એક જમાનામાં ધોની સાથે ભણતી હતી, આજે છે સફળ ઉદ્યોગસાહસિક

એક જમાનામાં ધોની સાથે ભણતી હતી, આજે છે સફળ ઉદ્યોગસાહસિક

Wednesday December 09, 2015,

6 min Read

"કોઈ પણ નેતા, ગૃહિણી, સામાજિક કાર્યકર, અભિનેત્રી, નવલકથાકાર, શિક્ષિકા, ઉદ્યોગસાહસિક કે ગમે તે હોય તે મને પ્રેરણા આપે છે કારણ કે તેમની સફળતા પાછળ એક કથા છૂપાયેલી હોય છે." આ શબ્દો છે હંસા સિંહાના.

મહિલા ઉદ્યોગસાહસિક હંસા સિંહાની કથા ઘણાં રસપ્રદ તથ્યોથી ભરેલી હોવાને કારણે વિશેષ બની જાય છે. વિખ્યાત ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની સાથે ભણી ચૂકેલી હંસા કોલેજના દિવસોમાં ફેફસાંની બીમારીને કારણે મોતનાં મોંમાંથી બહાર આવી છે. ઉપરાંત તેણે પોતાની કંપની 'જિનેસિસ' શરૂ કરતી વખતે પોતાના પ્રતિસ્પર્ધી સાથે હાથ મિલાવતા પણ ખચકાટ નથી અનુભવ્યો. એક દીકરી, પત્ની અને માતાના રૂપે તેણે જીવન પોતાની શરતો અનુસાર જ જીવ્યું છે.

image


હંસાએ પરિસ્થિતિ અનુસાર પોતાની જાતને બદલી છે. કઠિન કામોને પૂરા કરવાના પડકારને સ્વીકારવા અને કોઈ પણ ક્ષેત્રમાં શ્રેષ્ઠત્તમ કરવા માટે વસ્તુને બદલવાની ક્ષમતા તેને અન્યોથી અલગ પાડે છે. જીવનમાં આગળ વધવામાં મદદ કરે છે.

1980માં બિહારનાં પાટનગર પટણામાં જન્મેલી હંસાનું બાળપણ અન્ય બાળકોની જેમ જ વીત્યું હતું. તેનું બાળપણ પણ ખાવાની વસ્તુમાં મોટો ટુકડો લેવા માટેના ભાઈ-બહેનો સાથેના ઝઘડા, પિતાની મોટરસાઇકલ ઉપર આગળ બેસવાની જિદ્દ અને રસનાનો વધુ એક ગ્લાસ પીવા માટેની જિદ્દ માટેના સામાન્ય ઝઘડાઓ સાથે વીત્યું હતું.

પટણાની નોટ્રે ડેમ અકાદમીમાંથી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તે પિતાની બેન્કની નોકરીમાં થયેલી બદલીને કારણે રાંચી આવી ગઈ અને પ્રતિષ્ઠિત સેન્ટ ફ્રાન્સિસમાંથી પોતાનું માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું. ત્યારબાદ તેણે ઇન્ટર શરૂ કર્યું અને રાંચીની જ ડીએવી શ્યામલીમાં પ્રવેશ લીધો. આ સમય દરમિયાન તેની પસંદગી બાસ્કેટબોલની ટીમમાં થઈ અને સ્થાનિક તેમજ રાષ્ટ્રીય સ્તરે રમતમાં ભાગ લીધો. આ ઉપરાંત હંસા મહેન્દ્ર સિંહ ધોની સાથે શાળાની ખેલ સંયોજક પણ રહી હતી. આ દિવસોને યાદ કરતાં તે ખુશીથી જણાવે છે, "આજે પણ મને રાંચીના મેકોન સ્ટેડિયમમાં યોજાયેલો શાળાનો સ્પોર્ટ્સ ડે યાદ છે. ત્યાં મેં માહી (ધોની) સાથે માર્ચ કરવા ઉપરાંત એક રિલે રેસમાં પણ ભાગ લીધો હતો."

ત્યારબાદ વધુ અભ્યાસ માટે તે પટના આવી ગઈ જ્યાં તેણે પટના મહિલા કોલેજમાંથી જાહેરખબર, સેલ્સ પ્રમોશન અને સેલ્સ મેનેજમેન્ટમાં સ્નાતકનો અભ્યાસ કર્યો. આ દરમિયાન તેને ફેફસાંની બીમારીએ ઘેરી લીધી જેમાંથી બહાર આવવાનું તેના માટે ખૂબ જ મુશ્કેલ સાબિત થયું. 

"ફેફસાંનાં ચેપમાંથી મને બચાવવા માટે મારાં હાડકાંને કાપીને એક પાઇપ નાખવામાં આવ્યો હતો જે ખૂબ જ દર્દનાક હતું. હું બે વખત મોતનાં મોંમાંથી બહાર આવવામાં સફળ રહી. એક વખત ઓપરેશન થિયેટરમાં અને એક વખત મારી બીમારીએ ફરીથી ઉથલો માર્યો ત્યારે."

તેના માતા-પિતા અને પરિવારજનોએ તેનાં સાજા થવાની આશાઓ મૂકી દીધી હતી. હંસા જણાવે છે, "તે સમયમાં મારા મિત્રો અને પરિચિતો દ્વારા આપવામાં આવેલા માનસિક સહારા અને સાથને કારણે મારો જીવન પ્રત્યેનો અભિગમ બદલાયો તેમજ મને સંબંધોના મહત્વની એક નવી વ્યાખ્યા વિશેનું જ્ઞાન લાધ્યું. તે સમયે મેં નક્કી કર્યું કે હૃદયની નજીકના સંબંધોને નિભાવવામાં કોઈ ઉણપ નહીં છોડું. મારી બીમારીએ મને જીવનમાં હંમેશા અલૌકિક શક્તિની આશા રાખવાનો અને સામે આવતા પડકારોનો ખૂલીને સામનો કરવાનો સંદેશ આપ્યો તેમજ લોહીના અને પોતાના બનાવેલા સંબંધોનું મહત્વ આપવાનું પણ સમજાવ્યું."

તેને પોતાની બીમારીમાંથી બહાર આવવામાં લગભગ એક મહિનાનો સમય લાગ્યો. સાજી થયા બાદ તેણે પોતાનો સ્નાતકનો અભ્યાસ પૂરો કર્યો. ત્યારબાદ તેણે કોલકાતાના ભારતીય વિદ્યાભવનમાંથી 2004માં માસ કોમ્યુનિકેશન્સમાં અનુસ્નાતક કર્યું. અને તે વર્ષે જ તેને શોપર્સ સ્ટોપમાં નોકરી મળી ગઈ. ત્યારબાદ તે અન્ય એક કંપની માફોઇ (હાલમાં રેન્ડસ્ટેડ) સાથે કામ કરવા લાગી. તેના થોડા સમય બાદ તે લગ્નનાં બંધનમાં બંધાઈ અને પારિવારિક જવાબદારીઓ સંભાળવા માટે થોડો સમય નોકરી છોડી દીધી.

હંસાએ સમગ્ર ભારતના ગ્રાહકોને સંભાળવા ઉપરાંત યુનિસેફ અને બિહારના આરોગ્ય તેમજ શિક્ષણ વિભાગ જેવી મોટી સંસ્થાઓ માટે મેનેજમેન્ટનું કામ સફળતાપૂર્વક કર્યું છે. આ ઉપરાંત તેને વિવિધ પ્રકારની ભરતી તેમજ તાલિમી કાર્યક્રમોને સંભાળવા ઉપરાંત વિવિધ ટેન્ડર દસ્તાવેજો તૈયાર કરવા, હરાજીના દસ્તાવેજો તૈયાર કરવા ઉપરાંત અનેક કાર્યક્રમો સફળતાપૂર્વક કરેલાં છે. હંસાનું કહવું છે કે પોતાનું કામ સમયસર પૂરું કરવા માટે તેણે શનિ-રવિ ઉપરાંત રજાઓના દિવસોમાં પણ જીવ રેડીને કામ કર્યું છે.

image


જાન્યુઆરી 2011માં માફોઇના દિવસોમાં તેણે પોતાના પ્રતિસ્પર્ધી પરિમલ મધુપ સાથે હાથ મિલાવ્યા અને જેનેસિસ કન્સલટિંગ પ્રા. લિ.નો પાયો નાખ્યો. "મારી અને પરિમલની કંપનીને એક સરકારી ભરતી માટેના પ્રોજેક્ટનું કામ સોંપવામાં આવ્યું હતું. અમે બંને તે પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યાં હતાં." હંસાની કંપનીનો શાખા પ્રમુખ પ્રોજેક્ટ વચ્ચેથી જ પડતો મૂકીને કામ છોડીને જતો રહ્યો. અને તેને પોતાની મુખ્ય ઓફિસમાંથી પણ કોઈ પ્રકારનો ટેકો નહોતો મળી રહ્યો તેવામાં હંસાએ નોકરી છોડવા માટે નક્કી કરી લીધું. તેણે પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પરિમલ સાથે જોડાણ કર્યું.

વરિષ્ઠ આઈએએસ રાજેશ ભૂષણ કે જે હાલમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં સંયુક્ત સચિવના પદે છે. તેમણે મને પોતાનાં બળે કામ કરવાની પ્રેરણા આપી. રાજેશે મુખ્ય કાર્યાલય દ્વારા કોઈ પણ જાતનો ટેકો ન અપાતો હોવા છતાં પણ તેના દ્વારા કરવામાં આવેલાં કામોની પ્રશંસા કરી. અને પોતાની કંપની બનાવવા માટેનું પ્રોત્સાહન આપ્યું. હંસા જણાવે છે, "તેમણે અમને અમારી પોતાની કંપની બનાવીને બિહારમાં ચાલી રહેલી યોજનાઓમાં અમારું નસીબ અજમાવી જોવા માટેની પ્રેરણા આપી. બે વર્ષ બાદ જ અમે જેનેસિસના બેનર હેઠળ ક્રિએટિવ એમ્પ્રિન્ટ્સ એલએલપીની સ્થાપના કરી."

આટલા સમય બાદ પણ પરિમલ સાથેનાં તેનાં સંબંધોમાં કોઈ ફેર નથી પડ્યો. તેઓ તેમના ભાગીદાર હોવા ઉપરાંત એક સારા પારિવારિક મિત્ર પણ છે. પોતાનાં કામ અંગે ક્યારેક બંને વચ્ચે મતભેદ જરૂર હોય છે પરંતુ ગ્રાહકનો સંતોષ તે જ બંનેનો મુદ્રાલેખ છે.

જેનેસિસના શરૂઆતમાં આ બંને આર્થિક રીતે સદ્ધર નહોતા. તેમની પાસે કામ કરવા માટે ઓફિસની માળખાકીય સુવિધા તૈયાર કરવા માટેનાં નાણાં નહોતા. શરૂઆતના સંઘર્ષના દિવસોને યાદ કરતાં હંસા જણાવે છે, "મેં મારા ઘરનાં ધાબે બનાવેલા એક રૂમમાં કામ કરવાનું શરૂ કર્યું. તે રૂમને જ ઓફિસ બનાવી દીધી હતી અને અમે લેપટોપ તેમજ મોબાઇલનો ઉપયોગ કરતા હતા. આ ઉપરાંત બે લોકો અમારી સાથે ફ્રીલાન્સર તરીકે કામ કરવા માટે જોડાયા. આવામાં અમારી સાથે કામ કરવા માટે આતુર અમારા ગ્રાહકો અમારા માટે ભગવાનથી ઓછા નહોતા."

હાલમાં તેમની પાસે 15 સભ્યોની આખી ટીમ છે. જેઓ બિહાર ઉપરાંત દેશભરમાં ઘણા પ્રોજેક્ટ્સને સફળતાપૂર્વક પાર પાડી ચૂક્યા છે. અત્યાર સુધી તેમણે મોટાભાગે સરકારી અને સામાજિક ક્ષેત્ર ઉપરાંત કેટલીક કોર્પોરેટ અને જાહેર ક્ષેત્રની કંપનીઓ માટે પણ સફળતાપૂર્વક કામ કર્યું છે. જેનેસિસ ગ્રૂપે 2014-15ના નાણાકીય વર્ષ માટે રૂ. 2 કરોડ કરતાં વધારેનો વેપાર કરવામાં સફળતા મેળવી છે. હંસા ગર્વથી કહે છે, "રસ્તામાં આવનારા તમામ અવરોધો છતાં પણ અમારી સફળતાના સાક્ષી રહેલા બિહારના આઈએએસ રાહુલ સિંહ અમને જિનાઇસના નામે બોલાવે છે."

એક મહિલા ઉદ્યોગસાહસિક તરીકે તેની સામેનો મોટો પડકાર મહિલા તરીકેના લાભો ન લેવાનો રહ્યો છે. આ દરમિયાન તેમને તેમના પરિવારનો પણ સહયોગ મળ્યો. જ્યારે તેણે અડધી રાત છતાં પણ કામ કરવું પડતું હતું ત્યારે અને કામ માટે ઘણાં સમય સુધી ઘરથી બહાર રહેવું પડતું હતું ત્યારે પણ તેના પરિવારે તેને ટેકો આપ્યો છે. હંસા જણાવે છે, "મારાં પતિ પટનાની બહાર નોકરી કરતાં હોવાને કારણે હું મારી દીકરીને મારાં માતા-પિતા પાસે મૂકી આવતી હતી. ઉદ્યોગસાહસિક હોવાને કારણે મને અઠવાડિયાની રજા નથી મળતી મારે ચોવીસે કલાક કામ કરવું પડે છે. મારા અંગત જીવનનો સામનો કરવો મારા માટે મોટો પડકાર છે કારણ કે મારી સાત વર્ષની દીકરીને હું સમય નથી આપી શકતી કે જેને માની જરૂર છે."

હંસા પોતાના માતા-પિતા અને પતિ તરફથી મળી રહેલા ટેકાને કારણે ખૂબ જ ખુશ છે. કારણ કે તેના કારણે તે પોતાના ધ્યેય સુધી પહોંચી શકી છે. અને તેને લાગે છે કે આ ટેકો અને પ્રોત્સાહન જ તેની સૌથી મોટી પ્રેરણા છે. ભવિષ્યમાં તે પોતાના વેપાર માટે વધારે નાણાંની વ્યવસ્થા કરીને તેને નવી ઊંચાઈએ લઈ જવા માગે છે. સફળતાની મર્યાદા આકાશ છે અને હંસા તેના કરતાં ઓછું મેળવવા માટે તૈયાર નથી.

લેખક – તન્વી દુબે

અનુવાદ – મનીષા જોશી