શૂન્યમાંથી શિખર સુધીની સફર ખેડનારા '15 દલિત કરોડપતિ'ની વાંચવા જેવી સંઘર્ષગાથા

શૂન્યમાંથી શિખર સુધીની સફર ખેડનારા '15 દલિત કરોડપતિ'ની વાંચવા જેવી સંઘર્ષગાથા

Thursday December 10, 2015,

6 min Read

જાણીતા પત્રકાર મિલિન્દ ખાંડેકરે હિન્દીમાં એક પુસ્તક લખ્યું અને તેને નામ આપ્યું, ‘દલિત કરોડપતિ – 15 પ્રેરણાદાયક વાર્તાઓ’. નામ પરથી જ ખ્યાલ આવી જાય કે આ પુસ્તકમાં 15 એવા દલિત કરોડપતિઓની વાર્તાઓ છે જે પ્રેરણા આપે છે.

પુસ્તક વાંચ્યા પછી એ વાતનો અનુભવ થાય છે કે ખરેખર જે દલિત લોકો વિશે પુસ્તકોમાં લખવામાં આવ્યું છે તેમની પોતાની અલગ અને અનોખી વાતો છે અને દરેક વાત વ્યક્તિને સુંદર બોધપાઠ આપે છે.

image


જે દલિતોની મહેનત અને સંઘર્ષની વાતો આ પુસ્તકમાં લખાઈ છે તેમાં અશોક ખાડે, કલ્પના સરોજ, રતિલાલ મકવાણા, મલકિત ચંદ, સવિતાબેન કોલસાવાળા, ભગવાન ગવઈ, હર્ષ ભાસ્કર, દેવજીભાઈ મકવાણા, હરિ કિશન પિપ્પલ, અતુલ પાસવાન, દેવકીનન્દન સોન, જેએસ ફુલિયા, સરથ બાબુ, સંજય ક્ષીરસાગર અને સ્વપ્નિલ ભિંગરદેવેનો સમાવેશ થાય છે.

અશોક ખાડેની વાત વાંચ્યા પછી લોકોમાં પણ નવી આશાનો સંચાર થાય છે. 1973માં જ્યારે અશોકે 11માની બોર્ડની પરીક્ષા આપી હતી ત્યારે તેમની પાસે પેનનો પોઈન્ટ બદલવા માટે ચાર આના પણ નહોતા. એક ટીચરે ચાર આના આપીને પેનનો પોઈન્ટ બદલાવ્યો જેથી તે પરીક્ષા આપી શકે. આજે અશોક ખાડે કરોડો રૂપિયાનો વેપાર કરનારી કંપનીના માલિક છે. ખૂબ જ મોટું આર્થિક સામ્રાજ્ય ચલાવે છે. હવે અશોક પોતાના ગામમાં લગ્ઝરી કારમાં જાય છે પણ લગભગ 40 વર્ષ પહેલાં તે આ ગામમાં ચપ્પલ પહેર્યા વગર ફરતા હતા.

મહારાષ્ટ્રની કલ્પના સરોજે પોતાની જિંદગીમાં છૂતઅછૂત, ગરીબી, બાળ વિવાહ, ઘરેલુ હિંસા અને શોષણ બધું જ જોયું છે અને જાત અનુભવ કર્યો છે. તે આ બધાનો શિકાર થયેલી છે. તેમના માટે એક સમય એવો આવ્યો હતો કે તેમણે આત્મહત્યાનો વિચાર કર્યો હતો. તેમણે એક વખત નક્કી કર્યું કે જીવનના પડકારોનો સંપૂર્ણ તાકાત સાથે સામનો કરવો અને પછી ક્યારેય પાછુ વાળીને જોયું નથી. આજે તેમની ગણતરી ભારતના સફળ ઉદ્યોગસાહસિકોમાં થાય છે. પોતાની સફળતા અને સમાજસેવાના કારણે તેમને ભારત સરકારે પદ્મશ્રી દ્વારા સન્માનિત કર્યા છે.

ગુજરાતના રતિલાલ મકવાણાને ઈન્ડિયન પેટ્રોકેમિકલ લિમિટેડના પેટ્રોકેમિકલ્સ વેચવાની એજન્સી મળી તો પ્લાસ્ટિકનો સામાન બનાવતા ઉદ્યોગપતિઓએ તેની પાસેથી સામાન ખરીદવાની મનાઈ કરી દીધી કારણ કે તે દલિત છે. સંઘર્ષના દિવસો દરમિયાન તેમની સાથે ઘણા સામાજિક ભેદભાવ થયા પણ તેમણે સફળતાના શિખર સુધી પહોંચવાનો પોતાનો જુસ્સો ટકાવી રાખ્યો. આજે તે પેટ્રોકેમિકલ્સનું ટ્રેડિંગ કરનારી કંપની ગુજરાત પિકર્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન છે. તેમની કંપની આઈઓસી અને ગેલ ઈન્ડિયાની ડિસ્ટ્રિબ્યુટર છે. તેમની અન્ય એક કંપની રેઈનબો પેકેજિંગ છે. બંને કંપનીઓનું ટર્નઓવર 450 કરોડ કરતા વધારે છે.

પંજાબના મલકિત ચંદે જ્યારે હોઝિયરી બનાવવાનો વેપાર શરૂ કર્યો તો તેમને બજારમાંથી 15-20 રૂપિયે પ્રતિ કિલો મોંઘું કાપડ ખરીદવું પડ્યું હતું કારણ કે તે દલિત હતા. એક સમય હતો જ્યારે મલકિત ચંદની માતા સિલાઈ કરીને ગુજરાન ચલાવતા હતા. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. હોઝિયરીના કપડાં બનાવવાથી માંડીને સિલાઈ સુધીના તમામ કામને પૂરા કરનારી કંપનીઓ તેમની પોતાની છે અને તે પણ કરોડો રૂપિયાનો વેપાર કરી રહી છે.

ગુજરાતના સવિતાબેન ઘરેઘરે જઈને કોલસા વેચતા હતા. સંયુક્ત પરિવારનું ભરણપોષણ કરવામાં પોતાના પતિની મદદ કરવાની ઈચ્છાથી તેમણે કોલસા વેચવાનું શરૂ કર્યું હતું. આજે સવિતાબેન સ્ટર્લિંગ સિરામિક પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના માલિક છે. આ કંપનીનું વાર્ષિક ટર્નઓવર કરોડો રૂપિયા છે અને તે ઘરના ફ્લોર પર લગાવાતી ટાઈલ્સ બનાવે છે.

1964માં જ્યારે ભગવાન ગવાઈના પિતાનું અચાનક અવસાન થઈ ગયું ત્યારે તેમની માતા પોતાના ચારેય બાળકોને લઈને પોતાના ગામથી 600 કિમી દૂર મુંબઈ આવ્યા હતા. મજૂરી કરીને પોતાના સંતાનોનું ભરણપોષણ કરનાર આ માતાનું સંતાન એટલે ભગવાન ગવાઈએ સખત મહેનત અને પોતાના પ્રતિભાના જોરે દુબઈમાં એક કંપની ખોલી. ભગવાન ગવાઈ આજે કરોડપતિ વેપારી ગણાય છે.

હર્ષ ભાસ્કર આગ્રાના જે પરિવારમાં જન્મ્યા ત્યાં અભ્યાસ કરવાની પરંપરા નહોતી, પણ હર્ષની ઈચ્છા એટલી મજબૂત હતી કે તેમણે આઈઆઈટી જેવી દેશની જાણીતી સંસ્થામાં એડમિશન મેળવી લીધું હતું. તેમણે ત્યારબાદ કોટા ટ્યૂટોરિયલની સ્થાપના કરી. આ ટ્યૂટોરિયલ આજે હજારો વિદ્યાર્થીઓને મોટી મોટી શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશન માટે લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવે છે.

દેવજીભાઈ મકવાણાએ પોતાના નિરક્ષર પિતાથી પ્રેરણા લઈ પોતાનો વ્યવસાય શરૂ કર્યો અને કરોડોના માલિક બન્યા. દેવજીભાઈને થયું કે તેમના પિતા અભણ હોવા છતાં સારી રીતે વ્યવસાય કરી શકે છે તો તેઓ અભ્યાસ કરીને વધારે સારી રીતે વ્યવસાય ચલાવી શકે છે.

હરિકિશન પિપ્પલે બેંક પાસેથી 15 હજાર લોન લઈને શરૂઆત કરી હતી. આજે તે જૂતા-ચપ્પલ બનાવનારી કંપનીના માલિક છે જે કરોડોનો વેપાર કરે છે.

અતુલ પાસવાન ડૉક્ટર બનવા માગતા હતા. મેડિકલના કૉચિંગ દરમિયાન દેડકાનું લોહી જોઈને અતુલ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તેમણે નક્કી કર્યું કે તે ડૉક્ટર નહીં બીજું કંઈક બનશે. અતુલે જાપાની ભાષા શીખી અને તેમની જિંદગી બદલાઈ ગઈ.

દેવકીનંદન સોને પણ પોતાની પ્રતિભાના આધારે જૂતાનો વેપાર શરૂ કરીને આગ્રાના તાજમહેલની બાજુમાં આલિશાન હોટેલ બનાવીને પોતાનું સ્વપ્ન સાકાર કર્યું.

સરથ બાબુનો જન્મ એવા પરિવારમાં થયો હતો જ્યાં માતા પોતાના સંતાનોને જમવાનું આપે પછી તેના માટે કશું જ વધતું નહોતું. માતાને ભૂખ્યા જ સૂઈ જવું પડતું હતું. માતાની તકલીફો દૂર કરવાના સંકલ્પ સાથે સરથે જે પડલાં લીધા પછી ક્યારેય પાછુવાળે જોયું નથી.

જેએસ ફુલિયાએ મહેનત કરીને બચાવેલી મૂડી જે કંપનીમાં રોકી હતી તે ઉઠી ગઈ. ફુલિયા જાતિગત ભેદભાવના શિકાર થયા હતા. તેમ છતાં તેમણે હાર ન માનતા મહેનત કરી અને આજે સફળતાના શિખરો પર છે.

સંજય ક્ષીરસાગર દેશના મોટા મોટા ઉદ્યોગપતિની વાત પરથી પ્રેરણા લઈને તે જ રસ્તે ચાલી પડ્યા.

સ્વપ્નિલ ભિંગરદેવેના પિતાના અપમાનની એક ઘટનાએ તેમને એટલો મોટા આઘાત પહોંચાડ્યો કે તેમણે સાબિત કરી આપ્યું કે, દલિત પણ વ્યવસાય કરીને પોતાની નામના કરી શકે છે.

લેખકે પોતાના પુસ્તકમાં આ 15 દલિતોની વાતનો ખૂબ જ વિગતે કરી છે. તેમની જીવનની મહત્વપૂર્ણ અને રોચક ઘટનાઓનું સુંદર વર્ણન કર્યું છે. આ વાત એ જણાવે છે કે કેવી રીતે આ પંદર દલિત લોકોએ શૂન્યમાંથી શિખર સુધી સફળ ખેડી, રંકમાંથી રાજા સુધી કેવી રીતે સંઘર્ષ કરીને આગળ વધ્યા. આ 15 વાતો પોતાનામાં સુખ-દુઃખ, ઉતાર-ચઢાવ તથા સંઘર્ષ-વિજયના તમામ રંગો ધરાવે છે. આ વાતો લોકોને કાલ્પનિક અને ફિલ્મી લાગે છે, પણ આ તમામ વાતો સાચી અને વાસ્તવિક છે તથા તેના પાત્રો આજે પણ લોકોની સામે હયાત છે. આ પુસ્તકને વાંચ્યા પછી એક મહત્વપૂર્ણ બાબત એ જાણવા મળે છે કે, આ પાત્રો દલિત હોવાથી તેમને સમાજમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. છૂતઅછૂત, ભેદભાવ, બહિષ્કાર, તિરસ્કાર જેવી કઠિન સ્થિતિઓના પણ સામનો કરવો પડ્યો. આ એવી પરિસ્થિતિઓ છે જે અન્ય જાણીતા ઉદ્યોગપતિઓની સામે ક્યારેય નહોતી આવી. દલિત હોવું તેમની સફળતા વચ્ચેની સૌથી મોટી અડચણ હતી. જે રીતે આ પંદર લોકોએ પોતાના સંઘર્ષ, સાહસ અને જુસ્સાથી વિપરિત સ્થિતિઓનો સામનો કર્યો, તમામ અડચણો દૂર કરી અને સફળતા મેળવી તે આજે દેશના લોકો સામે એક આદર્શ સમાન બની ગયા. સમાજ માટે આવા સાચા આદર્શોની ખરેખર જરૂર છે.

આ પુસ્તક વાંચવાની સલાહ એટલા માટે આપવામાં આવે છે કે, તેની વાતો સાચી છે, રોચક છે, અનોખી છે અને પ્રભાવશાળી છે. હૃદયસ્પર્શી આ વાતો મન-મસ્તિષ્ક પર ઊંડી છાપ છોડે છે. સામાન્ય લોકો માટે આ પુસ્તકની ભાષા પણ સામાન્ય છે.

વાત જો લેખકની કરીએ તો મિલિન્દ ખાંડેકર ઘણા લાંબા સમયથી પત્રકારિત્વ સાથે સંકળાયેલા છે. આજ સુધી સ્ટાર ન્યૂઝ જેવા લોકપ્રિય સમાચાર ચેનલોમાં તે મોટા પદ પર કામ કરતા આવ્યા છે. તે ઈન્દોરમાં ઉછર્યા અને દેવી અહલ્યા યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો. તેમણે ટાઈમ્સ સેન્ટર ફોર મીડિયા સ્ટડિઝથી પ્રશિક્ષણ લીધું અને 1991માં તેમને હિન્દીમાં પ્રશિક્ષણ માટે પ્રસિદ્ધ ‘રાજેન્દ્ર માથુર સન્માન’ મળ્યું હતું.

પત્રકારિત્વના ક્ષેત્રમાં તેમણે લગભગ 25 વર્ષનો અનુભવ મેળવ્યો છે. હાલ તેઓ નોઈડામાં મીડિયા કન્ટેન્ડ એન્ડ કોમ્યુનિકેશન સર્વિસિઝ પ્રા.લિ., મુંબઈના મુખ્ય તંત્રી છે જેના હેઠળ એબીપી ન્યૂઝ, એબીપી આનંદા અને એબીપી માઝા ન્યૂઝ ચેનલો આવે છે.

અંગ્રેજી વાચકોની સુવિધા માટે ‘દલિત કરોડપતિ-15 પ્રેરણાદાયક વાતો’નો અંગ્રેજીમાં અનુવાદ કરાયો છે. આ પુસ્તક અંગ્રેજીમાં ‘દલિત મિલિયોનેર – ફિફ્ટિન ઈન્સપાયરિંગ સ્ટોરિઝ’ના નામે ઉપલબ્ધ છે.

લેખક – પદ્માવતિ ભુવનેશ્વર

અનુવાદ – એકતા રવિ ભટ્ટ