યુવાઓ માટે આશાનું કિરણ- 'CAN'

0

નશાની લત્તનો શિકાર ન માત્ર એક વ્યકિત પરંતુ તેની પાછળ સમગ્ર પરિવાર બરબાદ થાય છે. જેમાં સૌથી ખરાબ અસર જો કોઈ પર જોવા મળતી હોય તો તે છે ઘરના બાળકો. તેની મનઃસ્થિતિનો અંદાજ લગાવવો ખૂબ જ કઠીન છે. જે દરરોજ પોતાના પિતાને દારૂ પીતા, અને ત્યારબાદ અભદ્ર વર્તન કરતા જોવે. જે દરરોજ પોતાની માને દારૂડીયા પિતાના હાથે માર ખાતા જોવે.

જેનપૂ રોંગમાઈનું બાળપણ અને કિશોરાવસ્થા ખૂબ જ તકલીફોની વચ્ચે વીત્યું. તેના પિતા દારૂડીયા હતા, જેના હાથે અનેક વખત તેની માતા માર ખાતી નજરે પડતી. આર્થિક મુશ્કેલીઓને કારણે જેનપૂએ કોલેજનું શિક્ષણ અધુરુ છોડવું પડ્યું, અને આથી પણ દુ:ખદ બાબત એ છે કે, નશીલી દવાઓના સેવનને કારણે તેનો ભાઈ મોતને ભેટ્યો.

જો કે જેનપૂની હિંમતને દાદ આપવી પડે કે આ તમામ વિપરીત પરિસ્થિતિઓનો તેણે હિંમતથી સામનો કર્યો, અને આ પરિસ્થિતિઓની નકારાત્મક અસર તેના વ્યકિત્તવ પર ન આવવા દીધી. જેનપૂ કહે છે, “આ સરળ નહોતું પરંતુ તેણે યોગ્ય રસ્તો પસંદ કર્યો.” આજે તે એક માર્ગદર્શક નેતાના રૂપમાં ઉભરી ચૂક્યા છે.

ત્રીસ વર્ષીય જેનપૂ ‘કોમ્યુનિટી એવન્યુ નેટવર્ક’ (CAN)ના સંસ્થાપક છે, જે મુખ્યત્વે યુવકો દ્વારા સંચાલિત સંગઠન છે, અને ભારતના ઉત્તર પૂર્વીય રાજ્ય નાગાલેન્ડના સૌથી મોટા શહેર દીમાપુરમાં આવેલું છે.એચઆઈવી-એઈડ્સગ્રસ્ત (HIV/AIDS) બાળકો માટે આ બીમારી સંબંધિત સારવાર માટેના સાધનો અને નૈતિક હિંમત આપવામાં કામ કરે છે, આ ઉપરાંત CAN અન્ય પણ કેટલીય યોજનાઓ પર કામ કરી રહ્યું છે. જેમાં ગરીબ અને પ્રાથમિક જરૂરીયાતોથી વંચિત યુવકોને વ્યવસાયિક શિક્ષણ પ્રદાન કરવું, સમાજસેવા માટે અલગ અલગ કોલેજો અને ગામમાં જઈ સ્વંયસેવકોને સંગઠીત કરવા સહિતની પ્રવૃતિઓનો સમાવેશ થાય છે. વર્તમાન સમયમાં જેનપૂ બાળ અધિકારો અને મહિલા અધિકારો માટે કામ કરનાર નાગાલેન્ડ ગઠબંધન નામના સંગઠનમાં પણ સૂચના સચિવ તરીકે કામ કરી રહ્યા છે.

“મારો ભૂતકાળ જ મારી પ્રેરણા છે. હું એટલું જ જાણુ છું કે, મેં કેટલો સંઘર્ષ કર્યો છે. હું જાણું છું કે જુવાન ભાઈને ગુમાવવાનું દુખ શું હોય છે. જે મુશ્કેલીઓ અને દુખમાંથી મારે પસાર થવું પડ્યું, તેને હું આજના અનેક યુવાઓમાં જોઈ શકું છું. લાખો યુવાનોની આંખમાં તે જ દર્દ, તે જ દુ:ખ, અને તે જ સંઘર્ષ. હું મારો ભૂતકાળ પ્રત્યેક ક્ષણ મારી સાથે રાખું છું. તેને ક્ષણ ભર માટે પણ નથી ભૂલતો અને તે જ મને આગળ વધવાની પ્રેરણા પૂરી પાડે છે.”

જેનપૂ ઉત્તર પૂર્વીય અને અન્ય ભારત વચ્ચે એક પુલની જેમ કામ કરે છે.

કોમ્યુનિટી એવન્યુ નેટવર્ક (CAN) યુવા

પોતાના ભાઈને નશીલા પદાર્થોને કારણે બલિ ચઢતા જોયા બાદ જેનપૂએ આ પદાર્થો વિરુદ્ધ જંગ છેડવાનો નિર્ણય કર્યો. “સ્કૂલનું શિક્ષણ પૂર્ણ કરી બહાર નિકળનારા અનેક યુવાનો આ દવાઓનું સેવન કરતા. તેણે મને વિચારવા પર મજબૂર કરી દીધું કે,ક્યાં સુધી આપણે સરકાર અને સામાન્ય જનતાને દોષ આપતા રહીશું. હવે નક્કર કાર્યવાહીનો સમય આવી ગયો છે. આજ વિચાર સાથે મેં કોમ્યુનિટી એવન્યુ નેટવર્ક (CAN)ની સ્થાપના કરી.” જેનપૂ કહે છે.

વધુમાં તે જણાવે છે, “માત્ર એકબીજા પર દોષારોપણ કરવાથી કોઈ નિરાકરણ નહીં આવે. જ્યારે તેમણે CANની શરૂઆત કરી, ત્યારે તેની પાસે પૈસાની ખૂબ જ અછત હતી. પરંતુ સમસ્યાના નિરાકરણની દિશામાં કંઈક કરવું અત્યંત આવશ્યક હતું. આથી મેં શરૂઆતમાં સમય ન વેડફ્યો, અને તુરંત કામ શરૂ કરી દીધું.”

તેઓ કહે છે, “મેં લોકોને ધ્યેયબદ્ધ કર્યા અને કિશોરો બાળકોની સાથે મળીને કામ કરવાની શરૂઆત કરી. વિશેષરૂપથી અધુરુ શિક્ષણ છોડનારા ડ્રોપઆઉટ્સ બાળકો સાથે કે જે ધીરે ધીરે નિરાશામાં ગરકાવ થઈ રહ્યા હતા, અને નિરાશા જ તેમને નશીલા પદાર્થોનું સેવન કરવા માટે દોરી રહ્યી હતી. મારો સ્વંયનો પણ આ જ અનુભવ છે. મેં પણ સ્કૂલ છોડી દીધી હતી, અને જાણું છું કે આવા બાળકો પર શું વીતે છે.”

તે એક ઘટના વિશે જણાવતા કહે છે, “આ ઘટનાએ મારી આંખો ખોલી નાખી. વર્ષ 2011માં વિશ્વ એઈડ્સ દિવસના દિવસે અહીં એક બહુ મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં અનેક મંત્રી, નાગાલેન્ડ અને બહારથી અને વીઆઈપી લોકો પણ ઉપસ્થિત હતા, અને ઘણા બધા સ્વંયસેવી સંગઠનો(NGOs)ના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો. ત્યાં મને બાળકોની સાથે ચિંતિંત વાલીઓ નજરે પડ્યા. મેં તેમને પૂછ્યુ કે તેઓ અહિં શા માટે આવ્યા છે,? અને તેઓ ચિતિંત શા માટે છે? તેમણે જણાવ્યું કે, તેમને HIV+ છે, અને હવે જ્યારે સરકારી હોસ્પિટલ્સમાં તેની ART [Anti Reroviral Therapy] ચિકિત્સા ઉપલબ્ધ છે, પણ તેની પાસે આ દવા ખરીદવા માટે પૈસા નથી. બાળકોને શિક્ષિત બનાવવાની વાત તો દૂર જ છે. તેની હાલતે મને હચમચાવી દીધો, અને મેં લોકોને એકત્રિત કરવાનું શરૂ કર્યું. કારણ કે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો અધિકાર છે.”

ગરીબો અને HIV/AIDSથી પ્રભાવિત બાળકોની ઘર પર જ સારસંભાળ

જેનપૂ અનાથઆશ્રમ નથી ચલાવી રહ્યા. મોટાભાગે પરિવારોમાં એ થાય છે કે મા કે પિતાના મોત બાદ બાળકોને અનાથઆશ્રમમાં મોકલી દેવામાં આવે છે. પરિવારોની પોતાની જિંદગી હોય છે. જિંદગીના પોતાના ખર્ચ અને સંઘર્ષ હોય છે. આથી પરિવારના અન્ય સભ્યો વધુ એક બાળકનું લાલન પાલન કરવામાં અસમર્થ હોય છે, અને આથી જ આવા બાળકોને અનાથઆશ્રમ મોકલી આપવામાં આવે છે. જેનપૂ કહે છે,

“હું આવા પરિવારોને વિનંતી કરું છું કે બાળકને તમારા પરિવારમાં જ રહેવા દો."

અને જેનપૂ બાળકના શિક્ષણ, ભોજન અને બાકીના તમામ ખર્ચ પૂર્ણ કરે છે. તેમણે 9 બાળકોથી શરૂઆત કરી હતી, હવે લગભગ 25 બાળકોનો ઉછેર કરી રહ્યા છે.

અધવચ્ચે શિક્ષણ છોડનારા બાળકો માટે વ્યવસાયિક શિક્ષણ

તે દીમાપુરની પ્રાઈવેટ એજન્સીઓના સંપર્ક દ્વારા બાળકોને પ્રશિક્ષિત કરાવે છે. તે આ યુવાનોની આપવીતી કહે છે અને સાંભળતા જ પ્રાઈવેટ એન્જસીઓ મદદ કરવા માટે તૈયાર થઈ જાય છે. આ કામ ખૂબ કઠીન છે. કારણ કે અનેક વખત આ કામમાં નિષ્ફળતા પણ મળે છે. પરંતુ તે સતત સંપર્ક થકી અંતે સફળતા સુધી પહોંચી જાય છે.

પડકારો

મદદ માટે જેનપૂ સમાજના પ્રતિનિધિઓને મળે છે. 

“હું સામાન્ય જનતા વચ્ચે પહોંચુ છું, અને આવા બાળકોની કથની સંભળાવી શ્રીમંત પરિવારોને મદદની અપીલ કરુ છું. લગભગ 40 લોકોને મળ્યા બાદ માત્ર ત્રણથી ચાર લોકો જ મદદ માટે આગળ આવે છે.”

જેનપૂ કહે છે, “આર્થિક ફંડ એક સૌથી મોટો પડકાર છે. જેનપૂના કાર્યનું સમાજ સમર્થન નથી કરી રહ્યો. હું તેને પડકારરૂપ માનું છું. આ મારુ મિશન છે, મારુ સપનું છે કે, હું મારા લક્ષ્ય સુધી પહોંચું. હું નકારાત્મકતાની પરવાહ નથી કરતો.” જેનપૂ દ્રઢ સ્વરમાં કહે છે.

પોતાના સંગઠનના સંદર્ભ જેનપૂ અનુભવ કરે છે કે વધુમાં વધુ લોકોએ આ સંસ્થા સાથે જોડાવવું જોઈએ. લોકોની નરી વાસ્તવિકતા અંગે જાણવું જોઈએ, સમાજમાં શું ચાલી રહ્યું છે, અને ત્યારબાદ તેમાંથી રસ્તો કાઢવો જોઈએ. જેનપૂ આ જ કાર્યક્ષેત્રમાં એક મિશન સાથે કામ કરી રહ્યા છે. જેનપૂ આ કાર્યક્ષેત્રમાં અને આ જ મિશન સાથે કામ કરનારા અન્ય સ્વંયસેવી સંગઠનો (NGOs)ની સાથે મળીને તેનો સાથ મેળવી કામ કરવા ઈચ્છે છે. હાલ તો તેમને સરકાર તરફથી પણ કોઈ સહાય નથી મળી રહી.

જેનપૂ સમસ્યાના અંત સુધી જઈ તેનું સમાધાન કરવા ઈચ્છે છે.

“લોકો શિક્ષિત બેરોજગાર યુવાનો વિશે વાત કરે છે. બેરોજગારીની સમસ્યાની વાત કરે છે. પરંતુ તે અધુરુ શિક્ષણ મેળવી સ્કૂલ છોડી દેનારા યુવાનોની વાત નથી કરતા. નાગાલેન્ડ એક વિદ્રોહી પ્રદેશ છે. અહીં અશાંતિ, નિરાશા, અસંતોષ અને સાક્ષરતાનો અભાવ તેમને અસામાજિક કાર્યો કરવા માટે પ્રેરે છે. આપણે સમજવું જોઈએ કે, અધવચ્ચે શિક્ષણ છોડવું એ જાણી સમજીને લીધેલો નિર્ણય નથી. અહીંની પરિસ્થિતિ તેમને આવા નિર્ણયો લેવા પર મજબૂર કરે છે.”

સોનેરી સ્વપ્ન

જેનપૂનું પ્રમુખ લક્ષ્ય શિક્ષણ અને સમાજના દરેક વર્ગને સમાન અવસર પ્રાપ્ત કરાવવાનો છે.

“જો આપણે સમૃદ્ધ છીએ તો શિક્ષણ અધુરુ છોડનારા બાળકોને, ગરીબ અને શોષિત બાળકો તેમજ HIV/AIDSથી ગ્રસ્ત લોકોને પણ સમૃદ્ધ થવાનો સમાન અવસર પ્રાપ્ત થવો જોઈએ. તેમને પણ સમાજમાં સન્માનજનક સ્થાન પ્રાપ્ત થવું જોઈએ. સમાજના દરેક વર્ગોની સમાન સમૃદ્ધિ વિના આપણો દેશ ખુશખુશાલ નહીં બની શકે. જેનપૂ યુવાઓને સક્ષમ અને સમર્થ બનાવવા ઈચ્છે છે. જેથી તે જીવનમાં પ્રગતિ કરી શકે.”

શું તેમનું સ્વપ્ન સાકાર થશે?

“આ બહુ સરળ નથી. પરંતુ તમે શરૂઆતથી જ નિષ્ફળતા વિશે વિચારશો તો કામ નહીં થાય. હું અથાગ પ્રયાસ કરુ છું. મારુ દિલ કહે છે કે, મારા આ પ્રયાસ વ્યર્થ નહીં જાય. મારુ દિલ કહે છે કે, મારા પ્રયાસો એક દિવસ ખરેખર સફળ થશે, અને સમાજમાં પરિવર્તન આવશે. શક્ય છે કે, તેને સાકાર થતા નિહાળવા માટે હું જીવિત ન પણ હોઉં. પરંતુ હાલ મને ખુશી છે કે, સમાજના દરેક વર્ગનું સમર્થન અને સક્રિય ભાગીદારી મને મળી રહી છે, અને આજે તે સર્વશિક્ષા અને સમાનતાની વાત કરી રહ્યા છે. ગામડાઓ અને શહેરોમાં આ શબ્દ સાંભળવા મળવા એ સારુ લક્ષણ છે.”

આમ, જેનપૂ પોતાની વાત પૂર્ણ કરે છે અને આ સ્વપ્ન ભારતના દરેક નાગરિક સમક્ષ મૂકે છે.


લેખક- સ્નિગ્ધા સિહા

અનુવાદક- YS ટીમ ગુજરાતી

Related Stories

Stories by YS TeamGujarati