“મેં એવો સમય પણ જોયો છે જ્યારે ખિસ્સામાં માત્ર ૫૦ રૂપિયા હતા!”

“મેં એવો સમય પણ જોયો છે જ્યારે ખિસ્સામાં માત્ર ૫૦ રૂપિયા હતા!”

Tuesday October 13, 2015,

3 min Read

આજે પણ હું જ્યારે મારી આંખો બંધ કરું ત્યારે મને મારો એ સમય જ યાદ આવે છે. જ્યારે હું મારા રૂમમાં બેઠો છું અને મારી પાસે એટલા પૈસા પણ નહોતા કે હું રાત્રે જામી શકું. મારી પાસે ફક્ત 50 રૂપિયા હતા અને તે પણ મારે બીજા દિવસે એક શાળાના અધિકારીને મળવા જવાનું હતું તેના માટે બચાવ્યા હતા. છેલ્લા એક અઠવાડિયાથી મકાનમાલિકને પણ કોઇને કોઇ બહાના આપી ભાડું આપવાનું ઠેલવતો રહ્યો. બિલ નહોતું ભર્યું એટલે મારા ફોનમાં આઉટગોઇંગ પણ બંધ થઇ ગયું હતું. એક સારા પગારની નોકરી છોડીને મારા સપનાઓ પાછળની દોટ ભરવાનું ઘણાં લોકોને મૂર્ખતાભર્યું લાગતું હતું.

image


જોકે બીજાની તો શું વાત કરવી, મારી આ પરિસ્થિતિ જોઇને મારો ખુદનો આત્મવિશ્વાસ પણ ડગમગાવા લાગ્યો હતો. હું યોગ્ય દિશામાં આગળ વધી રહ્યો છું કે નહીં એ પ્રશ્ન વારંવાર સામે આવવા લાગ્યો હતો. બીજા દિવસે જે શાળામાં મળવાનું હતું ત્યાં મેં એક ‘પ્રારંભિક કાર્યશાળા (વર્કશોપ)’નું આયોજન કર્યું હતું જેની ફીઝ તરીકેની રકમ મને લગભગ એક અઠવાડિયા પછી મળવાની હતી પણ મનોમન હું પ્રાથર્ના કરવા લાગ્યો કે મને એ જ દિવસે ફીઝની ચૂકવણી કરવામાં આવે.

મેં ઘડિયાળમાં 6 વાગ્યાનું અલાર્મ લગાવ્યું અને ઉંઘવાનો પ્રયાસ કરવા લાગ્યો. બીજા દિવસે ઉઠ્યો ત્યારે મનમાં એક જ વિચાર હતો કે ભગવાન મારો સાથ આપે અને મારી પરિસ્થીતિ સુધરે. પૈસા બચાવવા લગભગ 2 કિ.મી. જેટલા દૂર આવેલા બસસ્ટેશન સુધી પગપાળા જ પહોંચ્યો અને 35 રૂપિયાની ટિકીટ લીધી. આ બસ મને તે શાળાના દ્વાર પર જ ઉતારવાની હતી પણ સંજોગો એવા બન્યાં કે બસનો રસ્તો બદલવો પડ્યો અને કન્ડક્ટરે મને સ્કૂલથી લગભગ 3 કિ.મી દૂર ઉતરી જવાનું કહ્યું. શાળા સુધી પહોંચવા માટે મેં ચાલવાનું શરૂ કર્યુ ત્યારે જ મારી એક મિત્રનો ફોન આવ્યો. તે મારી પરિસ્થીતિથી વાકેફ હતી. તેણે મને મારો આગળનો પ્લાન પણ પૂછ્યો.

image


મેં કહ્યું કે જો ભગવાન મારો સાથ આપશે તો શાળાનાં સંચાલકો આજે જ મને નાણાંની ચુકવણી કરશે નહીં તો મારે ચંદીગઢ પાછા ફરવા માટે પણ ચાલીને જ જવું પડશે! આ સાંભળીને તે ઘણી હતાશ થઇ અને રડવાનું શરૂ કરી દીધું. જોકે મેં તેને ચિંતા ન કરવાનું પણ સમજાવ્યું.

લગભગ એક કિ.મી. ચાલ્યા બાદ એક સ્કૂટરચાલકે મને લિફ્ટ આપી અને તેણે મને શાળાના દ્વાર પર જ છોડ્યો. શાળાની અંદર જતી વખતે મારા મનમાં ઘણાં વિચારો આવી ગયા. મેં વિચાર્યુ કે જો શાળા સંચાલકો મને આવતા અઠવાડિયે નાણાં આપવાનું કહેશે તો હું પોતાનું પાકીટ ઘરે ભૂલી ગયો છું તેમ કહીશ અથવા તો આસપાસમાં ATM નહીં હોવાનું બહાનું આપી 500 રૂપિયા ઉધાર લઇ લઈશ. આ વિચારોમાં જ જ્યારે હું સંચાલકને મળ્યો ત્યારે તેમણે મને જોઇને કહ્યું, “ક્ષિતીજ, તમે આવ્યા તે જોઈ અમને ઘણું સારું લાગ્યું. અમે રૂપિયા 25 હજાર જેટલા એકઠા કર્યા છે જે તમે તમારી સાથે લઇ જઈ શકો છો.” આ સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયા.