મીરા...જેની બે આંખોએ 2 હજારથી વધુ અંધ વ્યક્તિઓની જિંદગી રોશન કરી!

0

નેત્રહીનનાં હાથમાં છે સોફ્ટવેર કંપની 'ટેક વિઝન'ની જવાબદારી!

અનેક નેત્રહીનો બન્યા બેન્કસમાં ઓફિસર!

અનેક કમાઈ રહ્યા છે માસિક રૂ.8000 થી 80 હજાર

કેટલાક પી.એચ ડી. કરી રહ્યાં છે તો કેટલાક ભણી રહ્યા છે!

'વિઝન અનલિમિટેડ'માં 5000 થી વધુ પુસ્તકો બ્રેઇલ લીપીમાં ઉપલબ્ધ છે!

અંધ વ્યક્તિઓની ઉચ્ચ શિક્ષા પર ખાસ ભાર મૂકવામાં આવે છે!

મીરા બડવે નામની આ મહિલા દુનિયાના રંગો ન જોઈ શકતા લોકો માટે રોશની બની રહી છે. નેત્રહીનોની બંધ મુઠ્ઠીમાં છુપાયેલા સ્વપ્નો સાકાર કરી રહી છે.

20 વર્ષથી ચાલી રહ્યો છે આ સેવાયજ્ઞ અને આજ સુધી 2000 નેત્રહીન બાળકોને તે નવી જીંદગી આપી ચૂક્યાં છે. નૃત્ય, સંગીતથી લઈને સોફ્ટવેર એન્જીનિયર સુધીની કરિયર તેમણે સેટ કરી આપે છે. કેટલાક બેકરી ચલાવી રહ્યાં છે તો કેટલાક લાઈબ્રેરી સંભાળી રહ્યાં છે. તેમની સંસ્થા છે: 'નિવાંત અંધ મુક્ત વિકાસાલય'

અહીં તૈયાર થનાર બાળકો કરિયરમાં પોતાનું નામ રોશન કરી રહ્યા છે. અને માસિક આઠ હજારથી લઈને એંસી હજાર સુધી કમાઈ રહ્યા છે. આ વર્ષે તો તેના 52 વિદ્યાર્થીઓને બેન્ક્સ માટે પસંદ કરવામાં આવ્યા ! જેની ખાસ વાત તો એ છે કે તેમાંના 30થી વધુ તો પ્રોબેશન ઓફિસરના પદે નિયુક્ત થયા છે.

"જેની પાંખોમાં તાકાત હોય છે તે આસમાનની ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે, બાકીના તો જંતુ બનીને જીવી જાય છે." 

આ વિચારધારા સાથે પુના પાસેના વિદ્યાનગરમાં રહીને મીરા બડવે સતત કાર્યશીલ રહે છે.

અંગેજી સાહિત્યમાં એમ.એ. અને તે પછી બી.એડ. કરી તેમણે અનેક શાળાઓ તથા કોલેજોમાં બાળકો ભણાવ્યા. એક વાર તેઓ પતિ સાથે પુનાના નેત્રહીનોના વિદ્યાલયની મુલાકાતે ગયા અને તેમનું હૃદય દ્રવી ઉઠ્યું. એ બાળકોને તેમણે ગળે લગાડ્યા, જ્યારે તેમાંના એક બાળકને તો લાગ્યું કે મારી મા જ મને મળવા આવી છે ,પણ પછી ખબર પડી કે આ મારી માતા નથી, ત્યારે તેને ભારે આઘાત લાગ્યો. આ બાળકોની દર્દભરી દાસ્તાનો સાંભળીને તેઓ ચોધાર આંસુએ રડી પડ્યા. આજે જાણે તેમનો બીજો જન્મ હતો. તેમણે એ જ સમયે નિર્ણય લઇ લીધો કે આજ પછી કોલેજમાં ભણાવવાનું છોડી આ બાળકો માટે કાંઈક કરીશ. તે પછી તેઓ સ્વયંસેવિકાનાં રૂપમાં અહીં જોડાઈ ગયા અને ટીમને અંગ્રેજી શીખવવા લાગ્યાં. સતત 3 વર્ષ સુધી ભણાવ્યા પછી તેમને સમજાયું કે બાળક હોય ત્યાં સુધી આ લોકોને જેટલી મદદની જરૂર હોય છે, તેના કરતા જ્યારે તેઓ મોટા થાય છે, ત્યારે વધારે મુશ્કેલીઓમાં મુકાય છે. તે લોકોને નથી પરિવાર સ્વીકારતો કે નથી તેમને સમાજ સ્વીકારતો.

એવામાં તેમને પોતાના ઘર પાસે જ રસ્તે ભટકતો અંધ બાળક સિદ્ધાર્થ ગાયકવાડ મળ્યો. જે આશરે 10-15 દિવસોથી ભૂખ્યો હતો. તેના મા-બાપે તેને વીસેક દિવસ પહેલા અંધજન શાળામાં મૂકી દીધો હતો. તે પછી તેઓ પાછા આવ્યા જ નહીં. બાળકની હાલત એટલી નાજુક હતી કે તે ચાલી પણ શકતો ન હતો. મીરાં તેને પોતાના ઘરે લઇ આવી. દુનિયાની સચ્ચાઈ તેમની સામે આવી, ત્યારે તેઓ સ્તબ્ધ થઇ ગયા. તેમને સિદ્ધાર્થને માત્ર ભણાવ્યો જ નહિ ,તેને માનો પ્યાર આપ્યો અને તેને પોતાના પગભર કરી દીધો. આ ઘટનાથી તેમની જીંદગી બદલાઈ ગઈ અને તેઓ આજે 200થી વધુ નેત્રહીનોની મા છે, અને તેમના પરિવારનો જ હિસ્સો છે.

આજે મીરા 2000થી વધુ બાળકોની જીંદગી બનાવી ચૂકયા છે. તેઓ કહે છે, "આ લોકોની પણ આકાંક્ષાઓ હોય છે. અને તે બધા માટે મારે પણ ઘણું લડવું પડ્યું છે. આજે તેમના ભણાવેલા વિદ્યાર્થીઓમાંથી 3 પી.એચ.ડી કરે છે તો કેટલાક કાયદો ભણે છે. ખુદ મીરા આ બાળકોને 22 વિષય ભણાવી ચૂક્યા છે. નિવાંત અંધ મુક્ત વિકાસાલયની પોતાની એક પ્રિન્ટીંગ પ્રેસ છે. જ્યાં દર વર્ષે 2 લાખ બ્રેઇલ પેપરો છપાય છે એમની સંસ્થા અંધજનોના ઉચ્ચ શિક્ષણ પર ભાર આપે છે. અહીં બ્રેઈલ લિપિમાં છપાયેલા પુસ્તકો મહારાષ્ટ્રમાં અન્ય કોલેજોમાં પણ ભણાવાય છે. જે આ સંસ્થા મફતમાં આપે છે. મીરા કહે છે, "જ્યારે મેં આ બાળકો માટે કામ ચાલુ કર્યું ત્યારે અમારી શિક્ષણ વ્યવસ્થામાં એક પણ શબ્દ બ્રેઈલનો ન હતો. પણ આજે તો દેશભરમાંથી અંધજનો જરૂરિયાત મુજબનાં પુસ્તકો મેળવવા ચિઠ્ઠીઓ મોકલે છે." અને સંસ્થા પણ તેમની જરૂર મુજબ પુસ્તકો છાપે છે. મીરા કહે છે કે નેત્રહીનો માટે 'બ્રેઇલ: એ ગેટ વે ઓફ નોલેજ' છે.  

નિવાંત અંધ મુક્ત વિકાસાલયની પોતાની એક ચોકલેટ ફેક્ટરી છે જેનું નામ છે 'ચોકો નિવાંત.' લગભગ 4 વર્ષ જૂની આ ફેક્ટરીનું સંચાલન અંધજનો જ સંભાળે છે ! તેમાં 40 લોકો કામ કરે છે. અને જો કોઈની નોકરી બહાર મળી જાય તો તેની જગાએ અન્ય અંધજનને લઇ લેવામાં આવે છે. આજે તો 'ચોકો નિવાંત' એક બ્રાંડ બની ચૂકી છે આથી જ તો કોર્પોરેટ સેક્ટરમાં તેની ઘણી મોટી માગ છે. મીરા કહે છે કે આ દિવાળીના અવસરે ચોકો નિવાંતે 4 લાખનો કારોબાર કર્યો.

આ સંસ્થાની એક સોફ્ટવેર કંપની પણ છે. જેને સીલીકોન વેલીમાંથી પણ પ્રોજેક્ટ મળે છે. જેની ખાસ વાત તો એ છે કે જે લોકો જોઈ શકે છે, તેવા લોકોને અંધજનોએ નોકરીએ રાખ્યા છે. જે સમાજે તેમને નકાર્યા હતાં તેવા લોકોને અંધજનોએ અપનાવ્યા છે. આ જ ખાસ વાત છે જેથી હું તેમની જીદ પાસે નતમસ્તક બની જાઉં છું.

સંસ્થાની બ્રેઇલ લીપીની લાઈબ્રેરી પણ છે: 'વિઝન અનલિમિટેડ' જેમાં 5000થી વધુ પુસ્તકો બ્રેઇલ લીપીમાં છે અને તે બધી જ ઉચ્ચ શિક્ષા સાથે જોડાયેલી છે. આજે તેની 17 શાખાઓ મહારાષ્ટ્રનાં વિભિન્ન શહેરોમાં કાર્યરત છે. જેથી સ્થાનિક નેત્રહીનોને પણ ઉચ્ચ શિક્ષણ મળી શકે.

આજે મીરાના પતિ પણ પોતાનો કારોબાર છોડી તેમની સાથે રહી અંધજનોને આત્મનિર્ભર ભણાવવાના આ સેવા કાર્યમાં જોડાઈ ગયા છે. તેઓ તેમના લગ્ન પણ ગોઠવી આપે છે. નિવાંતમાં 18થી 25 વર્ષના બાળકો છે. જે પોતે તો ભણે જ છે પણ બીજાને ભણાવવાનું પણ કામ કરે છે. અહી તેમનું કાર્ય વહેંચી દેવામાં આવ્યું છે અને આ જ કારણ છે કે નેત્રહીન હોવા છતાં તેમનામાં આત્મસન્માનની ભાવના સાધારણ મનુષ્યો કરતાં ઓછી નથી.

વેબસાઈટ

Related Stories