કર્ણાટકના દરિયાકિનારાના શહેરોની શૈક્ષણિક, પ્રવાસન અને ટેકનોલોજીના કેન્દ્રો તરીકે આગેકૂચ

કર્ણાટકના દરિયાકિનારાના શહેરોની શૈક્ષણિક, પ્રવાસન અને ટેકનોલોજીના કેન્દ્રો તરીકે આગેકૂચ

Tuesday February 02, 2016,

5 min Read

યોરસ્ટોરીને કર્ણાટક સરકારના ‘ઇન્વેસ્ટ કર્ણાટક’ સાથે જોડાવવાનો ગર્વ છે, જેમાં કર્ણાટકે વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસમાં કરેલી પ્રગતિ દર્શાવવામાં આવશે અને સમગ્ર દુનિયામાંથી રોકાણો પણ આકર્ષવામાં આવશે. આ ઇવેન્ટ 3 ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરી, 2016 વચ્ચે બેંગલુરુમાં યોજાશે. (અહીં રજિસ્ટર કરાવો)

આ ઇવેન્ટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે અમે શૈક્ષણિક, પ્રવાસન અને ટેકનોલોજીના કેન્દ્ર તરીકે વિકસી રહેલા કોસ્ટલ કર્ણાટકના બે મહત્ત્વપૂર્ણ કેન્દ્રો પર પ્રકાશ પાડીએ છીએ.

image


સામાન્ય રીતે કર્ણાટકના કોંકણ દરિયાકિનારાનો વિસ્તાર તેના સુંદર બીચ અને ફ્રેશ સી ફૂડ સાથે સ્વાદિષ્ટ વ્યંજનો માટે પ્રસિદ્ધ છે. રાજ્યની રાજધાની બેંગલુરુ જેટલો વિકાસ ન થયો હોવા છતાં કોંકણના નાનાં શહેરો અને નગરોએ છેલ્લાં થોડાં દાયકામાં વિકાસના માર્ગે ક્રમશઃ આગેકૂચ કરી છે. તેના બે મુખ્ય કેન્દ્રો મેંગલુરુ અને ઉડુપી છે, જે વિવિધ કારણોસર ઉત્કૃષ્ટ છે.

મેંગલુરુ

બેંગલુરુથી 371 કિમીના અંતરે સ્થિત મેંગલુરુ કર્ણાટકનું મુખ્ય પાર્ટ સિટી છે. વર્ષ 1974માં સ્થાપિત ન્યૂ મેંગલોર પોર્ટ ટ્રસ્ટ (એનએમપીટી) પર સતત જમીન, નૌકાદળ અને હવાઈ દળ સુરક્ષા પ્રદાન કરે છે અને પ્રવાહી રાસાયણિક પદાર્થો, જોખમકારક ચીજવસ્તુઓનું સંચાલન કરવા ભારે લીફ્ટ્સ અને મશીનરીથી સજ્જ છે.

દરિયાકિનારો ધરાવતા આ શહેરમાં સરકારી ક્ષેત્રના સાહસની દ્રષ્ટિએ જોઈએ તો ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ઓએનજીસી)ની પેટાકંપની મેંગલોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (એમઆરપીએલ) પણ કાર્યરત છે. આ ગ્રાસરૂટ રિફાઇનરીની પ્રોસેસિંગ કરવાની વાર્ષિક ક્ષમતા 15 મિલિયન મેટ્રિક ટન છે, જે પ્રીમિયમ ડિઝલ અને હાઇ ઓક્ટેન પેટ્રોલનું ઉત્પાદન કરે છે. કુશળતા ધરાવતા અને કુશળતા ન ધરાવતા લોકોને રોજગારી પ્રદાન કરીને એમઆરપીએલ આસપાસના વિસ્તારોમાં અર્થતંત્રને વેગ આપે છે.

ઝુઆરી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડની પેટાકંપની મેંગલોર કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (એમસીએફ) એ કર્ણાટકમાં રાસાયણિક ખાતરોની સૌથી મોટી ઉત્પાદક છે, જેનું ટર્નઓવર રૂ. 3,000 કરોડથી વધારે છે. કંપનીના કેટલાંક ઉત્પાદનોમાં દાણાદાર ખાતરો, સૂક્ષ્મ પોષક દ્રવ્યો, સોઇલ કન્ડિશનર્સ અને સ્પેશ્યાલિટી ફર્ટિલાઇઝર્સ સામેલ છે, જે દક્ષિણ ભારતના ખેડૂતોને ખેતીવાડીમાં લાભદાયક છે.

દક્ષિણ કન્નડ હંમેશા પ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થાઓ ધરાવે છે, ખાસ કરીને મેંગલુરુમાં, જે ઉચ્ચ અને વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરે છે. દક્ષિણ કન્નડ જિલ્લો વિવિધ શાળાઓ, ઇજનેરી અને મેડિકલ સંસ્થાઓ ધરાવે છે તેમજ હેલ્થ, મેનેજમેન્ટ અને હોસ્પિટાલિટીની શૈક્ષણિક સંસ્થાઓ વધી રહી છે. મેંગલુરુથી 10 કિમીના અંતરે સ્થિત સુથરકાલમાં દેશની પ્રીમિયમ ઇજનેરી કોલેજ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે. મેડિકલ સંસ્થાઓની વાત કરીએ તો મેંગલુરુમાં કસ્તુરબા મેડિકલ કોલેજ (કેએમસી), એ જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, ફાધર મૂલર મેડિકલ કોલેજ, કે એસ હેગડે મેડિકલ એકેડમી વગેરે સંસ્થાઓ છે, જે ગુણવત્તાયુક્ત હેલ્થકેર શિક્ષણ પ્રદાન કરે છે.

વર્ષ 2013માં જીઆઇઆરઇએમ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે મુજબ, બિઝનેસ માટે મેંગલુરુ ભારતનું 13મું અને કર્ણાટકનું બીજું શ્રેષ્ઠ સ્થળ છે. જ્યારે મેંગલુરુ પરંપરાગત બિઝનેસ માટે સારું સ્થળ છે, ત્યારે તેણે છેલ્લાં થોડા સમયમાં ટેક બિઝનેસમાં સારી પ્રગતિ કરી છે. શહેરની ઘણી કોલેજમાં ઉદ્યોગસાહસિકતાના સેલ છે, જે વિદ્યાર્થીઓનો પોતાની કંપનીઓ શરૂ કરવાના પ્રેરણા આપે છે. વૈશ્વિક ક્ષેત્રે ભારતની આઇટી પ્રતિભાઓનો પરિચય કરનાર પ્રસિદ્ધ કંપની ઇન્ફોસિસ મેંગલુરુમાં મોટું સંકુલ ધરાવે છે અને અહીં તેને સરળતાથી સ્થાનિક પ્રતિભાઓ મળી જાય છે. પ્રમાણમાં ઓછા ટ્રાફિક, વાજબી રિયલ એસ્ટેટ કિંમતો અને કર્ણાટકના બાકીના વિસ્તારો સાથે કનેક્ટિવિટીની સારી સુવિધા ધરાવતું મેંગલુરુ વૃદ્ધિની સારી સંભવિતતા ધરાવે છે.

ઉડુપી

ઉડુપી બેંગલુરુની ઉત્તરપશ્ચિમે 422 કિમી અને મેંગલુરુની ઉત્તરે 60 કિમીના અંતરે છે. અહીં ભગવાન કૃષ્ણનું મંદિર જગપ્રસિદ્ધ છે. શહેરમાં ઇસ્કોનના ભક્તો મોટી સંખ્યામાં છે, કારણ કે તે વૈષ્ણવ સંપ્રદાય અને ઉડુપી કૃષ્ણ મઠના સ્થાપક શ્રી માધવાચાર્યનું વતન છે.

ઉડુપી સ્થાનિક વ્યંજનો માટે પણ પ્રસિદ્ધ છે અને અત્યારે દેશ-વિદેશના વિવિધ વિસ્તારોમાં ‘ઉડુપી ફૂડ’ પીરસતી રેસ્ટોરાંની ચેઇન છે. મસાલા ડોસાનો જન્મ અહીં થયો હોવાનું મનાય છે. આ રીતે મંદિરો, બીચ અને સ્વાદિષ્ટ વ્યંજનો સાથે ઉડુપી કર્ણાટકના પ્રવાસન ઉદ્યોગનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર મનાય છે.

જ્યારે ઉડુપીમાં કોઈ મોટો ઉદ્યોગ નથી, ત્યારે તેનું અર્થતંત્ર મુખ્યત્વે કૃષિ, મત્સ્ય ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓ પર નિર્ભર છે. સહકારી દૂધ મંડળીઓ, કાજુ ઉદ્યોગ અને ફૂડ અને હોટેલ ઉદ્યોગ પણ સ્થાનિક અર્થતંત્રમાં પ્રદાન કરે છે તેમજ રોજગારીનું સર્જન કરે છે.

અહીં ધીમે ધીમે ટેકનોલોજી આધારિત સ્ટાર્ટઅપની શરૂઆત થઈ રહી છે. ગયા અઠવાડિયામાં જ જિલ્લા વહીવટીતંત્ર, પ્રવાસન વિભાગ અને માલ્પે બીચ ડેવલપમેન્ટ કમિટીએ જાહેરાત કરી હતી કે માલ્પે બીચ પર 4જી સ્પીડ પર ફ્રી વાઇ-ફાઇ (ઉપકરણ દીઠ 30 મિનિટ)ની સુવિધા મળશે.

જ્યારે નેશનલ હાઇવે 66 પર, સાથેકાટ્ટે પરથી પસાર થાવ ત્યારે રોહિત ભાટ દ્વારા 1996માં સ્થાપિત રોબોસોફ્ટ ટેકનોલોજીસનું બહુમાળી કોર્પોરેટ હેડક્વાર્ટર ઊડીને આંખે વળગે છે. કંપની એપલના આઇઓએસ ઉપકરણો માટે સોફ્ટવેર ઉત્પાદનો અને મોબાઇલ એપ્સ વિકસાવે છે. રોબોસોફ્ટ વૈશ્વિક કક્ષાના માળખા સાથે ઉડુપી જેવા નાનાં શહેરમાં પ્રગતિ કરી રહી છે અને નજીકની શૈક્ષણિક સંસ્થાઓમાંથી સ્થાનિક યુવાનોને રોજગારી આપે છે.

ઉડુપીથી થોડા કિમીના અંતરે મનિપાલ નામનું યુનિવર્સિટી ટાઉન છે. અહીં છેલ્લાં થોડા દાયકાઓમાં 22 શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત થઈ છે. ડૉ.ટી એમ એ પાઈ આ પરિવર્તનના પ્રણેતા છે. તેમણે ભારતની પ્રથમ પ્રાઇવેટ મેડિકલ સ્કૂલ કસ્તુરબા મેડિકલ કોલેજની સ્થાપના 1953માં મનિપાલમાં કરી હતી અને પછી 1958માં મનિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની સ્થાપના કરી હતી. વિવિધ શાખાઓમાં 20,000થી વધારે વિદ્યાર્થીઓને મનિપાલ નવી ટેકનોલોજીઓ વિકસાવવા મોટી તક પ્રદાન કરે છે. આ માટે મનિપાલ યુનિવર્સિટીએ બિઝનેસ ઇન્ક્યુબેટર – એમયુટીબીઆઈ સ્થાપિત કર્યું છે, જે પોતાનો વ્યવસાય કરવા ઇચ્છતાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને જરૂરી માળખું, નાણાકીય સહાય જેવા સંસાધનો પ્રદાન કરે છે.

જ્યારે બે વર્ષ અગાઉ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સત્ય નાદેલા અને રાજીવ સુરી અનુક્રમે માઇક્રોસોફ્ટ અને નોકિયાના સીઇઓ બન્યાં હતાં, ત્યારે યુનિવર્સિટી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી હતી. મનિપાલના અન્ય પ્રસિદ્ધ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં જુનૂનના સ્થાપક અને પ્રસિદ્ધ ભારતીય શેફ વિકાસ ખન્ના છે, જેમણે મનિપાલની વેલ્કમગ્રૂપ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ હોટેલ એડમિનિસ્ટ્રેશન (ડબલ્યુજીએસએચએ)માં અભ્યાસ કર્યો હતો.

તારણ

કર્ણાટકે દર્શાવ્યું છે કે ટિઅર ટૂ અને ટિઅર થ્રી શહેરોમાંથી પણ આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવવી શક્ય છે. તેઓ શ્રેષ્ઠ માળખું ધરાવતાં ન હોય તેવું બની શકે છે, પણ તેઓ અન્ય કોઈ રીતે કુશળતા ધરાવે છે. આ નાનાં શહેરોની સફળતા સામાન્ય લોકોનો વિશ્વાસ વધારે છે અને ભારતના નાનાં શહેરો અને નગરોમાંથી વધુ સફળતાની ગાથા બહાર આવશે તે નક્કી છે.

ઇન્વેસ્ટ કર્ણાટક, ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં તમામ સહભાગીઓને ડિજિટલ યુઝર પ્લેટફોર્મ પ્રદાન કરવાના આશય સાથે કર્ણાટક સરકારે તાજેતરમાં ઇન્વેસ્ટ કર્ણાટક 2016 મોબાઇલ એપ્લિકેશન લૉન્ચ કરી છે. તમે તમારી એન્ડ્રોઇડ ડિવાઇઝ પર એપ ડાઉનલોડ કરી શકો છો.


લેખક- હર્ષિત માલ્યા

અનુવાદક- કેયૂર કોટક