૧૧મું ધોરણ પાસ ખેડૂતે શેરડીની ખેતીમાં ક્રાંતિકારી પરિવર્તન આણ્યું!

૧૧મું ધોરણ પાસ ખેડૂતે શેરડીની ખેતીમાં ક્રાંતિકારી પરિવર્તન આણ્યું!

Monday June 19, 2017,

5 min Read

શેરડીની કલમ બનાવવા માટેના મશીનની બનાવટ

વિશ્વના અન્ય દેશો પણ આ ટેક્નિકને અપનાવી રહ્યાં છે!

image


તે ખેડૂત છે, પણ લોકો તેમને ઇનોવેટર તરીકે ઓળખે છે, તેઓ વધારે ભણેલા-ગણેલા નથી પણ તેમણે જે શોધ કરી છે તેનો લાભ આજે સમગ્ર દુનિયાના ખેડૂતોને મળી રહ્યો છે. મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાનાં મેખ ગામના રહેવાસી રોશનલાલ વિશ્વકર્માએ પહેલા નવી વિધિથી શેરડીની ખેતી કરીને તેની પાછળ થતા ખર્ચને ઘટાડવાનું અને પાકની ઉપજને વધારવાનું કામ કર્યુ હતું, અને તે પછી એવું મશીન વિકસિત કર્યુ હતું જેનો ઉપયોગ શેરડીની ‘કલમ’ બનાવવા માટે આજે માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયાના અન્ય દેશોમાં પણ કરવામાં આવી રહ્યો છે.

રોશનલાલ વિશ્વકર્માએ પાસેના જ એક ગામથી અગિયારમાં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. પરિવારનો પૈતૃક વ્યવસાય ખેતી હતો. તેથી તેઓ પણ આ કામમાં લાગી ગયા હતા. ખેતી દરમિયાન તેમણે જોયું હતું કે શેરડીની ખેતીમાં વધારે નફો મળે છે. પણ તે સમયે ખેડૂતોને શેરડીના વાવેતરમાં ઘણો ખર્ચ થતો હતો અને તેથી માત્ર મોટા ખેડૂતો જ શેરડીનો પાક લેતા હતા. ત્યારે રોશનલાલે નક્કી કર્યુ હતું કે તેઓ પણ પોતાના બે-ત્રણ એકરના ખેતરમાં શેરડીની ખેતી કરશે અને તે માટે તેમણે નવી રીતે શેરડીને વાવવાનો નિર્ણય કર્યો હતો. રોશનલાલ જણાવે છે,

"મને મનમાં થયું કે જેમ ખેતરમાં બટાકા વાવીએ છીએ તેવી જ રીતે શેરડીના ટુકડા વાવીને કેમ જોવામાં ના આવે."

તેમની આ યુક્તિ કામ આવી હતી અને તેમણે આમ સતત ૧-૨ વર્ષ સુધી આમ કર્યું. જેના ઘણાં સારા પરિણામો જોવા મળ્યા હતા. આ રીતે તેમણે ઓછા ખર્ચે માત્ર શેરડીની કલમ જ તૈયાર નહોતી કરી બલ્કે શેરડીના પાકની ઉપજ સામાન્ય કરતા ૨૦ ટકા વધારે થઇ હતી. એટલું જ નહીં, અત્યાર સુધી એક એકરના ખેતરમાં ૩૫થી ૪૦ ક્વિન્ટલ શેરડીનું વાવેતર કરવું પડતું હતું અને તે માટે ખેડૂતે રૂપિયા ૧૦ થી ૧૨ હજારનો ખર્ચ કરવો પડતો હતો. તેવામાં નાના ખેડૂતો શેરડીનું વાવેતર નહોતા કરી શકતા. પણ રોશનલાલની નવી યુક્તિથી ૧ એકરના ખેતરમાં માત્ર ૩ થી ૪ ક્વિન્ટલ શેરડીની કલમ લગાવીને સારો પાક થવા લાગ્યો છે.

આ રીતે નાના ખેડૂતો પણ શેરડીનો પાક લઇ શકતા હતા અને સાથે જ તેના અન્ય ફાયદા પણ દેખાવા લાગ્યા હતા. જેમકે ખેડૂતનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘણો ઓછો થઇ ગયો હતો કારણ કે હવે તેમણે ૩૫ થી ૪૦ ક્વિન્ટલ શેરડી તેમના ખેતર સુધી ટ્રેક્ટર ટ્રોલીમાં લઇ જવાનો ખર્ચ બચી ગયો હતો. તે ઉપરાંત શેરડીના બિયારણની વ્યવસ્થા પણ સરળ અને સસ્તી થઇ ગઇ હતી. ધીમે-ધીમે આસપાસના લોકો પણ આ રીતે જ શેરડીનું વાવેતર કરવા લાગ્યા હતા. જે બાદ હવે બીજા રાજ્યોમાં પણ આ રીતે જ શેરડીનું વાવેતર થવા લાગ્યુ છે.

image


રોશનલાલ આટલે જ નહોતા રોકાયા. તેમણે જોયું કે હાથ વડે શેરડીની કલમ બનાવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે તેમણે એક એવા મશીન વિશે વિચાર કર્યો હતો જેની મદદથી આ કામ સરળ થઇ જાય. તે માટે તેમણે કૃષિ નિષ્ણાંતો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રની પણ સલાહ લીધી હતી. તેઓ સ્વયં પણ લોકલ વર્કશોપ અને ટૂલ ફેક્ટરીઓમાં જતા અને મશીન બનાવવા માટેની જાણકારીઓ એકત્ર કરવા લાગ્યા હતા. આખરે તેઓ ‘શુગરકેન બડ ચિપર’ મશીનની શોધ કરવામાં સફળ થયા હતા. સૌ પહેલા તેમણે હાથ વડે ચાલતું મશીન વિકસિત કર્યું હતું. જેનું વજન માત્ર સાડા ત્રણ કિલોગ્રામની આસપાસ છે અને તેની મદદથી કલાકમાં ત્રણસોથી ચારસો શેરડીની કલમ બનાવી શકાય છે. ધીમે-ધીમે આ મશીનમાં પણ સુધારો થતો ગયો અને તેમણે હાથની જગ્યાએ પગ વડે ચાલતું મશીન બનાવવાની શરૂઆત કરી હતી. જે એક કલાકમાં આઠસો શેરડીની કલમ બનાવી શકે છે. આજે તેમણે તૈયાર કરેલા મશીનો મધ્યપ્રદેશમાં તો વેચાઇ જ રહ્યા છે તે ઉપરાંત તે મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, ઓડિશા, કર્ણાટક, હરિયાણા અને અન્ય રાજ્યોમાં પણ વેચાઇ રહ્યા છે. તેમના મશીનોની માગ માત્ર દેશમાં જ નહીં, પણ આફ્રિકાના પણ ઘણાં દેશોમાં જોરદાર છે. આજે રોશનલાલે તૈયાર કરેલ મશીનના વિભિન્ન મોડલ પંદરસો રૂપિયાથી શરૂ થાય છે.

એક તરફ રોશનલાલે બનાવેલું મશીન ખેડૂતો વચ્ચે હિટ સાબિત થઇ રહ્યું હતું તો બીજી બાજુ ઘણી શુગર ફેક્ટરીઓ અને ફાર્મ હાઉસ પણ તેમની પાસે વિજળીથી ચાલે તેવું મશીન બનાવવાની માગ કરવા લાગ્યા હતા. જે બાદ તેમણે વિજળીથી ચાલતું મશીન બનાવ્યું હતું જે એક કલાકમાં બે હજાર કરતા પણ વધારે શેરડીની કલમ બનાવી શકે છે. હવે આ મશીનનો ઉપયોગ શેરડીની નર્સરી બનાવવામાં થવા લાગ્યો છે. તે કારણે ઘણાં લોકોને રોજગાર પણ મળવા લાગ્યો છે.

પોતાની ધુનના પાક્કા રોશનલાલ આટલે જ નહોતા રોકાયા. હવે તેમણે એવું મશીન વિકસિત કર્યું છે જેના ઉપયોગથી શેરડીની રોપણી પણ સરળતાથી કરી શકાય છે. આ મશીનને ટ્રેક્ટર સાથે જોડીને ૨-૩ કલાકમાં એક એકરનાં ખેતરમાં શેરડીનું વાવેતર કરી શકાય છે. જ્યાં પહેલા આ કામ માટે માત્ર વધારે સમય જ નહોતો લાગતો, બલ્કે ઘણી સંખ્યામાં મજૂરોની પણ જરૂર પડતી હતી. આ મશીન નિશ્ચિત અંતર અને ઊંડાઈએ શેરડીને રોપવાનું કામ કરે છે. તે ઉપરાંત, આ મશીન મારફત ખાતર પણ ખેતર સુધી પહોંચાડી શકાય છે. રોશનલાલે આ મશીનની કિંમત રૂપિયા ૧ લાખ ૨૦ હજાર રૂપિયા નક્કી કરી છે જે બાદ વિભિન્ન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને શુગર મિલોએ આ મશીનને ખરીદવામાં રસ દાખવ્યો છે. સાથે જ તેમણે પોતાના આ મશીનની પેટન્ટ માટે પણ અરજી કરી છે. પોતાની સિદ્ધીઓના જોરે રોશનલાલ વિભિન્ન પારિતોષિકોથી સન્માનિત થઇ ચૂક્યા છે અને ખેતીના ક્ષેત્રે શાનદાર શોધ માટે તેમને રાષ્ટ્રીય પારિતોષિક પણ મળ્યું છે.

જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો [email protected] પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...