બે પ્રજ્ઞાચક્ષુએ વિકલાંગોની ગૃહસ્થી વસાવવા બનાવી મેટ્રિમોનિયલ સાઈટ

બે પ્રજ્ઞાચક્ષુએ વિકલાંગોની ગૃહસ્થી વસાવવા બનાવી મેટ્રિમોનિયલ સાઈટ

Tuesday November 03, 2015,

4 min Read

અંકિત અને સંદીપ બંને પ્રજ્ઞાચક્ષુ છે

વિકલાંગો માટે તેમણે અનોખી મેટ્રિમોનિયલ સાઈટ બનાવી

અત્યાર સુધીમાં આ વેબસાઈટ પર 800 પ્રોફાઈલ અપલોડ થઈ ચૂક્યા છે

એક તરફ દુનિયામાં કહેવત છે કે પ્રેમ આંધળો હોય છે અને બીજી તરફ કોઈ અંધ વ્યક્તિ સાથે લગ્ન કરવા સામાન્ય વ્યક્તિ તૈયાર નથી થતી. લુધિયાણાના રહેવાસી અંકિત કપૂરની આ વાત છે. તે બાળપણથી જ પ્રજ્ઞાચક્ષુ છે. તે આજે પોતાના મિત્ર સંદીપ અરોરા અને જ્યોતિષિ વિનય ખુરાના સાથે મળીને એક મેટ્રિમોનિયલ વેબસાઈટ ચલાવી રહ્યો છે. આ વેબસાઈટની ખાસિયત એ છે કે તે વિકલાંગો માટે જીવનસાથી શોધવામાં મદદ કરે છે.


image


disabledmatrimonial.com નામની આ વેબસાઈટ શરૂ કરનારા અંકિત કપૂરનો મિત્ર સંદીપ અરોડા પણ પ્રજ્ઞાચક્ષુ છે. સંદીપે બાળપણમાં એક દુર્ઘટનામાં પોતાની આંખો ગુમાવી હતી. બંનેએ લુધિયાણાની બ્લાઈન્ડ સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો. હાલમાં તે બંને સરકારી નોકરી કરી રહ્યા છે. આ કામ શરૂ કરતા પહેલાં બંને મિત્રોની મુલાકાત વિનય ખુરાના નામના જ્યોતિષ સાથે થઈ હતી. ત્રણેએ ભેગા થઈને આહૂતિ ચેરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું જે હવે વિકલાંગોના લગ્ન, તેમનો અભ્યાસ અને બીજી અન્ય મદદ માટે કામ કરે છે. અંકિતના જણાવ્યા પ્રમાણે કોલેજના સમયમાં તેને સોશિયલ નેટવર્કિંગ પ્રત્યે ખૂબ જ આકર્ષણ અનુભવાતું હતું. તેના કારણે તેને લોકો ઓળખવા લાગ્યા. થોડા સમયમાં તો તેને લુધિયાણા જ નહીં દેશના અન્ય વિસ્તારોના લોકો પણ જાણવા લાગ્યા. તે સમયે અંકિતને અનુભવાયું કે, વિકલાંગો ભલે આજે આઈએએસ, વકીલ કે કોઈ પણ પદ પર પહોંચી ગયા હોય પણ લગ્નની વાત આવે ત્યારે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અંકિત જણાવે છે કે, લોકોને આ સમસ્યા ખૂબ જ નડતી હતી. લોકો તેમને કહેતા કે તેમના સંતાનો નોકરી કરવા લાગ્યા છે પણ યોગ્ય જીવનસાથી મળતા નથી.

image


વેબસાઈટ જ કેમ?

પ્રેમ, પીડા, સુખ અને દુઃખ જેવી લાગણીઓનો વારંવાર અનુભવ કરનાર અંકિતના મતે આજે પણ લોકોની માનસિકતા બદલાઈ નથી. તે જણાવે છે, "મેં જોયું છે કે લોકો વિકલાંગોના લગ્ન કરાવવાથી ડરતા હોય છે અને તેથી જ મેં આ કામ કરવાનું નક્કી કર્યું. તેના માટે મેં મારા મિત્રો સંદીપ અરોરા અને વિનય ખુરાનાની મદદ લીધી. મેં નક્કી કર્યું હતું કે, વિકલાંગોને લગ્ન કરવામાં મદદ કરીશ પણ કેવી રીતે કરીશ તેનો અંદાજ નહોતો." તેણે જોયું કે માર્કેટમાં અનેક મેટ્રિમોનિયલ સાઈટ્સ છે પણ વિકલાંગો માટે એવી કોઈ સાઈટ નથી. તેણે પોતાના મિત્રો સાથે જોડાઈને વેબસાઈટ બનાવવામાં 6-7 મહિના ખૂબ જ મહેનત કરી. તેમની મહેનત આખરે ફળી અને મે, 2014થી disabledmatrimonial.com વિકલાંગોને જીવનસાથી શોધી આપવાનું કામ કરે છે.

વેબસાઈટની ખાસિયત

આજે આ વેબસાઈટમાં 800થી વધારે વિકલાંગ યુવક-યુવતીઓની પ્રોફાઈલ છે. ખાસ વાત એ છે કે, કોઈપણ આ વેબસાઈટમાં આવીને મફત રજિસ્ટ્રેશન કરાવી શકે છે અને બીજાની પ્રોફાઈલ જોઈ શકે છે. એટલું જ નહીં જરૂર પડે ઓનલાઈન ચેટિંગની વ્યવસ્થા પણ અહીં ઉપલબ્ધ છે. આંતરિક સમજૂતી બાદ લોકો એકબીજાને પોતાના ફોન નંબર અને અન્ય વિગતો આપતા હોય છે, ફોટોઝ અપલોડ કરતા હોય છે. એવું નથી કે આ વેબસાઈટ એવા લોકો માટે જ છે જે ટેકનિકલ જાણકારી રાખતા હોય. કોઈ વ્યક્તિ વેબસાઈટ યોગ્ય રીતે ઓપરેટ ન કરી શકે તે વેબસાઈટમાં રહેલું ફોર્મ ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ કાઢીને વિગતો ભરી અંકિતને મોકલાવી શકે છે. વેસબાઈટમાં તેની પ્રોફાઈલ બનાવી દેવાય છે અને જો કોઈ માગુ આવે તો તેમને જાણ પણ કરાય છે. અંકિત જણાવે છે કે, અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં રહેતા બે લોકોના લગ્ન આ વેબસાઈટની મદદથી થયા છે.

image


રોકાણ મોટી મુશ્કેલી

અંકિત જણાવે છે કે, વેબસાઈટ બનાવવા માટે પૈસા ભેગા કરવા મોટી સમસ્યા છે, કારણ કે ટેકનિકલ બાબતોમાં લોકોની માનસિકતામાં ખાસ પરિવર્તન આવ્યું નથી. તે જણાવે છે કે, લોકો વિકલાંગોના અભ્યાસમાં કે, તેમના લગ્ન માટે પૈસા ખર્ચ કરી શકતા હોય છે પણ અમે તેમની પાસે જઈને માગણી કરીએ કે વિકલાંગોના લગ્ન થાય તે માટે વેબસાઈટ બનાવવા ભંડોળ જોઈએ છે તો કોઈ મદદ કરવા તૈયાર હોતું નથી. આ જ કારણ છે કે, આ વેબસાઈટ બનાવવા માટે અંકિત અને સંદીપે પોતાની બચતનો ઉપયોગ કર્યો છે. તેમણે વેબસાઈટ બનાવતા પહેલાં જ નક્કી કરી લીધું હતું કે, તેનો ઉપયોગ માત્ર વિકલાંગોના લગ્ન માટે જ હશે અને તેનો કોઈ વ્યાવસાયિક લાભ લેવામાં નહીં આવે. તેમની મહેનત ફળી અને આજે વેબસાઈટ પર દરરોજ 15 થી 20 લોકો આવતા હોય છે. હવે તેમની યોજના ટોલ ફ્રી નંબર એપ લાવવાની છે. આ ત્યારે જ શક્ય બનશે જ્યારે તેમને યોગ્ય ભંડોળ પ્રાપ્ત થાય.

અંકિત અને સંદીપ ભલે સરકારી નોકરી કરતા હોય પણ આ કામ માટે તેઓ સમય કાઢે જ છે. સોશિયલ સાઈટ્સ પર એક્ટિવ રહેનાર અંકિત જણાવે છે, "આ એક સામાજિક કામ છે અને હું ટેક્નોલોજીનો ખોટો ઉપયોગ ન કરી શકું. આ કામ શરૂ કર્યા પછી તે લોકોને ઘણા નવા અનુભવો થયા છે. મેં જોયું છે કે લોકો નિરક્ષરતાને પણ વિકલાંગતાની શ્રેણીમાં જ મૂકવા લાગ્યા છે. તેના કારણે જ અમારી વેબસાઈટમાં એવા ઘણા લોકો આવે છે જે કહે છે કે તેમનું સંતાન નિરક્ષર છે અને તેના માટે વિકલાંગ સાથીની જરૂર છે." તેમના જણાવ્યા પ્રમાણએ સમાજ બદલાઈ રહ્યો છે, પણ તેની ઝડપ ઘણી ઓછી છે. પ્રોદ્યોગિકીના આ ક્ષેત્રમાં હજી ઘણું કરવાનું બાકી છે. અંકિત વધુમાં જણાવે છે કે, "ઘણાં બધા વિકલાંગો એવા છે જે ટેક્નોલોજી સાથે જોડાઈ શકતા નથી અને અમે આ લોકોને પણ સાથે રાખીને કામ કરવામાં માનીએ છીએ."