એક એન્જિનિયર ખેડૂતોને શીખવી રહ્યો છે ટામેટાંનો ખરો ઉપયોગ!

એક એન્જિનિયર ખેડૂતોને શીખવી રહ્યો છે ટામેટાંનો ખરો ઉપયોગ!

Thursday August 10, 2017,

3 min Read

કેટલીયે વાર ખેડૂતોને તેમની પડતરકિંમત જેટલા ભાવ પણ નથી મળતાં. તેવામાં ખેડૂતોની હાલત બદલવા અને ટામેટાંનો યોગ્ય ઉપયોગ કરવાના પ્રયાસોમાં લાગેલા છે વારાણસીમાં રહેતા 24 વર્ષીય હિમાંશુ પાંડે!

image


વ્યવસાયે એન્જિનિયર એવા હિમાંશુ ખેડૂતોને જાગરૂક કરવા ન માત્ર ટામેટાની વધુ સારી ખેતી માટેની રીતો બતાવી રહ્યાં છે પણ ટામેટાના માધ્યમથી કેવી રીતે ખેડૂતો વધુ પૈસા કમાઈ શકે તેની જાણકારી પણ આપી રહ્યાં છે!

હિમાંશુએ જ્યારે ખેડૂતો સાથે વાત કરી તો તેમને માલૂમ પડ્યું કે તેમની મોટી સમસ્યા છે પાકને વેચવાની, એટલે સુધી કે ખેડૂતોને તેમની પડતરકિંમત જેટલા ભાવ પણ નથી મળી રહેતા!

આજકાલ માર્કેટમાં ટામેટાના ભાવો આસમાનને આંબી રહ્યાં છે. અને એ પણ ત્યારે જ્યારે દુનિયાભરમાં ભારત ટામેટાના ઉત્પાદનમાં બીજા સ્થાન પર છે. તેનું મોટું કારણ છે દેશમાં પાકતા ટામેટાનો સંગ્રહ, સાચવણી યોગ્ય રીતે નથી થતી. જેના કારણે ટામેટા ખરાબ થઇ જાય છે. આ હાલતમાં ઘણી વાર ખેડૂતો ટામેટાને સસ્તા ભાવે અને એ પણ વચેટીયાઓ મારફતે વેચવા મજબૂર બની જાય છે. આવી હાલતમાં ઘણી વખત ખેડૂતોને તેમની પડતરકિંમત જેટલા ભાવો પણ નથી મળી રહેતા. ખેડૂતોની આ હાલત બદલવા અને ટામેટાનો વધુ સારી રીતે વપરાશ થઇ શકે તે દિશા તરફના પ્રયાસો વારાણસીમાં રહેતા 24 વર્ષના હિમાંશુ પાંડે કરી રહ્યાં છે.

હિમાંશુ પાંડેએ એન્જિનિયરીંગના અભ્યાસ દરમિયાન મહારાષ્ટ્રના વિદર્ભના ખેડૂતોની આત્મહત્યા વિશે સાંભળ્યું હતું. જ્યારે તેમણે ખેડૂતોની આત્મહત્યાનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમને જાણવા મળ્યું કે મોટા ભાગના ખેડૂતો પર બેંકનું ઘણું દેવું છે. હિમાંશુએ જ્યારે ખેડૂતો જોડે વાત કરી તો તેમને માલૂમ પડ્યું કે સૌથી મોટી સમસ્યા તો પાકને વેચવાની છે. એટલે સુધી કે ખેડૂતો પાકની પડતરકિંમત જેટલા ભાવ પણ નથી મેળવી શકતા. 

ત્યારબાદ હિમાંશુએ આ સમસ્યા પર કામ કરવાનો નિર્ણય કર્યો. હિમાંશુએ આ સમસ્યાથી નીપટવા આશરે એકાદ મહિનો રીસર્ચ કર્યું અને પછી મૈસૂર જિલ્લાના નરસીપુરા તહસીલના બન્નૂર વિસ્તારથી આશરે 8 કિલોમીટર દૂર સિંહહલ્લી ગામમાં આવીને ખેડૂતો વચ્ચે કામ કરવા લાગ્યા. અહીં તેમણે જોયું કે બજારમાં ટામેટાની માંગની સામે પુરવઠો વધુ હતો અને એટલે ટામેટાનો ભાવ ઘણો નીચે આવી ગયો હતો. ખેડૂત ટામેટાને એક કે બે રૂપિયા સુધીની કિંમતે વેચવા મજબૂર થઇ ગયા. આવી સ્થિતિમાં ખેડૂતો પાક ઉતારતા પણ ન હતાં અને તેને ખેતરમાં જ સળગાવી દેતા.

આ પરિસ્થિતિથી છૂટકારો મેળવવા હિમાંશુએ નક્કી કર્યું કે જો ટામેટાનો ઉપયોગ બીજી વસ્તુઓ જેવી કે ટોમેટો સોસ બનાવવા કરવામાં આવે તો ખેડૂતોને ફાયદો થઇ શકે છે. એક અનુમાન પ્રમાણે દેશમાં બનતા ટોમેટો સોસમાં વપરાતા આશરે 60 ટકા ટામેટા અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવે છે. ત્યાં બીજી બાજુ, દેશમાં ઉત્પાદિત થતાં ટામેટાના માત્ર 1% જ પ્રોસેસિંગ યુનિટમાં જાય છે, જયારે કે પશ્ચિમી દેશોમાં તે પ્રમાણ 30 ટકા સુધી છે. આજ બાબતોનું ધ્યાન રાખીને હિમાંશુએ તે વિસ્તારની કેટલીક મહિલાઓને પોતાની સાથે જોડી અને તેમને મૈસૂરની ડિફેન્સ ફૂડ રીસર્ચ લેબોરેટરીમાં એક અઠવાડિયાની તાલીમ અપાવી. 

બીજી બાજુ તેમણે ખેડૂતોને એ વાત માટે પ્રોત્સાહિત કર્યા કે તેઓ સોસમાં વપરાતી ટામેટાની પ્રજાતિ માટે ખેતી કરે. જાંબુ પ્રજાતિના ટામેટામાં ગર વધારે હોય છે અને તેનાથી સોસની ગુણવત્તા વધુ સારી થાય છે. આજે આ વિસ્તારની ઘણી મહિલાઓ ટામેટાનો સોસ બનાવવાના કામને બખૂબી નિભાવી રહી છે. હવે હિમાંશુના પ્રયાસો છે કે આસપાસના વિસ્તારમાં વેચાતો સોસ, અન્ય વિસ્તારોમાં પહોંચે જેથી વધુ ને વધુ ખેડૂતોને તેનો ફાયદો મળે.


જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો [email protected] પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...