સ્થાપક પોતાની જાત ઉપર ભરોસો રાખશે તો જ રોકાણકારો આવશે

સ્થાપક પોતાની જાત ઉપર ભરોસો રાખશે તો જ રોકાણકારો આવશે

Thursday November 05, 2015,

4 min Read

સિકોઇઆ કેપિટલના મેનેજિંગ ડિરેક્ટર શૈલેન્દ્ર સિંહ જણાવે છે કે રોકાણ કરવા માટેનો ક્યારેય સારો કે ખરાબ સમય નથી હોતો. તેના માટે એક જોશીલા સ્થાપક, વેપાર માટેનો મહાન વિચાર કે આઇડિયા અને એક ઝનૂની ટીમની જરૂરીયાત હોય છે કે જે લોકો ખરેખર સાથે મળીને તે જ રીતે કામ કરે.


image


ટેકસ્પાર્ક 2015માં ખૂબ જ ઉત્સાહપૂર્વક કરેલી વાતચીતમાં શૈલેન્દ્રએ આપેલાં સૂચનો અંગે તેઓ પોતે ખૂબ જ સ્પષ્ટ હતા. તેમને 'ફૂડટેક' અને 'હાઇપરલોકલ' જેવા ક્ષેત્રોમાં રોકાણ અંગે કથિત મંદી વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે ઠીક છે, થોડાં કાળાં વાદળો તો છે પરંતુ કોઈને ખબર નથી કે સાધારણ છાંટા જ પડશે કે પછી તોફાન પણ આવશે. પરંતુ સમજદારી એમાં છે કે તમારી પાસે તમારી પોતાની છત્રી હોવી જોઇએ. ત્યાર બાદ ચર્ચાએ એ તરફ વળાંક લીધો કે ઉદ્યોગસાહસિકો વેપાર માટે ભંડોળ કેવી રીતે અને ક્યાંથી મેળવે. શૈલેન્દ્ર જણાવે છે કે રોકાણકારની રૂચિને માપવા માટેની યોગ્ય રીત એ નથી કે લોકો એક ખાસ સમયમાં કયા ક્ષેત્રને પસંદ કરે છે. ગ્રાહકોની જરૂરીયાતો વિકાસ પામ્યા કરે છે. અને તેના માટે એક કંપનીએ તે જરૂરીયાતોને પ્રાયોગિક રીતે પૂરી કરી શકાય તે માટેના પ્રયાસો કરવા જોઇએ.

શૈલેન્દ્ર એક સ્ટાર્ટઅપમાં રોકાણ કરતાં પહેલાં શું જુએ છે? તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, "મોટાભાગે શરૂઆત સ્થાપકથી થાય છે. જ્યારે મેં શરૂઆત કરી ત્યારે હું ખૂબ જ યુવાન હતો. તે વખતે કેટલાક ચેકબોક્સ હતા. મને લાગે છે કે મોટાભાગના યુવાનો આ જ પ્રકારની વિચારધારાથી શરૂઆત કરે છે. મને હંમેશા એમ જ લાગે છે કે જીવનમાં સૌથી ઉત્તમ વસ્તુને તમે માપી નથી શકતા. તેવી જ રીતે તમે કોઈ સ્ટાર્ટઅપના મેટ્રિક્સને માપી નથી શકતા." 

તો પછી શૈલેન્દ્ર માટે કઈ તરકીબ કામ કરે છે? તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે "ઝનૂન, સ્પષ્ટતા, કેમિસ્ટ્રી અને સંસ્થાપક ટીમની પ્રેરણા. ઘણા લોકો માટે એક કંપનીનો વિકાસ કરવા માટે રોકાણ કરવું સેક્સી બાબત લાગે છે. પરંતુ તેના માટે આકરી મહેનત કરવી પડે છે અને તેની પ્રશંસા કરવામાં તેઓ નિષ્ફળ રહે છે."

શૈલેન્દ્રને સિકૉઇયા કેપિટલ સાથે જોડાયે 10 વર્ષ થઈ ગયા છે. શૈલેન્દ્ર એકાદ બે ખરાબ આઇડિયાને સરળતાથી ઓળખી શકે છે. તેઓ તેને કેવી રીતે દૂર કરે છે? શૈલેન્દ્ર તરત જ જવાબ આપે છે કે, "અતિશયોક્તિ ધરાવતું મેટ્રિક્સ." એક રોકાણકાર તરીકે તેઓ માને છે કે સ્થાપક ઉપર વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે.

એક વાયકા એવી છે કે આઈઆઈટી અને આઈઆઈએમમાંથી નીકળેલા વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા સ્ટાર્ટઅપને જ ભંડોળ મળે છે. તેવી વાયકાને શૈલેન્દ્ર ફગાવી દે છે. તેઓ કહે છે કે, "આ વાત સાથે હું બિલકુલ સહમત નથી. ફ્રી રિચાર્જના સ્થાપક કુણાલ શાહ દર્શનશાસ્ત્ર (ફિલોસોફી)ના સ્નાતક છે. પ્રેક્ટોના સ્થાપક શશાંક એનઆઈટીના સ્નાતક છે. હેલ્પચેટના અંકુર સિંગલા વ્યવસાયે વકીલ છે અને ઓયો રુમ્સના રિતેશ કોલેજનું પગથિયું નથી ચડ્યા. હું એવું માનું છું કે જો તમારામાં કંઈ શીખવાની ધગશ હોય તો તમે કંઈ પણ વસ્તુ પૂરી કરી શકો છો." તેમની કલ્પનામાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એક રેસ ટ્રેક જેવું છે. અને તેના સંસ્થાપકો તેના ઉપર દોડનારા દોડવીરો જેવા છે. તેમના જણાવ્યા અનુસાર મહાન સંસ્થાપક આગામી મોટી ઉપલબ્ધિ હાંસલ કરવા માટેનું ભારોભાર ઝનૂન રાખે છે. અમે તેમને પૂછ્યું કે હાલમાં એવું કયું ક્ષેત્ર છે કે હાલમાં લોકપ્રિય અને રોકાણ માટે આકર્ષક છે? તો તેમણે જણાવ્યું કે, "જે ક્ષેત્ર સ્થાપકના મનમાં લોકપ્રિય નથી તે ક્યાંય લોકપ્રિય નથી. વર્ષ 2007માં ફેશનની જ વાતો થતી હતી આજે કંઇક બીજું છે." જોકે, તેમનું કહેવું છે કે જો કોઈ વસ્તુની પસંદગી કરવી હશે તો તે મોબાઇલ છે કે જેમાં તેઓ પોતાના પૈસા રોકવાનું પસંદ કરશે. જે ખૂબ જ સરળ છે. તેનો ધરખમ વિકાસ થઈ રહ્યો છે. બીજું ફિનટેક છે. અહીં બેન્કસની ચૂકવણીના નિયમોમાં ફેરફારો થઈ રહ્યા છે. કેટલાક સ્ટાર્ટ અપને તેઓ મ્યૂટેન્ટ ગણાવે છે. જે કેટલાક કિસ્સામાં એકબીજાથી મળતાં આવે છે પરંતુ બિઝનેસ મોડેલની દૃષ્ટિએ એકબીજાથી અલગ છે. તેમણે જણાવ્યું હતું કે, "ભારત એક એવું વિવિધતાભરેલું બજાર છે કે જેમાં ઘણા બધા મ્યૂટેન્ટ્સ બનશે." તેમણે હોલમાં બેઠેલા ઉદ્યોગસાહસિકોને ભારપૂર્વક જણાવ્યું હતું કે ઘણાં બધાં ક્ષેત્રો વિશે એમ માની લેવામાં આવે છે કે આ ક્ષેત્રમાં તો ઘણું ખેડાણ થઈ ચૂક્યું છે પણ હકીકતે ત્યાં કશું જ નથી થયું હોતું. ત્યાં બેઠેલા લોકોમાંથી એક એવું જાણવા માગતા હતા કે શું વેન્ચર કેપિટાલિસ્ટ સ્ટાર્ટઅપને વધારે પૈસા ખર્ચવા માટે પ્રોત્સાહિત કરો છો? તે અંગે શૈલેન્દ્રએ જણાવ્યું હતું કે તેઓ ઘણા કિસ્સામાં આવું કરતા આવ્યા છે. પરંતુ મોટાભાગે તેનો આધાર એના ઉપર રહે છે કે નિર્માણ માટે કેટલા રૂપિયા વધ્યા છે. તેમનું કહેવું છે કે જો તમે મૂડી ભંડોળ નહીં એકઠું કરો તો તમે પાછળ રહી જશો. ખાસ કરીને ત્યારે કે તમે જ્યારે કોઈ વસ્તુનાં ઉત્પાદનનું કામ કરી રહ્યાં હોવ. અહીં ડાર્વિનનો સિદ્ધાંત કામ કરે છે. ફરીથી દોડવીરોનું ઉદાહરણ ટાંકતા તેમણે જણાવ્યું હતું કે જો તમારા રોકાણકારો એમ કહે કે ચાલો ઝડપથી દોડવાની રેસ લગાવીએ (આગળ વધવા માટે મૂડી ખર્ચ) તો આપણે ફરીથી ચકાસણી કરીશું અને મજબૂત માંસપેશીઓ બનાવીશું.

ફ્રીરિચાર્જ, હેલ્પચેટ, જસ્ટ ડાયલ, પ્રેક્ટો, મ્યૂ સિગ્મા, પેપર ટેપ, જૂમકાર જેવી કંપનીઓને જ્યારે સિકોઇયાનો ટેકો મળ્યો છે તો સ્ટાર્ટઅપ આવા વિશેષજ્ઞની વાત ધ્યાનથી સાંભળી રહ્યા હતા કારણ કે તેમનાં સૂચનો ખરેખર સાંભળવા લાયક હતા.