પતિના મૃત્યુ બાદ આવી પડી ઓચિંતી જવાબદારી, પતિના સપનાને પૂરા કરવા અથાગ પરિશ્રમ કરતી ઉજ્જવલાના જીવનની સફર

0

‘હવારે ગ્રુપ’ નવી મુંબઇ અને ઠાણે વિસ્તારમાં બિલ્ડર ગ્રુપ તરીકે ખૂબ જ જાણીતું નામ છે. વર્ષ 1995માં સતીશ હવારે દ્વારા સ્થાપિત આ કંપની પોતાની સસ્તી આવાસ યોજના માટે જાણીતું છે અને લગભગ 750 કરોડ રૂપિયાની મિલકત સાથે મુંબઇના બિલ્ડર્સમાં ટોચના 10 ગ્રુપમાંનુ એક છે. બાંધકામ ક્ષેત્રે ઘણી ઉંચાઇ પર પહોંચ્યા બાદ વર્ષ 2005માં સતીશ હવારે એક કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યાં. તેમણે ઉભું કરેલું આ હવારે ગ્રુપ નામનું સાહસ ઘણાં લોકોના આર્થિક જીવનને ટેકો આપી રહ્યું હતું.

ત્યારે જ વાત કરીએ સતીશ હવારેના પત્ની વિશે. ઉજ્જવલા બે બાળકોની માતા હોવાની સાથે એક કુશળ ગૃહિણી હતા. જો કે તેમના પતિના સહકારના કારણે તેઓ ક્યારેક ઓફિસ પણ જતા. સ્નાતક સુધીનું શિક્ષણ લઇને લગ્ન કરેલ ઉજ્જવલા આગળ ભણે તે માટે સતીશ તેમણે પ્રોત્સાહિત પણ કરતા. તેમના પતિ જ્યારે મૃત્યુ પામ્યાં ત્યારે તેમના પર શું વીતી હશે તેની કલ્પના પણ ન કરી શકાય. આ સાથે જ સતીશના નિધન બાદ ઉજ્જવલાએ તરત જ કંપનીની બધી જ જવાબદારી સંભાળી લીધી અને તેટલુ જ નહીં, યોગ્ય રીતે જવાબદારી સંભાળી આજે કંપનીનો વ્યાપ પણ વધારી રહ્યાં છે.

ઉજ્જવલા-

ઉજ્જવલા વાસ્તુવિદ્ના શિક્ષણના અંતિમ વર્ષમાં હતા ત્યારે તેમના માતા-પિતાએ એક મરાઠી સમાચારપત્રમાં વાસ્તુશાસ્ત્રના જાણકાર બિલ્ડર યોગ્ય વહુની શોધમાં છે તેવી લગ્નવિષયક જાહેરાત વાંચી. ઉજ્જવલાએ આ વાત તેમના પુસ્તક ‘એન્ડ સો હી લિવ્ડ ઓન’માં પણ કહી છે. ઉજ્જવલા કહે છે કે આ લગ્ન બાદ તે એ બધું મેળવી શક્ય જેની તેમને હંમેશાં ઝંખના હતી.

માતા-પિતાની પસંદ પ્રમાણે લગ્ન કરી તેઓ ઘણાં ખુશ થયા. એટલું જ નહીં, લગ્ન પછી તરત જ તેમના પતિની ઓફિસ પર જઇને કામ પણ કરવા લાગ્યા. તેમનું ઘર જ્યારે એક નાના બાળકથી કિલકિલારીઓથી ગૂંજવાનું હતું ત્યારે ઉજ્જવલા પરિવારની જવાબદારીઓમાં ઘેરાઇ જરૂર ગયા પરંતુ આમ છતાં સતિશ હંમેશાં ભવિષ્યની યોજનાઓ વિશે તેમની સાથે ચર્ચા કરતા હતા.

સતીશનો પ્રભાવ

સતીશ અને ઉજ્જવલા બંને ઘણાં સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમને જે કંઈ પણ મળ્યું છે તે તેમની અથાગ મહેનતના કારણે. સતીશ બિલ્ડર બન્યા તે પહેલા તેઓ એક વાસ્તુશાસ્ત્રના જાણકાર હતા. આ સમય દરમિયાન તેમણે ઘણાં લોકો સાથે સારા સંબંધો કેળવ્યા હતા જે તેમને બિલ્ડર બનતી વખતે કામે લાગ્યા. ‘હવારે ગ્રુપ’ના પ્રથમ પ્રોજેક્ટ વિશે ઉજ્જવલા કહે છે કે, “તે જમીન ખારઘરમાં હતી અને બંજર હતી. એ જમીન સુધી પહોંચવા યોગ્ય રસ્તાઓ પણ નહોતા જેના કારણે ચોમાસામાં ઘણી તકલીફ પડે તે વાત સ્વાભાવિક હતી. જો કે એ સમયે તે વિસ્તારમાં જમીન ઘણી સસ્તી હતી. અમારી આર્થિક પરિસ્થીતિ પણ સામાન્ય હતી. એટલે કોઈ પણ રોકાણ અઘરૂ તો હતું પરંતુ સતીશના જે લોકો સાથે સારા સંબંધો હતા તેવા લોકોની મદદ વડે આ પ્રોજેક્ટ શક્ય બન્યો હતો. આ સિવાય સતીશ એકદમ સરળ હતા અને પોતાની વાતો પણ નિખાલસતાથી કહી દેતા. એટલું જ નહીં, તેઓ જોખમ પણ ઘણું ઉઠાવતા. તેમણે મનોમન નક્કી કરેલું હતું કે જો બાંધકામ ક્ષેત્રે તેઓ સફળ નહીં જાય તો વાસ્તુશાસ્ત્ર તરફ પાછા વળશે. એટલે તેમની પાસે ગુમાવવા માટે કંઇ જ નહોતું.

આ સિવાય સતીશને સામાજિક ક્ષેત્રે પણ કામ કરવું પણ ગમતું હતું. વર્ષ 1993માં લાતુરમાં આવેલ ભૂકંપ અને 2004માં ચેન્નાઇમાં આવેલ સુનામીના બચાવકાર્યમાં તેઓ વ્યક્તિગત રીતે સામેલ થયા હતા.

અણધારી આફત અને આકસ્મિક જવાબદારી

ઉજ્જવલાએ લખેલા પુસ્તકને ધ્યાનથી વાંચીએ તો ખબર પડે કે ઉજ્જવલા ઘણી હદે પોતાના પતિ પર નિર્ભર હતી. સતીશે ઉજ્જવલાને ડગલે ને પગલે પ્રોત્સાહિત કર્યા હતા અને તેઓ ખૂબ પ્રેમથી રહેતા હતા. તેવામાં એકાએક સતીશના નિધનની ઘટના તેમના માટે અસહ્ય હતી. જો કે આ ઘટના બાદ પણ હાર માનવા કરતા ઉજ્જવલાએ તેમની કંપનીની બધી જ જવાબદારી સંભાળી. સતીશના સપનાઓ પૂરા કરવાની દિશામાં મહેનત કરવાની આરંભી દીધી.

નેનો આવાસની સૌપ્રથમ યોજના સતીશ હવારેએ જાહેર કરી હતી જેના કારણે સામાન્ય ઘરોની કિંમત લગભગ 25% જેટલી ઓછી થઇ હતી. તે સમયે નવી મુંબઇમાં કોઇ પણ બિલ્ડર નાના ઘરોનું નિર્માણ નહોતા કરી રહ્યા ત્યારે સતીશે સમયસૂચકતા વાપરીને ઘર નિર્માણ શરૂ કર્યું હતું. વર્ષ 1995માં જ્યારે બજાર મોટાપાયે તૂટ્યું હતું તેવામાં પણ તેમની સ્કીમ ઘણી સફળ રહી હતી અને યોજનાની જાહેરાત બાદ બે જ દિવસમાં તેમના 550 ફ્લેટ વેચાઇ ચૂક્યા હતા. હાલમાં તેઓ ઠાણે, પાલઘર, મુંબઇ અને કરજતમાં ઘણી જ કુશળતા સાથે કામ કરી રહ્યા છે.

હવારે ગ્રુપ દ્વારા સમાજના ગરીબવર્ગના લોકો માટે ફક્ત 2 લાખ રૂપિયામાં 200 નાના ઘરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને સાથે ફાઇનાન્સ કંપની દ્વારા લોન પણ આપવામાં આવી હતી. જોકે ઉજ્જવલાને એ વાતનું દુઃખ છે કે તેઓ આ યોજના ફરી વખત અમલી ન બનાવી શક્યા કારણ કે ત્યારબાદ બજારમાં જમીન અને મકાનોની કિંમત ઘણી વધી ગઇ. જોકે હજી પણ આવી કોઇ તક હાથમાં આવશે તો તેઓ સમાજના ગરીબ વર્ગ માટે જરૂરથી અતિ સસ્તા ઘર બનાવશે.

‘હવારે ગ્રુપ’નું કુશળ સંચાલન કરી રહેલા ઉજ્જવલા કહે છે કે, “પોતાની પુત્રી સાથે પૂરતો સમય નહીં વિતાવી શકવાનું મને ઘણું દુઃખ છે.” જોકે તેઓ હાલ ‘હવારે ગ્રુપ’ની ખ્યાતિ સમગ્ર દેશમાં ફેલાવવા સતત પ્રયત્નશીલ છે.

Khushbu is the Deputy Editor at YourStory Gujarati. You can reach her at khushbu@yourstory.com

Related Stories

Stories by Khushbu Majithia