રોજમદારની પુત્રીએ 15 વર્ષની ઉંમરે પીએચડીમાં પ્રવેશ મેળવ્યો!

રોજમદારની પુત્રીએ 15 વર્ષની ઉંમરે પીએચડીમાં પ્રવેશ મેળવ્યો!

Tuesday December 15, 2015,

4 min Read

સાત વર્ષની ઉંમરે હાઈસ્કૂલ, 10 વર્ષની ઉંમરે ઈન્ટર, 13 વર્ષે જીવ વિજ્ઞાન અને વનસ્પતિ વિજ્ઞાનમાં સ્નાતક તથા 15 વર્ષની ઉંમરે સુક્ષ્મજીવન વિજ્ઞાન જેવા વિષયમાં અનુસ્તાનકની ડિગ્રી મેળવી. આવું બધું આ ઉંમરે પૂરું કરવું માત્ર કલ્પના જેવું લાગે પણ 15 વર્ષની સુષમા વર્માએ આ કલ્પનાને વાસ્તવિક બનાવીને બતાવી. આ ઉપરાંત 15 વર્ષીય સુષમાએ આ જ વર્ષે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પીએચડીની એન્ટ્રન્સ એક્ઝામ પણ પાસ કરી લીધી અને પોતાના નામે વધુ એક રેકોર્ડ નોંધાવી દીધો.

image


અત્યંત ગરીબ પરિવારમાં જન્મેલી સુષમા તેના માતા-પિતાના ત્રણ સંતાનોમાં એક છે અને તેના બાળપણ દરમિયાન તેના પિતા રોજમદાર હતા. પરિવારની હાલત અત્યંત કફોડી હતી જેના કારણે પાંચ વર્ષનું ઉંમર સુધી સુષમા સ્કૂલે જઈ શકી નહોતી. ફોન પર થયેલી વાતમાં સુષમા યોરસ્ટોરીને જણાવે છે,

"મારા પિતા રોજમદાર તરીકે કામ કરતા હતા તેથી અમારા પરિવારની સ્થિતિ અત્યંત કફોડી હતી. તેના કારણે પ્રથમ પાંચ વર્ષ સુધી હું સ્કૂલ જઈ શકી નહતી. વર્ષ 2005માં મેં યુપી બોર્ડની માન્યતા ધરાવતી સેન્ટ મીરા ઈન્ટર કોલેજમાં સીધો નવમા ધોરણમાં પ્રવેશ મેળવ્યો."

સુષમા તેના પરિવારમાં એકમાત્ર એવી સભ્ય નથી કે જે શિક્ષણમાં તેજસ્વી હોય. તેનો મોટોભાઈ પણ સારો શૈક્ષણિક રેકોર્ડ ધરાવે છે. તેણે 9 વર્ષની ઉંમરે 10મા ધોરણની પરિક્ષા પાસ કરી અને 14 વર્ષે બેચલર ઈન કમ્પ્યૂટર એપ્લિકેશન (બીસીએ)માં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. સુષમા જણાવ છે,

"મારા મોટાભાઈ શૈલેન્દ્ર મારા પ્રેરણાસ્ત્રોત, માર્ગદર્શક, શિક્ષક અને બધું જ છે. હું મારા ભાઈના જ પુસ્તકોનો અભ્યાસ કરું છું અને તે અભ્યાસમાં મને મદદ કરે છે. તે સમયે મને ખ્યાલ નહોતો કે હું શું કરી રહી છું. મને માત્ર અભ્યાસ કરવામાં મજા આવતી હતી અને હું તે મજા માણતી હતી."
image


શૈલેન્દ્ર હાલમાં બેંગલુરુમાં એક ટેકનિકલ સલાહકાર તરીકે કામ કરવા ઉપરાંત પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવાના પ્રયાસમાં છે.

2007માં દસમા ધોરણની પરિક્ષાનું પરિણામ સુષમાના પરિવાર માટે સહેજ પણ આશ્ચર્યજનક નહોતું. તેણે માત્ર 7 વર્ષ 3 મહિના અને 28 દિવસની ઉંમરે બોર્ડની પરિક્ષા પાસ કરી લીધી હતી. લિમ્કા બૂક ઓફ રેકોર્ડે તેને સૌથી નાની વયે 10માની પરિક્ષા પાસ કરનાર વ્યક્તિ તરીકે સ્થાન આપ્યું. 

"7 વર્ષે બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી મને એક ડોક્યુમેન્ટ્રી અને આઈક્યૂ ટેસ્ટ માટે જાપાન જવું પડ્યું. તેના કારણે મારે થોડો સમય અભ્યાસથી દૂર રહેવું પડ્યું જેના કારણે હું ત્રણ વર્ષ બાદ 10 વર્ષની ઉંમરે 12મા ધોરણની પરીક્ષા પાસ કરવામાં સફળ થઈ."

સુષમા બાળપણથી જ ડૉક્ટર બનવા માગતી હતી અને તેથી તેણે ઈન્ટર પાસ કર્યા પછી મેડિકલનો અભ્યાસ કરવા માટે યુપી-સીપીએમટીની પરીક્ષા આપી પણ તેની નાની ઉંમરના કારણે તેનું પરીણામ રોકી દેવામાં આવ્યું. પરિસ્થિતિનો સામનો કરીને તેણે જીવવિજ્ઞાન અને વનસ્પતિવિજ્ઞાનમાં સ્નાતક કરવાનું નક્કી કર્યું અને 13 વર્ષની ઉંમરે તેણે તેમાં સફળતા પણ મેળવી લીધી. સુષમા જણાવે છે, 

"બીએસસી કર્યા બાદ મેં એન્વાર્યનમેન્ટલ બાયોલોજીમાં અનુસ્નાતક કર્યું અને 15 વર્ષે અનુસ્નાતકની ડિગ્રી મેળવવામાં સફળ રહી."

સ્નાતક થયા પછી તેની સ્થિતિ થોડી કફોડી થઈ ગઈ હતી કારણ કે તેના પિતા તેજબહાદુર તેના અભ્યાસનો ખર્ચ ઉપાડી શકે તેમ નહોતા. આ દરમિયાન સુલભ ઈન્ટરનેશનલના સ્થાપક બિંદેશ્વર પાઠક તેના માટે દેવદૂત બનીને આવ્યા. સુષમા જણાવે છે,

"આજે હું જે સિદ્ધિ પ્રાપ્ત કરી શકી છું તેની પાછળ બિંદેશ્વર પાઠકનું મોટું યોગદાન છે. તેમણે મારા પિતાને બીબીયુમાં એક સફાઈ કર્મચારી તરીકે નોકરી આપવી અને મને આર્થિક સહાય અપવવા ઉપરાંત એક કમ્પ્યૂટર, કેમેરા અને મોબાઈલ પણ અપાવ્યા."

ત્યારબાદ તે વર્ષે જ સુષમાએ અનુસ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી અને પીએચડી માટે નોંધણી કરાવવા પ્રવેશ પરીક્ષા આપી.

આ વર્ષે માત્ર 15 વર્ષની ઉંમરે સુષમાએ લખનઉ બીબીએયૂમાં પીએચડીની પ્રવેશ પરીક્ષા પાસ કરનારી સૌથી નાના વયની ભારતીય હોવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. હાલમાં સુષમા પોતાની ઉંમર કરતા ઘણા મોટા વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરી રહી છે અને તેને તેમની પાસેથી સકારાત્મક દિશા મળી રહી છે. સુષમા જણાવે છે,

"એક રીતે જોઈએ તો હું કાયમ મારા કરતા મોટા લોકો સાથે જ અભ્યાસ કરતી આવી છું અને હવે તે મારા માટે સામાન્ય બાબત થઈ ગઈ છે. મને અભ્યાસમાં કોઈ મુશ્કેલી જણાય તો હું તેમની પાસેથી માર્ગદર્શન લેવામાં જરાય નાનમ અનુભવતી નથી અને તે લોકો પણ મને મદદ કરવામાં કોઈ કસર રાખતા નથી."

પીએચડી પૂરું કર્યા પછી સુષમાની ઈચ્છા ફરી મેડિકલની પ્રવેશ પરીક્ષા આપવાની છે કારણ કે ત્યાં સુધીમાં તે 17 વર્ષની ઉંમર સુધી પહોંચી ગઈ હશે.

સુષમા અને તેનો સમગ્ર પરિવાર તેની આ સિદ્ધિઓથી ખૂબ જ ખુશ છે અને તેના પિતાને વિશ્વાસ છે કે તેમની દીકરી એક દિવસ સીપીએમટીની પરીક્ષા પાસ કરીને ડૉક્ટર બનવામાં સફળ થશે. તે ઉપરાંત થોડા સમય પહેલાં જ મુખ્યમંત્રી અખિલેશ યાદવે તેને પાંચ લાખની આર્થિક સહાય કરવાની પણ જાહેરાત કરી હતી.

લેખક- નિશાંત ગોયેલ

અનુવાદક- YS ટીમ ગુજરાતી

અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો