પત્નીએ છોડી દીધો સાથ, પણ તેમણે ગરીબોનો સહારો બનવાનું ન છોડ્યું, આજે છે 300 નિરાશ્રિત લોકોનો આશરો!

1

નિરાશ્રિતોનો આશ્રય બન્યા

લગભગ 5 હજાર બિનવારસી લાશોના કર્યા અંતિમ સંસ્કાર! 

8 વર્ષથી ગરીબ અને લાચાર લોકોની કરે છે મદદ!

રાષ્ટ્રકવિ મૈથિલિશરણ ગુપ્તની કવિતાઓની પંક્તિ છે કે

વહી પશુ પ્રવૃત્તિ હૈ કિ આપ, આપ હી ચરે,

વહી મનુષ્ય હૈ કિ જો મનુષ્ય કે લિયે મરે

આ પંક્તિઓ દિલ્હીવાસી 47 વર્ષીય રવિ કાલરા ઉપર ખૂબ જ બંધબેસતી છે. જેઓ છેલ્લાં 8 વર્ષથી ગરીબ, લાચાર, નિરાશ્રિતો અને બીમાર લોકોની મદદ કરી રહ્યા છે. આ એવાં લોકો છે કે જેનું દુનિયામાં કોઈ નથી અથવા તો પછી જેમને તેમના જ પરિવારજનોએ નોંધારા છોડી દીધા છે. લગભગ 300 કરતાં વધારે લોકોને આશરો આપી રહેલા રવિ અત્યાર સુધી લગભગ 5 હજાર કરતાં પણ વધારે બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર કરી ચૂક્યા છે. રસપ્રદ બાબત એ છે કે એક જમાનામાં ઇન્ડિયન એમ્યોચર તાઇકોન્ડો ફેડરેશનના અધ્યક્ષ રહી ચૂકેલા રવિએ પોતાનાં જીવનમાં ખૂબ જ ઉતાર-ચડાવ જોયા છે. બાળપણમાં તેમની પાસે શાળાએ જવા માટે બસનું ભાડું પણ નહોતું રહેતું. તો જુવાનીમાં તેમણે પોતાની મહેનતના જોરે દુબઈ, દક્ષિણ આફ્રિકા અને અન્ય સ્થળોએ પોતાની ઓફિસ શરૂ કરી હતી. પરંતુ એક ઘટનાને કારણે તેમનાં જીવનમાં એવું પરિવર્તન આવ્યું કે તેઓ બધું છોડીને લોકોની સેવામાં લાગી ગયા.

રવિ કાલરાનાં માતા-પિતા બંને સરકારી નોકરી કરતાં હતાં. તેમના પિતા દિલ્હી પોલીસમાં ઇન્સપેક્ટર હતા. પિતા ઉપર પરિવારની ઘણી જવાબદારીઓ હોવાને કારણે તેમનું બાળપણ ખૂબ જ મુશ્કેલીમાં વીત્યું હતું. રવિએ યોરસ્ટોરીને જણાવ્યું,

"ઘણી વખત મારી પાસે એટલા પૈસા પણ નહોતા રહેતા કે સ્કુલ જવા માટે બસમાં મુસાફરી કરી શકું. ત્યારે હું અનેક કિલોમિટર સુધી પગે ચાલીને જતો હતો. જોકે, હું ભણવામાં બહુ હોંશિયાર નહોતો. ખૂબ જ નાની ઉંમરમાં હું માર્શલ આર્ટ ઇન્સ્ટ્રક્ટર બની ગયો. મને માર્શલ આર્ટ માટે શિષ્યવૃત્તિ પણ મળી હતી. તેની તાલિમ લેવા માટે હું દક્ષિણ કોરિયા પણ ગયો હતો. ત્યાં મેં આ રમત સાથે સંકળાયેલી આંતરરાષ્ટ્રીય ડિગ્રીઓ મેળવી. ત્યાર પછી હું ભારત આવ્યો અને માર્શલ આર્ટની તાલિમ આપવા માટે સ્કુલ શરૂ કરી. થોડા સમય બાદ ઇન્ડિયન એમ્યોચર તાઇકોન્ડો ફેડરેશનનો અધ્યક્ષ પણ બન્યો."

પોતાની મહેનતના જોરે તેમણે લગભગ 200 જેટલા બ્લેક બેલ્ટ ખેલાડીઓને તૈયાર કર્યા છે. આ ઉપરાંત તેમણે વિવિધ પોલીસ બટાલિયન અને આર્મ્સ ફોર્સને પણ માર્શલ આર્ટની તાલિમ આપી હતી. પોતાનાં આ કૌશલ્યને કારણે તેઓ અત્યાર સુધી 47 દેશોનો પ્રવાસ ખેડી ચૂક્યા છે.

પોતાની રમત સાથે તેમણે નિકાસ અને વેપારનાં ક્ષેત્રે પણ પોતાનો હાથ અજમાવ્યો તેના કારણે એક સમયે તેમની પાસે સારા એવા રૂપિયા પણ આવ્યા હતા. તેના કારણે જ તે સમયે તેમની દુબઈ, દક્ષિણ આફ્રિકા અને અન્ય જગ્યાઓએ પોતાની ઓફિસો હતી. તેમ છતાં પણ તેમણે જીવનમાં ક્યારેય ઇમાનદારી છોડી નહોતી. જીવન આરામથી પસાર થઈ રહ્યું હતું પરંતુ એક દિવસ અચાનક તેમણે રસ્તા ઉપર જોયું તો એક ગરીબ બાળક અને તેની પાસે બેઠેલું એક કૂતરું એક જ રોટલી ખાઈ રહ્યાં હતાં. આ જોઈને તેમનાં જીવને એવું પાસું ફેરવ્યું કે તેમણે પોતાનો વેપાર છોડીને ગરીબ અને નિરાશ્રિત લોકોની સેવા કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણયનો તેમની પત્નીએ વિરોધ કર્યો અને તે તેમને છોડીને જતી રહી. પત્નીના આ નિર્ણયને કારણે તેમનું મનોબળ ડગ્યું નહીં પરંતુ તેમના કામ કરવાની ધગશમાં વધુ વેગ આવ્યો.

રવિએ સૌથી પહેલાં દિલ્હીના વસંતકુંજ વિસ્તારમાં ભાડાંની એક જગ્યા લીધી અને થોડા સમય પછી ગુડગાંવમાં એવા લોકોને રાખ્યા કે જેમનું પોતાનું કોઈ નહોતું, પોતાની સારવાર ન કરાવી શકતા લોકો, એવાં લોકો કે જેમને તેમના પરિવારજનોએ તરછોડી દીધા હોય. રવિ આવા લોકોની રાત-દિવસ સેવા કરતા હતા. શરૂઆતમાં રવિએ આ લોકોને જ્યાં રાખ્યાં ત્યાં વૃદ્ધો માટે રહેવાની વ્યવસ્થા કરી અને નારીનિકેતન શરૂ કર્યું. આ ઉપરાંત જે ગરીબ બાળકો હતાં કે ભીખ માગતાં હતાં તેમના માટે સ્કુલની વ્યવસ્થા કરી. આમ, 1-2 લોકોની સેવાથી શરૂ થયેલી તેમની સફર હજી સુધી અવિરતપણે ચાલ્યા કરે છે. આ દરમિયાન સ્થાનિક લોકો ઉપરાંત પોલીસે પણ તેમને હેરાન કર્યા હતા. રવિના જણાવ્યા અનુસાર,

"પોલીસવાળા મને રાતોની રાતો પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખતા હતા. મને એમ કહેતા હતાં કે મેં કિડની કૌભાંડ શરૂ કર્યું છે. પણ હું હિંમત ન હાર્યો અને લોકોની સેવા કરતો રહ્યો."

રવિ જણાવે છે કે તેઓ રસ્તા અને હોસ્પિટલમાં મરનારા લગભગ પાંચ હજાર કરતાં પણ વધારે બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર કરી ચૂક્યા છે. આ ઉપરાંત લગભગ એવા એક હજાર લોકો કે જેઓ એક સમયે તેમની સાથે હતા અને તેમનું મૃત્યુ બીમારી કે અન્ય કારણોસર થયું હોય તેમનાં પણ અંતિમ સંસ્કાર તેમણે કર્યા છે. લોકો પ્રત્યે સમર્પણની ભાવના જોઈને ધીમે ધીમે સામાન્ય લોકોની સાથે પોલીસ, સામાજિક કાર્યકરો અને અન્ય લોકો પણ તેમની મદદે આવવા લાગ્યા. રવિ જણાવે છે,

"દિલ્હીની વિવિધ સરકારી હોસ્પિટલોમાં આવા ઘણાં વૃદ્ધ દર્દીઓ હોય છે કે જેમનાં પરિવારજનો તેમને ત્યાં છોડીને જતા રહે છે. તેવામાં હોસ્પિટલ અમારો સંપર્ક સાધે છે અને અમે તેવા લોકોને અમારી પાસે લાવીને રાખીએ છીએ."

તેઓ જણાવે છે કે આજે તેમના આશ્રમમાં લગભગ 300 જેટલા વૃદ્ધો રહે છે. જેમાં 100 કરતાં વધારે મહિલાઓ છે કે જેઓ નારીનિકેતનમાં રહે છે. આ મહિલાઓમાંની કેટલીક બળાત્કારનો શિકાર બનેલી છે તો કેટલીક વૃદ્ધ મહિલાઓ છે.

રવિએ આવા લોકો માટે હરિયાણાના બંધવાડી ગામમાં ધ અર્થ સેવ્યર ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. અહીં લગભગ 300 મહિલાઓ અને પુરુષો રહે છે. અહીં રહેનારા લોકો પૈકી કેટલાક લોકો માનસિક રીતે બીમાર છે તો વળી કેટલાક એચઆઈવી અને કેન્સર જેવી બીમારીથી પીડાઈ રહ્યા છે. આ ઉપરાંત અનેક ભૂતપૂર્વ જજ, શિક્ષણવિદો, વકીલો, અને અન્ય વૃદ્ધો છે કે જેમને તેમના પરિવારજનોએ તરછોડી દીધા છે. દર્દીઓની સગવડ માટે અહીં ત્રણ એમ્બ્યુલન્સની સુવિધા છે. આ ઉપરાંત દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલ સાથે તેમણે જોડાણ કર્યું છે. જેથી કરીને કટોકટીની સ્થિતિમાં તેમનો ઇલાજ કરી શકાય. આ ઉપરાંત વિવિધ હોસ્પિટલના ડોક્ટરો અહીં અવારનવાર કેમ્પનું આયોજન કરે છે. આ ઉપરાંત અહીં 24 કલાકની ડિસ્પેન્સરીની વ્યવસ્થા છે. અહીં રહેતા લોકોનાં મનોરંજનનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તેના માટે તેઓ દિલ્હીના રાજપથ ખાતે દર વર્ષે યોજાતી ગણતંત્ર દિવસની પરેડ જોવા ઘણા લોકોને લઈ જાય છે. સમયાંતરે તેમને ફિલ્મ પણ બતાવવામાં આવે છે.

આ ઉપરાંત અહીં રહેનારા વડીલોને ક્યારેક મથુરા, વૃંદાવન અને અન્ય તીર્થસ્થળોની મુસાફરી પણ કરાવવામાં આવે છે. રવિએ આ જગ્યાને ગુરુકુળ નામ આપ્યું છે. ગુરુકુળમાં તમામ તહેવારો મનાવવામાં આવે છે. છેલ્લાં આઠ વર્ષથી નિઃસ્વાર્થ ભાવે સેવા કરી રહેલા રવિને કામમાં મદદ કરવા માટે 35 લોકોની ટીમ છે. 47 વર્ષીય રવિ કાલરાનું એક જ સપનું છે કે તેઓ એક એવી જગ્યા બનાવે કે જ્યાં ગરીબ, લાચાર, બીમાર અને અસહાય લોકો મફતમાં રહી શકે તેમજ ત્યાં હોસ્પિટલની પણ સગવડ હોય.

વેબસાઇટ


લેખક- હરિશ બિશ્ત

અનુવાદક- YS ટીમ ગુજરાતી