ગુજરાતી યુવકની ‘TEA POST’ સામે વિદેશી બ્રાન્ડ ભરે છે પાણી

ગુજરાતી યુવકની ‘TEA POST’ સામે વિદેશી બ્રાન્ડ ભરે છે પાણી

Monday November 09, 2015,

4 min Read

શેફાલી કે કલેર, રાજકોટ

- ચાની એક એવી ‘કિટલી’ જેણે કટિંગ ચા ની વ્યાખ્યા બદલી નાખી

- આજ સુધીના ટ્રેક રેકોર્ડ પ્રમાણે દર મહિને ટી પોસ્ટની 3 બ્રાન્ચ ખૂલી છે.

- ધંધો ધમધમશે એવી સો ટકા ખાતરીઃ લોકોની જરૂરિયાત પૂરી થાય તેવો ઉદ્યમ શરૂ કરી ગુણવત્તા સાથે ઓછી કિંમત!

image


બેચલર ઇન કોમર્સનો અભ્યાસ કરીને મોટાભાગના યુવાનો સારી MNCમાં નોકરી શોધવાના કામમાં લાગી જતા હોય છે. પરંતુ કેટલાક એવા યુવાનો પણ હોય છે જેઓ ઉદ્યાગસાહસિક બની પોતે પગભર થાય છે અને સાથે સાથે અન્ય યુવાનો માટે રોજગારીની તકો પણ ઊભી કરે છે, આ વાત એવા જ એક યુવક દર્શન દાસાનીની છે, દર્શનનો બિઝનેસ પ્લાન આજે ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ધૂમ મચાવી રહ્યો છે.

કોણે કહ્યું એમબીએ કર્યા બાદ જ ઉદ્યોગસાહસિક બની શકાય?

બીકોમ થયા પછી રાજકોટનાં યુવક દર્શન દાસાનીએ ધંધો શરૂ કરવાનો સંકલ્પ કર્યો. દર્શન કહે છે, “કોઇ અભણ કે ઓછું ભણેલ વ્યક્તિ પણ ઉદ્યોગસાહસિક બની શકે છે. ધીરૂભાઇ અંબાણી જેવા અનેક દાખલા આપણી સામે જ છે. હું એવું નથી કહેતો કે, ધંધો શરૂ કરવા માટે અભ્યાસ કરવાની કોઇ જરૂર જ નથી. મારા મતે ધંધો શરૂ કરવા માટે ડિગ્રીથી વધુ અનુભવની જરૂરીયાત હોય છે.

image


ધંધો શરૂ કરવા માટે અનુભવ અને ‘સર્વે ઇઝ મસ્ટ’...

ઉદ્યોગસાહસિક બનવા માંગતા યુવાનો એ ધંધામાં ઝંપ પલાવતા પહેલા ધંધા અને બજારનો અનુભવ પ્રાપ્ત કરવો જોઇએ. જો તમારી પાસે ધંધાનો અનુભવ ન હોય તો જે તે ધંધા અને માર્કેટનો સર્વે કરી જરૂરી અનુભવ અને આંકડાકીય માહિતી પ્રાપ્ત કરવી જોઇએ. સર્વે કરવાથી જે તે ધંધામાં રહેલા રિસ્ક ફેક્ટર્સ, હરીફાઇ અને પડકારો અંગે વિસ્તૃત વિગતો મેળવી શકાય છે. ‘ટી પોસ્ટ’ના માધ્યમે ગુજરાતના જણીતા ઉદ્યાગસાહસિક બની ગયેલા દર્શનભાઇ ઉદ્યોગસાહસિકોને સર્વેનું મહત્વ જણાવતા કહે છે, “અમે ટી પોસ્ટની શરૂઆત કરતા પહેલા 6 મહિના સુધી માર્કેટનો સર્વે કર્યો, અમે જાણતા હતા કે ચાના બજારમાં શક્યતાઓ છે, ધંધો શરૂ કરીએ તો ઝડપથી પ્રગતિ કરીશું એની પણ અમને ખાતરી હતી છતાં પણ વર્તમાન માર્કેટની રિઆલિટી ચકાસવા માટે અમે સર્વે કર્યો, સર્વેમાં મળેલી માહિતીનો અભ્યાસ કરવાથી અમે જાણ્યું કે અમે યોગ્ય દિશામાં જઇ રહ્યા છીએ. ‘ટી પોસ્ટ’માં કેવી સુવિધાઓ આપવી, ભાવપત્રક કેવા હોવા જોઇએ, ગુજરાતના કયા શહરો અને વિસ્તારોમાં ટી પોસ્ટની બ્રાન્ચીસ ખોલી શકાય એ અંગેના સર્વે પણ અમે કર્યા.“ સર્વે કરવાથી ઉદ્યોગસાહસિકનો આત્મવિશ્વાસ વધે છે અને ભવિષ્યમાં આવનારા પડકારો અંગે પહેલેથી જ પ્લાનિંગ કરી શકાય છે.

image


2013માં શરૂ થઇ હતી ‘ટી પોસ્ટ’ની પ્રથમ બ્રાન્ચ

આજે 85 બ્રાન્ચની મજબૂત ચેઈન (સાંકળ) ધરાવતી ‘ટી પોસ્ટ’ની શરૂઆત આજથી માત્ર 2 વર્ષ પહેલા 2013માં થઇ હતી. ‘ટી પોસ્ટ’નો ગ્રોથ રેટ માઇન્ડ બ્લોઇંગ છે. આજ સુધીના ટ્રેક રેકોર્ડ પ્રમાણે દર મહિને ટી પોસ્ટની 3 બ્રાન્ચ ખૂલી છે. આ આંકડા પોતે સાબિતી આપે છે કે, ‘ટી પોસ્ટ’નો બિઝનેસ પ્લાન ખરેખર અદભૂત છે.

‘ટી પોસ્ટ’ની પ્રથમ બ્રાન્ચ રાજકોટમાં ખૂલી હતી જ્યારે આજે અમદાવાદ, બરોડા, સુરત, ભૂજ, માંડવી, ગાંધીધામ, ગોંડલ, કલોલ અને ગાંધીનગરમાં ટી પોસ્ટની અનેક શાખાઓ ખૂલી ગઇ છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં જયપુર અને મહારાષ્ટ્રમાં નાસીકમાં ‘ટી પોસ્ટ’ અસ્તિત્વ ધરાવે છે.

image


બિઝનેસ વધારવા વેબ વર્લ્ડની મદદ

કોઇ પણ ધંધાદારી પાસે પોતાની વેબસાઇટ હોવી જોઇએ આ વિષય અંગે દર્શનભાઇ કહે છે, “ફક્ત વેબસાઇટ બનાવવાથી કામ પતી નથી જતું, વેબસાઇટને અપડેટ પણ રાખવી પડે. જરૂર પડે તો વેબસાઇટ મેનેજમેન્ટ માટે અલગથી માણસો પણ નિમવા પડે. અમે પણ ‘ટી પોસ્ટ’ની વેબસાઇટ બનાવી છે. અમારી વેબસાઇટને નિયમિતપણે અપડેટ પણ કરતા હોઇએ છીએ. અમારો સંપર્ક કઇ રીતે કરશો? કોઇએ ટી પોસ્ટની બ્રાન્ચ ખોલવી હોય તો તેના માટે શું જરૂરીયાત છે? અમે કયા કયા શહરોમાં પોતાની શાખા ખોલી ચૂક્યા છીએ? કયા શહેરો અને વિસ્તારોમાં ‘ટી પોસ્ટ’ ખોલી શકાય જેવી વિવિધ માહિતી અમારી વેબસાઇટ પરથી સરળતાથી મેળવી શકાય છે જે આજના સમયમાં ખૂબ જ જરૂરી છે."

image


450થી વધુ યુવાનોને રોજગારી

ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ટોટલ 85 આઉટલેટ ધરાવતી ટી પોસ્ટ થકી 450થી વધુ યુવાનો રોજગારી મેળવી રહ્યા છે. ટી પોસ્ટના ફાઉન્ડર દર્શન દાસાની કહે છે, “એક આઉટલેટમાં 6થી7 કર્મચારીઓ હોય છે. વિવિધ બ્રાન્ચના સ્ટાફ ઉપરાંત 50 જેટલા વેન્ડર્સ છે, આ ઉપરાંત અમારા પોતાની ટીમમાં જ 30 લોકો છીએ. આગળ વાત કરતા દર્શનભાઇ કહે છે. રાજકોટમાં આત્મિય ઇન્સ્ટિટ્યૂટ સામેની અમારી શાખાનું સંપૂર્ણ સંચાલન મહિલા સ્ટાફ દ્વારા કરવામાં આવે છે.