કોઈ પણ માથાકૂટ કે કમિશન વિના 'ગ્રેબહાઉસ' બીજા શહેરોમાં અપાવશે મકાન

0

નાનાં શહેરો અને ગામડાંઓમાંથી મેટ્રો શહેરમાં સ્થાયી થનારા લોકો માટે સૌથી મોટો પડકાર રહેવા માટે સારી જગ્યા શોધવાનો હોય છે. જોકે, મોટાભાગે આ કામ રિઅલ એસ્ટેટ એજન્ટ્સ જ કરતા હોય છે પરંતુ જો નસીબ સારા હોય તો તે શહેરમાં રહેતા પરિચિતો પણ તેમાં મદદ કરે છે. પરંતુ આજકાલ આ ક્ષેત્રે ઓનલાઇન પોર્ટલ પણ અગત્યની ભૂમિકા ભજવી રહ્યા છે. આવી જ રીતે જ્યારે પંખુડી શ્રીવાસ્તવ પોતાનો સ્નાતકનો અભ્યાસ પૂરો કર્યા બાદ 'ટેક ઇન્ડિયા ફેલોશિપ' માટે મુંબઈ આવી તો તેણે પણ સારું મકાન શોધવા માટે અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડ્યું હતું. ત્યારે બીજા ઉદ્યોગપતિઓની જેમ પંખુડીએ 'ગ્રેબહાઉસ'ના બીજા સ્થાપકો પ્રતીક શુક્લા અને અંકિત સિંઘલ સાથે મળીને આ સમસ્યાનો ઉકેલ લાવવાનું નક્કી કર્યું.


પંખુડીની મુલાકાત પ્રતીક સાથે મુંબઈમાં થઈ હતી તે વખતે બંનેની વાતચીતનાં કેન્દ્રસ્થાને રહેવા માટે સારા મકાનની શોધ રહેતી હતી. પંખુડીનું કહેવું છે કે તે વખતે તેઓ જોતા હતા કે ઘણા વેબ પોર્ટલ ઘરની શોધ માટે મદદ તો કરે છે પરંતુ તે ઘર રહેવા માટે બિલકુલ યોગ્ય નથી હોતા. તેવામાં લોકોને બ્રોકર પાસે ગયા સિવાય અન્ય કોઈ રસ્તો નથી દેખાતો. ત્યારબાદ તેણે નક્કી કર્યું કે તે આ સમસ્યાનો ઉકેલ લાવશે તે પછી તેણે 'ગ્રેબહાઉસ'ની સ્થાપના કરવાનો નિર્ણય લીધો. આ કામમાં પ્રતીકે તેના બાળપણના મિત્ર અંકિતને પણ સામેલ કરી લીધો.

અંકિત આઈઆઈટી દિલ્હીનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને ગ્રેબહાઉસમાં જોડાતા પહેલા તે બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરી કરતો હતો. જ્યારે પ્રતીક આઈઆઈટી કાનપુરનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને બ્લુગેપ કંપનીની કોર ટીમનો એક ભાગ હતો. આ વર્ષે જુલાઈમાં શરૂ થયેલું ગ્રેબહાઉસ મકાન શોધનારાને મકાન ભાડે આપનારા સાથે મેળવી આપવાનું કામ કરે છે. તેવામાં જો કોઈની પાસે મકાન હોય અને તે એકલો રહેતો હોય અને પોતાની એકલતા દૂર કરવા સાથે થોડા પૈસા પણ બચાવવા માગતો હોય તો તે આ સાઇટ ઉપર આવીને પોતાની પસંદગી અને નાપસંદગી વિશે જણાવી શકે છે. તેવી જ રીતે જે રૂમ કે મકાનની શોધમાં હોય તે આ સાઇટ ઉપર જઈને પોતાનું નામ નોંધાવી શકે છે.

ઇન્ટરનેટની દુનિયામાં આમ તો ઢગલાબંધ વેબસાઇટ આ પ્રકારનું કામ કરે છે. પરંતુ ગ્રેબહાઉસનું કામ આ બધા કરતાં થોડું અલગ છે. તેઓ દલાલી લીધા વિના પોતાની સેવા આપે છે. તે રૂમ લેનારા પાસેથી પણ પૈસા નથી લેતા કે રૂમ આપનારા પાસેથી પણ પૈસા નથી લેતા. જ્યારે રિઅલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો માટે દલાલી જ તેમની આવકનું મુખ્યસાધન હોય છે. પંખુડીનું માનવું છે કે આમ કરવું તેમના માટે સૌથી મોટો પડકાર છે પરંતુ તેઓ અન્ય કરતાં અલગ અને ગ્રાહકોને મદદ કરવાના આશયથી આ કામ કરી રહ્યા છે. આ લોકોની આવકનો મુખ્ય સ્રોત જાહેરખબર અને પેઇડ લિસ્ટિંગ છે.


'ગ્રેબહાઉસ' ટૂંક સમયમાં મોબાઇલ એપ પણ લાવવા માગે છે. તેઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ જાહેરખબર માટે જ નહીં પરંતુ લોકોને પોતાની સાથે જોડવા માટે કરે છે. તેમની વેબસાઇટ મારફતે લોકો એકબીજાને સંદેશાની આપ-લે કરીને પણ જોડાઈ શકે છે. જ્યારે પણ સિસ્ટમ પોતાના ગ્રાહકોને એકબીજા સાથે જોડે છે તો તે ઉપલબ્ધતાના સંકેતો આપે છે. સાથે જ સંભવિત રૂમમેટની પસંદ-નાપસંદ, અને વ્યવહાર વિશે માહિતી આપે છે કે જે લોકો ગ્રેબહાઉસમાં નોંધણી કરતી વખતે લખતા હોય છે. વેપારની દ્રષ્ટિએ પ્રતીક કહે છે કે નવી મુંબઈ ખૂબ જ યોગ્ય જગ્યા છે. અહીં અનેક કંપનીઓ આવી રહી છે અને ધીમેધીમે અહીંનું બજાર પણ ઊંચકાઈ રહ્યું છે.

ગ્રેબહાઉસની પસંદગી જીએસએફ એક્સેલરેટર તરીકે પણ થઈ છે. આ વેબસાઇટ ઉપર 750 કરતા વધારે લોકો નોંધણી પામેલા વપરાશકારો છે. અહીં 65 એવી પ્રોફાઇલ છે કે જે મુંબઈમાં પોતાના માટે રૂમ પાર્ટનર કે રૂમ શોધે છે. ગ્રેબહાઉસની સફળતાનું અનુમાન એ વાત ઉપરથી જ લગાવી શકાય કે તે શરૂ થઈ તેના 15 દિવસની અંદર જ તેણે 10 લોકોને રૂમ અપાવી દીધો હતો. તેણે લોકોના લગભગ રૂ. 96 હજાર બચાવ્યા હતા. આ ઉદ્યોગની શરૂઆત રૂ. 10 લાખથી કરવામાં આવી હતી. જેના માટે તેમણે પરિવાર અને અન્ય મિત્રોની મદદ લીધી હતી. મુંબઈ બાદ તેમની યોજના દેશના અન્ય શહેરોમાં પણ પ્રવેશવાની છે.આગામી વર્ષોમાં તેઓ રૂ. 50 લાખની મૂડી મેળવવા માગે છે.

Related Stories