મને બધું નથી ખબર અને મને એનો કોઈ વાંધો નથી!

આપણી આસપાસ દરેક ક્ષેત્રના નિષ્ણાતો છે અને ઉદ્યોગસાહસિકોએ તેમની કુશળતા પર વિશ્વાસ રાખવો જોઈએ

1

થોડા સમય અગાઉ હું બેંગલુરુમાં શાંગરી-લા હોટેલમાં સીએક્સઓ માટે યોજાયેલી સેમિકન્ડક્ટર બેઠકમાં ભાગ લેવા ગઈ હતી. હું હોલમાં પ્રવેશ કરું ત્યાં સુધી તે પેક થઈ ગયો હતો. સદનસીબે કાર્યક્રમના આયોજકની મારા પર નજર પડી અને તેમણે મને સ્ટેજની નજીક સામેની હરોળમાં બેસવા સીટ આપી. સામાન્ય રીતે તમે મોડા પડો અને તમે નસીબદાર હોવ તો તમને છેલ્લી હરોળમાં બેઠક મળે છે. કાર્યક્રમમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં નવા ટ્રેન્ડ વિશે અને ભારત તેમાં કેવી રીતે હરણફાળ ભરી શકે તેના પર ચર્ચા ચાલતી હતી. મને તે રસપ્રદ લાગ્યું અને હું આ ઉદ્યોગના નિષ્ણાતો, આઇઆઇટી પ્રોફેસર, થોડા એનઆરઆઇ ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ રોકાણકારો પાસેથી માહિતી અને સમજણ મેળવવા તૈયાર થઈ ગઈ.

હું સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં સંશોધનની વિગતો સમજવાનો પ્રયાસ કરતી હતી, પણ સાચું કહું મને કશી ખબર પડતી નહોતી. સ્પીકર શું બોલે છે તે સમજવું મારા માટે અશક્ય હતું. તેઓ બોલતા હતા અને તેમના શબ્દો મારા એક કાનમાંથી થઈને બીજા કાનથી બહાર નીકળી જતા હતા. મારી આસપાસ બધાને સમજ પડતી હતી અને તેઓ પ્રશ્રો પૂછતાં હતાં, હસતાં હતાં, સ્પીકરની વાતમાં માથું હલાવીને સંમત હોવાનો સંકેત આપતા હતા. એટલે મને તેમની સામે જોવાને બદલે સ્ટેજ પર પેનલિસ્ટને જોવાનું વધારે ઉચિત લાગ્યું. પણ હું સ્ટેજની બરોબર સામે પહેલી હરોળમાં બેઠી હતી એટલે મારી પાસે સ્પીકરની વાતો સમજવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો. મેં ફરી પ્રયાસ કર્યો, પણ બધું વ્યર્થ! અધૂરામાં પૂરું કેટલાંક પેનલિસ્ટ તો કોઈ મુદ્દો રજૂ કરીને સીધા મારી સાજે જોતાં હતાં. આઇ-ટૂ-આઇ કોન્ટેક્ટ! હું તેનું મહત્ત્વ સારી રીતે સમજતી હતી, કારણ કે જ્યારે હું સ્ટેજ પર કશું બોલું છું, ત્યારે આવું જ કરું છું. એટલે એક સચેત શ્રોતા તરીકે હું પણ સ્પીકર સામે હસતી હતી અને તેમની વાતમાં સૂર પુરાવવા માથું હલાવતી હતી. જેમ પેનલિસ્ટ મારી સામે જોતા તેમ હું વધારે હસતી અને તેમની વાતોમાં વધારે ને વધારે સૂર પુરાવતી હતી. ઓહ ગોડ! મેં આ કાર્યક્રમ જતાં અગાઉ સેમિકન્ડક્ટર ક્ષેત્ર વિશે થોડી માહિતી મેળવી હોત તો વધારે યોગ્ય ન હોત? પેનલિસ્ટને વિચાર નહીં આવ્યો કે મારા જેવા શા માટે આવા કાર્યક્રમમાં આવતા હશે? ચોક્કસ આ મારી કલ્પનાઓ હતી. પણ જ્યારે તમને ખબર હોય કે તમે રૂમમાં બેઠેલી વ્યક્તિઓ જેટલી સજ્જતા ધરાવતા નથી ત્યારે તમને આવા નકારાત્મક, ગાંડા વિચારો આવે જ છે.

છેવટે ચર્ચા પૂર્ણ થઈ અને હું એક ખૂણામાં આગળ શું કરવું તેના વિશે વિચારી હતી. એકાએક બે લોકો મારી પાસે આવ્યા અને રૂમમાં ઉદ્યોગસાહસિકો સાથે મારો પરિચય કરાવ્યો. હાશ, મને નિરાંત થઈ. હું સેમીકન્ડક્ટર ઉદ્યોગસાહસિકોને મળી અને ધીમે ધીમે મારો આત્મવિશ્વાસ પરત આવ્યો. તેઓ મને તેમની વાત કહેવા માગતા હતા. મેં તેમની વાતો રસ સાથે સાંભળવાની શરૂઆત કરી અને પછી ધીમે ધીમે લોકોનું ટોળું મારી ફરતે જામી ગયું. મારો મારી જાતમાં વિશ્વાસ ફરી જાગ્રત થયો.

પછી જ્યારે હું કાર્યક્રમમાંથી પરત ફરતી હતી ત્યારે મને આ અને મહિલા દિવસ પરના એક કાર્યક્રમ બંને યાદ આવ્યા. પછી તો દરરોજના કાર્યક્રમો અને બેઠકોના વિચારો પણ આવતા હતા. આ વર્ષે મહિલા દિવસની કોન્ફરન્સ અમે દિલ્હીમાં યોજી હતી. તેમાં સફળ મહિલા ઉદ્યોગસાહસિકોએ તેમના બિઝનેસના ફંડા રજૂ કર્યા હતા અને મહત્ત્વાકાંક્ષી તથા ઉદ્યોગસાહસિક બનવા થનગનતી યુવાન મહિલાઓએ તેમની પાસે સારી એવી જાણકારી મેળવી હતી. તેમાં વધુને વધુ સ્પીકર્સે ફંડિંગ, વેલ્યુએશન (મૂલ્યાંકન), માળખું, ધિરાણનું મોડલ જેવી બાબતો વિશે જાણકારી આપી હતી, પણ શ્રોતાઓમાં હાજર ઘણી મહિલાઓને તેમા બહુ સમજણ પડતી હોય તેવું લાગ્યું નહોતું. તેઓ હાથ ઊંચો કરીને આવા પ્રશ્રો પૂછતી હતીઃ હું ફાઇનાન્સમાં નિષ્ણાત નથી, તો મને લોન મળી શકે? હું ટેકનોલોજીમાં નિષ્ણાત નથી, તો હું ટેક બિઝનેસમાં ઝંપલાવી શકું? મને વેલ્યુશનમાં ખબર પડતી નથી અને ભંડોળ કેવી રીતે મેળવવું તેનાથી સાવ પરિચિત નથી, તો હું ભંડોળ મેળવી શકીશુ?

તેમને હું જવાબ આપતીઃ હું ફંડિંગ વિશે લખું છું, ભંડોળ ઊભું કરવાની પ્રક્રિયાઓ વિશે સાંભળ્યું છે. પણ સાચું કહું જ્યાં સુધી ગયા ઓગસ્ટમાં મને સૌપ્રથમ વખત ભંડોળ નહોતું મળ્યું, ત્યાં સુધી હું તેનો શું અર્થ થાય છે એ સમજતી પણ નહોતી. મારી દુનિયા જ ભાતભાતની સ્ટોરી હતી અને હું સારું કામ કરતી હતી. જ્યારે મારો આર્થિક બાબતો સાથે પરિચય થયો, ત્યારે મને તેની કક્કો-બારખડી પ્રેક્ટિકલી જાણવા મળી. જ્યારે તમને કોઈ ફંડ આપવા ઇચ્છશે, ત્યારે તમને પણ સમજણ પડશે. તમારી પાસે તેને સમજવા સિવાય કોઈ વિકલ્પ જ નહીં હોય. જેટલી તમને ખબર પડે તેટલું સમજવાનું, બાકીને કામ વકીલો અને એકાઉન્ટન્ટ પર છોડી દેવાનું. હું મૂળભૂત બાબતો જાણતીસમજતી હતી, બાકીની ઔપચારિકતા વકીલો પર છોડી દીધી હતી.

મારે તમામ બાબતો સમજવાની જરૂર હતી? ના. મેં જે નિષ્ણાતોને રોક્યાં હતાં તેમના પર કામ છોડી દેવું યોગ્ય હતું? હા, હા અને હા.

તેમાંથી મને કઈ બાબતોની જાણકારી મેળવવી જરૂરી છે અને કઈ બાબતોની જાણકારી મેળવવી જરૂરી નથી એ શીખવા મળ્યું. આપણી આસપાસ વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો છે ત્યારે તમારે સફળ ઉદ્યોગસાહસિક કે વ્યાવસાયિક બનવા તમામ બાબતોના નિષ્ણાત બનવાની જરૂર છે? ના. હું એવું બિલકુલ માનતી નથી. હકીકતમાં આપણે બધી બાબતોમાં હાથ અજમાવવા જઈએ ત્યારે જ મુશ્કેલી પડે છે. દુનિયામાં દરેક માણસ તમામ બાબતોમાં નિષ્ણાત હોતો નથી. આપણને પ્રેમથી ના પાડતા આવડવી જોઈએ. કોઈ બાબતમાં આપણને ખબર ન પડતી હોય તો તેમાં શરમ શાની!

સ્ટાર્ટઅપ્સ શરૂ કરતા ઉદ્યોગસાહસિકોને પણ મારી એક જ સલાહ છે. આગળ વધો અને નિષ્ણાતોને રોકો. પછી તેમના પર ભરોસો રાખો. ચાલુ વર્ષે મેં મારી કંપનીમાં આ વ્યૂહરચના અપનાવી છે. મેં સારામાં સારી ટીમ ઊભી કરી છે અને પછી તેમના પર જવાબદારી છોડી દીધી છે. મને નિરાંત છે (હા, થોડોઘણો તણાવ તો રહેવાનો). મારો અનુભવ છે કે તમે નિષ્ણાતો પર ભરોસો રાખશો તો તેઓ તમને નિરાશ નહીં કરે.

મારી છેલ્લી નોકરી સીએનબીસીમાં હતી. ત્યાં મારા બોસ બહુ રસપ્રદ વ્યક્તિ હતા. અમારે કોઈ મીટિંગમાં જવાનું હોય તો તેઓ મને કંપની સાથે સંબંધિત તમામ બાબતો તૈયાર કરવાનું કહેતા. પછી તેઓ મને શું કર્યું એ વિશે સમજાવવાનું કહેતા હતા. સામાન્ય રીતે તેઓ કંપનીની કામ કરવાની પદ્ધતિ સુધી પહોંચી ન જાય ત્યાં સુધી પ્રશ્રોત્તરી ચાલુ રાખતા હતા. મને ઘણી વખત તેમના પ્રશ્રો નકામા લાગતા હતા. મને વિચાર આવતો કે મેં તેમને કંપનીની પૃષ્ઠભૂમિ વિશે સંપૂર્ણ જાણકારી મોકલી હતી. શું તેમને તેમાં વિશ્વાસ નહીં હોય? તેઓ એક વિદ્યાર્થીની જેમ કેમ પ્રશ્રો પૂછે છે? પછી ધીમે ધીમે મને અહેસાસ થયો કે તેઓ મીટિંગમાં કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વિના કંપનીની કામગીરીને અત્યંત સરળ રીતે સમજવા ઇચ્છતાં હતાં. તેઓ વ્યવસાય ચલાવતા વ્યક્તિઓ સાથે ખુલ્લાં મને વાતચીત કરવા ઇચ્છતાં હતાં, જેથી તેઓ તેમના માટે શ્રેષ્ઠ સોલ્યુશન રજૂ કરી શકે. તેઓ એમડીના ટેગ સાથે મીટિંગમાં જવા ઇચ્છતાં નહોતા. અમે ઘણી વખત કોઈ વ્યક્તિ, કોઈ કંપની, કોઈ બિઝનેસ કે કોઈ પણ મુદ્દે વાસ્તવિક અને સરળ રીતે વાત કરી હતી અને ધારણાઓ બનાવી હતી.

દરરોજ મીડિયા, નિષ્ણાતો, રોકાણકારો કે સાથીદારો – બધા લોકો તમારા વિશે ધારણા બનાવે છે. દરરોજ લોકો તમારા વિશે જાણવા ઇચ્છે છે. ચાલો એકબીજાને મદદ કરીએઃ ચાલો ઉત્સાહ અને ગર્વ સાથે એકબીજાનો સ્વીકાર કરીએ, જરૂર નથી કે બધા પાસે તમામ પ્રશ્રોના જવાબ હોય. આપણે અન્ય વ્યક્તિને સમજ્યાં વિના તેના વિશે અભિપ્રાય બાંધવો ન જોઈએ. આ પ્રકારની વિચારસરણી ઉદારવાદી છે અને તેમાં જાદુ છે. જો તમે તેનો અભ્યાસ કરશો તો તમે એકબીજા સાથે ઉત્કૃષ્ટ સંબંધ બાંધી શકશો, સૌથી સારો સોદો કરી શકશો અને તમામ પ્રકારના લોકો પાસેથી સારામાં સારો સાથસહકાર મેળવી શકશો.

અને મારે તમને કહેવું છે કે ઘણી વખત તમે હારીને પણ જીતી જાવ છો. તે જ રીતે તમે કોઈ બાબતથી અપરિચિત હશો તો તમને તેનો પરિચય કેળવવાની તક મળશે.

લેખિકાનો પરિચય

શ્રદ્ધા શર્મા

શ્રદ્ધા શર્મા યોરસ્ટોરીના સ્થાપક અને ચીફ એડિટર છે. શ્રદ્ધા વિવિધ પ્રકારની સ્ટોરીઓમાં જીવન જીવે છે. તેઓ માને છે કે દરેક વ્યક્તિનું જીવન એક વિશિષ્ટ સ્ટોરી છે.

અનુવાદક- કેયૂર કોટક

Related Stories