કેરળના નાના ગામની અનિતાના મોટાં સપનાઓએ શિક્ષણને પહોંચાડ્યું નવા આયામ પર

0
"એક સ્ત્રી તરીકે મને ક્યારેય એવું નથી લાગ્યું કે હું કોઈ વસ્તુ ન કરી શકું. સપનાં જુઓ, તેને પ્રેમ કરો, તેને મેળવવા માટે સખત મહેનત કરો તો તે તમારાં થઈને જ રહેશે."

આ અનિતા સેંથિલનાં શબ્દો છે કે જેમાં તેની પોતાની કથા પડઘાય છે. અનિતા કેરળના પલક્કડ ગામની છે. તે નિમ્ન મધ્યમવર્ગના પરિવારની છે અને તેની કારકિર્દી ઘડવા માટે તેના પરિવારે તેને સંપૂર્ણ ટેકો અને મુક્તિ આપી છે.

નાનપણથી જ અનિતાના મનમાં એવી ઇચ્છા હતી કે દુનિયામાં પોતાનાં નામે કોઈ સીમાચિહ્ન બનાવવું. કોઈને પ્રેરણા આપવી. તેનું કહેવું છે કે અત્યારે તે જે કરી રહી છે તે તેના ગામની કોઈ સ્ત્રીએ નથી કર્યું. જ્યારે અમે તેને કહ્યું કે આ કામ થકી તે તેના ગામની અનેક સ્ત્રીઓ માટે પ્રેરણા બની શકે તેમ છે તો તે નિર્દોષતાથી હસી પડી.

તેના મિત્રોએ તેને અબ્દુલ કલામનું પુસ્તક વિંગ્સ ઓફ ફાયર વાંચવા માટે જણાવ્યું અને તેમાંથી તેને પ્રેરણા મળી ઉદ્યોગસાહસિકતાની. વર્ષ 2012માં કોર્સજિગ ડૉટ કોમ (Coursegig.com)ની સ્થાપના કરી. આ સાઇટ વ્યાવસાયિક તાલિમ અને અભ્યાસક્રમોને લગતી સામગ્રી પૂરી પાડે છે. તેના ઉપર વિપુલ માત્રામાં અભ્યાસની સામગ્રી અને વ્યાવસાયિક શિક્ષકોની ઓનલાઇન વ્યવસ્થા છે.

અનિતાએ પોતાનું શાળાકીય શિક્ષણ પલક્કડમાં લીધું હતું અને ઉચ્ચ અભ્યાસ તેમજ અનુસ્નાતક કરવા માટે કોઇમ્બતૂર આવી હતી. સ્નાતકનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે વર્ષ 2008માં ચેન્નાઈ ખાતે બીપીઓ ક્ષેત્રમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેના કારણે તેનાં જીવનમાં વળાંક આવ્યો હતો. અનિતા જણાવે છે કે મને આ તક મળી તેની હું આભારી છું કે જેના કારણે હું જીવનમાં કંઇક કરી રહી છું.

આ વર્ષોમાં ઘરેથી દૂર રહેતી હતી તેના કારણે તેને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. તેને તેના કુટુંબની ખૂબ જ ખોટ સાલતી હતી અને તે વધારે એકલી ન રહી સકતી હોવાને કારણે તેણે વર્ષ 2009માં નોકરી છોડી દીધી અને પોતાનાં ગામમાં કંઇક તક શોધવા લાગી. ગામમાં તેને નોકરી મળી પણ તેમાં તેને સંતોષ ન થયો અને તેણે ઓનલાઇન કન્ટેન્ટ પ્રોડ્યુસર તરીકે ફ્રીલાન્સ કામ શરૂ કર્યું અને તે શિક્ષણનાં ક્ષેત્રે કારકિર્દીમાં આવી ગઈ. તે દિવસો કપરા કાળના હતા જેમાં તે વધારે મજબૂત અને હિંમતવાન બની. અનિતા જણાવે છે કે

"મેં હિંમત દાખવીને મારા જીવનમાં આવેલા સંજોગો સામે લડવાનું શરૂ કર્યું."

અનિતાના જીવનમાં અનેક ચડાવઉતાર આવ્યા અને તે પોતાનાં જીવનનાં સંઘર્ષો તેમજ ભૂલોમાંથી ઘણું શીખી.

પોતાની ફ્રીલાન્સર તરીકેની કારકિર્દી દરમિયાન તે વેપાર માટેની તરકીબો પણ શીખી અને તેણે બજારનો પણ અભ્યાસ કર્યો. બજારનાં વિશ્લેષણને કારણે મને મારા અનેક સવાલોના જવાબો મળ્યા જેમ કે હું આ શા માટે શરૂ કરી રહી છું ઉપરાંત મને આ ક્ષેત્રમાં રહેલી સ્પર્ધાત્મકતા વિશે પણ જાણવા મળ્યું. તેમ તેણે જણાવ્યું હતું.

વર્ષ 2014માં તેણે એમબીએનો અભ્યાસ પૂરો કર્યો.

અનિતાને એ વાતનો આનંદ છે કે લગ્ન અને માતૃત્વ તેની કારકિર્દીમાં અવરોધરૂપ ન બન્યું. સ્વપ્ન અને ઝનૂન એક સિક્કાની બે બાજુ છે.

મારાં મિત્રો મને કહે છે,

"તેઓ હંમેશા પોતાનાં કુટુંબમાં જ વ્યસ્ત રહે છે અને તેમને બીજું કશું જ કરવાનો સમય નથી મળતો. મને લાગે છે કે કોઈ પણ વ્યક્તિ પોતાનાં જીવનમાં સંતુલન જાળવી શકે છે. હું સતત એ વાતનાં સપનાં જોતી હોઉં છું કે હવે શું કરવું અને પોતાનું આગામી ધ્યેય કેવી રીતે હાંસલ કરવું. તેના કારણે મને ખુશી અને ઊર્જા મળે છે અને આજે હું મારું જીવન ધ્યેય અને આશાઓ સાથે જીવી રહી છું."

અનિતા તેની ટીમ વિશે જણાવતા આનંદ અનુભવે છે. મારી પાસે સરસ ટીમ છે અને તે મને મારી દરેક બાબતોમાં મદદ કરે છે. મારી પાસે ત્રણ લોકોની ટીમ છે. તેઓ મને મદદ કરે છે અને બાકીના ફ્રીલાન્સર્સ છે. તેના કારણે કામ કરવાનું સરળ થઈ જાય છે. ઘણી વખત હું ઓફિસનાં વાતાવરણની ઉણપ અનુભવું છું.

આ વર્ષની શરૂઆતમાં જ તેણે કીવેઝ એડ્યુ શરૂ કરીને એક મોટું પગલું લીધું છે. આ કોચિન સ્થિત કીવેઝ એજ્યુકેશન સર્વિસિઝ છે. અમે વિદ્યાર્થીઓને અનોખી રીતે સસ્તા દરે શિક્ષણની સેવાઓ પૂરી પાડીએ છીએ. અમે ઇન્ટરનેટ અને અન્ય માધ્યમો મારફતે વિદ્યાર્થીઓને સારી સેવા મળી રહે તે બાબતની ખાતરી આપીએ છીએ. અમે વિદ્યાર્થીઓને ઓનલાઇન સારું શિક્ષણ આપીને તેમનાં ભવિષ્યને ઉજ્જ્વળ બનાવવા માગીએ છીએ. હવે Coursegig.com અને academicpaperhub.com બંનેને કીવેઝ એજ્યુકેશન સર્વિસિઝની અંતર્ગત સમાવી લેવામાં આવ્યા છે.

એક ઉદ્યોગસાહસિક તરીકે તેણે અન્ય સેવાઓ તેમજ અન્ય લોકો સાથે નેટવર્ક બનાવવામાં કોઈ છોછ નથી અનુભવ્યો. તેના કારણે તે ઘણા લોકોને મળી છે અને તેઓ તેને પોતાના ધ્યેય સુધી પહોંચવામાં મદદરૂપ સાબિત થયાં છે.

અન્ય લોકોને પોતાના ધ્યેય સુધી પહોંચાડવામાં મદદ કરતાં કરતાં પોતાના ધ્યેય સુધી પણ પહોંચો તેનો જીવનમંત્ર છે. પોતાની જાતને દોરવણી મળી રહે તે માટે તે રોજ યોગ અને ધ્યાન કરે છે. હું રોજ સારી વસ્તુ કરવા પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરું છું અને હું જે કરું છું તેનો ગર્વ લઉં છું.

લેખક – તન્વી દુબે

અનુવાદક – YS ટીમ ગુજરાતી

Related Stories