, અમે તેને ખૂબ જ સારી રીતે અપનાવ્યું પણ તે નિષ્ફળ ગયું. તે માત્ર મીડિયા ઈવેન્ટ અને પબ્લિસિટી સ્ટંટ સાબિત થયું. લોકોને સાથે રાખવાનો પ્રયાસ કરાયો જ નહોતો. કરોડો કરદાતાઓના પૈસા માત્ર જાહેરાતો પાછળ વેડફી નખાયા અને કંઈ પ્રાપ્ત થયું નહીં. ડિજિટલ ઈન્ડિયા કેમ્પેઈન જૂઓ જેને મેઈક ઈન ઈન્ડિયા કેમ્પેઈન બનાવવા પ્રયાસ થયા. લોકોને ખબર જ નથી કે તે કયાંથી ચાલે છે અને કેવી રીતે ચાલે છે. લોકોનો વિશ્વાસ પણ જીતવામાં નથી આવ્યો. આ પ્રોજેક્ટ તેમના જુમલા જેવા જ સાબિત થયા.

હું જાણું છું કે સારી શરૂઆત થઈ છે પણ રસ્તો ઘણો લાંબો છે અને કપરો છે. આપણે સાથે રહીને જ દિલ્હીને પ્રદૂષણમુક્ત કરવું પડશે. દિલ્હી સરકાર 15 જાન્યુઆરી પછી ઑડ-ઈવન ફોર્મ્યુલા અંગે રિવ્યૂ કરશે. ત્યારે જરૂર જણાશે તો મજબૂત અને આકરાં પગલાં લેવામાં આવશે કારણ કે તે આપણા પોતાના સ્વાસ્થ્યનો જ એક ભાગ છે. બને કે આકરાં પગલાં લેવા પડશે. તે સારા સમાજના સર્જન માટે છે. એક એવો સમાજ જ્યાં સ્વસ્છ હવા કોઈ વિરલ વસ્તુ સાબિત નહીં થાય, જ્યાં બાળકોને શ્વાસ લેવામાં મુશ્કેલી નહીં પડે, જ્યાં સિનીયર સિટિઝન મુક્ત રીતે હરીફરી શકશે અને ધુમાડા તેમને પરેશાન નહીં કરે. ઑડ-ઈવન ફોર્મ્યુલા દ્વારા એક નવી આશા બંધાઈ છે, આ લોકોની પોતાની આધુનિક ક્રાંતિ છે અને ગવર્નન્સનું નવું મોડલ છે. આ આત્મવિશ્વાસ પૂરો પાડે છે કે, લોકો જેમાં જોડાતા હોય તેવી નીતિઓની જવાબદારી તે પોતે જ સ્વીકારી લે છે અને અશક્યને પણ શક્ય બનાવે છે. મને વિશ્વાસ છે કે, આ નવી આશાથી દિલ્હી જે અત્યારે દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાં પંકાયેલુ છે તે ભારતનું સૌપ્રથમ પ્રદૂષણમુક્ત શહેર બની જશે. દિલ્હીવાસીઓનો ખૂબ ખૂબ આભાર.


(આ લેખ મૂળ અંગ્રેજીમાં લખાયો છે જેનો અહીંયા ગુજરાતીમાં ભાવાનુવાદ કરાયો છે. તેના મૂળ લેખક વરિષ્ઠ પત્રકાર અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા આશુતોષ છે. અહીં દર્શાવેલ વિચારો લેખકના અંગત વિચારો છે.)

Related Stories

Stories by YS TeamGujarati