વણઝારાઓને સ્થિરતા અને ઓળખ અપાવવા સંઘર્ષ કરી રહ્યાં છે પત્રકાર મિત્તલ પટેલ

0

તમે ક્યારેય રસોડામાં ઉપયોગમાં લેવાતા ચપ્પાની ધાર કાઢનારાને જોયો છે કે પછી દોરડા બાંધીને ખેલ કરનારા લોકોને મળ્યા છો કે પછી મદારીના ખેલની મજા માણી છે? આપણે ભલે આવા લોકોને ખૂબ જ ઓછા જોયા હોય પણ એ વાત કોઈ સ્વીકારી નહીં શકે તે આવા લોકોની વસ્તી કરોડોમાં છે જેમની પોતાની કોઈ ઓળખ નથી. તેમની પાસે તેવી સામાન્ય સુવિધાઓ પણ નથી જે એક સામાન્ય ભારતીય પાસે હોવી જોઈએ. આ લોકોને આપણે વણઝારા કે નટબજાણીયા તરીકે ઓળખીએ છીએ અને તેમના અધિકારો માટે સંઘર્ષ કરી રહ્યા છે ગુજરાતના અમદાવાદમાં રહેનારા મિત્તલ પટેલ! 

એક સમયે જે પત્રકાર બન્યા પછી યુપીએસસી પરીક્ષાની તૈયારીઓ કરતા હતા તે આજે આ સમુદાયના લોકોને તેમના અધિકાર અપાવી રહી છે અને તેમના વિકાસ માટે શક્યતાઓના નવા દરવાજા ખોલી રહી છે.

મિત્તલ પટેલ જ્યારે પત્રકારત્વનો અભ્યાસ કરતા હતા ત્યારે તેના જ અનુસંધાનમાં તેમને આવા લોકોને મળવાનો અવસર મળ્યો હતો. તે સમયે તેમને જાણવા મળ્યું કે માત્ર ગુજરાતમાં જ સરકારી ચોપડે નટબજાણીયાઓની 28 જાતિઓ નોંધાયેલી છે અને બીજી 12 જાતિનું તો ક્યાંય સરકારી દસ્તાવેજોમાં નામોનિશાન નથી. સતત વિચારણા કરતા રહેવાના કારણે તેમની પાસે વૈયક્તિક ઓળખ જ નહોતી. આ લોકો પાસે પોતાની ઓળખ માટે વોટરઆઈડી કાર્ડ, રેશન કાર્ડ, પાન કાર્ડ કે પાસપોર્ટ જેવા કોઈ દસ્તાવેજો નહોતા કારણ કે તેઓ ગુજરાન ચલાવવા એક ગામથી બીજા ગામ ફરતા રહેતા હોય છે. તેઓ એવું કોઈ કામ નહોતા કરતા જે એક જગ્યાએ રહીને લાંબા સમય સુધી કરી શકાય. તે લોકો ક્યારેય સ્થિર જીવન જીવતા નહોતા તેથી સામાન્ય લોકોની જેમ તેમનું કોઈ સ્થાયી ઠેકાણું નહોતું.

પહેલાં મિત્તલને એમ થયું કે સરકાર અને નટબજાણીયાઓના ઉદ્ધાર માટે કામ કરતી સંસ્થાઓને તેમની સમસ્યાઓ વિશે જણાવવામાં આવે પણ જેમ જેમ મિત્તલ આ જાતિના લોકોની સમસ્યાઓને ઉંડાણથી સમજવા લાગી તેમ તેમ તેમને કથળેલી સ્થિતિનો અનુભવ થયો અને તેમણે જાતે જ નક્કી કર્યું કે હવે આ લોકોના ઉદ્ધાર માટે જાતે જ કંઈક કરશે. આ માટે તેમણે વિચરતા સમુદાય સમર્થન મંચની સ્થાપના કરી. આ સંસ્થા શરૂ કરતા પહેલાં તે 2007માં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીને મળ્યા અને તેમને એ સમજાવવામાં સફળ રહ્યા કે આવા લોકો માટે વોટરઆઈડી કાર્ડ કેટલું મહત્વનું છે. ત્યારબાદ ચૂંટણી પંચ એવા લોકોના વોટર આઈડી કાર્ડ બનાવવા તૈયાર થયું જેના વિશે મિત્તલે તેમને માહિતી આપી હતી. આ રીતે તેમણે પહેલી વાર 20,000 લોકોના કાર્ડ બનાવ્યા જેઓ વિચરતી જાતિના હતા.

મિત્તલ પટેલના જણાવ્યા પ્રમાણે મોટાભાગના લોકોને એ જ નથી ખબર કે આવા લોકો સાથે કેવી રીતે કામ કરી શકાય. આ લોકો સાથે કામ કરીને મિત્તલને ખ્યાલ આવી ગયો કે આખું વર્ષે આ લોકો ભલે ફરતા રહે પણ ચોમાસા દરમિયાન યાત્રા નથી કરતા. તેઓ દર વર્ષે એવા ગામમાં રોકાય છે જ્યાં તેમને સૌથી વધારે પ્રેમ મળે છે. આ વાત તેમણે ચૂંટણી પચંને જણાવી અને કહ્યું કે ચોમાસા દરમિયાન આ લોકો જે ગામમાં રોકાય તેને તેમનું કાયમી સરનામું ગણાવીને વોટરઆઈડી કાર્ડ આપવું જોઈએ. તેવી જ રીતે આ ગામમાં લોકોને મળતી સુવિધાઓના પણ તેઓ હકદાર બની ગયા. આ રીતે તેમનું વોટરકાર્ડ તો બનવાનું શરૂ થયું જ પણ સાથે સાથે તેમને રેશનકાર્ડ અને અન્ય સરકારી સુવિધાઓ પણ મળવા લાગી. આજે મિત્તલ પટેલ 72 હજારથી વધારે લોકોના વોટરઆઈડી કાર્ડ બનાવવામાં સફળ રહ્યા છે. હાલમાં જ તેમણે એક કેમ્પ દ્વારા 500 નટબજાણીયાઓને વોટરઆઈડી કાર્ડ અપાવ્યા.

માત્ર ઓળખ કાર્ડ અપાવીને મિત્તલ પટેલે પોતાનું કામ પૂરું ન કરતા આ લોકોના વિકાસ માટે પણ કાર્ય આરંભ્યું. તેમણે પોતાની સંસ્થા વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા આવી જગ્યાઓએ જઈને ટેન્ટ સ્કૂલ ચલાવી જ્યાં વિચરતી જાતિના લોકોની મોટાપાયે સંખ્યા હોય. આ જે તેમની સંસ્થા ગુજરાતના 13 સ્થળોએ ટેન્ટ સ્કૂલ ચલાવે છે. તેમના પ્રયાસોના કારણે જ નટબજાણીયાઓની 40 જાતિમાંથી 19 જાતિના લોકોના સંતાનો પ્રાથમિક શિક્ષણ લેવામાં સફળ થયા. આ સ્કૂલમાં પહેલા ધોરણથી માંડીને દસમા ધોરણ સુધી અભ્યાસ કરાવવામાં આવે છે.

નટબજાણીયા લોકો એક જગ્યાએ નથી રહેતા તો તેમના સંતાનો કેવી રીતે એક જગ્યાએ રહી શકે. આ સવાલના જવાબમાં મિત્તલ પટેલે જણાવે છે, "અમે જોયું કે તેઓ પોતાના સંતાનોને અભ્યાસ કરાવવા માગે છે પણ રોજીરોટી માટે અંતરિયાળ વિસ્તારોમાં જતા હોવાથી બાળકોને પણ સાથે લઈ જાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા અમે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને રાજનપુર જેવા વિસ્તારમાં 4 હોસ્ટેલની સ્થાપના કરી. ત્યાં આજે 700 બાળકો અભ્યાસ કરે છે. આ બાળકોના માતા-પિતા ભલે કામ કરવા ગમે ત્યાં જાય પણ તેઓ અહીંયા રહીને અભ્યાસ કરે છે." મિત્તલ અને તેમની ટીમે જોયું કે કેટલીક જાતિના લોકો જે કામ પેઢીઓથી કરતા આવ્યા છે તે હવે લુપ્ત થઈ રહી છે. તેના લીધે તેમના રોજગાર પર સંકટ આવી ગયું અને તેમણે ભીખ માગવાની શરૂઆત કરવી પડી. આ બાબતને ધ્યાનમાં રાખીને તેવા લોકોને વ્યાવસાયિક તાલિમ અપવવાનું શરૂ કરાવ્યું. આ લોકોની મહેનતનું જ પરિણામ છે કે અત્યાર સુધીમાં 300 લોકોએ વ્યાવસાયિક તાલિમ લીધી છે.

મિત્તલ પટેલ જણાવે છે કે, આ જાતિઓના લોકો કોઈની નીચે રહીને કામ કરવાનું પસંદ નથી કરતા તેના કારણે મોટાભાગના લોકોએ વ્યાવસાયિક તાલિમ લેવાની મનાઈ કરી હતી. આ વિશે તેમની સાથે વાત કરી તો ખ્યાલ આવ્યો કે તેઓ પોતાનું કામ જાતે જ કરવા માગે છે. આ વાતને ધ્યાનમાં રાખીને મિત્તલ પટેલ અને તેમની ટીમે આ લોકોને પોતાનું કામ શરૂ કરાવવા માટે વ્યાજ મુક્ત લોન આપવાનું શરૂ કર્યું. આ રીતે નટબજાણીયા જાતિના લોકોએ ચાની દુકાન, શાકભાજીની દુકાન કે લારી, બંગડી અને ચાંદલા જેવી વસ્તુઓ વેચવાની દુકાન અથવા તો ઉંટ ગાડી ખરીદીને તેને ભાડે આપવાનું શરૂ કર્યું. મિત્તલ પટેલ જણાવ્યા પ્રમાણે આ લોકોને આવા કામ વધારે પસંદ આવ્યા. માર્ચ 2014 સુધીમાં તેઓ આ જાતિના 430 લોકોને લોન આપી ચૂક્યા હતા. આ લોકોએ સાડા ત્રણ હજાર રૂપિયાથી માંડીને 50 હજાર રૂપિયા સુધીની લોન આપી છે. આ રીતે તેમણે અત્યાર સુધીમાં 65 લાખ રૂપિયાની લોન આપી છે. ખાસ વાત એ છે કે આ લોનનો હપ્તા તેમના કામને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે.

એક અનુમાન પ્રમાણે માત્ર ગુજરાતમાં જ આ જાતિના લોકોની 60 લાખથી વધુ વસ્તી છે. આવા સંજોગોમાં તેમના માટે પાકા ઘરની વ્યવસ્થા કરવી પણ મોટો પડકાર છે, પણ મિત્તલ પટેલ અને તેમની ટીમ આ લોકોને પોતાના પાકા ઘર બનાવવા માટે ટેક્નિકલ મદદ આપવાની સાથે સાથે આર્થિક રીતે પણ મદદ કરે છે. જે વણઝારા સમુદાયના લોકોને સરકાર તરફથી જમીન આપવામાં આવે છે તેમને મકાન બનાવવા માટે તેઓ આર્થિક મદદ કરે છે અને તે ઉપરાંત જરૂર પડે તો બેંકમાંથી લોન અપાવવાની પણ વ્યવસ્થા કરે છે. આ લોકોની મહેનતના પરિણામે જ અત્યાર સુધી 265 પાકા મકાનો બની ગયા છે અને 300 મકાનો બનવાનું કામ ચાલુ છે. આજે મિત્તલ પટેલ અને તેમની સંસ્થા ગુજરાતના 9 જિલ્લામાં વણઝારા સમુદાયના લોકોના વિકાસ માટે કામ કરી રહી છે.

લેખક – હરિશ બિસ્ત

અનુવાદક – મેઘા નિલય શાહ

Related Stories