મિમિક્રી આર્ટિસ્ટમાંથી અભિનેતા બનતાં 10 વર્ષ લાગ્યાં!

જોની લિવરની સફળતાની સફર હૈદરાબાદથી શરૂ થઈ હતી

0

સંઘર્ષ અને સફળતા સિક્કાની એક બાજુ છે. બંને એકબીજાની સાથે ચાલે છે. બસ, ઘણી વખત એવું બને છે કે સંઘર્ષ ખૂબ જ લાંબો ચાલે છે અને સફળતા મેળવતા માણસ ભાંગી પડે છે. પરંતુ પોતાની જાતને ભાંગી પડતાં અટકાવવી અને પોતાની જાતને સ્થિર રાખવી ખૂબ જ જરૂરી છે. સફળતાની આવી જ કંઈક કથા છે હિન્દી ફિલ્મોના જાણીતા કોમેડિયન જોની લિવરની. જોની લિવરે હાસ્યને ખૂબ જ ગંભીરતાથી લીધું અને અભિનય ઉપરાંત મિમિક્રી આર્ટિસ્ટ તરીકે લાંબી કારકિર્દી બનાવી હતી. જીવનમાં સંઘર્ષ બાદ સફળતા મેળવનાર જોની લિવર આજે દુનિયાભરમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. પરંતુ આ ઓળખ તેમને એક એવા કાર્યક્રમથી મળી હતી કે જે તેમના માટે નહોતો. તેમનો પહેલો સ્ટેજ શો હૈદરાબાદના રવિન્દ્ર ભારતી ખાતે યોજાયો હતો. તેમનના ગુરુ અને હાસ્યકલાકાર રામકુમારે પોતાની તબિયત નાદુરસ્ત હોવાને કારણે પોતાના ચેલા જોનીને હૈદરાબાદ મોકલ્યો. એમ કહેવાય છે કે કલા એક દિવસ જાહેરમાં આવ્યા વિના રહેતી નથી. બસ યોગ્ય સમય અને તકની જરૂર હોય છે. હૈદરાબાદમાં જોનીએ પોતાનાં પહેલા જ શોમાં ધૂમ મચાવી દીધી. તે ઘડી અને આજનો દિવસ જોની લિવરે ક્યારેય પાછું વળીને જોયું નથી. આ કારણોસર જ જોની હૈદરાબાદને ક્યારેય ભૂલ્યા નથી. થોડા દિવસો અગાઉ જ્યારે જોની હૈદરાબાદ આવ્યા ત્યારે તેમની સાથે થોડી વાતચીત થઈ હતી.

એક ખાનગી મહેફિલમાં જોની એવા ખીલ્યા કે ખીલતા જ ગયા અને પોતાનાં જીવનની રસપ્રદ ઘટનાઓને જાહેર કરી. તેમણે વાચતીચની શરૂઆત હૈદરાબાદથી જ કરી હતી. કે જે શહેરમાં તેમણે પોતાનો પહેલો શો આપ્યો હતો. તે જ શહેરમાં જ્યારે તેઓ પોતાનો શો કરવા માગતા હતા ત્યારે આંદોલનકારી ગતિવિધિઓને કારણે તેમણે પોતાનો શો રદ કરવો પડ્યો હતો. તેઓ ફરીથી અહીં પોતાનો શો કરવા માગે છે. જોની સાથે અનેક વાતચીત થઈ હતી. તેમણે પોતાનાં જીવનમાં કલા, કલાકારોની સ્થિતિ, હાસ્યનો આજનો માહોલ તેમજ અનેક મુદ્દાઓ વિશે વાતચીત કરી હતી. જોનીએ યોરસ્ટોરીને જણાવ્યું, 

"હું એ દિવસ આજ સુધી નથી ભૂલ્યો કે જ્યારે હું જોન રાવમાંથી જોની લિવર બની ગયો. હું હિન્દુસ્તાન લિવરમાં નોકરી કરતો હતો. મારી ઓફિસના એક કાર્યક્રમમાં જ્યારે મેં મારા ઉચ્ચ અધિકારીઓનું નામ આપ્યા વિના તેમની મિમિક્રી કરી તો ઓડિયન્સમાંથી કોઈએ બૂમ પાડી કે તું જોની લિવર છે. બસ એ જ દિવસથી હું જોની લિવર બની ગયો."

જોની કહે છે,

"જ્યારે હું યુવાન હતો, હિન્દુસ્તાન લિવરમાં નોકરી કરતો હતો. મારા પિતાજીને ડર હતો કે હું આ ઠઠ્ઠામશ્કરીને રવાડે ચડીને નોકરી ન છોડી દઉં. તે વખતે મને નોકરીમાં રૂ. 600નો પગાર મળતો હતો. સ્ટેજ શોમાં ભાગ લેવાના રૂ. 50 મળતા હતા. પિતા જ્યારે નિવૃત્ત થયા હતા ત્યારે તેમને રૂ. 2500 મળ્યા હતા. જે તેમણે મારી બહેનનાં લગ્ન માટે રાખ્યા હતા. આ દરમિયાન મને કાચબા છાપ મચ્છર અગરબત્તીની એક જાહેરાત મળી. તે જાહેરાત બનાવનારે મને ખુશ થઈને રૂ. 26 હજાર આપ્યા. પિતાના આશ્ચર્યનો પાર નહોતો. એક સમયે તે મને લાકડી લઈને મારવા માટે સ્ટેજ સુધી આવ્યા હતા પરંતુ સ્ટેજની સામે 3 હજાર લોકોની ભીડ જોઈને પાછા જતા રહ્યા હતા. તેમને અંદાજ નહોતો કે લોકો હસી મજાક માટે પણ આટલા રૂપિયા આપી શકે છે."

જોની પોતાના પેનવાળા સિંધી કાકાને ક્યારેય નથી ભૂલ્યા. સિંધી કાકા ફૂટપાથ ઉપર જીવન વીતાવતાં હતા. તેમણે જોનીને પોતાની ફૂટપાથની દુકાન સામે પેન વેચવા માટે કહ્યું હતું. જોની જ્યારે વિવિધ ફિલ્મ અભિનેતાની મિમિક્રી કરીને પેન વેચવા લાગ્યા તો કાકાના બધા ગ્રાહકો તેની તરફ ખેંચાઈ ગયા. આ જોઈને કાકાએ જોનીને કહ્યું,

"જોની, મેં તને પેન વેચતાં શીખવ્યું અને મારા બધા ગ્રાહકો તે લઈ લીધા. હવે તું મને મિમિક્રી શીખવ જેથી તારા ગ્રાહકો હું લઈ શકું."

મુંબઈના સૌથી મોટા ઝૂંપડપટ્ટી વિસ્તાર એટલે કે ધારાવીમાં જન્મેલા જોની લિવરનું શરૂઆતનું જીવન પહેલા એક ચાલીમાં અને ત્યારબાદ ઝૂંપડામાં વીત્યું હતું. ત્યાંથી જ તેમણે લોકોની ભાષા અને શૈલીનું અવલોકન કરવાનું શરૂ કર્યું હતું. જે તેમની કલાત્મક જિંદગી અને વ્યવસાયનો ભાગ બની ગયું. તે વાતાવરણ વિશે જોની જણાવે છે,

"તે એક મિની હિન્દુસ્તાન હતું. અહીં દરેક ભાષા બોલનારા લોકો વસતા હતા. તેઓ હિન્દી પણ તેમના પોતાના અંદાજમાં બોલતા હતા. તેમની હિન્દી સમજવી પણ મુશ્કેલ કામ હતું. ત્યાં શ્રીલંકાના લોકો પણ રહેતા હતા."

વાતોવાતોમાં જોનીએ હૈદરાબાદ વિશે પણ પોતાનો અભિપ્રાય આપવાનું ન છોડ્યું. તેમણે કહ્યું,

"અહીંની ભાષા બિલકુલ અલગ છે. હૈદરાબાદી કંઈ પણ બોલે તેમાં હાસ્યનો એક સ્વાદ છૂપાયેલો હોય છે. પંજાબીઓ વિશે એમ કહેવામાં આવે છે કે તેઓ ગમે ત્યાં જાય તો પણ પોતાનો લહેકો નથી છોડતા. પરંતુ તેઓ પણ હૈદરાબાદમાં આવે તો પોતાનો લહેકો છોડીને હૈદરાબાદીમાં બોલવા લાગે છે."

જોનીએ બીજી એક ઘટના સંભળાવી હતી. તેમની પ્રથમ ફિલ્મ વિશે. વર્ષ 1980માં એક દક્ષિણ ભારતના નિર્માતાએ તેમને પોતાની ફિલ્મ યે રિશ્તા ન તૂટે માટે સાઇન કર્યા હતા. તેમણે જણાવ્યું, 

"હું કેમેરા સામે એક્ટિંગ કરતાં ડરી રહ્યો હતો. શૂટિંગ ચેન્નાઈમાં હતું. હું મુંબઈથી ચેન્નાઈ તો આવી ગયો હતો પરંતુ એમ વિચારતો હતો કે ભાગી જાઉં. ભાગવાની કોશિશ કરી પરંતુ ફિલ્મના લોકો પકડીને શૂટિંગના સ્થળ સુધી ખેંચી લાવ્યા. અહીં જ્યારે લોકોને પોતપોતાનું કામ કરતાં જોયાં તો જીવમાં જીવ આવ્યો. અને સમજાઈ ગયું કે પોતાનું કામ જાતે કરવામાં વળી ડર શેનો."

જ્યારે દીકરી જેમી લિવર અને દીકરા જેસી લિવરની વાત નીકળી તો તેમણે સ્પષ્ટપણે કહી દીધું કે તે બંને માટે તેમણે ક્યારેય ભલામણ નથી કરી. જેમીએ લંડનમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યા છતાં પણ સ્ટેન્ડ અપ કોમેડી કરવાનું પસંદ કર્યું છે. ટીવી કાર્યક્રમમાં પસંદ થઈ ગયા બાદ તેણે પોતાનાં પિતાનું નામ જણાવ્યું હતું.

દીકરી વિશે જોની કહેવા લાગ્યા,

"મને એમ લાગતું હતું કે ઉચ્ચ શિક્ષણ મેળવીને તે કંઈક કામ કરશે. તેના માટે તો તેને ભણવા માટે લંડન મોકલી હતી પરંતુ એક દિવસ તેણે પોતાની માતાને કહ્યું કે તે સ્ટેન્ડ અપ કોમેડી કરવા માગે છે. તે ઊંઘમાં પણ બબડ્યા કરતી હોય છે. અમે તેને ખૂબ જ સમજાવી કે આ સરળ વાત નથી. તેમ છતાં પણ તે ન માની અને જ્યારે લંડન ખાતે મારા શોમાં જ્યારે તેને 10 મિનિટ આપવામાં આવી તો તેણે એવી કમાલ કરી દેખાડી કે દર્શકોએ પોતાનાં સ્થળે ઊભા થઈને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે જોની તારી સ્પર્ધક આવી ગઈ છે. મારા દીકરામાં પણ મને તે જંતુઓ દેખાઈ રહ્યા છે."

જોનીને ગોવિંદા સાથે એક સફળ હાસ્ય અભિનેતાની જોડી તરીકે જોવામાં આવતા હતા. પરંતુ એક વાત તેમને આજે પણ ખટકે છે કે મિમિક્રી આર્ટિસ્ટમાંથી હાસ્ય અભિનેતા બનતા દસ વર્ષ લાગ્યાં હતાં. તેઓ કહે છે,

"મને ફિલ્મકારો ગંભીરતાથી નહોતા લેતા. હું પણ બે ક્ષેત્રે વહેંચાયેલો હતો. ફિલ્મ અને સ્ટેજ શો. મોટાભાગના ફિલ્મ નિર્માતાઓ અને દિગ્દર્શકો મિમિક્રી માટે યાદ કરતા હતા. પણ જ્યારે બાઝીગર ફિલ્મમાં મારા કામને જોવામાં આવ્યું તો લોકોએ હાસ્ય કલાકાર તરીકે માન્યતા આપી. હાલની સ્થિતિ અંગે પણ તેઓ ખૂલીને વાત કરતાં જણાવે છે કે દરેક સમયે પરિવર્તન આવ્યું છે. આવવું પણ જોઇએ. પરંતુ તેનો અર્થ એ નથી કે બંધ રૂમમાં થતી વાતોને દર્શકો સમક્ષ દર્શાવવામાં આવે. તે અમાન્ય છે."

લેખક- એફ. એમ. સલીમ

(એફ. એમ. સલીમ યોર સ્ટોરી ઉર્દૂના ડેપ્યૂટી એડિટર છે)

અનુવાદક- મનીષા જોશી

આવી જ પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

વ્હીલચેરની નિરાશાથી રેમ્પ વૉકની ખુશી સુધી, આ છે રૂચિકા શર્માની સફળતાનું સૌથી રસપ્રદ પાસું

કાલ સુધી બ્રેડ અને ઈંડાં વેચીને જીવન ચલાવતાં આજે એન્જિનિયર બની બાળકોને IAS બનવામાં મદદ કરે છે!

9 વર્ષની વયે જ પારો કઈ રીતે બની દેશની પહેલી મહિલા હૉકર? શા માટે મળ્યું રાષ્ટ્રપતિ સન્માન?