ઓફિસમાં યોગ્ય ડ્રેસિંગ કેમ જરૂરી છે?

0

કહેવાય છે કે 'ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન' અને પહેલી છાપ પાડવામાં તમારું ડ્રેસિંગ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

કહેવાય છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન એટલે કે તમારી પહેલી છાપ પડે છે તે મોટા ભાગે સામેની વ્યક્તિના માનસપટ પર કાયમ માટે અંકિત થઈ જાય છે. પહેલી જ છાપ પ્રભાવશાળી પાડવા આપણો દેખાવ, આપણા વસ્ત્રો બહુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલે તમારે તમારા શરીર, તમારી કામગીરીને આધારે વસ્ત્રોની પસંદગી કરવી જોઈએ, જેથી તમારું વ્યક્તિત્વ ખીલી ઊઠે.

મને લોકો, તેમનો પહેરવેશ અને હંમેશા તેમની બદલાતી સ્ટાઇલને જોવી અને તેનું અવલોકન કરવું ગમે છે. હકીકતમાં અન્ય લોકોની નજર સૌપ્રથમ તમારા વસ્ત્રો પર જ પડે છે અને તેના પરથી જ તમારા વિશે તેઓ કોઈ અભિપ્રાય બાંધે છે. ઘણી વખત તમારા વસ્ત્રો જ તમને કામ અપાવવામાં મહત્ત્વપૂર્ણ પરિબળ બની જાય છે. વાત એમ છે કે, જો વ્યક્તિત્વ અને દેખાવ જીવનના એક ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે, તો તેના પર શા માટે આપણે ધ્યાન ન આપવું જોઈએ?

જ્યારે હું ડ્રેસિંગ સારી રીતે કરવાના મહત્ત્વ વિશે વાત કરું છું, ત્યારે મારી વાતનો સંદર્ભ ફક્ત વ્યાવસાયિક જ નથી. વાત તમારા જીવનના તમામ ક્ષેત્રોની છે, કારણ કે તમારા વસ્ત્રો એક વ્યક્તિ તરીકે તમારા જીવનમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેનાથી તમારો આત્મવિશ્વાસ વધે છે, તમને જુસ્સો આવે છે અને તમે લોકોને પ્રભાવિત કરો છો.

અહીં તમને ડ્રેસિંગ શા માટે મહત્ત્વપૂર્ણ છે તેના કેટલાંક કારણો જણાવું છું!

આકર્ષક અને મહત્ત્વપૂર્ણ બનાવે

જ્યારે તમે સારી રીતે ફિટ અનુકૂળ વસ્ત્રો ધારણ કરો છો ત્યારે તમે આકર્ષક બનો છો. તેનો અર્થ એવો પણ છે કે તમે મહત્ત્વપૂર્ણ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો છો.

પાવરડ્રેસિંગ

સંશોધનમાં પુરવાર થયું છે કે 65 ટકા વર્કિંગ વીમેન અનુભવે છે કે કોર્પોરેટ સેટ અપમાં તેમના હાથ નીચે કામ કરતાં કર્મચારીઓ તેમને ગંભીરતાપૂર્વક લેતાં નથી. પાવર ડ્રેસિંગથી સ્થિતિ રાતોરાત બદલાઈ જવાની નથી તેમ છતાં પરિવર્તનનો પવન ફૂંકવાની દિશામાં તે નાની શરૂઆત તો છે જ!

જેવું પહેરો તેવું અનુભવો

તમારા વસ્ત્રો તમને બાહ્ય દેખાવ જ આપતાં નથી, પણ તમારા વર્તનવ્યવહારમાં પરિવર્તન લાવે છે. તમારી બોડી લેંગ્વેજ તમારા વસ્ત્રો મુજબ બદલાય છે. જ્યારે તમે વધુ આત્મવિશ્વાસયુક્ત લાગો છો ત્યારે તમે વધારે આત્મવિશ્વાસ અનુભવો છો. આ અંગે વિવિધ અભ્યાસો થયા છે, જેમાં એક અભ્યાસ જોય વી પેલેશેટ્ટે અને કેથિરન કાર્લનો છે. તેમણે ‘ધ ઇમ્પેક્ટ ઓફ વર્કપ્લેસ એટાયર ઓન એમ્પ્લોયી સેલ્ફ-પર્સેપ્શન્સ’ શીર્ષક સાથે અભ્યાસ કર્યો છે, જે દર્શાવે છે કે, “જ્યારે ઉત્તરદાતાઓ ફોર્મલ બિઝનેસ એટાયરમાં હતા, ત્યારે તેઓ વધુ ઓથોરેટિવ, વિશ્વસનિય અને સક્ષમ લાગતા હતા.”

ખરાબ ડ્રેસિંગ કરીને તક ન ગુમાવો

ધારો કે, તમે નોકરીમાં નવા ભરતી થયા છો અને તમે કામ પર અયોગ્ય ડ્રેસિંગ સાથે જાવ છો. સ્વાભાવિક છે કે તમારી પ્રથમ છાપ જ સારી નહીં પડે અને તમે સારી ઇમેજ ઊભી કરવાની તક ગુમાવી દેશો. મને, તમને કે કોઈને ખરાબ છાપ ઊભી કરે તેવું ડ્રેસિંગ કરવાનું ન પરવડે.

છેલ્લે, પ્રથમ છાપ જ મહત્ત્વપૂર્ણ છે!

તમે દેખાવ અને તમારું વ્યક્તિત્વ લાંબા સમય સુધી યાદ રહે છે અને તેના પર આપણું બહુ ઓછું નિયંત્રણ છે. જ્યારે તમે સારો ડ્રેસ પહેરો છો, ત્યારે તમને ફાયદો થાય છે. અત્યારે દુનિયા બહુ ઝડપથી દોડી રહી છે, ત્યારે તમારે પ્રભાવશાળી છાપ ઊભી કરવા થોડો કિંમતી સમય આપવો જોઈએ. જો વિવિધ અભ્યાસને માનીએ તો તમારા દેખાવ પર વિચાર કરવા ફક્ત 30 સેકન્ડ પૂરતી છે. જ્યારે તમે પહેલી વખત કોઈને મળો છો, ત્યારે લાંબા સમય સુધી તે તમારા વિશે છાપ લઈને છૂટી પડે છે.

હકીકતમાં સારું ડ્રેસિંગ કરવાના અનેક તાર્કિક કારણો છે. તો લેડિઝ, ઊઠો, જાગો અને પ્રસંગને અનુરૂપ ડ્રેસિંગ કરીને પ્રભાવશાળી બનવા તૈયાર થઈ જાવ!


અતિથિ લેખક - નિધિ અગ્રવાલ

અનુવાદક- કેયૂર કોટક


(અહીં રજૂ કરાયેલા વિચારો લેખકના અંગત વિચારો છે.)

Related Stories