21મી સદીની લાઈફસ્ટાઈલમાં 'હસ્તકળા'ને ખાસ જગ્યા આપતું EthnicShack

21મી સદીની લાઈફસ્ટાઈલમાં 'હસ્તકળા'ને ખાસ જગ્યા આપતું EthnicShack

Saturday December 05, 2015,

8 min Read

જો તમારી લાઇફસ્ટાઇલ એથનિક છે તો ‘EthnicShack’ છે તમારા માટે બેસ્ટ!

image


ક્યારેક-ક્યારેક આપણે આપણા હૃદયના અવાજને પણ સાંભળી લેવો જોઇએ. સૃજતા ભટનાગરે પણ પોતાના દિલના અવાજને સાંભળ્યો હતો. આજ કારણ છે કે તેઓ પહેલા નોકરી કરતા હતા અને આજે સ્વયં પગભર થઇને બીજા લોકો માટે માર્ગ તૈયાર કરી રહ્યા છે. સૃજતા ભટનાગરે ઈએસપીએન ક્રિકઇન્ફોના ઓનલાઇન પ્રોડક્ટ મેનેજમેન્ટમાં શાનદાર કામ કર્યુ હતું પણ પોતાના મનની વાત સાંભળનારી સૃજતા હાથશાળમાં પોતાના કૌશલ્યને અજમાવવા ચાહતા હતા. તે માટે તેઓ શિલ્પકારો અને કારીગરોની સાથે મળીને એક અભિયાન ચલાવવાની ઇચ્છા ધરાવતા હતા. સૃજતાનું EthinicShack સાહસ તેમની તે ઇચ્છાને વાસ્તવિકતામાં પરિવર્તિત કરી રહ્યું છે. આ તે સાહસ છે જેમાં ગામઠી, પરંપરાગત અને આધુનિકતાનું મિશ્રણ છે.

image


સૃજતા ભટનાગરનો જન્મ આમ તો પશ્ચિમ બંગાળમાં થયો હતો પણ તેમના પિતાની છાશવારે બદલી થતી રહેતી હતી અને તે કારણે તેમને અડોસ-પડોસ અને મિત્રોનો તેવો સાથ નહતો મળ્યો જેને મોટાભાગના લોકો પોતાની આસપાસ મેળવતા હોય છે. તેમ છતા તેઓ હંમેશા નવી જગ્યાએ સામે આવતા પડકારો માટે તૈયાર રહેતા હતા. તેનાથી તેમનામાં એક પ્રકારનો આત્મવિશ્વાસ પેદા થતો હતો. સૃજતાના અનુસાર આવા વાતાવરણમાં તમે માત્ર ખુલ્લા મસ્તિષ્ક સાથે જ મોટા નથી થતા બલ્કે સામે આવનારી વસ્તુઓને તમે નિષ્પક્ષ રીતે જુવો છો. તેઓ કહે છે કે તેમના દાદી વધારે ભણેલા-ગણેલા નહતા અને તેઓ ઘણી વાર તેમની પાસે પુસ્તક માગીને વાંચતા હતા. જ્યારે તેમના દાદાજી એક નામાંકિત તબીબ હતા. પરિવારમાં તેમને ઉછેર વખતે શીખવી દેવાયું હતું કે પોતાના અધિકાર માટે કઇ રીતે લડવામાં આવે છે અને બીજાની સેવા કરવી કેટલી જરૂરી છે. સૃજતા જણાવે છે કે તેમના પિતા બાળપણમાં કહેતા હતા કે “જ્યારે તું ૧૮ વર્ષની થઇ જઇશ ત્યારે હું તને ઘરની બહાર કાઢી મૂકીશ જેથી તુ જાતે દુનિયા સામે લડી શકે.” અને તેમણે તેમ જ કર્યુ હતું. તેઓ જણાવે છે, “૧૨માના અભ્યાસ માટે મને હોસ્ટેલ મોકલી દેવામાં આવી હતી.” જ્યાં તે એકલી રહેતી હતી. આજ કારણ છે કે પહેલા તે કોલકાત્તામાં રહી હતી, પછી ચેન્નઈમાં અને તે પછી બેંગલુરુમાં. ચેન્નઈમાં જ્યારે તે એમબીએ કરીને નોકરી કરી રહી હતી તે દરમિયાન જ લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી તેમના પતિ બેંગલુરુમાં નવું કામ શોધી રહ્યા હતા. તે કારણે તેમણે પોતાના પતિ સાથે બેંગલુરુ આવવું પડ્યુ હતું.

image


સૃજતાના જણાવ્યા પ્રમાણે તેમના પરિવારમાં કોઇ ઉદ્યોગસાહસિક નથી અને તેઓ પોતાની પેઢીની પહેલી એવી વ્યક્તિ હતી જેણે આ ક્ષેત્રે પગ મુક્યો હતો. કારણ કે તેમના પિતા તો સરકારી નોકરીમાં હતા કે પછી પીએસયૂમાં, જ્યારે માતા ગૃહિણી હતા અને ઘર સંભાળતા હતા. આ કારણે જ શરૂઆતમાં તેમને કોર્પોરેટ કલ્ચરને સમજવામાં ઘણી તકલીફ થઇ હતી. સૃજતાનાં અનુસાર આજે આપણે તે વળાંક પર છીએ જ્યાં આપણો વારસો અને પરંપરાગત કુટીર ઉદ્યોગ ખતરામાં છે. મશીનની તાકાતથી આજે આપણે હસ્તકલાની કોઈ પણ ડિઝાઇન, પ્રિન્ટની નકલ કરીને તેને સસ્તામાં બનાવી શકીએ છીએ. એટલુ જ નહીં, આ મશીનો વડે નિર્મિત પ્રોડકટ્સને ઘણા લોકોના હાથે તૈયાર કરવામાં આવેલી પ્રોડક્ટના રૂપમાં વેચી રહ્યા છે. તેમ છતા હસ્તકલાનો કોઇ તોડ નથી. હાથ વડે નિર્મિત કોઇ પણ પ્રોડક્ટ અજોડ હોવાની સાથે જ ખાસ હોય છે. અને તેનુ નિર્માણ પ્રેમથી કરવામાં આવે છે.

આ વાતને ધ્યાનમાં રાખીને સૃજતાના કુશળ કારીગરો ખૂબ જ શાનદાર કામ કરી રહ્યા છે. તેમણે બનાવેલી પ્રોડકટ્સ આજની ફેશન અનુસાર તો છે જ, સાથે જ તે અસલી અને પ્રમાણિક પણ છે. તેમના અનુસાર ગ્રાહક પણ સમજી જાય છે કે કઇ પ્રોડક્ટ હસ્તનિર્મિત છે અને કઇ મશીનથી બનેલી છે. તેઓ જણાવે છે છે કે હસ્તકલામાં કુદરતી રંગ અને સામાનનો ઉપયોગ થાય છે જે ઈકોફ્રેન્ડલી હોવાની સાથે જ તમારી ત્વચા માટે પણ સારા છે. સૃજતા જણાવે છે, “જીવન સાથે જોડાયેલી જરૂરિયાતની તમામ વસ્તુઓ હસ્તશિલ્પ ઉદ્યોગ પાસે છે. તે કારણ જ છે કે અમે આ ક્ષેત્રમાં છીએ.” તેઓ ચાહે છે કે આજની પેઢીને તેના ફાયદા જણાવવામાં આવે જેથી તેઓ તેમનો ઉપયોગ કરીને ખુશ રહે. સૃજતાનું કહેવુ હતું કે, “અમે અમારા કારીગરો અને કલાકારોને સંરક્ષણ આપવા માગીએ છીએ, અમે ઇચ્છીએ છીએ કે તેમના જીવનમાં પણ ખુશીઓ હોય. સાથે જ અમે તેમને જણાવવા માગીએ છીએ કે તેઓ જે કામ કરે છે તે આશ્ચર્યચકિત કરનારું છે અને તેમણે તે કામને જાળવી રાખવું જોઇએ.”

image


સૃજતાના અનુસાર તેઓ દિલથી વિદ્રોહી સ્વભાવનાં રહ્યા છે. આ જ કારણ છે કે મલ્ટિનેશનલ કંપનીમાં કામ કર્યું હોવા છતા તેમનામાં સંતોષનો ભાવ નથી રહ્યો. EthinicShack સાથે સ્વાભાવિક રૂપે જ જોડાણ થયું હતું કારણ કે તેમને હાથ વડે તૈયાર કપડા, હાથ વડે સિલાઇ કરેલા કપડા ઘણા પસંદ હતા. તેઓ કહે છે, “તેથી જ હું ચાહતી હતી કે આટલા સારા કામ માટે શિલ્પકારો અને કારીગરો માટે કાંઇ કરવામાં આવે.” આ રીતે તેમણે સપ્ટેમ્બર ૨૦૧૩માં www.ethinicshack.comનો પ્રારંભ કર્યો હતો. તે બાદ તેમણે ક્યારેય પાછળ વળીને નથી જોયું. સૃજતાના જણાવ્યા પ્રમાણે EthinicShackની શરૂઆત કરતા પહેલા અમે લોકો પાસેથી આ સમજવાનો પ્રયાસ કર્યો હતો કે શું તેમને હાથ વડે નિર્મિત સામાન પસંદ છે કે નહીં અને જો પસંદ હોય તો શું તેઓ તેને ખરીદશે. આ બધું જાણવા માટે ૧૫ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ એક એક્ઝિબીશન પણ ગોઠવવામાં આવ્યુ હતું. જેમાં તેમને જોરદાર સમર્થન મળ્યુ હતું અને તેમનામાં વિશ્વાસ પેદા થયો હતો કે તેમણે આ ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઇએ અને ઈ-કોમર્સના માધ્યમથી તેમણે આ ક્ષેત્રમાં દસ્તક આપી હતી.

સૃજતાએ પોતાનું આ મિશન ત્રણ ભાગમાંવહેંચ્યું છે : પહેલું છે હસ્તનિર્મિત સામાનની કેટલીક કંટાળાજનક બાબતોને અટકાવવી. બીજો ભાગ છે હસ્તનિર્મિત પ્રોડકટ્સને રોજબરોજના ઉપયોગને લાયક બનાવવા માટે ફેશન અનુસાર બનાવવી અને ત્રણ, કુટીર ઉદ્યોગ દ્વારા તૈયાર કરવામાં આવેલા સામાનને પ્રસિદ્ધ કરવો અને તેને ફેશનની સાથે જોડવો. EthinicShack એ પોતાના કામની શરૂઆત બેંગલુરુથી કરી હતી કારણ કે અહીંની ઈકોસિસ્ટમ આ કામ માટે ઘણી અનુકૂળ છે. બીજું એ કે આ તમામ બિઝનેસ ઈ-કોમર્સ પર આધારિત છે તેથી બેંગલુરુ કરતા સારી બીજી કોઇ જગ્યા હોઇ જ નહતી શકતી. EthinicShack નામ વિશે તેમનું કહેવું હતું કે Ethinicનો અર્થ પરંપરાગત છે જ્યાં તેઓ પોતાના ગ્રાહકોને શુદ્ધ માલ આપે છે. તો Shackથી સારો શબ્દ આ નામ સાથે જોડવા માટે બીજો કોઇ નહતો. તે ઉપરાંત જે માલ તૈયાર થાય છે તે ઝૂંપડી કે નાના રૂમોમાં તૈયાર થાય છે.

image


કહેવાય છે કે દાનની શરૂઆત ઘરથી થવી જોઇએ. તેથી જ કંપની માટે બહારના સહસંસ્થાપકોને શોધવાની જગ્યાએ સૃજતાને લાગ્યુ હતું કે આના માટે પોતાના પતિ અનીશ સાથે જ કેમ વાત ના કરવામાં આવે. જે ઘણી ટેક્નોલોજી કંપનીઓ, મીડિયા કંપનીઓમાં કામ કરી ચૂક્યા હતા. તેઓ કામ માટે ઝટપટ તૈયાર થઇ ગયા હતા. આજે આ બંન્ને મળીને EthinicShack ચલાવે છે. તે ઉપરાંત તેમની નજર સમાન વિચારધારા ધરાવતા લોકો પર પણ રહે છે જેઓ આ અભિયાનને આગળ લઇ જવામાં મદદ કરી શકે છે. સૃજતાના જણાવ્યા પ્રમાણે તેમણે પોતાના કામની શરૂઆત સાડીઓ સાથે કરી હતી પણ જલ્દી જ તેમણે મહીલાઓ માટે સલવાર કમીઝ, દુપટ્ટા, સ્ટોલ, હેન્ડબેગ, ધાબળા અને અન્ય ઘણી વસ્તુઓ બનાવવી શરૂ કરી હતી. હવે તેમની જલ્દી જ નાના બાળકો માટેના કપડા લઇ આવવાની યોજના છે.

હાલ EthinicShack એ પોતાનુ સઘળું ધ્યાન ટિઅર ૧ અને ટિઅર ૨માં રહેતી શહેરી મહીલાઓ પર કેન્દ્રીત કરેલું છે.તે ઉપરાંત કંપનીની નજર તેવા પુરૂષો પર પણ છે જેઓ પોતાના મનપસંદ પાત્રોને ભેટ આપતા રહે છે. જોકે EthinicShackનું મોટાભાગનું ધ્યાન ઘરેલૂ બજાર પર છે તેમ છતા કંપનીએ અમેરિકા, કતાર અને યૂએઈ જેવા દેશોમાં પણ પોતાનો સામાન મોકલ્યો છે. હાલ સૃજતાનું આ સાહસ ગ્રામીણ વિસ્તારોમાં નાના અને પાયાના સ્તરે કારીગરોની મદદ કરી રહ્યું છે. તેમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્ય સામેલ છે. કંપની પોતાની ડિઝાઇન્સ આ રાજ્યોમાં મોકલે છે અને પોતાના માટે પ્રોડકટ્સ તૈયાર કરાવે છે. તે ઉપરાંત કંપની આ વર્ષે કારીગરોની સંખ્યા પણ વધારવા જઇ રહી છે જેમની પાસે તે નિયમિત રીતે કામ કરાવે છે. તે માટે હવે કંપનીની નજર ઉત્તર-પૂર્વના રાજ્યો, રાજસ્થાન, કેરળ અને અન્ય સ્થાનો પર છે. સાથે જ કંપની આ વર્ષે પોતાની આવકને ત્રણ ગણી કરવાનું લક્ષ્ય પણ ધરાવે છે.

image


EthinicShackની પહોંચ સીધી કારીગરો સુધી હોય છે તેમની વચ્ચે કોઇ વચેટિયા નથી હોતા. સૃજતાના જણાવ્યા પ્રમાણે કારીગરો અમારા પાર્ટનર છે અને અમે લોકો તેમની સાથે મળીને કામ કરી રહ્યા છીએ. આ જ કારણ છે કે બંન્ને લોકો એકબીજાની તકલીફોને સમજી શકે છે. બજારમાં હાલ ઘણા મોટા ખેલાડીઓ જેવા કે ફેબ ઇન્ડિયા, ઇન્ડિયન રૂટ્સ છે તો બીજી બાજૂ આઈટોકરી જેવા પણ છે. તેમાનાં મોટાભાગના બજારમાં પોતાનું સ્થાન બનાવી રહ્યા છે. તેમ છતા સૃજતાનું માનવું છે કે આ ક્ષેત્રમાં ભલે આટલા બધા લોકો હોય પણ બધાની પર આ વાતનું દબાણ રહે છે કે તેઓ બીજાની તુલનામાં વધારે સારું કામ કરે. આ ક્ષેત્રની સૌથી મોટી વિશેષતા જ આ છે કે અહીં હળીમળીને કામ કરવું પડે છે અને બીજાની મદદ કરવી પડે છે. સૃજતાનાં અનુસાર આ તેમની જવાબદારી છે કે જે ગ્રાહક આ પ્રોડકટ્સ મેળવવા માટે સારી ગુણવત્તા અને યોગ્ય કિંમતની શોધ કરી રહ્યા છે તે પૂરી થાય. તો બીજી તરફ તેઓ આ પણ ચાહે છે કે જે લોકોએ આ કૃતિઓ તૈયાર કરી છે તેમને પ્રેમ અને પ્રસંશા તો મળે જ સાથે જ તેમના કામને પણ માન્યતા મળે. સૃજતા સ્પષ્ટ રીતે જણાવે છે કે હાલ તેમને કોઇ નફો થઇ રહ્યો નથી પણ જલ્દી જ એવી સ્થિતિ પણ સર્જાશે જ્યારે તેમને નફો પણ થશે. હાલ તેમના કામની ચર્ચા મીડિયામાં ઘણી થઇ રહી છે. પછી ચાહે તે ‘પ્લાન યોર વેડિંગ’ જેવું મેગેઝીન કે અન્ય મેગેઝીન્સ કેમ ના હોય.

સૃજતાના પરિવારમાં તેમના પતિ અને ૫ વર્ષની એક દિકરી છે. તેઓ પોતાના પતિને પોતાના સારા મિત્ર માને છે. જેમને તેઓ છેલ્લા ૧૨ વર્ષથી જાણે છે. તેમના અનુસાર તેમના પતિ અને તેમની દિકરી જ તેમના સૌથી મોટા ટીકાકાર છે. તે બંન્ને નિષ્પક્ષતા સાથે પોતાનો અભિપ્રાય આપે છે જે તેમના કામને આગળ વધારવામાં મદદગાર સાબિત થાય છે. તેઓ પોતાને આ વાત માટે ભાગ્યશાળી માને છે કે તેમની દિકરી કલા અને શિલ્પ તરફી વલણ ધરાવે છે. સૃજતાના અનુસાર તેની પાસે પાછળ વળીને જોવાનો સમય નથી અને તેના અનુસાર દરેક વસ્તુ સારા માટે જ હોય છે અને તેનો કોઈ અર્થ હોય છે. તેમના અનુસાર ઉદ્યમશીલ રહેવુ ખૂબ જ પડકારજનક કામ છે અને જ્યાં સુધી તમે તેમાં ઓતપ્રોત ના થઇ જાવ ત્યાં સુધી આ પડકારોની બહાર ના નીકળી શકો. આ ક્ષેત્ર તે લોકો માટે નથી જેઓ શાંતિ અને કોઇપણ અવરોધો વિના જ જીવન જીવવા માગે છે.

વેબસાઈટ

લેખક- મદનમોહન રાઓ