બાળકોની ‘વાનર સેના’એ ઇન્દોરમાં સીટી વગાડીને ખુલ્લામાં શૌચ કરવાની પ્રવૃત્તિ અટકાવી, ૪ ગામોને કર્યાં ખુલ્લામાં શૌચની સમસ્યાથી મુક્ત  

0

5થી 12 વર્ષના બાળકોએ આ કામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી

પીએમ નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશને આ પગલા માટે પ્રેરિત કર્યા!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ‘સ્વચ્છ ભારત’ અભિયાન શરૂ કર્યું છે તેને દેશવાસીઓ અલગ-અલગ રીતે અમલમાં લાવી રહ્યા છે અને બીજા લોકોને સ્વચ્છ રહેવા માટે પ્રેરિત પણ કરી રહ્યાં છે. પ્રત્યેક વ્યક્તિએ સ્વચ્છ રહેવાનું છે અને દરેક વ્યક્તિએ પોતાની આસપાસ તેના માટે જાગૃતિ ફેલાવવાની છે. સ્પષ્ટ છે કે આ એક મિશન છે અને તેમાં ઉમર આડી નથી આવતી. ‘રામાયણ’માં વાનર સેનાના પરાક્રમો ખૂબ પ્રખ્યાત છે. પણ મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાં લગભગ ૧૦,૦૦૦ બાળકોની વાનર સેનાનો અર્થ અલગ જ છે અને આ બાળકોએ ગામોમાં ખુલ્લામાં કુદરતી હાજતે જવાની પ્રવૃત્તિને રોકવા માટેનાં અભિયાનમાં અનોખી ભૂમિકા ભજવી છે.

ઇન્દોરના જિલ્લા અધિકારી પી.નરહરિએ દેપાલપુર ક્ષેત્રમાં ખુલ્લામાં શૌચ કરવાથી મુક્ત થયેલા ચાર ગામોના નિરીક્ષણ બાદ યોરસ્ટોરીને જણાવ્યું,

“ખુલ્લામાં શૌચ કરવાની પ્રવૃત્તિથી મુક્તિના અભિયાનમાં 5થી માડી 12 વર્ષની વય સુધીના લગભગ ૧૦ હજાર બાળકોની ટુકડીઓનું મહત્વનું યોગદાન રહ્યું છે. અમે આ ટુકડીઓમાં સામેલ બાળકોની નટખટ હરકતોને કારણે તેમને ‘વાનરસેના’ નામ આપ્યું છે. આ બાળકોએ જિલ્લાના દરેક ગામમાં ૨૦થી ૩૦ બાળકોની ટુકડી બનાવીને તેમને ‘વાનરસેના’ સાથે જોડ્યા હતાં. પછી ગામોમાં તે સ્થળોની ઓળખ કરી હતી જ્યાં લોકો ખુલ્લામાં કુદરતી હાજતે જતા હતાં. આ સ્થળો તરફ જતા રસ્તા પર બાળકોની ટુકડીઓ ખડકાઇ જતી હતી. જ્યારે આ બાળકો ખુલ્લામાં હાજતે જતા લોકો સામે વારંવાર સીટી વગાડતા હતાં, ત્યારે આ લોકોને શરમ અનુભવાઇ હતી અને તેમણે પાક્કા શૌચાલયોનો ઉપયોગ શરૂ કરી દીધો હતો.”

જિલ્લા અધિકારી પી.નરહરિએ વધુમાં જણાવ્યું,

“વાનરસેનામાં સામેલ કેટલાક નટખટ બાળકો એવા પણ હતાં, જેઓ ખુલ્લામાં શૌચ કરવા જતા લોકોનાં હાથમાંથી મગ કે ડબ્બા ઝૂંટવીને તેનું પાણી ઢોળી નાખતા હતા. તેના કારણે લોકોએ ઘેર પાછા ફરવું પડતું હતું.”

આના કારણે જિલ્લાની ૩૧૨ ગ્રામ પંચાયતોનાં ૬૧૦ ગામોના લગભગ તમામ ઘરોમાં પાક્કા શૌચાલયોનો ઉપયોગ શરૂ થઇ ગયો છે.

પહેલા તો ખુલ્લામાં શૌચ કરવા જતા લોકોને વાનરસેનાની હરકતો વિચિત્ર લાગતી હતી. પણ જ્યારે તેમને સમજાયું કે હકીકતમાં આ બાળકો લોકોના આરોગ્ય માટે જ આમ કરી રહ્યા છે, ત્યારે તેમને પણ થવા લાગ્યું હતું કે આમ કરવું ખોટું છે. ધીમે-ધીમે ખુલ્લામાં હાજતે જનારા લોકોએ તેને ચલણમાં લાવવાનું શરૂ કર્યુ. અને આજે પરિસ્થિતિ આ છે કે સમગ્ર ઇન્દોરમાં ખુલ્લામાં કુદરતી હાજતે જવાની પ્રવૃત્તિ સામે અંકુશ લાગવા લાગ્યો છે અને જલ્દી જ તેને ખુલ્લામાં હાજતે જવાથી સંપૂર્ણપણે મુક્ત જિલ્લો જાહેર કરી દેવામાં આવશે.

ખુલ્લામાં શૌચ કરવા જતા લોકોને જ્યારે વાનરસેનાએ સીટી વગાડીને રોકવાનું કામ કર્યુ ત્યારે લોકોએ તેમને એક સવાલ કર્યો કે તેઓ આખરે હાજતે જવા માટે ક્યાં જાય? ઘરમાં શૌચાલય તો છે જ નહીં. આ પ્રસંગ જિલ્લા તંત્ર સામે આવતો અને પછી તંત્ર તે પરિવારોને અનુદાન આપવાનું કામ કરતું હતું. લોકોને નાણાંકીય મદદ મળવા લાગી હતી અને જિલ્લા તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલું વાનર સેના અભિયાન પરિણામ દેખાડવા લાગ્યું હતું. જોતજોતામાં છેલ્લા 4 મહીનાઓમાં જિલ્લામાં ૨૫૦૦૦ કરતા પણ વધારે શૌચાલયો તૈયાર કરાવવામાં આવ્યા છે જ્યારે ૧૫૦૦૦ શૌચાલય અન્ય સંસાધનો મારફત તૈયાર કરાવાયા છે.

કહેવાય છે કે વહેલા-મોડા લોકોને સમજમાં આવી જ જાય છે પણ તે માટે જરૂરી છે કે તેમને, તેમના હિસાબે સમજાવવામાં આવે, રોકવામાં આવે અને તેની સાથે જ એક વિકલ્પ પણ આપવામાં આવે. ઇન્દોરમાં વાનર સેનાની સીટી જ્યારે ખુલ્લામાં હાજતે જનારા લોકોને રોકી શકે છે તો નક્કી માનો કે દેશમાં પણ સ્વચ્છતા અભિયાન માટે ઉઠાવવામાં આવી રહેલા પગલા પણ કારગત સાબિત થશે જ. અને સ્વચ્છ ભારતનું સ્વપ્ન પણ જરૂર પૂરૂ થશે.

લેખક- રૂબી સિંહ

અનુવાદક- YS ટીમ ગુજરાતી

વધુ હકારાત્મક અને સકારાત્મક સ્ટોરીઝ, સ્ટાર્ટઅપ્સથી માહિતગાર થવા ફેસબુક પર અમારી સાથે સંપર્કમાં રહો.

Related Stories