દિલ્હી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરાવે છે પ્રો. પી.ડી.ખૈરા
છેલ્લાં 33 વર્ષથી બૈગા આદિવાસીઓની સેવામાં લાગેલા છે પ્રો.ખૈરા
80 વર્ષની ઉંમરમાં સંરક્ષિત બૈગા જનજાતિનાં બાળકોને આપી રહ્યાં છે શિક્ષણ
મહિલાઓને ગુલામીમાંથી મુક્ત કરવાની પહેલની શરૂઆત
છત્તીસગઢના બિલાસપુર જિલ્લાના અચાનકમાર ટાઈગર રિઝર્વના વનગ્રામ છપરવામાં વિનોબા ભાવે જેવા દેખાવવાળો એક શખ્સ જંગલોની વચ્ચે ઝૂંપડીમાં છેલ્લાં 33 વર્ષથી રહી રહ્યો છે, જેનું નામ છે પ્રો.પ્રભુદત્ત ખૈરા. તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં 15 વર્ષ સુધી સમાજશાસ્ત્ર ભણાવતા હતા. વર્ષ 1983-84માં એક મિત્રનાં લગ્નમાં બિલાસપુર આવવાનું થયું, તે બાદ જ જંગલ ફરવા ગયા. ત્યાં એક આદિવાસી બાળકીને જૂના ફાટેલા ફ્રોકમાં શરીર છુપાવતા જોઈ તેમને કંઈ એવી અનુભૂતિ થઈ કે સોય-દોરો લઈને તેઓ બાળકીનું ફ્રોક સિવવા બેસી ગયા. આ દરમિયાન ત્યાં રેસ્ટ હાઉસમાં રોકાઈને ત્યાં વસવાવાળી બૈગા જનજાતિના લોકોની રહેણીકરણી જોવા અને સમજવા લાગ્યા. આ લોકોની હાલત અને સરકાર દ્વારા થતી ઉપેક્ષા જોઈને પ્રો.ખૈરાનું મન એટલું વ્યથિત થયું કે તેમણે પ્રોફેસરની નોકરી છોડી દીધી અને દિલ્હીનો એશોઆરામ છોડીને જંગલમાં જ વસી ગયા.
હવે છેલ્લાં 33 વર્ષથી બૈગા આદિવાસીઓની સેવા અને તેમનું જીવન સુધાર જ પ્રો. પી.ડી.ખૈરાનું જીવન ઉદ્દેશ્ય છે. આજે 80 વર્ષની ઉંમરમાં તેઓ સંરક્ષિત બૈગા જનજાતિનાં બાળકોને શિક્ષા આપી રહ્યા છે, મહિલાઓને ગુલામીપ્રથામાંથી મુક્ત કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને અંધવિશ્વાસ તેમજ ટોણાં-ટોડકાથી દૂર કરી રહ્યા છે.
1960ના દશકમાં પ્રખ્યાત માનવશાસ્ત્રી એલ્વિને પણ બૈગા જનજાતિ પર રિસર્ચ કર્યું હતું, પરંતુ પ્રો.ખૈરાનું કહેવું છે કે તેમને આ બૈગાઓની નિતનવી સમસ્યાઓથી એટલી ફુરસત જ નથી મળતી કે તેઓ કોઈ પુસ્તક લખી શકે. પ્રો. ખૈરાએ યોરસ્ટોરીને જણાવ્યું,
"જ્યારે હું આ લોકોની વચ્ચે આવીને વસ્યો તો લોકો અને સરકારી અધિકારીઓએ મને નક્સલી સમજી લીધો અને તપાસ સુધ્ધાં કરાવી નાખી. બાદમાં મારો સેવાભાવ જોઈને સમજી ગયા કે આ તો પાગલ પ્રોફેસર છે, જે પોતાનું જીવન બરબાદ કરવા આ લોકોની વચ્ચે આવ્યો છે."
33 વર્ષ બાદ ખૈરાની મહેનતે જ બૈગા જનજાતિનાં બાળકો આજે ધો.12 સુધીનો અભ્યાસ કરી રહ્યાં છે, યુવાનો શહેરમાં જઈને આજે રોજગાર શોધી રહ્યા છે અને તેમની જીવનશૈલીમાં બહુ મોટો ફેરફાર આવ્યો છે.
પ્રો ખૈરાનું કહેવું છે,
"સરકાર બૈગાઓને સંરક્ષિત જનજાતિનો દરજ્જો આપીને ભૂલી ગઈ છે અને જેટલી યોજનાઓ અને ઘોષણા થાય છે તે મુજબ કામ નથી થતું."
પ્રો.ખૈરાના સેવાભાવનું પાગલપન એટલી હદ સુધીનું છે કે, તેઓ પોતાના પેન્શનનો મોટા ભાગનો હિસ્સો બૈગા બાળકો પર ખર્ચ કરી નાખે છે. જંગલમાં ઝૂંપડીમાં રહેવાવાળા, પોતાનું બધું કામ પોતે જ કરનારા આ 80 વર્ષના જુવાનને જોઈને એવું લાગે છે કે જાણે ગાંધીજી કહી રહ્યા હોય કે આ જ છે તેમનાં સપનાંનો સાચી છબી.
લેખક- રવિ વર્મા
અનુવાદક- બાદલ લખલાણી
વધુ હકારાત્મક અને સકારાત્મક સ્ટોરીઝ, સ્ટાર્ટઅપ્સથી માહિતગાર થવા ફેસબુક પર અમારી સાથે સંપર્કમાં રહો.
Related Stories
March 14, 2017
March 14, 2017
Stories by YS TeamGujarati