કેવી રીતે તેઓ મહિને 400 રૂપિયાની આવકમાંથી 250 કરોડના આઈપીઓ સુધી પહોંચ્યા?

કેવી રીતે તેઓ મહિને 400 રૂપિયાની આવકમાંથી 250 કરોડના આઈપીઓ સુધી પહોંચ્યા?

Monday March 14, 2016,

5 min Read

મહાત્મા ગાંધીએ એક વખત કહ્યું હતું કે 'દુનિયામાં જે પરિવર્તન તમે જોવા માગો છો તે તમારે થવું પડે છે.' ક્વિક હીલ ટેક્નોલોજીસના કૈલાશ સાહેબરાવ કાતકર અને સંજય સાહેબરાવ કાતકરની વાત પણ કંઈક આવી જ છે. તેમણે સાબિત કરી આપ્યું છે કે, 'જો તમે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવો તો તમારું સાહસ દુનિયામાં પરિવર્તન લાવનાર બની રહે છે.' 

image


ક્વિક હીલ દેશની પહેલી એવી સોફ્ટવેર પ્રોડક્ટ છે જે મહારાષ્ટ્રના એક ગામડામાં શરૂ થઈ હતી અને આજે કેપિટલ માર્કેટમાં આઈપીઓ દ્વારા પહોંચી છે.

સાહસનું મૂળ

રહિમતપુરમાં રહેતા કૈલાશે તેનું મેટ્રિક્યુલેશન પાસ કરીને નોકરી શરૂ કરી દીધી જેથી તેના પરિવારને ટેકો રહે. તેને રેડીયો અને કેલક્યુલેટરની દુકાનમાં મહિને 400 રૂપિયાની નોકરી મળી હતી. સાથે સાથે તેમણે સ્ક્રીન પ્રિન્ટિંગ, રેડિયો રિપેરિંગ અને લેગર પોસ્ટિંગ દ્વારા વધારાના 2,000ની આવક ઉભી કરી.

ટૂંક સમયમાં તેમણે પોતાની જ હાર્ડવેર રિપેરિંગની દુકાન શરૂ કરી. તેમણે આ દરમિયાન જોયું કે કમ્પ્યૂટરનું ચલણ વધી રહ્યું છે અને તેમણે ધીમે ધીમે તે તરફ વળવાનું શરૂ કરી દીધું. તેમણે ધીમે ધીમે કમ્પ્યૂટર રિપેરિંગ વર્કશોપ શરૂ કરી અને 1990માં તેમને ન્યૂ ઈન્ડિયા ઈન્સ્યોરન્સનો વાર્ષિક કોન્ટ્રાક્ટ મળી ગયો. તેમના ભાઈ સંજય કે જેઓ તે સમયે અભ્યાસ (એમસીએસ) કરતા હતા તેમણે નોંધ્યું હતું કે, મોટાભાગના લોકો કમ્પ્યૂટરમાં વાઈરસ આવવાથી પરેશાન હોય છે. આ બંનેએ વિચાર દોડાવ્યા અને ક્વિક હીલ સોફ્ટવેર કંપની શરૂ કરી અને તેમની 1995માં ડીઓએસ માટે ક્વિક હીલ એન્ટિવાઈરસ લોન્ચ કર્યું.

કૈલાશ એમડી અને સીઈઓ છે જ્યારે સંજય જોઈન્ટ એમડી અને સીટીઓ છે. ક્વીક હીલ લોન્ચ કરતા પહેલાં સંજયે કેટલાક ટૂલ્સ વિકસાવ્યા હતા જે મિશેલેન્જેલો વાઈરસ દૂર કરતા હતા. કૈલાશે આ ટૂલ્સ તેમના ગ્રાહકોને મફતમાં આપવાની શરૂઆત કરી હતી. લોકો તરફથી હરાકાત્મક પ્રતિભાવ આવ્યા બાદ તેમણે સંજયને કહ્યું કે હવે એક એન્ટિ વાઈરસ સોફ્ટવેર બનાવવા જોઈએ. કૈલાશે હાર્ડવેર વેચનારા લોકો પાસે જઈને આ સોફ્ટવેર કેવી રીતે વેચવું તે શીખવવાનું શરૂ કર્યું.

સંજય જણાવે છે,

"આ દરમિયાન અમે અમારો હાર્ડવેરનો બિઝનેસ પણ ચાલુ રાખ્યો હતો જેના દ્વારા અમને આવક થતી હતી. કૈલાશે અમારી પ્રોડક્ટની માર્કેટિંગની જવાબદારી સ્વીકારી અને હું આર એન્ડ ડી સંભાળતો હતો. માર્કેટમાં ચાલી રહેલી સ્પર્ધામાં ઉપર રહેવા મેં અમારી પ્રોડક્ટમાં ઘણી પરિવર્તનો કર્યા. એમએનસી ક્ષેત્રમાં સાત થી આઠ ભારતીય કંપનીઓ એન્ટી વાઈરસ પ્રોડક્ટ વેચતી હતી."

પહેલાં પાંચ વર્ષ તો ક્વીક હીલ માત્ર પુણેમાં જ હતી પણ તેને ધારી સફળતા મળી નહોતી. તે સમયે આ બંને પુણેમાં ઓફિસ લઈ શકે તેટલા સક્ષમ નહોતા. રોકાણકારોનો મોળો પ્રતિભાવ અને બેંકની નિરસતાએ તેમને વધારે હતાશ કરી નાખ્યા અને 1999માં તેમણે બિઝનેસ બંધ કર્યો. મિત્રો સાથેની ચર્ચા બાદ તેમને વિચાર મળ્યો કે વધુ આક્રમકતાથી બજારમાં પ્રોડક્ટ સાથે પ્રવેશ કરવો. કૈલાશે ત્યારે બાદ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં હાફ પેજ જેટલી જાહેરાત આપી અને માર્કેટિંગ પર વધારે ધ્યાન આપવાનું શરૂ કર્યું.

સંજય જણાવે છે,

"2002માં અમે અભિજિત જોરવેકર (જે અત્યારે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને સેલ્સના એસવીપી છે)ની નિમણૂંક કરી હતી. તેણે એક નવા જ વાતાવરણનું સર્જન કર્યું જેની મદદથી અમને બીજા શહેરોમાં પણ સફળતા મળી. 2003માં અમે નાસિકમાં અમારી પહેલી બ્રાન્ચ શરૂ કરી અને અમારા હાર્ડવેરના તમામ વેપારીઓને સોફ્ટવેર વેચવા લાગયા."

2002 થી 2010 સુધીમાં ક્વિક હીલ પૂણેથી શરૂ કરીને દેશના મોટા શહેરોમાં ફેલાઈ ગયું. આજે સમગ્ર ભારતમાં તેની 33 બ્રાન્ચ છે જ્યારે 80થી વધુ દેશોમાં ગ્રાહક છે. ક્વિક હીલનું પહેલાનું નામ કેટ કમ્પ્યૂટર સર્વિસિસ હતું. 2007માં બંને ભાઈઓએ તેને બદલીને ક્વિક હીલ ટેક્નોલોજીસ લિમિટેડ નામ આપ્યું અને તેનું આર એન્ડ ડી સેન્ટર પૂણે ખાતે ખોલ્યું.

ભંડોળ અને વિસ્તરણ

2010માં એન્ટી વાઈરસ કંપનીને સીક્વોઈયા કેપિટલ તરફથી 60 કરોડનું રોકાણ મળ્યું. આ ભંડોળની મદદથી તમિલનાડુ અને ત્યારબાદ જાપાન, અમેરિકા, આફ્રિકા અને યુએઈ જેવા સ્થળોએ બે વર્ષ દરમિયાન ઘણી બ્રાન્ચ ખોલવામાં આવી. આજે તેની 80 કરતા વધારે દેશોમાં હાજરી છે.

2011થી ક્વિક હીલે એન્ટરપ્રાઈઝ કસ્ટમર માટે સિક્યોરિટી સોફ્ટવેર બનાવાનું શરૂ કર્યું અને 2013 સુધીમાં તેમણે કમ્પ્યૂટર અને સર્વર માટે પહેલું એન્ટરપ્રાઈઝ એન્ડપોઈન્ટ સિક્યોરિટી સોફ્ટવેર બનાવ્યું.

સંજયે વધુમાં જણાવ્યું, 

"આ તબક્કે અમને બેંગલુરુ ખાતેની સિમેન્ટેક કંપનીએ ખૂબ જ મોટી પ્રતિસ્પર્ધા પૂરી પાડી. બે વર્ષ પહેલાં અમે યુટીએમ (યુનિફાઈડ થ્રેટ મેનેજમેન્ટ) લોન્ચ કર્યું હતું જે ઈન્ટરનેટ તરફથી રહેલા તમામ જોખમને ફિલ્ટરઆઉટ કરતું હતું. ગત વર્ષે અમે મોબાઈલ અને અન્ય સાધનોના સોફ્ટવેર સાચવવા તથા મેનેજમેન્ટ માટે ક્વીક હીલ ગેજેટ સિક્યોરન્સ ફોર એન્ડ્રોઈડ લોન્ચ કર્યું હતું."

ફેબ્રુઆરી 2015માં લોન્ચ થયેલા ક્વીક હીલ ગેજેટ સિક્યોરન્સ ફોર એન્ડ્રોઈડે પાંચ જ મહિનામાં 2.5 કરોડની આવક ઉભી કરી હતી.

આજે કંપની રિટેલ અને એન્ટરપ્રાઈઝ સેગમેન્ટમાં ડેસ્કટોપ અને મોબાઈલ સિક્યોરિટી માટે કામ કરે છે. તે મોબાઈલ સિક્યોરિટી, એન્ડ પોઈન્ટ સિક્યોરિટી, ક્લાઉડ બેઝ મોબાઈલ ડિવાઈઝ મેનેજમેન્ટ અને અન્ય ઘણી સુવિધાઓ આપે છે.

તેમની પ્રાયોરિટી એન્ટિ વાઈરસ ટેક્નોલોજી ડેસ્કટોપ, લેપટોપ, મોબાઈલ અને ટેબ્લેટને વાઈરસ અને અન્ય જોખમોથી બચાવે છે તથા સુરક્ષાના અન્ય જોખમો સામે પણ રક્ષણ આપે છે. 2014માં ક્વિક હીલને ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ રજિસ્ટ્રેશન આઈએસઓ 9001 મળ્યું હતું. 

તાજેતરમાં રહેલા જોખમોના કારણે વર્તમાન સમયમાં 24.5 મિલિયન યૂઝર્સ દ્વારા તેમના એન્ટિવાઈરસ સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. 31 ડિસેમ્બર 2015 સુધીમાં ક્વિક હીલ પાસે 80થી વધુ દેશોમાં 7.1 મિલિયન એક્ટિવ લાઈસન્સ્ડ યૂઝર્સ હતા. 19,000 રિટેઈલ ચેનલ અને 349 એન્ટરપ્રાઈઝ ચેનલ પાર્ટનર દ્વારા કંપનીએ ભારત અને વૈશ્વિક સ્તરે પોતાનો વિસ્તાર કર્યો છે.

આર્થિક વિકાસ

છેલ્લાં ચાર વર્ષમાં ક્વીક હીલ સીએજીઆરમાં 17 ટકા વધીને ભારતમાંથી મોટાભાગની આવક મેળવી રહ્યું છે. પ્રોડક્ટ પ્રમાણે વિચારીએ તો 70 ટકા આવક રિટેઈલ પ્રોડક્ટમાંથી આવે છે અને 30 ટકા આવક એન્ટરપ્રાઈઝ અને સરકાર તરફથી આવે છે. હાલમાં ક્વિક હીલ પાસે 319 સરકારી પાર્ટનર્સ છે. ગત નાણાકીય વર્ષમાં કંપનીએ 284 કરોડની આવક કરી હતી.

લેખક- અપરાજિતા ચૌધરી

અનુવાદક- રવિ ઈલા ભટ્ટ