કર્ણાટકે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા સ્ટાર્ટઅપ પોલિસી જાહેર કરીઃ ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સને પ્રાધાન્ય

કર્ણાટકે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા સ્ટાર્ટઅપ પોલિસી જાહેર કરીઃ ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સને પ્રાધાન્ય

Sunday January 31, 2016,

6 min Read

કર્ણાટકે આગામી અઠવાડિયે શરૂ થનાર ઇન્વેસ્ટ કર્ણાટક મીટિંગ માટે તેની સ્ટાર્ટઅપ પોલિસી 2016 જાહેર કરી દીધી છે. અહીં આ પોલિસીની કેટલીક મુખ્ય બાબતો જણાવવામાં આવી છે (તમે આ લેખના અંતે સંપૂર્ણ પોલિસી વાંચી શકો છો). આ ફાયદા સરકાર સાથે ભાગીદારી ધરાવતા ઇન્ક્યુબેટર્સના ભાગરૂપ સ્ટાર્ટઅપ્સ માટે જ છે.

રાજ્ય સરકારે આ સ્ટાર્ટઅપ પોલિસી 2016 શા માટે જાહેર કરી છે?

• ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકો-સિસ્ટમ રેન્કિંગ રિપોર્ટ 2015 જણાવે છે કે બેંગલુરુ 3,100થી 4,900 એક્ટિવ ટેક સ્ટાર્ટઅપ્સનું કેન્દ્ર છે.

• તે ટોચની 20 ઇકો-સિસ્ટમમાં એક્ઝિટ વોલ્યુમ અને વીસી ઇન્વેસ્ટમેન્ટ માટે બીજા નંબરનો સૌથી ઊંચો વૃદ્ધિદર ધરાવે છે.

• જ્યારે વર્ષ 2012ના રેન્કિંગની સરખામણી કરવામાં આવે ત્યારે તેનું સ્થાન 15થી સુધરીને 11 નબર પર છે.

• બેંગલુરુ એ વૈશ્વિક ઇકો-સિસ્ટમમાં સામેલ એકમાત્ર શહેર છે.

• સરકાર આઇ4 પોલિસી (આઇટી, આઇટીઇએસ, ઇનોવેશન અને ઇન્સેન્ટિવ્સ પોલિસી 2014-2019) હેઠળ નવીનતાને પ્રોત્સાહન આપવા ઇન્ક્યુબેશન સ્પેસનું નિર્માણ કરશે.

• રોજગારી, હેલ્થકેર અને પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજી

પોલિસી હેઠળ સ્ટાર્ટઅપની વ્યાખ્યા

image


• સ્ટાર્ટઅપ ચાર વર્ષથી વધારે જૂનું ન હોવું જોઈએ.

• તેનું રજિસ્ટ્રેશન કર્ણાટકમાં થયેલું હોવું જોઈએ.

• તેના 50 ટકા કર્મચારીઓને કર્ણાટકમાં રોજગારી મળવી જોઈએ.

• કંપનીની આવક રૂ. 50 કરોડ થાય પછી તેને લાભ મળવાનું બંધ થઈ જશે.

પોલિસીના ઉદ્દેશ્યો

1. વૈશ્વિક કક્ષાનું સ્ટાર્ટઅપ કેન્દ્ર બનાવવું

• 20,000 ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સની વૃદ્ધિને પ્રોત્સાહન આપવું.

• એકલા કર્ણાટકમાં જ 6,000 ઉત્પાદન સ્ટાર્ટઅપ્સનું નિર્માણ કરવું.

• રૂ. 2,000 કરોડનું 'ફંડ ઓફ ફંડ્સ' ઊભું કરવું.

• સામાજિક અસર ધરાવતા ઓછામાં ઓછા 25 નવીન ટેકનોલોજી સોલ્યુશન ઊભા કરવાની સુવિધા કરવી.

2. ન્યૂ એજ ઇન્ક્યુબેશન નેટવર્ક (એનએઆઇએન)

• કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓના માર્ગદર્શન મારફતે પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા અને પ્રોજેક્ટ દીઠ રૂ. 3 લાખની સહાય કરવા 50 શૈક્ષણિક સંસ્થાઓને આવરી લેવાશે.

• આ વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય સ્ટાર્ટઅપ સ્થળોએ મોકલવામાં આવશે.

• આ સંસ્થાઓ દરેક જિલ્લા માટે ઉદ્યોગસાહસિકતાનું કેન્દ્ર બનશે.

3. સંશોધન અને વિકાસ (આરએન્ડડી)ને પ્રોત્સાહન આપવું

• રાજ્ય સરકાર ત્રણ વર્ષના ગાળા માટે ઉચ્ચ અભ્યાસની સંસ્થાઓમાં ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર્સ (ટીબીઆઇ)ને સપોર્ટ કરશે.

• ટીબીઆઇ મજબૂત ઔદ્યોગિક શૈક્ષણિક જોડાણ સાથેનો વર્ગ બનશે.

• આઇઓટી, રોબોટિક્સ અને 3ડી પ્રિન્ટિંગ જેવી અત્યાધુનિક ટેકનોલોજીઓનું વ્યાપારીકરણ કરવું.

4. વિચારના તબક્કે ફંડિંગ

• ઇગ્નિશન ફંડ સ્થાપિત કરવામાં આવશે, જ્યાં વિચારના તબક્કે સ્ટાર્ટઅપ્સ માટે સહાય તરીકે ભંડોળ પ્રદાન કરવામાં આવશે.

• સ્ટાર્ટઅપ્સ પોર્ટલ મારફતે લાગુ કરવામાં આવશે, જેને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવશે.

• સહાય ટીબીઆઇ મારફતે પ્રદાન કરવામાં આવશે.

5. સરકારી-ખાનગી ભાગીદારી મારફતે ઇન્ક્યુબેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભુ કરવામાં આવશે

• રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે ઇન્ક્યુબેટર્સ સહભાગી બનશે

• ટેન્ડર્સ મારફતે ભાગીદારો નક્કી કરવામાં આવશે

• ઇન્ક્યુબેટર્સ સાથે એનએઆઇએન સાથે કામ પણ કરશે.

6. ફંડ ઓફ ફંડ્સ

• વેન્ચર ફંડમાં રોકાણ કરવા નાણાં ઊભા કરવામાં આવશે

• તેનો ઉપયોગ એન્જલ સ્ટેજ ફંડિંગ માટે પણ થશે.

• ખુલ્લાં બિડાણની પ્રક્રિયા હાથ ધરીને વ્યાવસાયિક ફંડ મેનેજરની પસંદગી કરવામાં આવશે.

7. સામાજિક અસર માટે નવીન વિચારો માટે માર્ગ પ્રશસ્ત કરવામાં આવશે

• દર વર્ષે પાંચ વિચારો પસંદ કરવામાં આવશે, જે સામાજિક પડકારોને ઉકેલવામાં મદદ કરશે.

• આ વિચારો અર્થસભર બિઝનેસ પણ ઊભો કરશે

8. ઇન્સેન્ટિવ્સ સાથે સ્ટાર્ટઅપ્સને સહકાર આપવામાં આવશે

• માન્યતાપ્રાપ્ત ઇન્ક્યુબેટર્સમાં સ્ટાર્ટઅપ્સને રાજ્ય સરકારના સાત નિયમો માટે સેલ્ફ-સર્ટિફિકેશન દાખલ કરવા મંજૂરી આપવામાં આવશે.

• સરકારના સ્ટાર્ટઅપ સેલ દ્વારા સપોર્ટ આપવામાં આવશે.

વિશ્લેષણ

કર્ણાટક સરકારે રાજ્યમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા સારી યોજના જાહેર કરી છે. દેશમાં 33 ટકાથી વધારે સ્ટાર્ટઅપ કર્ણાટકના છે. રાજ્ય સરકારે રાજ્યની વિવિધ ઔદ્યોગિક નીતિઓ હેઠળ ઉપલબ્ધ તમામ લાભોને ભેગા કરી દીધા છે અને સ્ટાર્ટઅપ્સ માટે ઉપલબ્ધ કરાવ્યાં છે. રાજ્યમાં અનેક ઇન્ક્યુબેટર્સ સ્થાપિત કરવાની યોજના છે, જેમાં સરકારી અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી થશે અને કોલેજોમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવામાં આવશે. જોકે તેમાં ફંડ-ઓફ-ફંડ્સની સાઇઝનો ઉલ્લેખ નથી, જેને રોકાણ માટે વીસી ફંડ્સમાં ચેનલાઇઝ કરવામાં આવશે.

પોલિસીની સારી બાબત એ છે કે માર્કેટિંગનો 30 ટકા સુધીનો ખર્ચ વાર્ષિક ધોરણે રિઈમ્બર્સ કરવામાં આવશે, પણ આ માટે જે તે સ્ટાર્ટઅપ નવી નીતિ હેઠળ માન્યતાપ્રાપ્ત ઇન્કયુબેટરમાં રજિસ્ટર્ડ હોવું જોઈએ. તે જ રીતે સર્વિસ ટેક્સનો ફાયદો પણ કર્ણાટક સરકારની માન્યતાપ્રાપ્ત ઇન્કયુબેટરમાં સ્થિત સ્ટાર્ટઅપ્સ માટે રિઇમ્બર્સ કરવામાં આવશે. આ ઇન્ક્યુબેટર્સમાં પેટન્ટને મંજૂરી આપવામાં આવશે, ત્યારે પેટન્ટ દાખલ કરવાનો ખર્ચ રૂ. 2 લાખથી રૂ. 10 લાખ પરત કરવામાં આવશે. સરકાર મહિલા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા ઇન્ક્યુબેટર્સમાં 10 ટકા બેઠકો પ્રદાન કરશે.

નીતિનો આશય રાજ્યમાં પ્રત્યક્ષ છ લાખ રોજગારીનું અને આશરે 12 લાખ પરોક્ષ રોજગારીનું સર્જન કરવાનો છે. સ્ટાર્ટઅપે સરકારના લાભ મેળવવા 50 ટકા કર્મચારીઓને કર્ણાટકમાં જ રોજગારી આપવી પડશે.

રાજ્યના ભારે અને મધ્યમ ઉદ્યોગ પ્રધાન આર વી દેશપાંડે કહે છે,

કર્ણાટક હંમેશા ટેકનોલોજી-સંચાલિત નીતિ નિર્માણમાં પથપ્રદર્શક રહ્યું છે. કર્ણાટકની સ્ટાર્ટઅપ નીતિઓ પણ સમગ્ર દેશને સોલ્યુશન પ્રદાન કરશે.

વેન્ચર કેપિટલનો મત

ફંડ-ઓફ-ફંડ્સના સાઇઝની જાહેરાતની રાહ જોતા વેન્ચર કેપિટલને થોડી વધારે રાહ જોવી પડશે. કદાચ ઇન્વેસ્ટ કર્ણાટક મીટમાં જાહેરાત કરવામાં આવશે.

એક્સફિનિટી વેન્ચર્સના સ્થાપક વી બાલાક્રિષ્નનનું કહેવું છે કે, “કોઈ પણ રાજ્ય સરકારે સ્ટાર્ટઅપ નીતિ ઉત્પાદકીય બનાવવી જોઈએ. તેઓ મૂલ્યાંકન થઈ શકે તેવી જાહેરાતો ન કરી શકે. તે કથિત ઉદ્દેશોથી વધારે હોવી જોઈએ.”

કર્ણાટક હેલ્થકેર અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગમાં સમસ્યાઓનું સમાધાન કરી શકે તેવા સ્ટાર્ટઅપ ઇચ્છે છે. રાજ્ય રોબોટિક્સ અને 3-ડી પ્રિન્ટિંગ જેવી પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજી પણ ઇચ્છે છે.

ઇન્ફોસિસના ભૂતપૂર્વ સીઇઓ એસ ડી શિબુલાલ કહે છે,

"મેં શિક્ષણ અને હેલ્થકેરમાં સ્ટાર્ટઅપ્સ જોયા નથી. અમારી પાસે કિંમતમાં સુધારાવધારા કરતા ઘણા સ્ટાર્ટઅપ છે, પણ તેમાં કોઈ નવીનતા નથી. છેલ્લાં દાયકામાં આઇટી સેવા ઉદ્યોગ જેવી નવી સિસ્ટમ ઊભી કરે તેવી કોઈ પણ નીતિ આવકારદાયક છે. '

યોરસ્ટોરીનો મત

કેરળ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાએ સ્ટાર્ટઅપ્સ પર પોતાનો માર્ગ અપનાવ્યો છે. કેરળ સરકારે સ્ટાર્ટઅપ પોલિસી – કેરળ આઇટી મિશન –ની જાહેરાત 2014માં કરી હતી, જેનો આશય સ્ટાર્ટઅપ્સ માટે રૂ. 5,000 કરોડનું રોકાણ આકર્ષવાનો હતો. તેલંગાણાએ ઇન્ક્યુબેશન સેન્ટર લોંચ કર્યા હતા, તો આંધ્રપ્રદેશે ઇનોવેશન પાર્ક ઊભા કર્યા છે. આ રાજ્યોએ વેન્ચર ફંડ્સ મારફતે સ્ટાર્ટઅપ્સને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તેમને સારો અનુભવ થયો નહોતો. ફક્ત ગુજરાત અને કર્ણાટકને સ્ટાર્ટઅપ્સમાં સફળતા મળી હતી. કર્ણાટકનું ફંડ કર્ણાટક ઇન્ફોર્મશન ટેકનોલોજી ફંડ (કેઆઇટીવીઇએન) અને ગુજરાતની વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ થોડા વર્ષ ટકી હતી.

આપણે એક સ્પષ્ટપણે સમજી લેવી જોઈએ કે, રોજગારીનું સર્જન કરતી અને સમૃદ્ધિના દ્વાર ખોલતી કોઈ પણ નીતિ લાખો લોકોના હૃદય જીતી લે છે. સરકાર નવા ઇન્ક્યુબેટર્સ સ્થાપિત કરવા કેટલાંક બિઝનેસમેનને આમંત્રણ આપશે, જેની પસંદગી ટેન્ડર્સ મારફતે થશે. અહીં આ ઇન્ક્યુબેટર્સ સ્થાપિત કરવામાં પારદર્શકતા સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. સ્પષ્ટ છે કે રાજ્ય સરકારે સ્ટાર્ટઅપ પર સવારી કરીને આર્થિક વૃદ્ધિ માટે એક નવો વિકલ્પ ઊભો કર્યો છે. પણ આ નીતિ લાંબા ગાળાની અને સ્થાયી બનવી જોઈ, જેનો ઉદ્દેશ સમાજ, હિતધારકો અને કર્મચારીઓ માટે ફાયદાકારક બને તેવા સોલ્યુશન્સ મારફતે સફળતાનું મૂલ્યાંકન કરવાનો હોવો જોઈએ.

યોરસ્ટોરીને કર્ણાટક સરકારના ‘ઇન્વેસ્ટ કર્ણાટક’ સાથે જોડાવવાનો ગર્વ છે, જેમાં કર્ણાટકે વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસમાં કરેલી પ્રગતિ દર્શાવવામાં આવશે અને સમગ્ર દુનિયામાંથી રોકાણો પણ આકર્ષવામાં આવશે. આ ઇવેન્ટ 3 ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરી, 2016 વચ્ચે બેંગલુરુમાં યોજાશે. (અહીં રજિસ્ટર કરો)

ઇન્વેસ્ટ કર્ણાટક, ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં તમામ સહભાગીઓને ડિજિટલ યુઝર પ્લેટફોર્મ પ્રદાન કરવાના આશય સાથે કર્ણાટક સરકારે તાજેતરમાં ઇન્વેસ્ટ કર્ણાટક 2016 મોબાઇલ એપ્લિકેશન લૉન્ચ કરી છે. તમે તમારી એન્ડ્રોઇડ ડિવાઇઝ પર એપ ડાઉનલોડ કરી શકો છો.


લેખક- વિશાલ ક્રિષ્ના

અનુવાદક- કેયૂર કોટક