હવે દુનિયાના કોઈ પણ ખૂણેથી, મોબાઇલ ફોન થકી રાખો તમારા ઘર પર નજર

હવે દુનિયાના કોઈ પણ ખૂણેથી, મોબાઇલ ફોન થકી રાખો તમારા ઘર પર નજર

Wednesday December 09, 2015,

4 min Read

આઈઆઈટી-ગુવાહાટીના ત્રણ સ્નાતક મિત્રો – ધ્રુવ રાત્રા, સ્વાતિ વ્યાસ અને રાહુલ ભટનાગર દ્વારા સ્થાપિત કરાયેલી ક્યૂબિકલ લેબ્સ (Cubical Labs) વપરાશકર્તાઓને એક એવો વાયરલેસ હોમ ઓટોમેશન ઉકેલ ઉપલબ્ધ કરાવે છે, જેના થકી દુનિયાના કોઈ પણ ખૂણે બેસીને એક મોબાઇલ ફોન દ્વારા ઘરને નિયંત્રિત કરી શકાય છે. કંપનીનો ઉદ્દેશ મોટા ભાગે એવી ચીજવસ્તુઓ તૈયાર કરવાનો અને વિકસાવવાનો છે, જે ખર્ચની દૃષ્ટિએ વાજબી હોવા ઉપરાંત સુરક્ષિત હોય અને સાથે સાથે મનુષ્ય દ્વારા કરાતી મહેનતને ઘટાડીને ઊર્જાના સંરક્ષણમાં પણ મદદરૂપ હોય.

ક્યૂબિકલનો પાયો કૉલેજની લેબમાં નંખાયો અને કૉલેજના પ્રોફેસર્સની પ્રેરણાએ તેમને આગળ વધવા માટે પ્રેરિત કર્યા. 'ક્યૂબિકલ લેબ્સ'ના સ્થાપકોએ વર્ષ 2013માં આઈઆઈટી, ગુવાહાટીમાં તેનો પાયો નાંખ્યો અને પૂરતો સમય લઈને પ્રોડક્ટના નિર્માણ અને તેના પરીક્ષણની પ્રક્રિયાને પૂરી કરવામાં સફળ રહ્યા.

image


ધ્રુવ કહે છે, 

"હોમ ઑટોમેશનની તકનીક તમને મોબાઇલ ફોન કે પછી લેપટૉપ કે ટેબલેટ જેવાં સ્માર્ટ ઉપકરણોના માધ્યમથી તમારા ઘર પર પૂરેપૂરું નિયંત્રણ રાખવાની આઝાદી પ્રદાન કરાવે છે. તમે કોઈ પણ લાઇટ વગેરેને ઓછી કે વધારે કરી શકો છો અને વગર કોઈ વધારાના વાયરિંગે માત્ર પોતાના મોબાઇલ ફોનના માધ્યમથી મ્યુઝિક સિસ્ટમને પણ મરજી મુજબ સંચાલિત કરી શકો છે. આ ઉપરાંત તમે આ પ્રોડક્ટની મદદથી આઈપી કેમેરાને પણ એકીકૃત કરીને દુનિયાના કોઈ પણ ખૂણામાં બેસીને તમારા ઘરની લાઇવ ફીડનો આનંદ લઈ શકો છો. આ ઉપરાંત ઊર્જાના ક્ષેત્રમાં કાર્યદક્ષ હોવા ઉપરાંત સુરક્ષિત હોવાની સાથે ક્યૂબિકલનો ઉદ્દેશ આપણા જીવનને સુગમ બનાવવાનો છે."
image


ક્યૂબિકલે થોડા મહિનાઓ પહેલાં જ દિલ્હી-એનસીઆર અને મુંબઈમાં કામકાજ શરૂ કર્યું છે અને માત્ર છ મહિનાના ટૂંકા ગાળામાં જ પોતાની ત્રણ લોકોની ટીમ વિસ્તારીને તેને 65 સુધી પહોંચાડવામાં સફળતા મેળવી છે. તેમની ટીમના 20 ટકાથી પણ વધારે સભ્યો આઈઆઈટી અને આઈઆઈએમના સ્નાતક છે.

image


આ ટીમ કેટલાક બિલ્ડર્સ સાથે રિઅલ એસ્ટેટ સોદા કરાવવામાં સફળ રહી છે અને ગયા કેટલાંક મહિનાઓથી સફળતાપૂર્વક પોતાનાં ઉત્પાદનો વેચી રહી છે. હાલમાં તે એ સીરિઝનું ફંડિંગ મેળવવાનો પ્રયાસ કરીને દેશભરમાં પોતાના કામકાજનો વિસ્તાર કરવાની યોજના ઘડી રહી છે.

હરિફાઈ

હોમ ઑટોમેશનના હરિફાઈભર્યા બજારમાં ક્યૂબિકલ લેબ્સને શ્નાઇડર, લીગ્રાંડ, હનીવેલ અને ફિબારો જેવાં મોટાં નામ સામે ટક્કર ઝીલવી પડે છે.

ક્યૂબિકલ મુખ્યપણે પોતાના અધિકારવાળી પ્રોપરાઇટરી તકનીક ‘ક્યૂબ-આર’ પર મોટા ભાગે આધારિત છે. આ એક ઉચ્ચ સ્તરીય સંચાર પ્રોટોકોલ છે, જેના ઉપયોગથી રેડિયો ફ્રિક્વન્સી પર આધારિત પર્સનલ એરિયા નેટવર્કનું નિર્માણ કરી શકાય છે. ટીમ મુજબ ક્યૂબ-આર એક નોન-બલ્કી પ્રોટોકોલ છે, જે આને ડેટા અને કમાન્ડ ટ્રાન્સફરની સુસ્ત પ્રક્રિયામાં ઝડપ લાવવા સક્ષમ બનાવે છે, જેના પરિણામે આ કંપનીની સિસ્ટમ અન્ય કંપનીઓની સરખામણીએ વધારે ઝડપી પુરવાર થાય છે. આ પ્રોટોકોલ 128 બિટ એઈએસ ઇન્ક્રિપ્શનનો ઉપયોગ કરે છે. આ એન્ક્રિપ્શનનો ઉપયોગ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ક્રેડિટ કાર્ડની લેણદેણની પ્રક્રિયામાં કરવામાં આવે છે.

ઉપકરણોને સામાન્ય રીતે ચાલુ કે બંધ કરવા, તેમની શિડ્યુલ કરવા અને તેમને તેજ કે ધીમા કરવા ઉપરાંત કંપનીએ પોતાની ડિવાઇસનો ઉપયોગ કરનારા દરેક ઉપકરણ માટે એક પેટન્ટ રેગ્યુલેશન ફીચરને પણ અપનાવ્યું છે, જેનાથી તેમના ગ્રાહકો પંખાની ગતિને નિયંત્રિત કરવાનું અને ઝુમ્મર કે બલ્બ કે પછી ઓછી કે વધુ થનારી લાઇટોને નિયંત્રણ કરવાની સુવિધા પ્રદાન કરે છે અને એ પણ જાતભાતનાં નિયંત્રણ ઉપકરણો અને બહારના ડિમર્સની મદદ વિના. આ ઉપરાંત આ ફીચર આઈપી આધારિત વિડિયો કેમેરા અને કર્ટેઈન મોટર્સને એકીકૃત કરવાની સુવિધા પણ આપે છે. સર્વિસ સંબંધિત સમસ્યાઓથી બચવા માટે ક્યૂબિકલની ટીમ ઇન્સ્ટોલેશન અને સર્વિસિંગનું કામ પોતે જ સંભાળે છે, જેમાં ઇન્સ્ટોલેશનના પહેલા વર્ષમાં કોઈ પણ સવાલ પૂછ્યા વિના મફતમાં ફરી ઇન્સ્ટોલેશન કરી આપવાની ગેરન્ટીની સુવિધા પણ સામેલ છે.

ક્યૂબિકલ સ્માર્ટહોમ્સ એક સ્માર્ટ એનર્જી મોનિટરિંગ અને મેનેજમેન્ટ સિસ્ટમથી સજ્જ છે, જે વાસ્તવિક સમયના આધારે ઊર્જાના વપરાશ પર દેખરેખ રાખે છે, જેના પરિણામે ઉપયોગકર્તા પોતાના વપરાશને નિયંત્રણમાં રાખીને સંસાધનોના સંરક્ષણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આની સ્માર્ટ અને અત્યંત સરળ એપની મદદથી ઉપયોગ કરનાર દૈનિક/સાપ્તાહિક/માસિક/વાર્ષિક આધારે સરેરાશ ઊર્જાના વપરાશનો આંકડો મેળવવા ઉપરાંત વપરાશ પર નજર રાખી શકે છે અને બગડેલા-બિનકાર્યક્ષમ ઉપકરણોને પણ ઓળખી શકે છે.

ભારતમાં હોમ ઑટોમેશનનું માર્કેટ

ભારતમાં હોમ ઑટોમેશનનું માર્કેટ હાલમાં પ્રારંભિક અવસ્થામાં છે અને તેમાં વિકાસની અસીમ સંભાવનાઓ છે. સ્માર્ટફોન સ્માર્ટ ઘરોનો માર્ગ ખોલે છે અને આ સ્થિતિમાં 130 મિલિયન સ્માર્ટફોન વપરાશકારો ભારતને એક વિશાળ અને સંભાવનાસભર માર્કેટ બનાવે છે. આ ઉપરાંત રિઅલ એસ્ટેટના ક્ષેત્રમાં આવનારા 5 વર્ષોમાં 7 મિલિયન એકમોની જરૂરિયાત, જેમાંથી મોટા ભાગના ટોચના શહેરોમાં ઊંચી આવકવાળા વર્ગના લોકોની હશે, આવા સંજોગોમાં હોમ ઑટોમેશન સાથે જોડાયેલા માર્કેટનું પરિદૃશ્ય સારું જણાય છે. આને પરિણામે ભારત દુનિયાના મોટા ભાગના વિકાસશીલ દેશોની સરખામણીમાં વધારે મોટા માર્કેટ તરીકે ખુદને સ્થાપિત કરી રહ્યું છે.

પડકારો

ક્યૂબિકલના સ્થાપકોનું માનવું છે કે ભારતમાં પરંપરાગત હોમ ઑટોમેશન સિસ્ટમના પ્રવેશ અને વિસ્તારમાં વધેલી કિંમતો, તેના ઇન્સ્ટોલેશનની ઝંઝટભરી પ્રક્રિયા અને લોકોમાં આ અંગેની જાણકારી-જાગૃતિના અભાવ જેવા મોટા અંતરાયો છે.

તેમનું વેપારનું સમગ્ર મૉડલ એવી અવધારણા પર મદાર રાખે છે કે ભારતીય બજાર આજે પણ સ્વયં સંચાલિત પ્રોડક્ટ માટે પૂરેપૂરું તૈયાર નથી. જોકે, એક સાધારણ દેખાતું વીજળીનું કામ જ કેમ ન હોય, તેમાં વીજળીના જીવંત તાર સાથે રમવું પડે એવી સ્થિતિમાં ઈ-કોમર્સ જેવા એક વેપાર મૉડલ અંગે વિચારવું બેવકૂફીભર્યો નિર્ણય હશે

આ ઉપરાંત હોમ ઑટોમેશન અત્યારે બિલકુલ નવી પ્રોડક્ટ છે, મોટા ભાગના સંભવિત ગ્રાહકો આના વિશે વાસ્તવિક રીતે જાણ્યા વિના તેને સીધું ઇન્ટરનેટ પર ખરીદવામાં રસ નહીં બતાવે.

ભવિષ્યમાં ક્યૂબિકલ હોમ ઑટોમેશન સેવાઓ અને આ તકનીક અંગે જાગૃતિ પેદા કરવા માટે અભિયાન શરૂ કરવાનો વિચાર પણ કરી રહ્યું છે.


લેખક – સુશીલ રેડ્ડી

અનુવાદક – સપના બારૈયા વ્યાસ