ધોરણ 10 પાસ મિકેનિકે બનાવી પાણીથી ચાલતી કાર, 'મેક ઈન ઈન્ડિયા' માટે વિદેશી ઓફર પણ ઠુકરાવી

0

પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. અબ્દુલ કલામે કહ્યું હતું કે, ક્લાસની સૌથી છેલ્લી બેંચ પર બેઠેલા વિદ્યાર્થી પાસે પણ દેશની તેજસ્વી બુદ્ધિ હોઈ શકે છે. સ્લમ ડોગ મિલિયોનેર ફિલ્મ પણ કંઈક આવું જ બતાવે છે જેમાં બાળપણમાં હોટેલમાં કામ કરનારો બાળક પોતાની જિંદગીના અનુભવ દ્વારા એક રિયાલિટી શોના જવાબ આપીને કરોડપતિ બની જાય છે. આ વાત ભલે ફિલ્મી હોય પણ વાસ્તવિક જીવનમાં પણ ઘણા એવા પાત્રો છે જે કોઈ ઔપચારિક શિક્ષણ વગર એવા કામ કરી બતાવે છે જેને જોઈને લોકો દંગ રહી જાય છે. મોટી મોટી સંસ્થાઓ, મોટા પુસ્તકો અને નામચીન શિક્ષકો જ જ્ઞાનનો એકમાત્ર સ્ત્રોત હોતા નથી. ઘણી વખત રોજિંદા અનુભવોમાંથી પણ શીખેલી વાતો બીજા પર ભારે પડી શકે છે. શિક્ષણશાસ્ત્રીઓ પણ આ વાતને સ્વીકારે છે કે વ્યવહારિક જ્ઞાન શિક્ષણનું સારું માધ્યમ છે.

મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં રહેનારા ધોરણ 10 પાસ 54 વર્ષીય કાર મિકેનિક રઈશ મહમૂદ મકરાનીએ આ વાતને સાર્થક કરી બતાવી છે. મકરાનીના બે સંશોધને તેમને દેશ-દુનિયામાં પ્રખ્યાત બનાવી દીધા. પેટ્રોલના બદલે પાણીથી ચાલતી કાર અને મોબાઈલ દ્વારા કાર ઓપરેટ કરવાની ટેકનિક કે જેણે દુનિયાભરના એન્જિનિયરો અને વૈજ્ઞાનિકોને આશ્ચર્યમાં નાખી દીધા. વર્ષો સુધી જે કામ વૈજ્ઞાનિકો અને સંશોધકો નથી કરી શક્યા તે કામ 10 પાસ મિકેનિકે કરી બતાવ્યું. આ સફળતા બાદ ઘણા દેશની કંપનીઓએ તેમને પોતાની ટેકનિક વેચવાનો અથવા તો તેમના દેશમાં આવીને સેવા આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. મકરાનીએ તમામ ઓફર ફગાવી દીધા છે. તે પોતાની આ ટેક્નોલોજીનો ઉપયોગ વડાપ્રધાનના મેક ઈન ઈન્ડિયા અભિયાન હેઠળ માત્ર દેશવાસીઓ માટે જ કરવા માગે છે. તેમણ પોતાના બે સંશોધનો અને ત્યારબાદની વાતને યોરસ્ટોરી સાથે વાગોળ્યા હતા.

મધ્યપ્રદેશના રાજધાની ભોપાલથી લગભગ 200 કિમી દૂર સાગર જિલ્લાના સદર બાજારમાં વર્ષોથી રઈશ મહમૂદ મકરાનીનો પરિવાર રહે છે. ગાડીઓની રિપેરિંગ અને મેન્ટેનન્સ તેમનો પારિવારક વ્યવસાય છે. છેલ્લાં 50 વર્ષોથી હિન્દ મોટરના નામે તેઓ ગેરેજ ચલાવે છે જે મકરાનીના જીવનનો અતૂટ હિસ્સો છે. લગભગ 35 વર્ષ પહેલાં અભ્યાસ દરમિયાન 12મા ધોરણનાં નાપાસ થયા બાદ મકરાનીએ પોતાના પિતાની સલાહ માનીને ઘરના ગેરેજમાં કામ કરવાનું શરૂ કરી દીધું. તે એટલા સમર્પણ અને પ્રામાણિકતાથી પોતાના કામને કરવા લાગ્યા કે તેમને ગાડીઓ પ્રત્યે પ્રેમ થઈ ગયો તેની તેમને જાણ પણ ન રહી. નવી નવી ગાડીઓ વિશે જાણવું અને તેની ટેક્નોલોજીને સમજવી તેમનો શોખ બની ગયો. તે એક અનુભવી ડૉક્ટરની જેમ ગાડીઓના એન્જિનનો અવાજ સાંભળીને તેને જોઈને ગાડીની તકલીફો કહી દેતા અને રિપેર પણ કરી આપતા. મકરાનીના ચાર દીકરા પણ આ જ વ્યવસાયમાં તેની સાથે છે. મકરાની પોતાના પિતા સઈદ મકરાનીને ઉત્સાદ માનતા હતા.

પેટ્રોલ નહીં પાણીથી ચાલતી કાર

હાલમાં જ મકરાનીએ પાણીથી ચાલતી કાર બનાવીને દેશ અને દુનિયાના સમાચારોમાં સ્થાન મેળવ્યું હતું. ડિસ્કવરી અને બીબીસીથી માંડીને દેશની ટોચની ન્યૂઝ ચેનલો અને અખબારોએ તેની આ શોધની નોંધ લીધી હતી. પાણીથી ચાલતી કાર ટ્રાયલ રનમાં સંપૂર્ણ રીતે સફળ રહી. સરકારી સંસ્થાઓથી માંડીને ખાનગી સંસ્થાઓએ તેની તપાસ કરીને તેને ભવિષ્યની કાર જાહેર કરી દીધી અને મકરાનીને તેનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું. મકરાની યોરસ્ટોરીને જણાવે છે,

"હું 2005થી આવી કાર બનાવવા મથતો હતો, ત્યારે મને અપેક્ષિત સફળતા 2012માં મળી. ત્યારબાદ હું સતત આ કારને અપગ્રેડ કરવામાં જોડાયેલો છું. મેં આ પ્રયોગ કારના 800 સીકે એન્જિન પર કર્યો હતો. અમે કારને પાણી અને કેલ્સિયમ કાર્બાઈડથી ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બંને મિશ્રણ દ્વારા એસિટિલીન નામનો ગેસ ઉત્પન્ન થાય છે જેનાથી કાર ચાલે છે. પેટ્રોલ એન્જિનમાં ફેરબદલ કરીને એસિટિલિનથી ચાલતું એન્જિન બનાવ્યું. ત્યારબાદ કારની પાછળ એક તરફ સિલિન્ડર લગાવ્યું જેમાં કેલ્સિયમ કાર્બાઈડ અને પાણીના મિશ્રણથી એસિટિલીન ઉત્પન્ન કરવામાં આવ્યો. એસિટિલિન બનતા જ કાર ચાલવા લાગી."

આ કારમાં ચાર લોકો બેસી શકે છે. તેને ચલાવવા પાછળ પ્રતિ દસ કિમી 20 રૂપિયાનો ખર્ચ આવે છે જે વર્તમાન પેટ્રોલ, ડીઝલ અને સીએનજી કે એલપીજી તથા ઈથેનોલ દ્વારા ચાલતી કાર કરતા અત્યંત સસ્તો છે. ફોર્મ્યુલાની પેટન્ટ કરાવવા માટે તેણે 2013માં ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓફ ઈન્ડિયાની મુંબઈ ખાતેની ઓફિસમાં અરજી કરી હતી જ્યાંથી તેને કારની પેટન્ટ પણ મળી ગઈ.

ચીન અને દુબઈથી કાર નિર્માણ માટે મદદની ઓફર આવી

મકરાનીને આ સફળતા બાદ ચીન અને દુબઈની ઓટોમોબાઈલ કંપનીઓએ આવી કાર બનાવવા માટે મદદ કરવાની ઓફ કરી. તેમણે જણાવ્યું કે ચીનના સિયાગ શહેરમાંથી ઈલેક્ટ્રિક વાહન બનાવતી કંપની કોલિયોના એમડી સુમલસને આ ફોર્મ્યુલા પર સાથે મળીને કામ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. કંપનીએ પાણી અને કાર્બાઈડથી એસિટિલીન બનાવીને તેને ઈલેક્ટ્રિક એનર્જી લિક્વિડ ફ્યૂઅલમાં બદલવા અંગે રજૂઆત કરી. મકરાની 26મે, 2015ના રોજ રોજ ચીન ગયા હતા. લગભગ 11 દિવસ આ મુદ્દે ચર્ચા કરવા તે ચીન રહ્યા હતા. તેમણે ચીનની કંપની સામે ભારતમાં અને ખાસ કરીને સાગરમાં કાર બનાવવાની તથા ભારતમાં તેને સૌથી પહેલાં લોન્ચ કરવાની શરત મૂકી. ત્યારબાદ કંપનીએ આ દિશામાં વિચારવાનો તેમની પાસે સમય માગ્યો. મકરાનીના મતે આ પહેલાં 2013માં દુબઈની એક ઈન્વેસ્ટમેન્ટ કંપની લસ્ટર ગ્રૂપે પણ તેને આ ફોર્મ્યુલા પર સાથે મળીને કામ કરવાની ઓફર કરી હતી. ભારતમાં રહીને ફોર્મ્યુલા તૈયાર કરવા અને કાર ભારતમાં જ લોન્ચ કરવાની વાત અંગે સહમતી ન બની.

ગેસ વેલ્ડિંગ કરવા દરમિયાન વિચાર આવ્યો

મકરાની જણાવે છે,

"મને ગેસ વેલ્ડિંગ કરવા દરમિયાન પાણીથી ચાલતી કાર બનાવવાનો વિચાર આવ્યો હતો. ગાડીના એન્જિનનું પિસ્ટન ચલાવવા માટે આગ અને કરંટની જરૂર પડે છે. વેલ્ડિંગમાં પણ કેલ્શિયમ કાર્બાઈડ અને લિક્વિડને ભેગા કરવાથી જ આગ બને છે. મેં મારી પેટ્રોલ કારના એન્જિનમાં થોડો ફેરફાર કર્યો અને ગાડીના ફ્યૂઅલ ટેંકમાં પેટ્રોલના બદલે પાણી અને કેલ્શિયમ કાર્બાઈડની પાઈપ લગાવી દીધી. ત્યારબાદ ગાડીને સ્ટાર્ટ કરીને જોઈ તો એન્જિન ઓન થયું. શરૂઆતમાં તેની સ્પીડ અંગે ઘણી સમસ્યાઓ હજી જેને દૂર કરી દીધી."

મકરાની જણાવે છે કે, તે શરૂઆતથી જ કાર અંગે કંઈક અલગ વિચારતા હતા. પેટ્રોલ, ડીઝલના વધતા ભાવ અને સિમિત ભંડારના કારણે તે પાણીથી ચાલતી કાર બનાવવા પ્રેરિત થયા હતા. આ નવા સંશોધન અંગે લોકોએ સવાલ કર્યા કે એક તરફ પીવાની પાણીની તંગી છે ત્યાં આવા સંશોધનથી મદદ નહીં પણ જળ સંકટ ઉભું થશે. મકરાનીએ જણાવ્યું કે, મારી કાર ચલાવવા પીવાનું જ પાણી જોઈએ તેમ નથી. આ ખોટી ચર્ચા છે.

મારી કાર ચલાવવા માટે પીવાનું જ પાણી જોઈએ તેમ નથી પણ વપરાયેલું પાણી પણ ચાલે તેમ છે. નહાવાનું, કપડાં ધોવાનું અને ત્યાં સુધી કે ગટરનું પાણી પણ કાર ચાલવામાં મદદ કરે તેમ છે.

અત્યાર સુધીમાં 12 પુરસ્કાર મળ્યા

મકરાનીને તેમની સફળતા માટે અત્યાર સુધીમાં 12 પુરસ્કાર મળ્યા છે. પહેલી વખત 2013માં મધ્યપ્રદેશ વિજ્ઞાન ભવનને તેમનું સન્માન કર્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસ 2015ના રોજ વિજ્ઞાન મેળામાં તેમની શોધ માટે સરકારે તેમને સન્માનિત કર્યા. આ રીતે તેમની પાસે ડઝન જેટલા પુરસ્કાર આવ્યા. તે આ સન્માનોથી સંતુષ્ટ નથી. તે જણાવે છે,

"મને સાચી ખુશી ત્યારે જ મળશે જ્યારે આ કાર દેશવાસીઓના કામમાં આવશે. મેક ઈન ઈન્ડિયા હેઠળ સરકાર આ કાર બનાવશે."

મકરાની સરકારી ઉદાસીના કારણે થોડા દુઃખી છે. તે જણાવે છે કે દેશમાં ટેલેન્ટની અછત નથી પણ સરકાર તેનો ઉપયોગ નથી કરી શકતી. દેશના ટેલેન્ટેડ યુવાનોને કામ કરવાની તક નથી મળતી. અંતે તેઓ નિરાશ થઈને પોતાના વિચારો વિદેશી કંપનીઓને વેચી દે છે અથવા તો ત્યાં જઈને કામ કરવા લાગે છે. જ્યારે આપણા દેશની વ્યક્તિ વિદેશમાં જઈને કોઈ કામ કરે છે ત્યારે મને ખૂબ જ દુઃખ થાય છે. મકરાની નરેન્દ્ર મોદીના મોટા ફેન છે. તે તેમની મન કી બાદ ખૂબ જ ધ્યાનથી સાંભળે છે. તેમને આશા છે કે વડાપ્રધાનના મેક ઈન ઈન્ડિયા દ્વારા તેમના સ્વપ્નોને ઉડાન મળશે.

મકરાનીની બીજી મહત્વની શોધ

મકરાનીએ માત્ર પાણીથી ચાલતી કાર જ નથી બનાવી પણ વાહન ચોરીની સમસ્યાથી બચવા નવી શોધ કરી છે. તેમણ એક એવું ડિવાઈસ બનાવ્યું છે અને મોબાઈલ એપ બનાવી છે જેનાથી કારને મોબાઈલ દ્વારા જ સ્ટાર્ટ અને બંધ કરી શકાય છે. હજારો કિમી દૂરથી પણ આ કામ સરળતાથી કરી શકાય છે. તેના માટે તમે કારમાં બેઠેલા લોકોની વાતચીત પણ સાંભળી શકો છો. કાર ચોરી થયા બાદ આ ડિવાઈસ કારનું લોકેશન તો બતાવશે જ સાથે સાથે કારને બંધ પણ કરી શકાશે. તેના દ્વારા કાર શોધીને ચોરને પણ પકડી શકાશે.

લેખક- હુસૈન તાબિશ

અનુવાદ- એકતા રવિ ભટ્ટ

અવનવી શોધ તેમજ 'મેક ઇન ઇન્ડિયા' વિશે વધુ જાણવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

૧૦મું પાસ મિકેનિકના સ્વપ્નોને ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’એ વેગ આપ્યો, સૌથી ઓછા ખર્ચે ચાલતી ઈ-બાઇક તૈયાર કરી

12 ધોરણ પાસ વ્યક્તિએ માત્ર 10 હજારમાં બનાવ્યું એક ટનનું એસી!

અમદાવાદમાં રહેતો ૧૪ વર્ષનો હર્ષવર્ધન છે એક ટેક કંપનીનો CEO!Related Stories