મેડિકલ મેનેજમેન્ટ અને ઈમરજન્સીમાં મદદ કરશે ‘MediSOS’

મેડિકલ મેનેજમેન્ટ અને ઈમરજન્સીમાં મદદ કરશે ‘MediSOS’

Thursday March 17, 2016,

5 min Read

હોલિવૂડની ફિલ્મોમાં આશ્ચર્યચકિત કરનારા પ્રયોગો કેટલાક લોકોના વાસ્તવિક જીવનને પ્રભાવિત કરે છે. આ કારણે જ 22 વર્ષના વિશાલ અગ્રવાલે હોલિવૂડની ફિલ્મોમાં જોયું કે લોકો ઈમરજન્સીમાં 911 નંબર ડાયલ કરે છે, ત્યારે તેમના મગજમાં ‘MediSOS’ શરૂ કરવાનો વિચાર આવ્યો.

‘MediSOS’ની સ્થાપના જાન્યુઆરી 2015માં થઈ. આ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે જે ઈમરજન્સીની સ્થિતિમાં પોતાની યૂઝર્સને મદદ મોકલાવે છે. આ પ્લેટફોર્મની ઘણી ખાસિયતો છે જેમ કે ઈમરજન્સી જેવી સ્થિતિમાં મદદ અને મેડિકલ સાથે જોડાયેલી સુવિધાઓ આપવાનું કામ કરે છે. ખાસ વાત એ છે કે તે પોતાના યૂઝર્સને મેડિકલ અને ફિટનેસને લગતી તમામ માહિતી રાખે છે જેથી તેનું સ્વાસ્થ્ય સારી રીતે જળવાઈ રહે. આ સ્ટાર્ટઅપ પોતાના યૂઝર્સના પરિચિતોને પણ એકબીજા સાથે જોડાયેલા રાખીને એક એવી ઈકોસિસ્ટમ તૈયાર કરે છે જ્યાં લોકો એકબીજાની મદદ કરીને સ્વસ્થ જીવન પસાર કરી શકે.

image


વિશાલ જણાવે છે,

"અમે દેશમાં એક એવું પ્રાઈવેટ નેટવર્ક ઊભું કરવા માગીએ છીએ જે લોકોને ઈમરજન્સીમાં એકબીજા સાથે જોડાવાનો અવસર આપે અને મુશ્કેલીના સમયમાં બધાને શક્ય એટલી ઝડપથી મદદ મળી શકે."

વિશાલ પોતે એક મિકેનિકલ એન્જિનિયર છે અને તેણે ‘MediSOS’ની શરૂઆત કોલેજકાળ પૂરો થતાં જ કરી હતી. શરૂઆતમાં તેણે આ માટે એક લાખ ડોલરનું રોકાણ કર્યું જે તેણે પોતાના પરિવારજનો અને મિત્રો પાસેથી લીધા. તે સમયે તેની સામે સૌથી મોટો પડકાર હતો બજારનું યોગ્ય વિશ્લેષણ કરવું અને જાણવું કે એવા કયા ફિચર્સ છે જેના દ્વારા આ પ્લેટફોર્મની શરૂઆત કરી શકાય.

હાલમાં ‘MediSOS’ દિલ્હીમાં કામ કરે છે અને તેની પાસે આઠ સભ્યોની ટીમ છે. આ બિઝનેસને ડેવલપ કરનારી એક ટીમ ભુવનેશ્વર, કોલકાતા અને બેંગલુરુમાં પણ કામ કરી રહી છે.

‘MediSOS’ ઘણી પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવે છે જેમ કે ફર્સ્ટ એઈડ, SOS, હેલ્થ રેકોર્ડ મેનેજમેન્ટ, બીમારીની સારવાર અને દવાઓની વ્યવસ્થા, ઈ-મેડિકલ આઈડી અને હેલ્થ કનેક્ટ. આ ઉપરાંત તે કોર્પોરેટ સાથે પણ જોડાય છે. ત્યાં તે કોર્પોરેટ કર્મચારીઓને ડૉક્ટરની સેવાઓ, હોસ્પિટલ, પેથોલોજી લેબ અને ફાર્મસીની સેવાઓ ઉપલબ્ધ કરાવે છે.

SOS સુવિધા દ્વારા તેના યૂઝર્સ ઈમર્જન્સીની સ્થિતિમાં પોતાની આસપાસના જરૂરી લોકોનો સંપર્ક સાધી શકે છે. તે આસપાસની હોસ્પિટલ્સની માહિતી પણ આપે છે. તે ઉપરાંત પોતાના યૂઝર્સ માટે એસઓએસ સ્ક્રીનમાં જરૂરી નંબર પણ ફ્લેશ કરે છે. તે વિશાળ ફલક પર કામ કરીને પોતાના યૂઝર્સના સ્વાસ્થ્ય પર નજર રાખે છે. તેનો ફાયદો એ થાય છે કે યૂઝર્સ પોતાના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી માહિતી સુરક્ષિત રાખી શકે છે. તે હેલ્થ પ્લાનર તરીકે પણ કામ કરીને યૂઝર્સને જણાવે છે કે, ક્યારે તેણે દવાઓ લેવાની છે કે ક્યારે ટેસ્ટ કરાવવાનો છે અથવા તો સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા અન્ય કામ કરવાના છે.

સ્વાસ્થ્ય રેકોર્ડનું સંચાલન

‘MediSOS’ વિવિધ કોર્પોરેટને માહિતીનું વિશ્લેષણ કરી આપવાની પણ સુવિધા આપે છે. તેના દ્વારા તે પોતાની પાસે હેલ્થ રેકોર્ડ રાખી શકે છે. ‘MediSOS’ કર્મચારીઓને જણાવે છે કે પોતાનું સ્વાસ્થ્ય કેવી રીતે સારું રાખી શકાય અને વધારે સારું કરી શકાય. ‘MediSOS’ આ ઉપરાંત વિવિધ કોર્પોરેટ માટે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા વિવિધ ડેટાની તુલના કરીને તેના અલગ અલગ મોડલ રજૂ કરે છે. તેમાં ઘણી બધી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે, જેમ કે, નવા રેકોર્ડનો ઉમેરો કરવો, જૂના રેકોર્ડમાં સુધારો કરવો અને આ બધું જ જુના અને નવા કર્મચારીઓ માટે ઉપયોગમાં લઈ શકાય છે. આ સ્ટાર્ટઅપની યોજના આગામી એક વર્ષમાં ઓરેકલ અને જાવા પ્લેટફોર્મમાં પણ ઉતરવાની છે.

આવક અંગે વિશાલ કહે છે, 

"આવક માટે અમારું મુખ્ય ધ્યાન કોર્પોરટ પર છે અને અમે ઈન્સ્યોરન્સ અને દવા કંપનીઓ માટે ડેટા એનાલિસિસ પર પણ ધ્યાન આપવા માગીએ છીએ. અમારા બિઝનેસના વિસ્તારવા માટે અમે ડિજિટલ માર્કેટિંગનો ઉપયોગ કરી રહ્યા છીએ અને તે માટે ભારત ઉપરાંત અમેરિકામાં વિવિધ કોર્પોરેટ માટે અભિયાન હાથ ધરીએ છીએ જેથી લોકો અમારી પ્રોડક્ટ અને તેની વિશેષતાઓ અંગે વધારેમાં વધારે માહિતી મેળવી શકે."

વધુમાં વિશાલ જણાવે છે, 

"અમારી પાસે નાના અને મોટા ઉદ્યોગો માટે કોર્પોરેટ મોડલ છે જ્યાં અમે તેમને ઘણી સુવિધાઓ આપીએ છીએ જેમ કે, હેલ્થ રેકોર્ડને ડિજિટલ કરીને તેને સાચવવા. તે ઉપરાંત તેમને ઘણી સેવાઓ આપીએ છીએ જેમ કે, ડૉક્ટર, હોસ્પિટલ સેવાઓ, પેનલમાં જોડાયેલી પેથોલોજી લેબની સેવાઓ વગેરે.."

ભવિષ્ય પર નજર

આ સ્ટાર્ટઅપને આશા છે કે તેઓ આગામી બે-ત્રણ વર્ષમાં છ થી સાત મિલિયન ડોલર જેટલી આવક ઊભી કરશે. તેમને આશા છે કે 2015-16માં તેમની આવક પાંચ લાખ ડોલર સુધી રહેશે. ‘MediSOS’ હાલ એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર છે અને ટૂંક સમયમાં જ તેને આઈઓએસમાં પણ ઉતારવાની આશા છે.

યોરસ્ટોરીનો મત

સ્ટાર્ટઅપ હેલ્થકેરના એક અહેવાલ મુજબ, ડિજિટલ હેલ્થની સેવાઓ સાથે સમગ્ર દુનિયામાં 7,500 સ્ટાર્ટઅપ્સ જોડાયેલા છે. તેમાં મોટી સંખ્યામાં સારવારનો ખર્ચ, સારવાર સાથે જાગરૂકતા લાવવી, મેડિકલ ટૂરિઝમની વધતી માગ, રોગની ઝડપી ઓળખ, સ્વાસ્થ્ય વીમાની વધતી જરૂર જેવી બાબતોમાં તેઓ અગ્રેસર છે.

હેલ્થકેર ક્ષેત્રમાં 2012માં પ્રતિ વ્યક્તિ ખર્ચ 61 ડોલર હતો તે હવે વધીને 89 ડોલર થઈ ગયો છે. ઈન્ડિયા બ્રાન્ડ ઈક્વિટીના અહેવાલ પ્રમાણે 2020 સુધીમાં હેલ્થટેક ઉદ્યોગ 280 બિલિયન ડોલરનો થઈ જશે. આ રીતે ઓદ્યોગિક નીતિ અને સંવર્ધન વિભાગનો અહેવાલ જણાવે છે કે, વર્ષ 2000-2015 દરમિયાન હોસ્પિટલ અને ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં 3.21 અબજ ડોલરનું વિદેશી રોકાણ થયું છે. પ્રેક્ટો, પોટરિયા મીડિયા, લા રેનન, લાઈબ્રેટ, મેડવેલ જેવા કેટલાક સાહસ છે જે હેલ્થકેર સેક્ટરના મોટા ખેલાડી ગણાય છે. હાલમાં જોવા જેવું એ છે કે ‘MediSOS’ આ ક્ષેત્રમાં કેવી છાપ છોડે છે.

લેખક- અપરાજિતા ચૌધરી

અનુવાદક- મેઘા નિલય શાહ

વધુ હકારાત્મક સ્ટોરીઝ તેમજ સ્ટાર્ટઅપ્સ વિશે માહિતી મેળવવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

વધુ સ્ટોરીઝ વાંચો:

અમદાવાદી યુથનું સ્ટાર્ટઅપ OoWomaniya.com એક ક્લિક પર જ મહિલાઓની સ્વાસ્થ્ય સમસ્યાઓનું લાવે છે સમાધાન!

રાજકોટના દંપત્તિની 'સ્વસ્થ' પહેલ, બનાવટી પીણાંને ટક્કર આપવા માર્કેટમાં લાવ્યા 'નેચરલ ફ્લેવર્ડ મિલ્ક'

Curefy ડાઉનલોડ કરો, તાત્કાલિક ફિઝિશનની સલાહ મેળવો