પતિના વિરોધનો સામનો કરી, એકલા હાથે ઝઝૂમી સફળ ઉદ્યોગસાહસિક બની મણિપુરની જિના ખુમુજામ

પતિના વિરોધનો સામનો કરી, એકલા હાથે ઝઝૂમી સફળ ઉદ્યોગસાહસિક બની મણિપુરની જિના ખુમુજામ

Monday December 14, 2015,

5 min Read

મણિપુરમાં ભારે વરસાદનાં વાતાવરણને કારણે ફોન લાગતાં નહોતા અને સતત કપાઈ જતા હતા. અંતે મારી વાત 64 વર્ષીય જિના ખુમુજામ સાથે થઈ. તેઓ મણિપુરના ઉદ્યોગસાહસિક છે અને સ્થાનિક લોકો તેમને 'કુદરતી ચિકિત્સક' તરીકે ઓળખે છે. તેઓ મંગલ નામની બ્રાન્ડ અંતર્ગત આઠ પ્રકારના કુદરતી વસ્તુઓથી બનાવેલા સાબુ વેચે છે. વર્ષ 2004માં રજૂઆત બાદ છેલ્લાં ઘણાં વર્ષોમાં તે પ્રખ્યાત થયાં છે અને તેનું વેચાણ સતત વધી રહ્યું છે. અગાઉ તેમની બ્રાન્ડનું નામ 'અવર રેસ્ટ હાઉસ' રાખવામાં આવ્યું હતું જેને વર્ષ 2011માં બદલીને 'મંગલ' કરવામાં આવ્યું છે. જિનાએ જણાવ્યું હતું કે હું રાષ્ટ્રપતિનાં પ્રદર્શનમાં ભાગ લેવા માટે નવી દિલ્હી ગઈ હતી અને ત્યારબાદ મેં નામ બદલવાનો નિર્ણય લીધો હતો.

image


ચાર બાળકોનાં માતા જિના હિંમત અને દૃઢનિશ્ચયનો પર્યાય છે. તેમણે ખૂબ જ કપરી પરિસ્થિતિમાંથી પદાર્થપાઠો મેળવ્યા છે અને ઉદ્યોગસાહસિક બનવા માટે ભારે સંઘર્ષ કર્યો છે.

તેમનાં પતિને દારૂનું વ્યસન હતું. તેઓ વ્યવસાયે ડ્રાઇવર હતાં અને કુટુંબ પ્રત્યેની કોઈ પણ જવાબદારી નિભાવતાં નહોતાં. કુટુંબ પ્રત્યે તેમનું યોગદાન પણ રહેતું ન હોવાને કારણે જિનાનાં જીવનમાં લગ્નસુખ નહીંવત્ પ્રમાણમાં હતું. તેના કારણે તેમનાં જીવનમાં ખૂબ જ ઝઘડા થતાં હતા તેના કારણે જિનાએ વિચાર્યું કે આ બધી વિષમ પરિસ્થિતિઓમાંથી બહાર આવવાનો એક જ માર્ગ છે કે પોતાનો વેપાર શરૂ કરીને કુટુંબનું ભરણ પોષણ કરવું.

પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું

જિનાએ ઊનના બ્લાઉઝ, મોજાં, હાથમોજાં વગેરે બનાવવાની શરૂઆત કરી. પરંતુ તેઓ કંઈક નવું અને સર્જનાત્મક કરવા માગતા હતા તેથી તેમણે સિમેન્ટના ખાલી કોથળા એકત્રિત કરવાનું શરૂ કર્યું તેમાંથી તેઓ પોતાની રીતે ડિઝાઇન કરીને કેરી બેગ અને અન્ય વસ્તુઓ બનાવતાં હતાં.

ત્યારબાદ તેમનાં જીવનમાં એ વળાંક આવ્યો કે તેમને પોતાના સાબુ બનાવવાની તક મળી. તાલિમ પૂરી કર્યા બાદ તેમણે પોતાનાં ઘરમાં સાબુ બનાવવાની શરૂઆત કરી. હવે તેમણે સાબુ બનાવવાનું કારખાનું શરૂ કરી દીધું હોવાને કારણે તેમનું ઉત્પાદન બમણું થઈ ગયું છે. શરૂઆતમાં તેમણે કાકડી અને લીબુ જેવી વસ્તુથી સાબુ બનાવવાની શરૂઆત કરી હતી પરંતુ ત્યારબાદ તેમણે તેમાં કુંવારપાઠું (એલોવેરા), લીમડો અને હળદર વગેરે જેવી વસ્તુઓ ઉમેરવાની શરૂઆત કરી.

કુદરતી વસ્તુઓ પ્રત્યેનો તેમનો લગાવ પણ તેમને કુદરતી રીતે જ મળ્યો હતો. આ પ્રકારની વસ્તુના રોજબરોજના ઉપયોગથી શરીરને અને વાળને થતાં ફાયદાઓ વિશે તેમણે તેમના નાના-નાની પાસેથી સાંભળ્યું હતું.

image


"મારા નાના-નાની ઘણી વખત આ બધી વસ્તુના લાભ વિશેની વાતો કરતા અને આ વસ્તુઓનો ઉપયોગ તેઓ પોતાનાં રોજિંદા જીવનમાં પણ કરતાં હતાં. આના કારણે આ વસ્તુઓ અંગેના વિચારો મારાં મનમાં પહેલેથી જ હતાં અને કેટલાક લોકો જાપાન જઈને ઓર્ગેનિક ખેતીની તાલિમ લઈને આવ્યા હતા તેમની પાસે પણ તે બનાવવાની ટેકનિક હતી તેથી મને આ વ્યવસાય કેવી રીતે શરૂ કરવો તેની સારી રીતે જાણ હતી." તેમ જિનાએ જણાવ્યું. તેમનાં ઉત્પાદનને બહોળો પ્રતિસાદ મળ્યો હતો જે વિદેશીઓ મણિપુરમાં રહેતાં હતાં તેઓ તેમના સાબુની જથ્થાબંધ ખરીદી કરતાં હતાં.

જ્યારે તેમણે પહેલો સાબુ બનાવ્યો તેની ઉત્સાહભરેલી યાદો વાગોળતાં તેમણે જણાવ્યું,

"મેં આગલી રાતનું ભોજન છોડીને તેમાંથી બચાવેલા રૂ. 100માંથી આ સાબુ બનાવ્યો હતો."

જિના મિત્રો અને પરિચિતો પાસેથી નાણાકીય મદદ લેવામાં માનતાં નહોતાં.

જિનાએ જણાવ્યું,

"અમે ગરીબ હતાં તેમ છતાં અમે કોઈનીયે પાસેથી નાણાકીય મદદ લીધી નથી. હું હંમેશા તેની વિરોધી રહી છું."

જ્યારે તેઓ પોતાનાં બાળકોનો ઉછેર કરતાં હતાં ત્યારે પણ નાણાભીડના દિવસોમાં તેમણે પોતાનું સ્વમાન છોડ્યું નથી.

એક વખત જિનાનો તેમનાં પતિ સાથે ઝઘડો થતાં તેણે જિનાના તમામ ઉચ્ચ અભ્યાસના તમામ પ્રમાણપત્રો બાળી નાખ્યા હતા. તેથી જિના હવે પોતાના બાયોડેટામાં માત્ર મેટ્રિક પાસ જ લખે છે.

તેમણે જણાવ્યું હતું કે હું શું કરું મારી પાસસે એવા કોઈ પુરાવા નથી કે હું સાબિત કરી શકું કે મેં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. સ્ટાર્ટઅપના દિવસો દરમિયાન તેમણે તેમનાં પતિના પ્રતિકારનો સામનો કર્યો હતો. તેમને જિના બજારમાં ખરીદી કરવા જાય તે પસંદ નહોતું. જિના બજારમાંથી આવે ત્યારે તે તેમને અનેક પ્રશ્નો પૂછતા અને જિના પોતાની કારકિર્દીમાં આગળ ન વધી શકે તે માટે સતત તેને નાસીપાસ કરવાના પ્રયત્નો કરતા.


ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ પ્રતિભા પાટિલ પ્રદર્શન દરમિયાન જિના ખુમુજામના સ્ટોલની મુલાકાત લઈ રહ્યાં છે

ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ પ્રતિભા પાટિલ પ્રદર્શન દરમિયાન જિના ખુમુજામના સ્ટોલની મુલાકાત લઈ રહ્યાં છે


પરંતુ જિનાએ દ્રઢ નિશ્ચય કરી લીધો હતો કે તે તમામ વિષમતાઓ વચ્ચે પણ ઉદ્યોગસાહસિક બનીને રહેશે. તેના જણાવ્યા અનુસાર તેનાં પતિનાં નકારાત્મક વર્તનથી દૂર રહીને તેણે પોતાનું કામ કરવાનું ચાલુ રાખ્યું.

સફળ ઉદ્યોગસાહસિક

આજે જિનાએ પોતાની જાતને એક સફળ ઉદ્યોગસાહસિક સાબિત કરી દીધી છે. પોતાની બે દીકરીઓ અને પુત્રવધૂની મદદથી તે રોજના 80થી 90 સાબુ બનાવે છે. તેમનાં પતિનું થોડા સમય પહેલાં જ અવસાન થયું છે. તેમનું માનવું છે કે જો તેઓ હયાત હોત અને તેમને આટલાં સફળ ઉદ્યોગસાહસિક તરીકે તેણે તેમને જોયાં હોત તો તેમને આનંદ થાત. આજે જિના વિધવાઓને સાબુ બનાવતાં શીખવે છે અને તેઓ મહિલા સશક્તિકરણમાં માને છે. તેમનું માનવું છે કે સ્ત્રીઓએ તેમની દુનિયા સુધારવા માટે આત્મનિર્ભર બનવું જ જોઇએ.

તેમની સરેરાશ માસિક આવક રૂ. 10 હજાર છે. જ્યારે વિદેશીઓ આવે છે અને તેમની વસ્તુઓની જથ્થાબંધ ખરીદી કરે છે ત્યારે આવકમાં જંગી વધારો થઈ જાય છે. તેમના સાબુ ઓનલાઇન પણ મળે છે અને તેની કિંમત રૂ. 20 પ્રતિ સાબુની છે. નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન ઇન્ડિયાએ તેમનાં પરિબળને ઓળખ્યું અને તેમને વેપારનું વિસ્તરણ કરવા માટેનું પ્રોત્સાહન આપ્યું.

તેમને બૅંક અને સરકાર તરફથી નાણાંકીય સહાયતા મળી શકે તેમ છે પરંતુ તેઓ જ્યારે મદદ માગવા ગયા ત્યારે તેમને અનેક પ્રકારનાં પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેના કારણે તેઓ પાછા હટી ગયાં. તેમણે જણાવ્યું,

"હું એમ માનું છું કે પ્રક્રિયા ખૂબ જ સરળ હોવી જોઇએ. સત્તામાં બેઠેલા લોકો ગરીબોને મદદ કરે તે જ ઉદ્યોગસાહસિકોને પ્રેરણા આપશે."


લેખક – સાસ્વતિ મુખરજી

અનુવાદ – YS ટીમ ગુજરાતી