'મહિલાઓના સામર્થ્યને સન્માન આપીને તેમને પરિવાર, સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં જોડવા માટે સંકલ્પબદ્ધ થવાનો અવસર!'- આનંદીબેન પટેલ

'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: નારીના શક્તિ સ્વરૂપને સલામ'

'મહિલાઓના સામર્થ્યને સન્માન આપીને તેમને પરિવાર, સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં જોડવા માટે સંકલ્પબદ્ધ થવાનો અવસર!'- આનંદીબેન પટેલ

Tuesday March 08, 2016,

3 min Read

'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ' નિમિત્તે ગુજરાત રાજ્યના સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે નારીશક્તિ, ગૌરવને લગતા પોતાના વિચારો તેમના બ્લોગ પર વ્યક્ત કર્યા છે. મહિલાઓની સફળતા અને ગૌરવગાથા તેમણે તેમના શબ્દોમાં વર્ણવી છે. તેમનો બ્લોગ શબ્દશ: અહીં પ્રસ્તુત છે:

"રાજ્યની નારીશક્તિને ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની શુભકામનાઓ પાઠવું છું. આજે મને એ જોઈને ખુશી અને ગૌરવ થાય છે કે કૃષિ, ઉદ્યોગ, શિક્ષણ, પશુપાલન, વિજ્ઞાન, રમતગમત સહિતના તમામ ક્ષેત્રોમાં ગુજરાતની મહિલાઓ હવે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં સક્ષમ બની રહી છે.

તમને આણંદના ભુરાકોઈ ગામના મહિલા પશુપાલક દિપીકાબેન પટેલનો દાખલો આપું. તે ૬૫ પશુઓનું વૈજ્ઞાનિક ઢબે પાલન કરે છે અને ઉચ્ચ કક્ષાના બિયારણ, પૌષ્ટિક પશુદાણ, જૈવિક ખાતરનો ઉપયોગ કરીને વર્ષે લગભગ રૂ. ૧૮ લાખની આવક રળે છે. આ વર્ષે રાજ્ય સરકારનો જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ પશુપાલક તરીકેનો પુરસ્કાર તેમણે જીતી લીધો છે. એક મહિલા નાનકડા ગામમાં બેસીને આટલી મોટી કમાણી કરી રહી છે એ કોઈ નાનીસૂની વાત છે?

image


ગીરના જંગલોમાં સાવજોની સુરક્ષાનું ધ્યાન રાખીને સેંકડો રેસ્ક્યુ ઓપરેશન્સ પાર પાડનાર પચીસેક વર્ષની રસીલા વાઢેર અને તેના જેવી અન્ય મહિલા ફોરેસ્ટ ગાર્ડના શૌર્યની નોંધ તો દેશ-વિદેશમાં લેવાઈ છે. ત્યાં સુધી કે ડિસ્કવરી ચેનલે તેની ઉપર ‘The Lion Queens of India’ ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવી છે.

સામાજિક પરિવર્તન અને વિકાસનો પવન સામાન્ય રીતે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં મોડો પહોંચતો હોય છે, એટલે જ જાણીને મેં તમને ગામડાની સફળ મહિલાઓના દાખલા આપ્યા. હકીકતે, આવા તો અનેક દાખલા હવે રાજ્યના ખૂણે-ખૂણે તમને જોવા મળશે. આપણે ત્યાં તો સ્ત્રીને શક્તિ સ્વરૂપા જ ગણવામાં આવે છે. આજની નારીએ ભાગ્યે જ કોઈ ક્ષેત્ર બાકી રાખ્યું હશે કે જેમાં તેણે પોતાની શક્તિનો પરિચય ન કરાવ્યો હોય.

સમાજમાં સુખ, સમૃધ્ધિ અને સંસ્કૃતિના સર્જન માટે મહિલાઓને સન્માનભર્યું જીવન આપવાની અનિવાર્યતા હવે દુનિયા સમજી ચૂકી છે. આ દિશામાં ગુજરાત સરકારે છેલ્લા પંદરેક વર્ષથી સઘન પ્રયાસો હાથ ધર્યા છે. મહિલાઓના શિક્ષણ, સુરક્ષા, સ્વાસ્થ્ય અને સ્વનિર્ભરતા – આ બાબતો પર આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રાજ્યવ્યાપી ‘૧૮૧’ અભયમ હેલ્પલાઈન પર માત્ર એક ફોન કરીને હજારો મહિલાઓએ તાત્કાલિક સુરક્ષા મેળવી છે. સુરક્ષા સેતુ કાર્યક્રમ હેઠળ દીકરીઓ બાળપણથી જ સ્વરક્ષણના પાઠ શીખી રહી છે. બ્રેસ્ટ અને સર્વાઈકલ કેન્સરનું પરીક્ષણ કરીને તેની મોંઘી દવાઓ અને સારવાર રાજ્ય સરકાર આવક કે જ્ઞાતિના બાધ વિના તમામ બહેનોને વિના મૂલ્યે આપી રહી છે, જે અંતર્ગત અત્યાર સુધી ૬૫ લાખ બહેનોએ પોતાનું પરીક્ષણ કરાવ્યું છે.

મહિલાઓને ખુલ્લામાં હાજતના ક્ષોભ અને કનડગતથી બચાવવા રાજ્યના પ્રત્યેક પરિવારને શૌચાલય આપવાનું બીડું આપણે ઉઠાવ્યું છે, અને આવનારા ૨ વર્ષમાં આપણે તેને સિદ્ધ કરીને જ જંપીશું.

આ ઉપરાંત, સગર્ભા માતાઓ અને કિશોરીઓને પોષણયુક્ત આહાર, રાજ્ય સરકારની નોકરીઓમાં મહિલાઓને ૩૩% અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ૫૦% આરક્ષણ, સખીમંડળની બહેનોને સ્વરોજગાર માટે બેંક ક્રેડિટ અને મહિલાઓ માટે ખાસ ઔદ્યોગિક પાર્ક જેવા પ્રયાસો મહિલાઓના ઉત્કર્ષમાં નિમિત્ત બન્યા છે. વર્ષ ૨૦૧૬-૧૭ માટે ગુજરાત સરકારે સળંગ ત્રીજીવાર જેન્ડર બજેટ બનાવ્યું છે, જેમાં ૧૩૬ જેટલી યોજનાઓ માત્ર મહિલાઓ માટે અને કુલ ૬૧૧ યોજનાઓ મહિલાઓને ધ્યાનમાં રાખીને બનાવી છે.

મિત્રો, રાજ્ય સરકારના આ પ્રયાસોને આપ સૌનો સહયોગ મળે તેવી આગ્રહભરી અપીલ હું આજે કરું છું. આપણે દીકરીને પણ જન્મ લેવાનો અધિકાર આપીએ, તેને પણ મુક્ત ગગનમાં ઉડવાની તક આપીએ અને જીવનવિકાસમાં સહભાગી બનાવીએ.

બહેનોને પણ કહીશ કે પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખીને જીવનને સફળ બનાવવા પ્રયાસ કરશો. ગુજરાતમાં તમને વિકાસની સમાન તકો, સુરક્ષા, સહાય અને સન્માનનો માહોલ આપવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે. વિજાપુરના ખરોડ ગામની સામાન્ય ખેડૂતની દીકરી આજે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તમારી સામે આ વાત કરી રહી છે એ જ આ પ્રતિબદ્ધતાનો જીવંત પુરાવો છે.

સ્ત્રી સ્વયં જ સશક્ત છે, તેથી આજના દિવસે હું આહવાન કરું છું કે આવો, સૌ સાથે મળી સહિયારી નારીશક્તિથી રાષ્ટ્રનિર્માણમાં સહયોગ કરીએ."

આપની,

આનંદીબેન

Source- www.anandibenpatel.com