ડ્રાઈવિંગને કરિયર તરીકે પસંદ કરી શિમલાની મહિલાઓ તોડી રહી છે રૂઢીવાદી વિચારસરણી!

ડ્રાઈવિંગ સીટ પર બેઠેલી મહિલાઓ સામાજિક બદલાવનું પ્રતીક છે! 

0

શિમલા જિલ્લા પ્રશાસન તેમજ રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેઈનિંગ ઇન્સ્ટીટ્યૂટના એક સયુંકત પ્રયાસને આજે લોકો બિરદાવી રહ્યાં છે. તેમની આ પહેલ છે મહિલાઓને ટેક્સીચાલક તરીકે તૈયાર કરવી. આ પહેલને ઘણી સકારાત્મક મનાઈ રહી છે, જેના પર ચાલીને સમાજમાં પ્રવર્તતી રૂઢીવાદી વિચારસરણીથી મહિલાઓ પીછો છોડાવી શકે.

શિમલાની મહિલાઓએ ડ્રાઈવિંગને પોતાના કરિયર તરીકે પસંદ કરવાની શરૂઆત કરીને સમાજમાં વ્યાપેલી સ્ટીરીયોટાઇપ વિચારસરણીને તોડવાની શરૂઆત કરી દીધી છે!

આપણા સમાજમાં પુરુષ અને મહિલાઓ માટે અનૌપચારિક રીતે જ જાણે અલગ અલગ કામો નક્કી કરી દેવાયા છે. મોટાભાગના લોકોનું માનવું હોય છે કે મહિલાઓ ઘરને લગતા કામ કરે અને પુરુષ બહારના. અને જ્યાં મહિલાઓ બહારના કામ કરતી હોય ત્યાં કેટલાક નિયમો અને શરતો લાગુ કરી દેવાય છે. ડ્રાઈવિંગ જેવા પ્રોફેશનમાં આવવાનું તો ભાગ્યે જ કોઈ મહિલા વિચારી શકે છે. પરંતુ હિમાચલના શિમલામાં ગામની 21 મહિલાઓએ ડ્રાઈવિંગને પોતાના કરિયર તરીકે પસંદ કરીને સમાજમાં વ્યાપેલી સ્ટીરીયોટાઇપ વિચારસરણીને તોડવાની કોશિશ કરી છે.   

મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે 21 મહિલાઓને ડ્રાઈવિંગની ટ્રેઈનિંગ આપવામાં આવી છે. આ 21 લોકોમાં કોલેજમાં ભણતી છોકરીઓથી લઈને હાઉસવાઈફ સુધીની મહિલાઓ સામેલ છે. આ પ્રોગ્રામને લઈને સુમન લતા કહે છે,

"આપણા પુરુષપ્રધાન સામાજમાં છોકરીઓ અને મહિલાઓ માટે બનાવવામાં આવેલા બંધનો તોડવા એટલા સરળ નથી. ડ્રાઈવિંગ સીટ પર બેઠેલી મહિલા ખરેખર તો સામાજિક બદલાવનું પ્રતિક છે."

ડ્રાઈવિંગ શીખીને ડ્રાઈવર તરીકે કામ કરવાની ઈચ્છા 200 મહિલાઓએ દર્શાવી હતી જેમાંથી 21 મહિલાઓની પસંદગી કરી તેમને ગાડી ચલાવવાની ટ્રેઈનિંગ આપવામાં આવી અને સાથે જ ટેક્સી ખરીદવા માટે નાણાંકીય મદદની પણ વ્યવસ્થા કરવામાં આવી.

નાલદેહરા વિસ્તારમાં રહેતી નિશા ગર્ગનું કહેવું છે,

"મારા ઘરમાં બે કમર્શિયલ વાહનો છે. હું કેટલાંયે દિવસોથી કાર ચલાવવાનું શીખવા માગતી હતી જેથી મારા પતિ અને તેમના ધંધામાં મદદ કરી શકું પરંતુ મને મોકો જ નહતો મળતો."  

ડ્રાઈવર સીટ પર બેસવા આતુર નિશાએ કહ્યું કે તે અ પ્રોગ્રામનો ભાગ બનીને ઘણી ખુશ છે.

મહિલાઓને ટ્રાફિકના નિયમો તેમજ સિગ્નલ વિશે વિશેષ જાણકારી આપવામાં આવી છે. આ તમામ મહિલાઓની ઈચ્છા છે કે તે પોતાનો બિઝનેસ શરૂ કરે અને ઉદ્યમી બને. તેમાંની એક પ્રીતિ ચૌહાણનું કહેવું છે કે જે હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીથી MM (પબ્લિક એડમિનિસ્ટ્રેશન)નું શિક્ષણ મેળવી રહી છે, 

"હું પહેલી વાર ડ્રાઈવર સીટ પર બેઠી. હું ડ્રાઈવર બનીને આત્મનિર્ભર બનવા માગું છું."

જોકે તેનું કહેવું કે ડ્રાઈવર બનવાનો નિર્ણય લીધા બાદ ઘરનું કોઈ સભ્ય તેનાથી નારાજ નહતું થયું, બલ્કે, તેના નિર્ણયનું સમ્માન કરી તેને સહકાર પૂરો પાડ્યો. તે પોતાને ખુશનસીબ માને છે તેમને આવો પરિવાર મળ્યો. તેમના પરિવારજનોનું કહેવું છે કે એવું કોઈ કામ નથી કે જે મહિલાઓ ના કરી શકે. પ્રીતિ વધુમાં કહે છે,

"હું મારા ગામની છોકરીઓને પગભર બનાવીશ અને પોતાનું કંઇક કામ કરે તે માટે પ્રોત્સાહિત કરીશ."

ટ્રેઈનિંગ ઇન્સ્ટીટ્યૂટના ડાયરેક્ટર સુરેન્દ્રસિંહ ચૌહાણે કહું છે,

"ડ્રાઈવિંગ શીખવા માટે લગભગ 200 મહિલાઓએ અરજી કરી હતી અને તેમાંથી ઇન્ટરવ્યૂના માધ્યમથી 21 મહિલાઓની પસંદગી કરવામાં આવી. અમે આ કાર્યક્રમ મહિલાઓને પ્રોત્સાહિત કરવા તેમજ સશક્ત બનાવવા કરી રહ્યાં છીએ."

શિમલાના ડેપ્યુટી કમિશ્નર આરસી ઠાકુરે કહ્યું,

"એક વર્ષ પહેલાં જ્યારે અમને ટેક્સી ડ્રાઈવર્સને લઈને ફરિયાદો મળવા લાગી ત્યારે મને આ આઈડિયા આવ્યો હતો. અમે વિચાર્યું કે જો મહિલાઓ કાર અને ટેક્સી ચલાવવા લાગશે તો આ સમસ્યાનું સમાધાન મળી શકશે. તેનાથી મહિલાઓ આર્થિક રીતે પગભર પણ બનશે અને શિમલાને મહિલાઓ માટે એક સુરક્ષિત શહેર બનાવી શકાશે."

જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો khushbu@yourstory.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...

Related Stories