4 મહિનામાં રૂ.1 કરોડનું વેચાણ! એક સોફ્ટવેર એન્જિનિયરે દેવામાં ડૂબેલાં ખેડૂતોને કેવી રીતે બક્ષ્યું નવજીવન!

4 મહિનામાં રૂ.1 કરોડનું વેચાણ! એક સોફ્ટવેર એન્જિનિયરે દેવામાં ડૂબેલાં ખેડૂતોને કેવી રીતે બક્ષ્યું નવજીવન!

Saturday May 07, 2016,

7 min Read

એક ખેડૂત માંડ્યાના ઓર્ગેનિક સ્ટોરમાં આવે છે અને પોતાની પાસે રહેલાં ટામેટાં અને મરચાંના કોથળાને ટેબલ ઉપર ઠાલવે છે. કેશિયર તેનું વજન કરે છે અને તે અનુક્રમે 4.5 કિલો અને 1.25 કિલોનું છે. કેશિયર તેને નવી કડકડતી નોટો આપે છે. ખેડૂત પૈસા પોતાનાં ગજવામાં મૂકીને ચાલતો થાય છે. આ આખી પ્રક્રિયામાં છ મિનિટ કરતાં પણ ઓછો સમય લાગે છે. તેમાં કોઈ વિલંબ, ભાવની રકઝક, વચેટિયાઓ કે નિરાશાનો સમાવેશ થતો નથી.

પરંતુ માંડ્યામાં એક વર્ષ પહેલાં આવું નહોતું થતું. જુલાઈ 2015માં શેરડીના 20 જેટલા ખેડૂતોએ આપઘાત કર્યો હતો. સતત સિંચાઈ ધરાવતું અને લીલુંછમ રહેતું માંડ્યા બેંગલુરુથી 100 કિલોમીટર દૂર આવેલું છે. પરંતુ અહીંના ખેડૂતો દેવાનાં ડુંગર તળે દબાયેલા છે. એક અહેવાલ અનુસાર વર્ષ 2014-15માં માંડ્યાના ખેડૂતોએ બેન્કો પાસેથી રૂ.1200 કરોડનું દેવું લીધું છે. સરકારની ઉદાસીનતા, પાકની ઘટતી જતી કિંમત, વધારે પડતો જથ્થો અને ખેતી કરવાની યોગ્ય ટેકનિકનાં માર્ગદર્શનના અભાવ વગેરે જેવાં અનેક કારણોને લીધે આવી કપરી સ્થિતિ સર્જાઈ છે.

image


આ જોઈને 37 વર્ષીય આઈટી પ્રોફેશનલ મધુચંદન ચિક્કાદેવાલાહ કે જેઓ કેલિફોર્નિયામાં એક સ્વપ્નવત્ જીવન જીવતાં હતા પરંતુ તેમનાં મૂળિયાં માંડ્યામાં હતાં તેઓ દુઃખી થઈ ઉઠ્યા. ખેડૂતના પરિવારમાંથી આવતા મધુનો જન્મ માંડ્યામાં થયો હતો અને તેમનું સમગ્ર બાળપણ 300 એકર જેટલા વિશાળ વિસ્તારમાં પથરાયેલી યુનિવર્સિટી ઓફ એગ્રિકલ્ચર બેંગલુરુમાં વીત્યું હતું. તેમના પિતા ત્યાંથી વાઇસ ચાન્સેલર તરીકે નિવૃત્ત થયા હતા જ્યારે મધુ સોફ્ટવેર એન્જિનિયર બનીને સમગ્ર વિશ્વમાં કામ કરતા હતા. તેમણે વેરિફાયા નામની કંપની સ્થાપી હતી કે જે સોફ્ટવેર ચકાસણીના ઓટોમેટેડ સોલ્યુશન્સ પૂરા પાડતી હતી. પરંતુ તેઓ દિલથી હંમેશા ખેડૂત હતા.

ઓગસ્ટ 2014માં તેમણે બધું જ છોડી દીધું અને માંડ્યા પરત આવી ગયા. તેઓ ખેડૂતોને મદદ કરીને તેમનું ઉત્થાન કરવા માગતા હતા તેમણે જણાવ્યું,

"આખી દુનિયામાં ખેડૂત એકમાત્ર એવી વ્યક્તિ છે કે જે હોલસેલના ભાવે માલ વેચીને રિટેલના ભાવે ખરીદે છે."

તેણે વધુમાં જણાવ્યું,

"ખેડૂતો પોતાનાં ખેતરો છોડીને શહેરમાં સ્થાયી થઈ રહ્યા છે. ત્યાં જઈને તેઓ નીચા પ્રકારની નોકરી કરી રહ્યા છે. અસ્થિરતાને કારણે તેઓ એક પછી એક નોકરી બદલ્યા કરે છે અને તેમને કોઈ જ આર્થિક લાભ થતો નથી. તેઓ પોતાની જાતની કે પરિવારની સંભાળ નથી રાખી શકતા. કાળક્રમે તેમના ઉપર દેવું થતું જાય છે અને તેઓ આપઘાત કરી લે છે. આ એક પ્રકારનું વિષચક્ર છે જેને અટકાવવું જોઇએ. ઓર્ગેનિક માંડ્યાની સ્થાપના તેના માટે જ કરવામાં આવી છે. કે જેથી કરીને ખેડૂતો સમૃદ્ધ બને અને આરોગ્યપ્રદ જીવન જીવે અને તેઓ પોતાનો વ્યવસાય છોડે નહીં."
image


ઓર્ગેનિક માંડ્યાની સ્થાપના

જ્યારે મધુ માંડ્યામાં આવ્યા ત્યારે તેમણે જોયું કે આખો વ્યવસાય અસ્તવ્યસ્ત હતો. ઘણા ખેડૂતો એવા હતા કે જેઓ ઓર્ગેનિક ખેતી પ્રત્યે વળ્યા હતા. તેઓ પોતાની રીતે વિવિધ ટેકનિકનો ઉપયોગ કરતાં હતા જેના કારણે તેમને સારો એવો પાક ઉતરતો હતો. તેમ છતાં પણ સુવ્યવસ્થિત બજાર અને માહિતીના આદાનપ્રદાન વગેરે બાબતોમાં ઘણું અંતર હતું.

મધુએ પહેલું પગલું ખેડૂતો અને ભૂતપૂર્વ કર્મચારીઓને એકઠાં કરવાનું લીધું. તે તમામ લોકોએ રૂ.1 કરોડ ભેગા કરીને માંડ્યા ઓર્ગેનિક ફાર્મર્સ કૉ-ઓપરેટિવ સોસાયટીની નોંધણી કરાવી. તેના કારણે પ્રથમ તબક્કામાં 240 ઓર્ગેનિક ખેડૂતો એક મંચ ઉપર આવ્યા. તમામ સરકારી પ્રક્રિયાઓ પૂરી કરતાં તેમને આઠ મહિના લાગ્યા. અને તેમણે ઓર્ગેનિક માંડ્યાની પણ શરૂઆત કરી. આ એક એવી બ્રાન્ડ હતી કે જે અંતર્ગત ખેડૂતો પોતાનાં ઉત્પાદનનું વેચાણ કરતાં હતાં.

તેમણે જણાવ્યું,

"અમારી પાસે ઘણા આઇડિયા હતા. જેમ કે બેંગલુરુમાં ઓર્ગેનિક શોપની ચેઇન શરૂ કરવી અથવા તો ઈ-કોમર્સ પોર્ટલ શરૂ કરવું, રેસ્ટોરાં સાથે જોડાણ કરીને તેમને વસ્તુ વેચવી, પરંતુ આ તમામમાં ખેડૂતોનો સીધો ગ્રાહકો સાથે સંપર્ક થઈ શકે તેમ નહોતો. મારા મતે તેને પ્રાથમિકતા આપવી જરૂરી હતી. જ્યાં સુધી ગ્રાહકોને ખેડૂતે કરેલી મહેનતની પ્રતિતિ ન થાય અને ખેડૂતોને ગ્રાહકોની જરૂરીયાત ન સમજાય ત્યાં સુધી ખેતી લોકપ્રિય ન બની શકે."
image


માંડ્યા ખાતે આવેલા બેંગલુરુ અને મૈસુરને જોડતા હાઇવે ઉપર મધુએ ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. તેને લાગ્યું કે રસ્તે જતા પ્રવાસીઓ આ ખેતપેદાશો ખરીદવા માટે ઊભા રહેશે. લોકોને વધુ પ્રોત્સાહન મળી રહે તે માટે તેમણે તેમની દુકાનની નજીક ઓર્ગેનિક રેસ્ટોરાં શરૂ કર્યું. મધુ આ અંગે કહે છે,

"મારો ઇરાદો એ હતો કે ગ્રાહકો અહીં આવે, ખાવા માટે ઊભા રહે અને નજીકમાં આવેલી અમારી દુકાનમાંથી પોતાનું અઠવાડિયાનું કરિયાણું ખરીદે. પરંતુ એક મહિના બાદ આ ટ્રેન્ડ વિપરીત થયો. ગ્રાહકો પહેલા અમારી દુકાનમાંથી ખરીદી કરવા ઊભા રહેતા હતા અને તે અમારા માટે વધુ યોગ્ય હતું."

યોગ્ય પ્રેક્ટિસ કરવી

મધુના ઓર્ગેનિક મંડ્યાની સ્થાપના પાછળની સુંદરતા એ હતી કે ગ્રાહકો અને ખેડૂતો એકબીજાના સીધા સંપર્કમાં આવે. તેમના જણાવ્યા અનુસાર,

"એક તરફ લોકો ઓર્ગેનિક વસ્તુઓ તેની કિંમતના કારણે ખરીદતા અચકાય છે અને બીજી તરફ 24 વર્ષનો એક ખેડૂત તેના ખોરાકમાં રહેલા વધારે પડતાં રસાયણોને કારણે કેન્સરથી મૃત્યુ પામે છે. લોકોમાં ઓર્ગેનિક વિશે જાગરૂકતા લાવવી જરૂરી બની ગઈ છે પરંતુ જ્યાં સુધી એક સહિયારું પ્લેટફોર્મ ઊભું ન થાય ત્યાં સુધી તે શક્ય નથી."

તેના કારણે કંપનીના ઓર્ગેનિક ટૂરિઝમ વિચારનો જન્મ થયો અને તેમાં નીચેની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી

શ્રમદાન યજ્ઞ – ખાસ પ્રકારનો એવો કેમ્પ કે જેમાં લોકો પાસેથી પૈસા નહીં પરંતુ શ્રમની માગણી કરવામાં આવે છે. મધુ જણાવે છે,

"20 ટકા કરતાં વધુ ખેડૂતોનો પાક એટલા માટે નાશ પામે છે કે તેમનાં ખેતરમાં સમયસર કામ કરનારા લોકોનો અભાવ હોય છે. તેવામાં અમે એવા લોકોની મદદ માગી કે જે લોકોને ખેતીનું કામ કરવામાં આનંદ આવે છે અથવા તો જે લોકો અઠવાડિયામાં એક વખત ખેતીનું કામ કરવાનો અનુભવ લેવો છે. જેમ કે, એક 60 વર્ષનો ખેડૂત પોતાનાં ખેતરમાં મજૂરી માટે એક દિવસની રૂ. 3 હજાર મજૂરી આપી શકતો નથી. પરંતુ તેણે તેના આખા ખેતરમાં વાવણી કરવાની છે તો અમે ફેસબુક પેજ ઉપર રિક્વેસ્ટ મોકલીએ છીએ તેમાંથી 24 લોકો સ્વેચ્છાએ આવ્યાં અને તેમણે અડધા દિવસમાં આકું કામ પૂરૂં કરી નાખ્યું. છેલ્લાં કેટલાક મહિનાઓમાં અમારા શ્રમદાન અભિયાનમાં બેંગલુરુથી 1000 જેટલા લોકો જોડાયેલા છે. જેમાં વિદ્યાર્થીઓ, આઈટી વ્યાવસાયિકો અને નિવૃત્ત દંપત્તિઓનો સમાવેશ થાય છે."

ભાગેથી ખેતી – આ કાર્યક્રમ અંતર્ગત અડધાથી બે એકર સુધીની જમીન ત્રણ મહિના માટે રૂ. 35 હજારના ભાડે આપવામાં આવે છે. તેમાં લોકો પોતાની પસંદગી અનુસારના પાક લઈ શકે છે. આ યોજનામાં એક કુટુંબને ત્રણ મહિનામાં આઠથી નવ રાત્રિ માટે ખેતરમાં રહેવા દેવા માટેની પરવાનગી આપવામાં આવે છે. અહીં તેઓ ખેતીની પ્રેક્ટિસ કરે છે. અને તેમની ગેરહાજરીમાં ઓર્ગેનિક મંડ્યાનાં ખેડૂતો આ ખેતરની સંભાળ રાખે છે. પાક તૈયાર થઈ જાય ત્યાર બાદ જેણે તે ભાડે લીધું હોય તેને આખો પાક ઓર્ગેનિક મંડ્યાને વેચી દેવાનો અથવા તો વ્યક્તિગત રીતે ઉપયોગમાં લેવાનો વિકલ્પ આપવામાં આવે છે. તેના કારણે ખેડૂતોને આવક પણ થાય છે અને શહેરી લોકોને ઓર્ગેનિક ખેતી કરવા માટેનો આનંદ પણ આવે છે.


ટીમ @ ફાર્મ – આ અભિયાનમાં કંપનીઓ પોતાનાં કર્મચારીઓને એક દિવસ માટે ખેતીનો આનંદ લેવા માટે મોકલી શકે છે. આ ઉપરાંત અહીં ગ્રામ્ય રમતો જેમ કે કબડ્ડી, ગિલ્લી દંડા, લંગડી જેવી રમતો પણ રમાડવામાં આવે છે. આ ઉપરાંત ગોળના પ્લાન્ટની મુલાકાત કરાવવામાં આવે છે જેના કારણે લોકોને આખી પ્રક્રિયાનો ખ્યાલ આવે છે. આખા દિવસની મુલાકાતનો ખર્ચ રૂ. 1300 પ્રતિ વ્યક્તિનો આવે છે.

image


વેપારમાંથી મળી રહેલા લાભો

ઓર્ગેનિક મંડ્યા સંપૂર્ણપણે ચાલુ થઈ હોય તે વાતને હજી છ મહિનાનો સમય થયો છે. અત્યારે તે સફળતા ભણી આગળ વધી રહી છે. કંપની પાસે નોંધણી પામેલા લગભગ 500 ખેડૂતો છે કે જેમની સંયુક્ત જમીન દાજે 200 એકર જેટલી છે. તેઓ 70 પ્રકારનાં અનાજ જેમ કે ચોખા, દાળ, ખાદ્યતેલો, પર્સનલ હેલ્થકેર પ્રોડક્ટ્સ, ઠંડાપીણાં અને મસાલા બનાવે છે. આવકની દૃષ્ટિએ કંપનીની આવક ચાર મહિનામાં જ રૂ. 1 કરોડની થઈ ગઈ છે. કંપનીનાં માસિક બાસ્કેટની કિંમત રૂ.999, રૂ.1499 અને રૂ.1999 છે જેના ઘણા ખરીદારો છે. મધુએ જણાવ્યું,

"પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ખોરાક જો ઓનલાઇન ઓર્ડર કરાવીને ઘેરબેઠા તમારે ઘેર મળી જતો હોય તો કોને ન ગમે?"

પરંતુ તેના કરતાં પણ અગત્યની વાત એ છે કે માંડ્યામાં હવે લોકો પાછા ફરી રહ્યા છે. મધુએ જણાવ્યું,

"મારી મોટી સફળતા એ છે કે કેટલાક લોકો માંડ્યામાં પરત ફર્યા છે અને તેમણે ફરીથી ખેતી શરૂ કરી દીધી છે. અત્યાર સુધી 57 લોકો પરત ફર્યા છે અને તેમની જમીન ખેડવા લાગ્યા છે. આ ગ્રામ્ય ઓર્ગેનિક ક્રાંતિની શરૂઆત જ છે."

ટકાઉ ભવિષ્ય તરફનો માર્ગ

મધુને સારી રીતે ખબર છે કે કોઈ પણ વેપાર માટે ટકવું તે ખૂબ જ જરૂરી છે. પરંતુ તેના કારણે પણ ખેડૂત અને ગ્રાહક બંનેને લાભ થવો જોઇએ. આગામી એક વર્ષમાં મધુ 10 હજાર ખેડૂતોને એકત્રિત કરીને રૂ. 30 કરોડની આવક મેળવવા માગે છે.

image


તેમણે જણાવ્યું,

"જે કુટુંબો પોતાના સભ્યો તરીકેની નોંધણી કરવા માગે છે તેનો વાર્ષિક ખર્ચ સરેરાશ રૂ.1 હજારનો છે. તેના કારણે બેવડો લાભ થશે કે તેમને અમારાં ઉત્પાદન ઉપર ધરખમ ડિસ્કાઉન્ટ મળશે. અને તેમની આરોગ્યપ્રદ વસ્તુઓ સાથે ઓળખ થશે."

મધુ વર્ષ 2020 સુધીમાં સમગ્ર માંડ્યા જિલ્લાને ઓર્ગેનિક બનાવવા માગે છે.

લેખિકા- શ્વેતા વિટ્ટા

અનુવાદક- YS ટીમ ગુજરાતી

અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો